૫૧ – શબ્દના સથવારે – પાઘડી – કલ્પના રઘુ

પાઘડી

પાઘડી એટલે પાઘ, માથાબંધન, માથાનો એક પહેરવેશ, માથાનું મોળિયું, ફાળિયું, ફગ, ફિંડલ, ફેંટો, સાફો, શિરોભૂષણ, છોગું, સરપેચ, સરપાવ, ચાંલ્લો, મુસલમાની, સારા કામ બદલ અપાતી ભેટ, મકાન ભાડે લેવા માટે અગાઉ ખાનગી આપવી પડતી ઉચ્ચક રકમ, લાંચ, આબરૂ, એક છંદ, એક જાતની રમત, હરાજીમાંથી ખસી જનારને અપાતી રકમ, ઘડીનો ચોથો ભાગ. અંગ્રેજીમાં પાઘડીને turban, gift or present given for doing some good work, money secretly given to landlord for renting house, bribe કહેવાય.

પાઘડી ત્રણ હજાર વર્ષ જૂની પરંપરા છે. તેનાં મૂળિયાં આદિકાળ જેટલાં જૂનાં છે. તેની ઉત્પત્તિ માટે એમ કહેવાય છે કે આદિમાનવ નાહીને ચહેરા પર પથરાયેલી વાળની લટોને કુદરતી રીતે હાથથી પાછળ ઠેલી દેતો. ધીરેધીરે તેણે વાળને બાંધવા માટે ઝાડનાં વેલા-પાંદડાનો ઉપયોગ કરવા માંડ્યો. સમયાન્તરે તેમાંથી કપાળ ફરતે ઝીણાં કપડાંનો ‘ઓપસ’ બાંધવાની શરૂઆત થઇ. આમ ભાતભાતનાં કપડાંઓમાંથી પાઘડી બનવા લાગી. જોકે અંગ્રેજોનાં આગમન પછી પાઘડી પહેરવાની પરંપરામાં ધીરેધીરે ઓટ આવી છે.

પાઘ શબ્દ પાકૃત ‘પગ્ગહ’ ઉપરથી આવ્યો છે. પાઘડી શબ્દ ‘પટ’ એટલે કાપડ અને ‘ક’ પ્રત્યય લાગી ‘પટકી’ શબ્દ બન્યો. એનું અપભ્રંશ તે પાઘડી. પાઘડી તથા સાફાનાં પચાસ જેટલાં પ્રકાર છે. સામાન્ય રીતે પાઘડી ૬ થી ૧૫ મીટરની લંબાઇની હોય છે જેમાં કાપડને વળ ચડાવીને માથા પર બાંધવામાં આવે છે. જ્યારે સાફા સામાન્ય રીતે ૨ મીટર લંબાઇનાં કાપડમાંથી ૪ આંગળ પહોળાં પટાની જેમ બાંધવામાં આવે છે. આજે જૂજ લોકો આ કળાને જાણે છે. ૨૬ વર્ષનો એક પંજાબી યુવાન અત્યાર સુધી સાઇઠ હજાર કરતા વધુ લોકોને પાધડી પહેરાવતા શીખવી ચૂક્યો છે. માત્ર ૨૨ સેકન્ડમાં પાઘડી બાંધવાનો તેનો રેકોર્ડ કાબિલે તારીફ છે.

પાઘડી મરદની મર્દાનગી અને રૂપની છટા પ્રગટ કરે છે. પાઘડી વિવિધ લોકજાતિઓની અને વિવિધ પ્રાદેશિક સંસ્કૃતિની આન, બાન ને શાન ગણાતી. કાઠીયાવાડમાં પહેલાનાં વખતમાં રાજદરબારમાં જનાર માણસ ઉઘાડા માથે જઇ શકતો નહીં. ગામડાંમાં આજે ય જમવા માટેનાં પાઘડીબંધ નોતરાં અપાય છે.

પાઘડીની ઉપયોગિતા અને તેને સમ્બન્ધિત અનેક રિવાજો જાણવા જેવાં છે. ભારત પ્રાચિન પરંપરામાં માથા પર શેર-સુતર બાંધવું જરૂરી હતું. શીખ લોકોની પાંચ ઓળખમાંની એક પાઘડી છે. તે માથાનું ઠંડી, ગરમીથી રક્ષણ કરે છે. પાઘડીને પગથી ઠોકર મારવી, ઓળંગવું અને જમીન પર મૂકવું એ પાઘડી બાંધનારનું અપમાન કર્યું ગણાતું. યુધ્ધ દરમ્યાન રાજાની પાઘડી ઝૂંટવીને ભાગવું, વિજયસૂચક મનાતું. રણમેદાનથી કોઇની પણ પાઘડીનું ઘરે પાછું આવવું એ વ્યક્તિનાં મૃત્યુનાં સમાચાર આવ્યાં ગણાતાં. કોઇપણ કુટુંબનાં વડીલનાં અવસાનનાં ૧૨ દિવસ પછી ઘરનાં મોટા પુત્રને સમાજની પરંપરા અનુસાર જનસમુદાય સમક્ષ સગાં-સંબંધી દ્વારા પાઘડી બાંધીને ઉત્તરાધિકાર તરીકે જાહેર કરવામાં આવે છે, જેને પાઘડીની રસમ કહે છે. ઇશ્વર સામે માથા પરથી પાઘડી ઉતારીને પગે લાગવું જરૂરી હોય છે. જૂના જમાનામાં થતાં ધીંગાણાં અને મારામારી પ્રસંગે સારી રીતે બાંધેલી પાઘડી માનવીનાં મસ્તિષ્કનું લાકડીનાં ઘા ઝીલી લઇને રક્ષણ કરતી. પાઘડીમાં મૂકેલી તાંસળી તલવારનાં વારથી માથું બચાવી લેતી. ધીંગાણાંનાં સ્થળેથી ઘાયલને પાઘડીની ઝોળી બનાવી લઇ જવાતો. વગડામાં પાણી સીંચવા માટે કૂવે પાઘડી ઉપયોગમાં આવતી.

પ્રાચીન સમયમાં સ્ત્રીઓ પણ યુધ્ધમાં પાઘડી કે સાફા બાંધતી જેમ કે ઝાંસીની રાણી, રઝીયા સુલ્તાના, વગેરે. શિવાજીની મરાઠી, વીર ભગતસિંહની પંજાબી, રાણા પ્રતાપની મેવાડી, જલારામ બાપાની ગુજરાતી કે સ્વામી વિવેકાનંદની પાઘડીથી ક્યાં કોઇ અજાણ છે? ‘જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરૂં’ આ પ્રતિજ્ઞા કવિ પ્રેમાનંદે કરી હતી. એક ગામના આદિવાસી સમાજનાં સરપંચ ૩ કીલો વજનની પાઘડી પહેરે છે તે માટે ૫૧ મીટર કાપડની જરૂર પડે છે. આ વખતે નવરાત્રીમાં અમદાવાદમાં એક ગ્રુપે હેરિટેજ અમદાવાદનાં થીમ પર કચ્છી ડ્રેસ માટે અમદાવાદનાં જોવાલાયક સ્થળોને સમાવી લેતી સાડાત્રણ કીલો વજનની ૨૮,૦૦૦ નાં ખર્ચે પાઘડી તૈયાર કરાવી છે. ભારતનાં પી. એમ, નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી તેમનાં પ્રવચનમાં શૌર્યતાનાં પ્રતિક સમી પાઘડીને તેમનાં ડ્રેસકોડમાં સ્થાન આપે છે.

ભારતીય વૈદીક સાહિત્યમાં પ્રાંત અનુસાર પાઘડીઓનાં રંગ, રૂપ, આકાર, પ્રકાર અને નામો મળી આવે છે. ભાવનગરી પાઘડી છાપરાં જેવી મોટી પહોળી હોવાથી તે પાઘડી તૈયાર કરનાર કે પહેરનાર માણસ છાપરિયો કહેવાય છે. સૌરાષ્ટ્રનાં લોક્જીવનમાં આલમની અઢારેય વરણની નોખી નોખી પાઘડીઓ જોવા મળે છે. લોકજીવનમાં પાઘડીની અનેક વાતો કિવદંતીઓ, દૂહા, કહેવતો, લોકવાણી અને સાહિત્ય જોવા મળે છે. નવી પેઢીને પાઘડીઓની માહિતી મળી રહે તે હેતુથી ગોંડલનાં નવલખા પેલેસનાં મ્યુઝીયમમાં દેશ-વિદેશની પાઘડીઓનો સંગ્રહ મૂકવામાં આવ્યો છે. હવે જ્યારે પાઘડી લૂપ્ત થઇ રહી છે ત્યારે મ્યુઝીયમોમાં મૂકેલી પાઘડીઓ જોઇને ખૂશ થવાનું છે.

‘બંધ બેસતી પાઘડી ના પહેરવી’ એ કહેવત છે પરંતુ વાસ્તવમાં પાઘડી તો બંધ બેસતી જ પહેરાય નહીં તો હાંસીને પાત્ર થવાય. આજે કાયદેસર પહેરાતી હેલમેટ એ પણ પાઘડીનું જ સ્વરૂપ છે. છેલછબિલા ગુજરાતીની ઓળખ પણ ‘લાંબો ડગલો, મૂંછો વાંકડી, શિરે પાઘડી રાતી’ છે. એ ના ભૂલવું જોઇએ. એમ કહેવાય છે, ‘અહંકારની પાઘડી જો આપણાં માથા પરથી ઉતરી જાય તો આપણાં જીવનની દરેક સમસ્યાઓ પણ પા-ઘડીમાં જતી રહે!’

11 thoughts on “૫૧ – શબ્દના સથવારે – પાઘડી – કલ્પના રઘુ

 1. કોઈપણ શબ્દોના મૂળ સુધી જઈને એ શબ્દની અનેક રીતે ઓળખ આપોછો એ ખરેખર જાણવા જેવી અને માણવા જેવી હોય જ છે.

  Liked by 1 person

 2. “લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી,
  બોલ બોલતો ચીપી ચીપી, છેલ છબીલો ગુજરાતી.”

  Liked by 1 person

 3. સાભળ્યું છકે ગાંધીજીને કાઠિયાવાડી પાઘડીમાં થતો કાપડનો આટલો વપરાશ બીન જરૂરી લાગ્યો એટલે
  ટોપીની રચના કરી તે ગાંધી ટોપી તરીકે ઓળખાણી . ટોપી પર પણ લેખ લખો , શબ્દોનો સથવારો માણવો
  ગમે છે .

  Liked by 1 person

  • આભાર બેન,મારા શબ્દોને માણવા માટે.તમે જે ગાંધીજીની માહિતી આપી તે ગમ્યું.ટોપી વિષે ક્યારેક ચોક્કસ લખીશ.

   Like

 4. ખુબ સરસ માહિતી. નાની યુવા વયે સાંભળેલું ગીત “તારી રે પાઘલડીનું ફુમતું રે મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમથું” યાદ આવી ગયું — ત્યારે મારા સપનામાં પાઘલડી ઘૂમતી હતી પણ એવો પાઘડી બાંધનાર ક્યારેય મળ્યો નહિ :). — આ તો કહું છું રે બહેનપણી તને અમથું 🙂 🙂

  Liked by 2 people

  • દર્શનાબેન,આ અમથું પણ સ્પર્શી ગયું.અને હા,આ પાઘડીનું સ્વપ્ન તો હવે નવરાત્રિમાં પૂરું થાય ખરું!…શું કહેવું છે?

   Liked by 1 person

 5. જ્યારે દીકરી વળાવવામાં આવતી તો બાપ પાઘડી કાઢી વર ના પગમાં મૂકી દીકરીની ખુશીની ભીખ પણ માગતો આ દ્રશ્ય મને હંમેશા હ્રદયદ્રાવક લાગ્યું એટલે યાદ આવી ગયું સરસ માહિતી કલ્પનાબેન

  Liked by 2 people

  • આભાર સપનાબેન,સારું થયું,તમે બહુ મોટી વાત યાદ કરાવી.મેં મારા જીવનમાં આ ઘટના થતી જોઈ છે.દિકરીનો બાપ ક્યારેક દીકરીના સુખ માટે બહુ મોટી કિંમત ચૂકવતો હોય છે.આ દ્રશ્ય ખૂબ આઘાત પહોચાડે છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.