આંસુ
આંસુ એટલે અશ્રુ, નેત્રજળ, નેત્રાંબુ, રોદન, અસ્ત્ર, અસ્ત્રુ, ઝળઝળિયાં. અંગ્રેજીમાં ‘tear of grief or joy’ કહે છે. જે ખાડામાં ડોળો રહે છે તે જ ખાડામાં ઉપરની બાજુ બહારનાં ખૂણામાં બદામ જેવડી અશ્રુપેશી રહેલી હોય છે જેમાંથી આંસુ પેદા થાય છે. આ રસને લીધે આંખની સપાટી હંમેશા ભીની રહે છે. પોપચાની ઉઘાડ-બીડને લીધે વધારાનું પાણી અંદરનાં ખૂણા તરફ વહી, નળીઓ અને અશ્રુનળી વાટે નાકમાં ઉતરી ત્યાં પવનની આવજાને લીધે વરાળ થઇ ઉડી જાય છે.
આંસુ ૩ પ્રકારનાં હોય છે. બેસલ ટીયર્સ, આંખને ભીની રાખે છે. ધૂળ કે બેક્ટેરીયા ઇન્ફેક્શનથી આંખોનું રક્ષણ કરે છે. રીફ્લેક્ષ ટીયર્સ એટલે આંખમાં કણાં કે કસ્તર જેવી બહારની કોઇ વસ્તુ પડે કે ડુંગળીનાં વેપર્સ કે અન્ય કોઇ ગંધ કે ગેસથી થતાં ઇરીટેશનથી આવતાં આંસુ, જેનાથી આંખ સ્વચ્છ બને છે અને આંખનું રક્ષણ થાય છે. સાઇકીક ટીયર્સ, હર્ષ, દુઃખ કે દિલગીરીની લાગણીને કારણે પેદા થાય છે.
કોઇપણ નાતજાત કે રંગની વ્યક્તિને આંસુની ભાષા શીખવવી પડતી નથી, બાળક હોય કે વૃધ્ધ. આ ઇશ્વરની દેન છે. આંખ અને આંસુનો જન્મથી નાતો હોય છે. ક્યારેક મૂંગા પ્રાણી-પક્ષીની આંખમાં પણ આંસુ જોવાં મળે છે. જીવન દરમ્યાન સમય, સંજોગો, પરિસ્થિતિ પ્રમાણે આંસુનાં નામ, રૂપ, ગુણ બદલાય છે.
સતિદહન બાદ શબને હાથમાં લઇ આઘાત સાથે તાંડવ કરતાં શિવ, સીતાહરણ બાદ રામની મનોદશા, કૃષ્ણ વિયોગે રાધાજી, કાનાની પ્રતિક્ષામાં અંતિમ શ્વાસ સુધી મા યશોદાની મનોદશા, મીરાંની તડપ, શહીદોનાં પરિવારની દશા, પરદેશ ગયેલાં સંતાનનાં મા-બાપની દશા, દીકરીવિદાય, અંતિમવિદાય, આ તમામ પ્રકારની જૂદાઇનાં અંતે વિરહ સાથે માત્ર આંસુ હોય છે.
આંસુ પાંપણનાં બંધ કમાડમાં સચવાય છે. એ ક્યાં કોઇની પ્રતીક્ષા કરે છે? આખરે એ પણ એનો રસ્તો કરી લે છે. પાંપણનાં કમાડ ભીડાય કે ઉઘડે, આંખની નાનકડી દાબડીમાંથી કિંમતી આંસુ સરી પડે છે, છલકાઇ જાય છે, ઝુમ્મર બની લટકે છે, તોરણ બનીને ઝૂલે છે. ક્યારેક મોતી જેવડાં તો ક્યારેક બોર જેવડાં આંહુડા ક્યારેક આંખ્યું કરતાં પણ મસ મોટાં હોય છે. આંસુનું ટીપું, ઝરણું કે ધોધ હોય છે. તે ખારાં હોય છે, ગરમ અને શિતળ પણ હોય છે, ક્યારેક ચોધાર તો ક્યારેક મગરમચ્છનાં હોય છે. આંસુ જીવનની વસંતનાં પણ હોય અને પાનખરનાં પણ. ક્યારેક હાથથી તો ક્યારેક રૂમાલ, ખભો કે પાલવથી લૂંછાય. જ્યારે બૂઢી આંખોનાં ઝળઝળિયાં લૂંછનાર કોઇ ના હોય ત્યારે બૂઢાપાનાં બેબસ હાલમાં આંસુ સૂકાઇ જતાં હોય છે ત્યારે આંસુ ખૂદ રડે છે તેની નિષ્ફળતા પર! અને ત્યારે થાય છે! ‘હરિનાં લોચનીયાં ભીનાં …’ જીવનમાં એવો કોઇ હમસફર કે સાથી જોઇએ કે જે આંસુ વિનાનું રુદન સમજી શકે. દુખિયારાનાં આંસુ લૂછવાં એ મોટી સેવા છે. કુદરતી હોનારત વખતે લોકોની આંખોમાં અનુકંપાનાં આંસુ પણ જોવા મળે છે.
જીવન દરમ્યાન જેણે સારાં કર્મો કર્યા હોય તેનાં અંતિમ સંસ્કાર વખતે લોકો અશ્રુભીની વિદાય આપતા હોય છે. આમ લોકો અશ્રુતર્પણ કરે છે. એક ગઝલમાં ‘બેફામ’ કહે છે, ‘મળ્યું જેને મરણ એ ભાગ્યશાળી થઇ ગયા બેફામ, જે વંચિત રહી ગયાં એ આંખમાંથી અશ્રુ સારે છે’. બેસણાં વખતે ખોટાં આંસુ સારનાર ભાડે મળે છે. ઇરાનમાં મરણ પ્રસંગે રડવા આવતા સગા-સંબંધીઓને તેમનાં આંસુ ઝીલી લેવા માટે વાદળી આપવામાં આવે છે. પછી તે વાદળી નીચોવીને આંસુ સંઘરી રાખવામાં આવે છે. આ રીતે એકઠાં કરેલ આંસુ, દવા તરીકે વપરાય છે. આમ આંસુઓ વેચવાનો ધંધો પણ ચાલે છે.
ભીની નજર હોય અને આંસુ ના હોય, કેમ બને? અશ્રુ પર અનેક શાયરી લખાઇ છે. આંસુ આંખોની ભાષા છે, મનની પરિભાષા છે, સંવેદનાની સરવાણી છે. મૌનની અભિવ્યક્તિ છે, બાળક અને સ્ત્રીનું શસ્ત્ર છે, પ્રભુભક્તિની પરાકાષ્ઠા છે. મોરારિબાપુ કહે છે, ‘માયારૂપી નર્તકી પાસે ઇશારા હોય, ભક્તિનાં નર્તનમાં આંસુ હોય છે’. આંસુ એ પશ્ચાતાપનું ટીપું છે જે સાબુનું કામ કરે છે. જેનાંથી હ્રદયની બધીજ મલિનતા ધોવાઇ જાય છે અને મન શુધ્ધતા તરફ પ્રયાણ કરે છે.
ચાર્લી ચેપ્લીન કહેતો, ‘મને વરસાદમાં ચાલવું ગમે જેથી કોઇ મને રડતો ના જોઇ શકે’. બાકી આખું ભીતર, અંતર વલોવાય, ભીતરમાં વલોણું વલોવાય તોજ આંસુ પાંપણ સુધી આવે. પાંપણે આંસુનાં તોરણ બંધાતા કવિ બેફામે કહ્યું છે,
અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહીં,
પાછા નયનનાં નૂર ને વાળી શક્યો નહીં,
આંસુનું સાક્ષી હોય છે, ઓશીકું અને એકલતા. વિરહ પછીની મિલનની ક્ષણો આંસુનો સૈલાબ લાવે છે. આંસુને રોકતાં કે ગળી પીતાં આવડવું તે પણ એક કળા છે.
પૃથ્વી પરથી પાણી અદ્રશ્ય થશે તેવી સંભાવના છે પરંતુ માનવની આંખનાં આંસુ ક્યારેય અદ્રશ્ય નહીં થાય, માત્ર આંસુ સ્વરૂપે પાણીની હયાતી અવશ્ય રહેશે.
ખુબ સુંદર લેખ કલ્પનાબેન. સરસ માહિતીસભર લેખ સાથે સુંદર ગઝલ પણ…. વાંચવાની મજા આવી. “આંસુને રોકતાં કે ગળી પીતાં આવડવું તે પણ એક કળા છે”. — આ કળા મારી પાસે નથી. મારા આંસુ તો દડદડ નીકળી પડે. મારી મમ્મી ચીડવતી કે જ્યાં દુકાળ થાય ત્યાં મને મોકલશે. જરા અમથી ખુશી હોય કે નાખુશી હોય ને હું તુરંત રડી પડું. હવેથી ચાર્લી ચેપ્લીન ની જેમ વરસાદમાં ચાલવા નીકળીશ :).
LikeLike
સુખ ભલે હો તારી આસપાસ
આંખથી આંસુ ય દડવું જોઈએ
ખૂબ સરસ લેખ અને હા મારે તો કપાળે કૂવો
આંસુનું મૂલ્ય મને ખબર નહીં તો કોને?
LikeLike
Khub saras lekh, Kalpanaben. Ketli saras mahiti shodhine lavya cho! Enjoyed reading it. Bahu gamiyu.
LikeLike