ડો અદમ ટંકારવી બે એરિયાને આંગણે -સપના વિજાપુરા

બે એરિયા ના ગુજરાતીઓ કેટલાં નસીબદાર છે એ બે એરિયા માં થતાં કાર્યક્રમો પરથી ખબર પડે છે.  આ વરસમાં બે એરિયાની મુલાકાત ભાગ્યેશ જા સાહેબ, હિતેનભાઈ આનંદપરા, અનિલ ચાવડા, મુકેશ જોશી અને હાલમાં શ્રી ડો. અદમ ટંકારવી સાહેબે લીધી હતી. બધાં મહાનુભવોએ ગુજરાતી ભાષામાં જાત જાતની વાનગી પીરસી અને બે એરિયાના ગુજરાતીઓએ એનો સ્વાદ માણ્યો.હાલ માં કવિ શ્રી અનિલ ચાવડા અને શ્રી મુકેશ જોશી પધાર્યા હતાં. કવયિત્રી શ્રીમતી જયશ્રી મરચંટ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કવિ શ્રી અનિલ ચાવડાએ ગુજરાત અને અમદાવાદની મઘમઘતી ગઝલોથી વાતાવરણને મઘમઘાવી દીધું હતું. અને કવિ શ્રી મુકેશ જોશીએ સુરદાસના પદો દ્વારા એક અનેરુ પાસુ સુરદાસનું બતાવ્યુ હતું. અને વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
સપ્ટેમ્બર તારીખ ૨૮,૨૦૧૮ ના શુક્રવારે ડો શ્રી અદમ ટંકારવીએ બે એરિયાની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ શ્રી પ્રતાપભાઈપંડ્યા, શ્રીમતી રમાબેન પંડ્યા અને મનીષાબેન પંડ્યાના સૌજન્યથી સાકાર બન્યો હતો. સાંજના છ અને સાતની વચ્ચે ડિનર હતું. લોકો ભાવતું ભોજન જમી તૃપ્ત થયાં.
ત્યારબાદ  કાર્યક્રમની શરૂઆત કલ્પનાબેન રઘુના મધુર સ્વરમાં પ્રાર્થનાથી થઈ હતી. પ્રજ્ઞાબેન દાદભાવાળાએ  મહેન્દ્રભાઈ મહેતાને શ્રધાંજલી આપી જે બે એરિયાના ખૂબ પ્રતિષ્ટિઠ વ્યકતિ હતાં. ગુજરાતી ભાષાને ગતિમય રાખવા અથાક પ્રયત્ન કરતાં હતાં.
રાજેશભાઈ શાહે મહેમાનનું સ્વાગત કર્યું  હતું. અને પોતાના લહેકામાં કહ્યું હતું કે,” મહેમાન જો હમારા હોતા હૈ વોહ જાનસે પ્યારાહોતા હૈ.”
સપના વિજાપુરાએ વિસરાય જતી માતૃભાષાને બિરદાવતી અદમભાઈ ની ગઝલ સાથે કવિશ્રીનો પરિચય આપ્યો અને કાર્યક્રમ ની સુંદર શરૂઆત કરી.
ગુર્જરી વ્યવહાર શોધું છું,
ધાણીફૂટ બોલનાર શોધું છું.
લખી છે ગુજરાતીમાં એક ગઝલ,
ને હવે વાંચનાર શોધું છું.
જડી છે એક લાવારીસ ભાષા,
હું એનો દાવેદાર શોધું છું.
જામ ભાષાનો છલોછલ છે’અદમ’,
સાથે બેસી પીનાર શોધું છું.

અદમ ટંકારવી

ડૉ અદમ  ટંકારાવી ની ઓળખ આપવી સૂરજને આરસી બતાવવા જેવું છે.ડો અદમભાઈ ટંકારવી ના 11 ગઝલસંગ્રહ પ્રકાશિત થયાં  છે અને એમને ઘણાં પારિતોષિક પણ મળેલા છે. એમને 2011 માં ઇન્ડિયન નેશનલ થીએટર  તરફથી કલાપી એવોર્ડ પણ મળેલો છે. જે  સાહિત્યમાં લાંબુ યોગદાન આપવા માટે મળે છે. ડો અદમભાઈ નું માનવું છે ગુજરાતી ભાષા સચવાશે પણ નવી પેઢીને પણ આ પ્રવૃતિમાં રસ લેતી કરવાની જરૂર છે. ૧૯૭૩ માં એમણે ગુજલીશ ગઝલનો પ્રયોગ કર્યો જે સિન્થેટિક ગઝલ કહેવાય અને પછી એમનો આખો સંગ્રહ પ્રકાશિત થયો. ગુજલીશ ના  પ્રણેતા ડો અદમભાઈ ટંકારવી મૂળ ભરૂચના ટંકારીઆ ગામના વતની છે. વરસોથી યુ કે માં સ્થાયી થયાં છે.હાલમાં  બ્રિટનની  નામાંકિત સંસ્થા ‘ ગુજરાતી સાહિત્ય અકાદમી ‘ એ ડો અદમ  ટંકારવીને લંડનનું માનદ અધ્યતા પદ થી સન્માનિત કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ સંસ્થાએ એમને ફેલોશીપ માટે પસંદ કર્યા છે. ડો અદમ ટંકારવી એ ઘણા દેશ પરદેશમાં  મુશાયરા કર્યા  છે જેમાં દુબઇ, મસ્કત કેનેડા અને યુ એસ એ પણ શામિલ છે. મને પણ એમની સાથે શિકાગો, હ્યુસ્ટન,ઓસ્ટિન  કેનેડા માં ટોરન્ટો, તથા વેંકુવરમાં પ્રોગ્રામ કરવાનું સદભાગ્ય સાંપડ્યું છે.
સપના વિજાપુરાના પરિચય પછી ડો અદમભાઈ ટંકારવીએ કાર્યક્રમની બાગડોર સંભાળી. ડો. અદમભાઈની એક ખૂબી છે કે દરેક કવિઓનિ કૃતિ સાથે સાથે વણતાં જાય. એવું નહી કે ફક્ત પોતાની ગઝલોનું પઠન કર્યા કરે. જેથી શ્રોતાઓનો રસ જળવાઈ રહે.
એમણે મનોજ ખંડેરિયા, ખલીલ ધનતેજવી,આદિલ મન્સૂરી, મનહર મોદી, રઈશ મણીયાર, તથા અન્ય નાના મોટા કવિઓને યાદ કરી એમની ગઝલો સંભળાવી. સાથે સાથે મીયા નસીરુદીનના જોક્સ સંભળાવી વાતવરણને હળવું રાખ્યું. ‘જ્યારે જ્યારે તું હની ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મીંગ થઈ જાય છે’ અને ‘તું નથી તેનો આ અંજામ સનમ, ગામ પણ લાગતું પરગામ સનમ’ જેવી રજૂઆત કરી. બ્રિટનમાં રહેતાં રહેતાં સર્જાયેલી ડાયાસ્પોરિક સંવેદનાઓને સ્મિતની પીંછીથી કલાત્મક રીતે સજાવી સૌની વાહ વાહ લેતા ગયાં અને સ્ટેન્ડીંગ ઓવેશન પણ પામતા ગયાં.કુટુંબ નીયોજનની માફક ગઝલ નીયોજનની પણ વાત કરી’‘એમાં ક્યાં કઈ રસકસ છે,ભાષા ભૂખડી બારસ છે. ગઝલ-નિયમન રાખો, બે બસ છે.‘અને સરળ અને સહજ ભાષાની ગઝલમાં પારંગત અને સાથે સાથે બીજા કવિઓના શેર ટાંકી બીજા કવિઓને પણ માન આપતાં જતાં પોતે ધીમું ધીમું હસતા અને લોકોને ખડખડાટ હસાવતા ગયાં. ડો અદમ ટંકારવી ને જોતા કોઈ શાંત અને સૂફી માણસ હોય એવું લાગે છે. એમનું વ્યકતિત્વ ખૂબ શાંત અને સૌમ્ય છે. એમની વાણી શાંત અને મધુર છે.
કવયિત્રી જયશ્રીબેન  મરચંટે પોતાની બે ગઝલનું પઠન કર્યુ. જેમાં પોતાના સ્વર્ગસ્થ પતિ વિનુ મરચંટની યાદમાં હતી. લોકો આ ગઝલ સાંભળી ભાવવિભોર થઈ ગયાં.’મૂળ માંથી છોડ ને ઉખેડીને ચાલ્યા ગયા”
સપના વિજાપુરાએ પણ પોતાની બે ગઝલ સંભળાવી
મૌનમાં બોલતાં આવડે છે?
આંખમાં ખોળતાં આવડે છે?
અને
 જીવવાને એક સપનું જોઈએ
એજ સપનાં કાજ લડવું જોઇએ
ફરીથી આભાર શ્રી પ્રતાપભાઈ પંડ્યા, શ્રીમતી રમાબેન પંડ્યા અને મનિષાબેન પંડ્યાનો આવાં સરસ ક્રાયક્રમ આયોજિત કરવા માટે. આભાર પ્રજ્ઞાબેન દાદભાવાળાનો ‘બેઠક’ ના દ્વાર ખોલી આપવા માટે.આભાર કલ્પનાબેન રઘુ, રાજેશભાઈના સાથ અને સહકાર માટે.
સપના વિજાપુરા

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.
This entry was posted in અહેવાલ, સપના વિજાપુરા, Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s