૨- કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દિપાવ્યા..પડવે પંડીતમા
ઓમ જયો જયો મા જગદંબે…..
આજે અમે નવરાત્રી શરુ થતા મંદિરમાં ગયા ,ભારતમાં હતા ત્યાં આવું સામન્ય રીતે કરતા જ પણ અહીં અમેરિકામાં બધું જ જરા હટકે બધું જ જુદું પણ સાચું કહ્યું આરતીની ઝાલરની સાથે જ મન એક અત્યંત પ્રસન્ન પવિત્ર ભાવથી છલકાવા માંડ્યુ. હવે જાણે મહત્વ બમણું થઇ ગયું। અજાણી ધરતી પર  ઘંટાવર સાથે  આ પંક્તિઓએ અનેક ઘણો શક્તિ સંચાર કર્યો।
નવરાત્રી એટલે આદ્ય શક્તિની પૂજાના દિવસો અને તાલીઓના તાલે ઝૂમવાના દિવસો. મોટા હોલની વચ્ચે કોરાયેલી માંડવીમાં ટમટમતો દીવો એ આદ્યા શક્તિની હાજરીનો સંકેત આપતો હતો. પૂરેપૂરા ભાવથી ગવાયેલી આરતીએ સમગ્ર વાતાવરણને મા-મય બનાવી દીધું અને જે ક્ષણની સૌ રાહ  જોતા હતા એ ક્ષણ આવીને ઊભી રહી.
એક ખૂણેથી હળવેક રહીને ગરબો વહેતો થયો…
મા પાવા તે ગઢથી ઉતર્યા મા કાળી રે.
મા એ વસાવ્યું ચાંપાનેર પાવાગઢવાળી રે..
ગરબો વહેતો થયો અને વાતાવરણમાં જાણે પાવાગઢ ઉતરી આવ્યું…
 અનામી કવિના ગરબાની  આ પંક્તિ આજે પણ આજે આટલા વર્ષે પણ વિશ્વના કોઈપણ ખૂણામાં વસતા ગુજરાતીઓના હ્રદયમાં આ ગૂંજે છે.  કહે છે ને કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત…હા ત્યાં જ પાવાગઢ। .. અને જ્યાં જ્યાં આ ગુજરાત ત્યાં ત્યાં આ ગરવા ગરબા પણ સદાય જીવંત રહેવાના જ. ‘
સમયની સાથે સમાજ બદલાયા , કદાચ સંસ્કૃતિ પણ બદલાઈ. યાયાવર પક્ષીઓની જેમ આપણે પણ સમય-સંજોગ અનુસાર પૂર્વના બદલે પશ્ચિમ તરફ આપણા સ્થાનક બદલ્યા. કેટલીય સદીઓ વહી ગઈ અને કેટલાય સૂરીલા ગીતો પણ વહી ગયા અને તેમ છતાં આજે આ ક્ષણે પણ ગવાતો આ ગરબો કેમે કરીને ભૂલાયો નથી. કેમ?  . કારણ માત્ર એટલું જ કે એ કવિની રચના મારા-તમારા- સૌના હ્રદયમાં અનેરા સ્થાને ગોઠવાઈને વસી  છે. ગીત-સંગીતના રાગ, તાન અને પલટા બદલાતા ગયા પણ આ આદ્ય  શક્તિની આરતી કે ગરબો તો કાયમી જ રહ્યો. જોવાની મઝા તો એ છે કે આ ગરબાએ આપણા ગુજરાતીઓને તો ઘેલા કીધા જ છે સાથે આપણી ભાષા ન સમજતા પરદેશીઓને પણ આપણા તાલે ઝૂમતા કરી દીધા છે. અમદાવાદીથી માંડીને અમેરિકોને, મુંબઈથી માંડીને મેક્સિકનો, જામનગરથી માંડીને જાપાનીઓને  પણ ગરબાના તાલે મસ્તીએ ચઢેલા જોઈને મન પ્રસન્ન થઈ ગયું.
વળી બીજો ગરબો વહેતો થયો..અને હું ફરી એના શબ્દો સાથે જોડાઈ ગઈ એક ઉત્સવમાં ગવાતા ગરબા એ માત્ર ગરબા નથી સાહિત્યસાથે સંસ્કારને જીવંત કરે છે. આપણા લોકગીતની પંક્તિઓ ડાળીમાં ડાળી ગૂંથાય  કે ગરબામાં ગોફ ગૂંથાય એમ ગુંથાઈ છે.દરેક સ્થળનો એક મહિમા હોય છે પણ કવિની પંક્તિ આ સીમાઓ ઓળગી ને આજે પણ અમેરિકામાં પાવાગઢ  ઊભું કરી શકે છે.
અને એક પછી એક તાળીઓના તાલે ગરબાની રમઝટ જામે છે.
માતાજીના ઊંચા મંદિર નીચા મોલ નીચા મોલ
ઝરુખડે દીવા બળે રે લોલ..
અને સાચે જ મારા દિલના ઝરુખામાં ય દીવા ઝળહળ…ઝળહળ…
માટીથી બનેલો આ ગરબો આપણા સંસ્કારના મૂળ સાથે સકળાયેલો તો છે જ. કાચી માટીના ઘડામાં ઝળહળતો એ દીવો  જેને આપણે ગર્ભ દીપ કહીએ છે એ આ સંસારમાં વસેલા આપણા સૌની ઉત્પત્તિનું પ્રતીક જ ને? નવરાત્રીની રાત્રીઓ સૌને એક ઉજાસ પાથરવાની પ્રેરણા આપતી જાય છે. માટીના ઘડામાં પ્રગટાવેલો એ નાનકડો દીવો જેમ ઓજસ પાથરે છે એમ આપણે સૌએ આપણા અંદરનો-આપણા અંતરનો ઓજસ પાથરવાની વાત છે.
સદીઓથી નામી-અનામી કવિઓએ રચેલા ગરબા આપણે આજે પણ ગાઈએ છીએ અને વર્ષો સુધી ગાતા રહેવાના છીએ કારણકે આ ગરબા આપણા મન સાથે-આત્મા સાથે અને આપણા સંસ્કાર સાથે સંકળાયેલા છે.અભિવ્યક્તિ  તો કવિતાનું સારસ્વત  છે કવિની પંક્તિઓને આપણે જુદે જુદે સમયે અનેક અર્થે અને અનેક અર્થઘટન સાથે માણતા રહીએ છે પરદેશમાં પૂર્વ દિશામાંથી ઉગતા સૂર્ય
સાથે આજે પણ આ પંક્તિઓથી આપણું પ્રભાત ઉઘડે છે ને ?.
માડી તારું કંકુ ખર્યું અને સૂરજ ઉગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.
 ઉગતો સૂરજ પણ  જાણે માડીના માથેથી ખરેલું કંકુ..અને એણે પાથરેલા ઉજાસ થકી માડીએ જગતમાં પ્રભુતાના પગલા પાડ્યા. અવિનાશ વ્યાસની આ કલ્પનાએ તો માત્ર બે પંક્તિઓમાં પણ  જાણે માડીના ઐશ્વર્ય, સામર્થ્ય, શક્તિમત્તા, વૈભવ, ગૌરવ,દિવ્યતાની ઓળખ આપી દીધી.
આ જ બધા ગીતો છે. આ જ તો ગરબા છે જેના થકી આ કવિઓ આજે પણ આપણામાં જીવે છે. કાવ્યજગતનો અનોખો મહિમા છે વારંવાર પીવો ગમતો સ્વાદ જીવનને ઉત્સવ બનાવી છે અને માટે જ કવિની કવિતાઓ આપણામાં સરવાણીની જેમ વહે છે. આપણા માહ્યલામાં રહેલી ચેતનાને ચેતનવંતી રાખે છે.

6 thoughts on “૨- કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

 1. ​વાહ જાણે નવરાત્રી એ ઉજાસ પાડ્યો ખુબ સરસ રજૂઆત ગમ્યું આપણું સાહિત્ય આપણી ભાષા અને આપણા કવિની પંક્તિઓને આપણે જુદે જુદે સમયે જુદી જુદી જગ્યાએ અનેક અર્થે અને અનેક અર્થઘટન સાથે માણતા રહીએ છે.

  Liked by 1 person

 2. પામ્યા ને ખોયા ની રાસ રમઝટ
  જીવન થી મૃત્યુની, ચાલે રમત..

  આતમનો ગરબો ફરતો સતત..
  ન આદિ, ન અંત,
  ઘૂમે અનંત..

  Liked by 1 person

 3. ને સાચે જ મારા દિલના ઝરુખામાં ય દીવા ઝળહળ…ઝળહળ…ખૂબ જ સુંદર વાત…
  “ભીતર કંકુ પૂજાપાની આરત-થાળી લાવો …
  દિલડે દીવડા પ્રગ્ટે એવી રાત અજવાળી લાવો… એક નવી નવરાતર લાવો..

  Liked by 1 person

 4. શરદ પૂર્ણિમાની શીતળ,મધુર ચાંદનીનો સ્પર્શ તન,મન પર આ લેખ વાંચીને એવો થયો કે કવિ નાનાલાલનુ
  પ્રસિદ્ધ ગીત મેં એકલી જ ગાઈ લીધું …. ચંદ્રીએ અમૃત મોકલ્યા રે બહેન ,ફૂલડા કટોરી ગુંથી લાવ જગમાલણી રે બહેન, અમૃત અંજલિમાં નહિ જીલુ રે બેહેન……

  ચાંદનીનું રેલાતું અમૃત ઝીલવા ફૂલડાંની કટોરી જેવું હૃદય …. કેવું નિરાળું ,અદ્ભુત કલ્પન !!

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.