1-કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

શ્રાવણ હળવી ગતિએ વહી ગયો અને પાછળ છોડી ગયો એની ભીની ભીની સુગંધ. શ્રાવણના સરવડાએ ચારેકોર વાતાવરણને લીલાછમ આવરણે મઢી લીધું છે. શ્રાવણ એટલે ઉત્સવો..ક્યાંક કૃષ્ણજન્મોત્સવ તો ક્યાંક મહાવીર ભગવાન જન્મોત્સવ અને હજુ તો ગણેશ સ્થાપના કે વિસર્જનની વાતો વાગોળતા હોઈશું અને સંભળાશે નવલી નવરાત્રીના ઢોલીડાનો ધમકારો.અને આ ચારેકોર ઉત્સાહ-ઉલ્લાસ અને ઉમંગનું વાતાવરણ જ આપણા જીવનમાં અવનવા રંગો પૂરી દે છે ને! આપણે સૌ પણ રોજ-બરોજની એકધારી દિનચર્યામાંથી જરા અમસ્તી હળવાશ અનુભવીને આ ઉત્સવો માણીશું.અને ત્યારે મનમાં એક વિચાર સ્ફૂર્યો કે આપણે રામ-કૃષ્ણ કે મહાવીરના જન્મથી માંડીને એમના જીવનને પણ કેવા અને કેટલા અનેરા ભાવથી જોઈએ છીએ. આપણો જન્મ અને જીવન પણ ઈશ્વરે દીધેલી એક અનોખી- અનેરી ભેટ છે તો શા માટે આપણે પણ આપણા જન્મ અને જીવનને એક ઉત્સવની જેમ ન જીવીએ? જીવનની એક એક ક્ષણને કેવી રીતે માણી શકીએ?
આજે આપણી આસપાસ નજર સમક્ષ ચારેકોર ફેલાયેલી વનરાજી કાલે સવારે કદાચ એના રંગ બદલશે અને રંગ બદલતી આ મોસમ પણ રાજી થઈને એ જ કહી રહી છે. બસ, લીલાછમ થઈને મહોરો. અને ખરતા પહેલા પણ રંગછટાનો વૈભવ વેરતા જાવ . નોર્ધન-ઈસ્ટ એટલેકે ઉત્તરપૂર્વીય અમેરિકાના રાજ્યોમાં શરૂ થશે પાનખર. ફૉલ સીઝન. બદલાતા રંગોની છટા. આપણા જીવનના નવ રસ-રંગની જેમ પેલા સુગર મેપલ, સૂમૅક કે ડૉગવુડ પણ લાલ, પીળા, કેસરી, શ્યામ ગુલાબી, પર્પલ, ચળકતા કિરમજી આછા ભૂખરા અને તપખીરિયા રંગો ધારણ કરશે. આપણે શ્રી અવિનાશ વ્યાસ રચિત ગીત સાંભળ્યું છે..
‘લીલી લીલી ઓઢણી ઓઢી ધરતી ઝૂમે રૂમઝૂમ
ફૂલડા ખીલ્યા ફૂલડા પર ભવરાં બોલે ગુનગુન’
પણ અહીં તો આ લીલાછમ ઝાડના પાન લાલ-પીળી કે શ્યામ ગુલાબી ઓઢણી ઓઢશે તો ક્યાંક કોઈ પીળું પિતાંબર પહેરીને ઉપર કેસરી ખેસ ધારણ કરશે. રંગ કરતાં મહત્વની છે રંગછટા. રંગોનો વૈભવ. ખરતા પાન પણ નજર સામે એક વૈભવી માહોલ ઉભો કરી દેશે.
આપણું જીવન આવા જ નવરસથી તરબોળ છે તો એ પણ એક આવો જ વૈભવ બની રહે એવું કરીએ તો!
આ વૈભવ છે મનનો. પ્રકૃતિ સાથે જોડાયેલા પ્રાણતત્વનો-પ્રાણસત્વનો. કવિઓએ પણ આ જીવમાં રહેલા શિવ અને શિવતત્વને કંઈ કેટલાય શબ્દોના સાથિયા પૂરીને કવિતા સ્વરૂપે આપણી સમક્ષ રજૂ કર્યા છે.
કવિતા એટલે એક એવી અભિવ્યક્તિ જેમાં થોડામાં ઘણું કહેવાઈ જાય. કવિતાને શબ્દોની સરિતા સ્વરૂપે આપણે સતત વહેતી રાખવાની છે.
તો શું કહો છો આપણે પણ વહીશું આ કવિતા શબ્દોની સરિતાના વહેણ સાથે?

8 thoughts on “1-કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

  1. રાજુ આ નવા વિષય સાથેતને માણવા આતુર છીએ.કવિઓએ પણ જીવમાં રહેલ શિવ અને શિવતત્વ ને કંઈ કેટલાક શબ્દોના સાથિયા પૂરીને કવિતા સ્વરૂપે આપણી સમક્ષ રજૂ કર્યા છે.અને હા આ સાથે જ નરસિંહ મહેતા ની યાદ આવી જાય
    “ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે ,બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે”
    “નીરખીને ગગનમાં કોણ ઘૂમ રહ્યો,તેજ હું તેજ હું શબ્દ બોલે”
    “જાગીને જોઉંતો જગત દિવસે નહિ,ઊંઘમાં અટપટા ભોગ ભાસે”
    “હું કરે,તું કરું,હું વિના તું નહિ,હું રહીશ ત્યાં લાગી તું રહેશે,હું જતે તું ગયો,અનિર્વાચી રહ્યો,હું વિના તું તને
    કોણ કહેશે”
    અધ્યાત્મમાં કવિતા દ્વારા સરળતા થી સમજાવવાના કંઈ બાકી નથી છોડ્યું

    Liked by 1 person

  2. સાચી વાત જિગિષા,
    ગદ્ય હો કે પદ્ય બંને એવા માધ્ય્મ છે જ્યાં વ્યક્તિ પોતાની વાતને વ્યક્ત કરી શકે છે.

    Like

  3. રાજુલબેન,તમારા જેવી અનુભવી લેખિકાના લખાણમાં વહેવા અને જરૂર પડે તો ડૂબવા હું તો તૈયાર જ છું….કવિતા શબ્દોની સરિતામાં…સરસ વિષય.અભિનંદન અને શુભેરછા.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.