૨૪-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘ કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-પ્રજ્ઞા દાદભાવાળા

મારી મરજી

રવિ  ઓફીસની બહાર નીકળી.નીચે આવ્યો,ફોન લગાવ્યો.
હલ્લો રેહા.. શું કરું ?
રેહા એ કહ્યું …સાંભળ.. મેં  તો તને કહ્યું  દીધું , પણ તારી મોમ  કહે તેમ કર.માવડીયો.
રવિ વિચારવા લાગ્યો.
ઘરના બધા નારાજ થઇ જશે આમ પણ પપ્પાને મારા કોઈ નિર્ણય મેચ્યોર નથી લગતા અને મમ્મી ડ્રામાં ક્વીનની જેમ મને બ્લેક મૈલ કરશે. રડશે બે દિવસ ખાશે નહિ.
આ મનને ક્યાં સુધી મારું ?
પપ્પાને કામ કરતા મહેનત કરતા ઝઝુમતા, મેં જોયા છે.પણ પપ્પા વસ્ત્વીક્તાને ક્યાં સ્વીકારે છે.રવિના મને દલીલ કરી..
રવિ ફરી ઓફિસમાં ઉપર ગયો. પોતાની ડેસ્ક પણ ગોઠવાયો.
ત્યાં તો બોસ આવ્યા.. કામ આજે થઇ જશે ને ?બેટા તારા પપ્પા ને તારા માટે ખુબ આશાઓ છે.
રવિ એમને જોઈ રહ્યો.. .પછી ધીરેથી બોલ્યો,
હા સર બસ હમણાં જ પૂરું કરીને આપી જાઉં છું.
રવિએ ઘડિયાળ માં જોયું , પછી કેલેન્ડર માં ને ફરી ઘડિયાળ માં જોયું.ઓહ્હ…આજે તો ૨૦ તારીખ પણ થઇ ગઈ ને પપ્પા ઇન્કમટેક્ષ રીટર્ન માટે લોહી પીએ છે.આજે તો કરવું જ પડશે.નહીતો ઘરમાં દાખલ થતા જ કહેશે
“આટલો ભણાવ્યો ગણાવ્યો તો પણ આપણા કોઈ કામનો નહિ”.
આ લોકોને આ બધા ડાઈલોગ કોણ લખીને આપતું હશે ?કે પોતેજ સ્ક્રીપ્ટ રાઈટર હશે. …યાર મારે મારા પપ્પાના રીટર્ન ફાઈલ કરવાના છે ! અને મને આ શું સુજે છે ?…શું કરું મને નાટક સિવાય ક્યાં કઈ બીજું સુજે છે. આ નોકરી કી ટોકરી ક્યાં સુધી ઉચકીને ફરું ?
ફરી રવિએ કામ આટોપવામાં મન પરોવ્યું. ત્યાં રેહા નો ફોન આવ્યો.
“અરે, સંભાળ તો ..?” વાઈફ ટહુકી..    સંભાળે છે ને ?
“ના ….બહેરો છું …(કાશ ..હોત…)”
“આજે સાંજે પેલી સીનીઅર સીટીઝન ક્લબ ની મિટિંગ છે. તારે  મમ્મીને લઇ જવાના છે.વહેલા આવી જઈશ  ને ?”
ના હું નહિ આવું .મારે રીટર્ન ફાઈલ કરવાના છે …એટલે મારે ઓફિસેથી સાંજે ત્યાં જવું પડશે તો હું નહિ આવું” તું લઇ જા …
અરે તમારી માતૃશ્રીને મારી સાથે ફાવતું હોત તો શું જોતું હતું ?
નવું બોલ …બીજું કઈ ? હવે મને કોઈ કામ કરવા દેશો..
સારું …રવિ “આજ માટે આટલુ જ બસ.”
ત્યાં તો મમ્મીનો ફોન આવ્યો બેટા પપ્પાનું કામ આજે પૂરું કરી દેજે નહીતો નારાજ થશે.
મમ્મી કેવી રીતે થશે ? તમને સીનીઅર સીટીઝન ક્લબ ની મિટિંગ છે તેમાં લઇ જવાના છે ને ?
તમે આજે રેહા સાથે જાવ તો સારું ..
જો બેટા એ ડિવોર્સી સાથે મને નહિ ફાવે..
મમ્મી …હવે એ મારી પત્ની છે. હું મારી મરજીથી એને પરણીને લાવ્યો છું.
મમ્મીએ ઈમોશનલ બ્લેક મેલીંગ શરુ કર્યું …હા આખી જિંદગી અમે તારા સપના જોયા ..અને મહેનત કરી ભણાવ્યો (અને રડવાનું શરુ)
મમ્મી તું રડ નહિ..(મમ્મી એ પોતાનું હથિયાર વાપર્યું )
બેટા તું ક્યાં અમારો વિચાર કરે છે? પેલીએ જાદુ કર્યો છે તારી ઉપર, બસ આજ બાકી હતું. અને ફોન મુકી દીધો.અને હું બબડ્યો લોકો ને હક્ક જમાવતા આવડે છે સંબધો નહિ .
રવિ ફરી કામે લાગ્યો. અને ઝડપથી કામ પતાવી બે એન્વલપ ફાઈલમાં મૂકી ,ફાઈલ સરના ટેબલ પર મૂકી આવ્યો. આમ તો રવિનો  બોસ એના  પપ્પા નો જાસુસ હતો. હું શું કરું છું ક્યાં જાવ છું ક્યારે આવું છું. વગેરે મારા પપ્પાને વિગત આપતા.
રવી કામ પતાવી રીક્ષામાં બેઠો .રીક્ષામાં આવતો પવન આજે મુક્ત થયાનો અહેસાસ કરાવતો હતો.
સાંજે નાટકની પ્રેક્ટીસ માટે પણ જવું હતું આ નાટકમાં પોતે મુખ્ય પત્ર ભજવવાનો હતો જીવનનું એક સ્વપ્ન હતું કે રંગમંચ પર નામ મેળવીશ. આ નાટક હોલીવુડમાં ડ્રામા ફેસ્ટીવલમાં જવાનું હતું મારે માટે રંગમંચ એક સુંદર સ્વપ્ન હતું જેને મારે સાકાર કરવું હતું ,રેહા સાથે મુલાકત પણ ત્યાં જ થઇ હતી.એક વિચારો એક સપનાં બન્નેએ સાથે જોયા. રેહા ખુબ સરસ સ્ક્રીપ્ટ લખતી, મને એની વાર્તાના પાત્રમાં પરોવી દેતી.હું પણ જાણે એજ પાત્ર છું,એવું અનુભવતો હતો.એના છુટાછેડા થયા હતા. સ્ત્રી એ લગ્ન પછી ઘર સંભાળવું જોઈએ એવું માનતા તેના પપ્પા રેહા ને દોષિત માનતા. પણ મને એ ખુબ પ્રોત્સાહન આપતી.રેહા પાસે જે હિમત હતી તે મારી પાસે ના હતી તે ઉંબરા ઓળંગી મારે ત્યાં આવી ગઈ હતી. બે દિવસ ઘરમાં ધમાલ મચી ગઈ. મારા પપ્પા એ મોંન ધારણ કર્યું. અને મમ્મીએ ઝેર ખાવાની ધમકી.
મમ્મીએ ફરી એક ઇમોશનલ ડાઈલોગ માર્યો “મારા એકના એક દીકરા માટે આવી પત્ની!… નાટકમાં કામ કરતી હોય અને પાછી ડિવોર્સી ..હે ભગવાન મને ઉપાડી લ્યો…”
આવું એક મહિનો ચાલ્યું.પછી બન્ને શાંત પડ્યા.પપ્પા એ એક દિવસ ડાઈલોગ માર્યો “મારા મિત્રને ત્યાં સારી નોકરી શોધી છે.કામે લાગો તો સારું નહીતો પત્ની ને શું જમાડશો” ?
પપ્પા નો નિત્ય ક્રમ હતો સવારે નાસ્તાના ટેબલ પર અને રાત્રે ઘરે આવું ત્યારે આવા ડાઈલોગ બોલવા, મને ઘણી વાર થતું આ સારા સ્ક્રીપ્ટ રાઈટર થઇ શકે છે.શા માટે પોતાની ટેલેન્ટ વેસ્ટ કરતા હશે મને કોઈ ફર્ક પડતો ન હતો હા એના ફોનથી અને ડાઈલોગથી મારી સવાર બગડતી અને કામે મન ચોટતું નહોતું.મારું મન સતત કહેતું કે મને જે કરવું છે જેમાં મારે આગળ વધવું છે એમાં કેમ મને સહાય નથી કરતા ? આ પ્રશ્ન મને કોરી ખાતો ..નાનપણમાં મારી માં મને સ્ટેજ પર જોઈ હરખાતી હતી એ હવે આ સ્ટેજને કેમ સ્વીકારતી નથી.? અને તેની વહુ સાથેની લડત ક્યારે બંધ થશે?
એક વાર તો ડાઈલોગ માર્યો કે હવે નાટક કરતા કરતા વંશ વધારો તો સારું ! એજ ટીપીકલ સાસુ !
અને મેં વચ્ચે કહ્યું મોમ એને આમ અપમાનિત ન કરો..
“એ ડાહ્યા…હવે બહુ દોઢ ના થઈશ” વહુ ઘેલો …
રેહા મારી સામે ઘૂરકીને જોઈ રહી ..
મને થયું આ બધા વચ્ચે સાલું મારું શું ?
ત્યાં તો મારી રીક્ષાએ જોરદાર બ્રેક મારી.  વિચારો તૂટ્યા ..સાહેબ આગળ સખત ટ્રાફિક છે . મર્યા હવે ઘરે ક્યારે પોહ્ચીશ ? સાલું મારી સાથે જ કેમ આમ થાય ?
મમ્મી મીટીંગ માં લેટ થઇ જશે..અથવા કદાચ પોહચી નહિ શકે.
મેં શું કરવું તેનો જલ્દી નિર્ણય લઇ લીધો.
તે દિવસે રાત્રે ખુબ મોડો પોહ્ચ્યો. હાશ બધા સુઈ ગયા હતા.
રેહા લાઈટ થતા જાગી .ઉઘમાં હતી બોલી ..માણસ ફોન તો કરે ને ! સુઈજાવ અને ન જમ્યો  હોય તો રસોડામાં છે.આપું ? કે તારી મેળે લઇ લઈશ .
મેં કહ્યું તું સૂઈજા હું ગરમ કરી લઈશ.
પપ્પાના રૂમની લાઈટ ચાલુ હતી ,નવાઈ લાગી હિટલર કેમ શાંત છે? પછી વિચાર આવ્યો માણસ ક્યાં સુધી ફાઈટ કરે ? હું જમીને નિરાંતે સુઈ ગયો. આજે ખુબ સરસ ઊંઘ આવી ,ન સપનામાં લલીતા પવાર સાસુ દેખાણી (મારી મમ્મી ) કે ન હિટલર આવ્યો (સમજી ગયા ને !)
સવારે નાસ્તા માટે ટેબલ પર ગયો તો બધા મારી રાહ જોતા બેઠા હતા, ૧૦ વાગી ગયા હતા તો પણ ત્રણ યોદ્ધા શાંતિથી બેઠા હતા,હિટલર શાંત  ?,સાસુ વહુ પણ શાંત ? નક્કી લોચો છે.મારા બોસે ફોન કર્યો હશે ?
હું ટેબલ પર બેઠો રેહાએ ચા કપમાં રેડી ..હું કપ મોઢે માંડું ત્યાં પપ્પા તાડુકિયા..ઉભો રહે !પણ હું ટેબલ પરથી સીધો ઉભો થઈ ગયો. અને મેં પપ્પાને બોલવા જ ન દીધા
જુઓ આજે હું બોલીશ… કોઈ નહિ બોલે …મને ખબર છે પપ્પા હું તમારા સપના પુરા નથી કરતો, નાનપણ થી તમે કહ્યું તેમ કર્યું છે.અને મમ્મી મને ખબર છે તારા પૌત્ર પૌત્રીને રમાડવાના અભરખા છે.પણ મેં આજે એક નિર્ણય લીધો છે. હું હવે મારી મરજીથી જીવીશ.ગઈ કાલે મેં મારા બોસને એન્વલપ ફાઈલમાં આપ્યું છે. મેં નાટકમાં કામ કરવા માટે અને અમેરિકા જવા માટે અને રજા માટે પરવાનગી માગી છે. સાથે બીજા પત્રમાં લખ્યું છે કે ન આપો તો આ રાજી નામું સ્વીકારજો…
બધા શાંત … સંન્નાટો… કલાઈમેક્સમાં  …બસ મ્યુઝીક વોઝ મિસિંગ …
એટલે  મેં ગાયું.. મને કોઈ રોકે નહિ મને કોઈ ટોકે નહિ. મારી મરજી ..
પહેલીવાર મેં રૂઆબ જમાવ્યો …રેહા જલ્દી ગરમ ચા આપ ..મમ્મી નાસ્તો ક્યાં છે ? પપ્પા મને જરા છાપું આપો તો …

પ્રજ્ઞા  દાદભાવાળા

હાસ્યની મોસમ માં ખીલતા હરનીશ જાની

ઘણી વાર કોઈ વ્યક્તિ આપણા પરિચયમાં આવ્યા વગર આપણા જીવનમાં જીવતી હોય છે. એમનું મૃત્યુ જાહેર કરવું  એ ગુનો છે.મને હાસ્ય લેખો ગમે અને અમારી વચ્ચે હાસ્ય થકી જોડાણ હતું. દરેક વ્યક્તિ એક મોસમ હોય છે.હરનીશભાઈ માટે હાસ્ય એ ફૂલના ખીલવાની મોસમ છે. જે વ્યક્તિ હાસ્યથી સમૃદ્ધ છે એમને બીજું શું જોઈએ ? અમેરિકન ડાયાસ્પોરા લેખકોમાં એમના હાસ્ય લેખોથી ખુબ જાણીતા,ન્યુ જર્સી નિવાસી સહૃદયી મિત્ર શ્રી હરનીશભાઈ જાની અને એમના નેટ જગતમાં ખુબ વંચાતા હાસ્ય લેખોથી તો કોઈ અપરિચિત હોય એવું ભાગ્યે જ કોઈ હશે.હાસ્ય એમની રગ રગમાં હતું.

હરનીશભાઈએ  may 11, 2017, મારા જન્મદિવસે મને એક ઈમૈલ દ્વારા જણાવ્યું હતું “અમેરિકામાં સાહિત્યિક કાર્ય કરતી થોડી જ સંસ્થાઓ છે. તમારી “બેઠક” ની પાઠશાળા વિષે પણ જાણું છું તમારા નમ્ર પ્રયત્નને ચાલુ રાખશો.અંગ્રેજી ભાષાના વાતાવરણમાં પણ ભાષાને ઉજાગર કરવાનો પ્રયત્ન ચાલુ રહે છે તે ખરેખર પ્રસંશનીય છે.વાંચન દ્વારા ભાષાને કેળવજો.અને એમણે “સુધન” પુસ્તક ની pdf વાંચવા મોકલી એમાં પોતાના પરિચયમાં લખેલી એક વાત મને સ્પર્શી ગઈ જે આજે અહી એમને યાદ કરતા મુકીશ.

“નર્મદ સુવર્ણ ચંદ્રક ’ મળ્યો નથી.
“રણજીતરામ સુવર્ણ ચંદ્ર” મને જોઈતો નથી.( સાંભળ્યું કે તે સોનાનો નથી!)
પણ – જીવનનુાં સૌથી મોટુાં પારિતોષક તો – જ્યારે મારા મિત્રો
અને અજાણ્યા વાચકો એમ કહે છે કે: ‘ તમારો લેખ બહુ
ગમ્યો’ ત્યારે જ્ઞાનિીઠ એવોડા મળયા જેટલો આનંદ થાય છે.
એમ કહવામાાં મને સંકોચ નડતો નથી.-હરનીશ જાની

હાસ્ય અને ગંભીરતા વચ્ચે આસમાન જમીનનો ફર્ક હોય છે.પણ હાસ્યમાં ઘણી ગંભીર રહસ્ય હોય છે અને માટે જ હાસ્ય માણસને સમૃદ્ધ કરે છે. અને ત્યારે  માણસ જિંદગીની ગંભીરતા  ને પામી શક્યો છે એ પુરવાર થાય છે .હાસ્ય દરેકથી જીરવાય તેવી વસ્તુ નથી.દરેક વ્યક્તિની તાકાત બહારની વાત છે. મને લાગે છે કે સ્વર્ગમાં પણ અત્યારે હ્સ્યનો દુકાળ વર્તાય છે માટે એક પછી એક હાસ્ય લેખકો સ્વર્ગે જઈ રહ્યા છે.

હરનીશ જાની એટલે હાસ્યની લ્હાણ. બસ એમને વાંચીએ એટલે મોસમ ખીલે. ક્યાંક કશું ખૂટતું હોય ક્યાંક કશું તૂટતું હોય ત્યારે જાની સાહેબને યાદ કરી એમના લખેલા લેખ વાંચજો અને વગર મોસમે મોસમ ખીલશે. હાસ્યની મોસમ માણવાની મઝા કાંઈ અલગ છે હાસ્ય માનવીને હર્યોભર્યો રાખે છે.મનની મોસમ એટલે સહજ ખીલવું,નિખાલસતા ,પ્રમાણિકતા, નિસંકોચ અને નિર્ભય અભિવ્યક્તિથી સહજ વસંત ખીલે જેનો આનંદ બધા જ લે, લખનાર અને વાંચનાર બન્નેનો સંતોષ પહોંચે આકાશે …તો .ભાઈ મનની મોસમ ખીલ્યા વગર રહે ખરી.

હરનીશભાઈ આપ આપના શબ્દો થકી સદાય જીવંત છો. અને રહેશો.

પ્રજ્ઞા દાદભાવાળા

 

૪૫ ) આવું કેમ? સતી પાર્વતીનું આત્મવિલોપન !

સતી પાર્વતીનું આત્મવિલોપન !
શ્રાવણ મહિનો એટલે ચારે તરફ કથા શ્રવણ!
લગભગ બે દાયકા પહેલાં આવી જ એક ધર્મકથા સાંભળેલી : શિવપુરાણમાંથી !
વ્યાસપીઠ પરથી મહારાજે સતી પાર્વતીજીની આત્મવિલોપનની કથા કહેલી: ભગવાન શંકર આકાશમાં ઉડતાં વિમાનો જોઈને સતીને જણાવે છે કે તમારા પિતા દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે એટલે બધાં દેવો ત્યાં જઈ રહ્યાં છે. પાર્વતી પણ કહે છે કે ભલે મને આમંત્રણ નથી પણ મારે તો ત્યાં જાવું છે! પિતાને ઘેર જવામાં આમંત્રણ શાનું ?
મંદિરમાં કથા કરતા મહારાજ વાતને જરા લડાવે છે; “પતિની ઈચ્છા નથી તો યે પાર્વતી ત્યાં જાય છે અને શંકર પોતે પોતાના ડ્રાયવરને – સોરી – પોઠિયાનેય સાથે મોકલે છે… પણ પછી યજ્ઞમાં બધાંનાં આસન છે પણ પતિનું આસન ન જોતાં અપમાનિત થતાં સતી યજ્ઞની વેદીમાં કૂદી પડે છે!”
મહારાજ કથા કરતા ત્યાં અટકે છે અને હવે ૐ નમઃ શિવાયની ધૂન સારું થાય છે.
વ્યાસપીઠ પરથી મહારાજનો સૌ શ્રદ્ધાળુ શ્રોતાઓને વણ બોલ્યો એક સંદેશ મળે છે: ‘ પિયરમાં, પિતા ઘેર વગર આમંત્રણ ગયા પછી જુઓ , સતીની કેવી દશા થઇ!
આખ્ખો પ્રસંગ વિચારમાં મૂકી દે છે:
આવું કેમ?
સતી, જે સમજુ અને હોશિયાર છે અને નારદમુનિ જેનાં વખાણ કરતા દક્ષ પ્રજાપતિને કહે છે કે તમારી આટલી સમજુ દીકરી માટે આખાયે વિશ્વમાંથી માત્ર એક જ મુરતિયો જે શ્રેષ્ઠ છે તે છે દેવોના દેવ મહાદેવ ! અને દક્ષ રાજા એને રખડેલ , અલગારી કહીને એની સાથે સતીનાં લગ્નની ના કહે છે.. ( પણ છેવટે એનાં લગ્ન મહાદેવ સાથે જ થાય છે.. )વગેરે વગેરે.
તો આવી સમજુ છોકરી પિયરમાં આવે અનેઆત્મવિલોપન કરે , એ કેમ બને ?
આવું કેમ?
વાતમાં કાંઈ ખૂટતું હોય તેમ લાગ્યું !
અને મારે એ ખૂટતી કડી શોધવાની હતી !
જે ઋષિમુનિઓ “ યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે , રમન્તે તત્ર દેવતાઃ” કહે તે આવું લખીને સમાજને કયો સંદેશો આપવા માંગતા હશે ?
મેં વિચાર્યું : આવું લખીને શું સ્ત્રીનો આત્મવિશ્વાસ છીનવી લેવાનો હતો ?
પણ આપણી સંસ્કૃતિ એવું ના જ કરે તેનો પૂરો વિશ્વાસ હતો.
અને જવાબ શોધવા શિવ પુરાણ , ભાગવત વગેરે ઉથલાવ્યાં! પણ જવાબ તરત તો ના જ મળ્યો !
કથાકારોએ એક વાર્તા કહી દીધી ! વાત ત્યાં પુરી !
પણ છેવટે એ ખૂટતી કડી જડી ! પણ કથાકારોને એવી ગંભીર વાતોમાં શું રસ હોય? અને ઉંડાણમાં થોથાં ઉથલાવવાથી એમને શો ફાયદો ?
અને તેથી જ તો અખાએ લખ્યું :
કહ્યું કશું ને સાંભળ્યું કશું!
આંખનું કાજળ ગાલે ઘસ્યું !
આવું કેમ?
આજના સંદર્ભમાં કહી શકાય કે નારદજી જેવી વિદ્વાન વ્યક્તિના અભિપ્રાયથી હોશિયાર સતી શંકરને પરણી. પછી શંકર અને સતી વચ્ચે એક અણબનાવ બને છે:
રામને ચૌદ વર્ષનો વનવાસ છે એટલે એ જંગલમાં જાય છે અને તેથી રામના ભક્ત શંકર નો જીવ બળતો હોય છે. સતીએ શંકરને પૂછ્યું કે તમને શેની ચિંતા છે? શંકર સતીથી વાત છુપાવે છેએટલે સતી પોતાની જાતે (આમતો એ હોશિયાર છોકરી છે ને ?)એટલે પૃથ્વી ઉપર સીતાનું રૂપ લઈને રામને મળવા જાય છે..
શંકરને ગુસ્સો આવ્યો: “હું ભગવાન રામ અને માતા સીતાનો ભક્ત છું ! તેં સીતાનું રૂપ લીધું તેથી આ જન્મમાં તું મારી માતા સમાન છે!”
બસ ! પતિપત્નીના અબોલા શરૂ થઇ ગયાં !
શંકરે સતીને પતિપત્નીના વ્યવહારથી મુક્ત કરી દીધી! અને આમ વર્ષો વીતી ગયાં!
કોઈ પણ સ્ત્રીની જેમ સતી પણ અંદરથી એકલી પડી ગઈ ! પતિના પ્રેમ સહવાસ માટે એ તડપતી હતી! પિયરનું બારણું પણ પિતાના ડરથી લગભગ બંધ હતું ! આવી વિષાદમય અવસ્થામાં એ હિંમત કરીને બાપને બારણે આવે છે, એ આજના શબ્દોમાં જેને ડિપ્રેશન કહીએ તેવી સ્થિતિમાં છે! પતિથી ઉપેક્ષિત અને પિતાથી પણ ઉપેક્ષિત!
રામચરિત માનસમાં તુલસીદાસજી આ પ્રસંગ બહુ યથાર્થ રીતે ચિતરે છે: વાંચતા આંખમાં ઝળઝળિયાં આવી જાય! પણ , ટૂંકમાં , સતી એ વિષાદ અવસ્થામાં ( ડિપ્રેશનમાં ) ઉદ્વિગ્ન થઈને ( પૅનિક એટેકમાં ) બોલે છે:

પિતા મંદ મતિ, નિંદત તેહિ ; દચ્છ સુક્ર સંભવ યહ દેહી
તજી દઉં તુરત દેહ તેહિ
ઉરધરી ચન્દમૌલિ બ્રૂશકેતુ!
અર્થાત પિતાની આવી અવળી બુદ્ધિ છે( મંદ બુદ્ધિ છે, સમજતા નથી મારી પરિસ્થિતિ ) અને એનાં જ શુક્રાણુઓનો આ દેહ બન્યો છે તે થી ,( આખા પ્રકરણમાં વિગતે દક્ષ પ્રજાપતિના યજ્ઞ વિષે પણ રૂપકાત્મક રીતે સમજાવ્યું છે કે ખોટા હેતુથી ઉપાડેલું કામ નિષ્ફ્ળ જાય)
તો એવા ઘમંડી બાપની પુત્રી હોવાથી , દેહ ત્યજું : શંકરનું ધ્યાન ધરતાં !( આ જન્મમાં શંકરે એને ઉપેક્ષિત રાખી હતી ,પણ આવતા ભવમાં એ મને પતિ તરીકે મળશે એમ ઈચ્છા કરીને)
આ પગલાંને આપણે આજના યુગમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવાનું છે!
ગમે તેવી હોશિયાર અને સમજુ હોય પણ ,પ્રેમલગ્ન કરીને , મુશ્કેલીમાં મુકાયેલ દીકરીને તરછોડવાને બદલે સારા મનોવૈજ્ઞાનિક ચિકિત્સક પાસે લઇ જઈને એને ફરીથી ઉભી કરવાની , હિંમત આપવાની , પ્રત્યેક માં બાપની ફરજ છે!
એને હૂંફ અને હમદર્દી સાથે દવાની પણ જરૂર છે! એને સારું કાઉન્સલીગ મળે તો એ ફરીથી ઉભી થઇ શકે છે( નહીંતો ડિપ્રેશનમાં ખોટું પગલું પણ ભરી દે છે)
કેવો મહત્વનો સંદેશ હતો!
અને કેવો વિકૃત ઉપદેશ થઇ ગયો ?
અખાએ આવા સમાજના ઘુવડો માટે લખ્યું :
કોઈ જો આવીને વાત સૂરજની કરે,
તો સામે જઈ ચાંચ જ ધરે !
‘અમારે આટલાં વર્ષ અંધારે ગયાં
અને તમે આવાં ડાહ્યાં ક્યાંથી થયાં ?’
આવું કેમ ?
કોણ સમજાવશે આ કથાકારોને કે ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ માત્ર હરિ ૐ હરિ ૐની ધૂન બોલાવવાથી નહીં પણ સાંપ્રત સમાજને માર્ગદર્શક એવા ઇન્ટરપ્રિટેશન સમજણથી થશે ?
પણ મા’રાજને રસ એમનું પેટિયું રળવામાં !
મંદિરોને રસ પૈસા ભેગાં કરવામાં !
ભક્તો બિચારાં : ‘હરિ ૐ! હરે ૐ! ‘કરતાં ટકોરા વગાડ્યાં કરે !
જે કહો તે! આવું કેમ?

૨૩-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘ કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-નિરંજન મહેતા

સ્ત્રીસમોવડી

કાનન અને દિવ્યેશ કોલેજમાં સાથે હતાં અને ત્યારબાદ MBA પણ એક જ સંસ્થામાંથી કર્યું એટલે સ્વાભાવિક છે કે તેમની વચ્ચે નિકટતા હોવાની. એક જ અભ્યાસ અને સરખી વયના એટલે વિચારોમાં પણ મેળ બેસે એટલે જો તેઓએ એકબીજાને પસંદ કરી લગ્ન ન કર્યા હોત તો લોકોને નવાઈ લાગતે. વળી બંનેના માતા-પિતાને પણ આ સંબંધમાં કોઈ વાંધો ન હતો કારણ તેઓ પણ વર્તમાન સમયને સારી રીતે સમજતાં હતાં. તેઓ વિરોધ કરીને બંનેની જિંદગી બગાડવાના વિરોધમાં હતાં કારણ વયસ્ક યુવાન-યુવતીઓ ઉપરવટ થઇ ધાર્યું કરે તેના કરતાં સમજી વિચારીને હા પાડવામાં જ બધાની ભલાઈ છે તેમ વડીલોને લાગ્યું.

આમે ય તે કાનન અને દિવ્યેશ સારી રીતે સમજતા હતાં કે ભાગીને લગ્ન કરવા કરતાં માબાપની સંમતિથી કરેલા લગ્ન આનંદમય બની રહે છે. તેવા લગ્નજીવનનો ઉમંગ પણ અનેરો હોય છે. ભલે તેમની સંમતિ મળતા વાર થાય પણ રાહ જોવા માટે બંને તૈયાર હતાં જો કે આ રાહ બહુ લાંબી ન રહી અને યોગ્ય સમયે લગ્ન થઇ ગયા.

લગ્ન પહેલા કાનન એક ઓફિસમાં કામ કરતી હતી. લગ્ન પછી પણ તે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો. બંને એકબીજા સાથે થોડો સમય વિતાવી એકબીજાની વધુ નજીક આવવા માંગતા હતા એટલે સંતાન માટે ઉતાવળ ન કરવાનો પણ બંનેએ નિર્ણય લીધો હતો. વર્ષોથી એકબીજાને જાણતા અને સમજતા હતા એટલે એમની નિકટતા વધુ નીખરી અને બંને તે કારણે મિત્રો અને સગાઓમાં દ્રષ્ટાંતરૂપ બની રહ્યા. બંને પોતપોતાની ઓફિસમાં પણ કાર્યકુશળતાને લઈને તરક્કી કરતાં રહ્યાં જે સોનામાં સુગંધ બની રહી. આમ બંને એક સુખી અને આનંદી યુગલ બની રહ્યા.

એમના લગ્નના બે વર્ષ બાદ દિવ્યેશના પિતાનું મૃત્યુ થઇ ગયું એટલે હવે દિવ્યેશ પોતાની માતાને પોતાની સાથે રહેવા સમજાવી શક્યો. શરૂઆતમાં તો તેની માતા નિર્મળાબેન થોડોક મૂંઝારો અનુભવતા કારણ પુત્ર અને પુત્રવધુ કામને લઈને ઘરની બહાર રહે અને આજુબાજુ પણ ફ્લેટ સિસ્ટમને કારણે કોઈ સાથે મળવા કરવાનું નહીં. પણ તેમના આવ્યાના ત્રણ મહિનામાં કાનન મા બને તેવા એંધાણ વર્તાયા. આ જાણી નિર્મળાબેન રાજી થઇ ગયા કે હવે તેઓ વ્યસ્ત રહી શકશે.

જો કે કાનન આ પરિસ્થિતિ માટે અંદરખાને થોડી નારાજ હતી કારણ હાલમાં જ તેને પ્રોમોશન મળ્યું હતું અને સાથે સાથે આવનારની દેખભાળની જવાબદારી પણ માથે આવી પડી હતી. પોતાના મનની વાત તેણે દિવ્યેશને કરી પણ દિવ્યેશ બાપ બનવાની ખુશાલીમાં કાનનની લાગણીઓને કાં તો સમજ્યો નહીં અને સમજ્યો હોય તો તેની તરફ આંખ આડા કાન કરી લીધા. બે-ત્રણ વાર આ વાત ઉખેળ્યા પછી કાનને લાગ્યું કે દિવ્યેશે આવનારને માટે પોતાના હૃદયમાં સ્થાન આપી દીધું છે એટલે તેની કોઈ દલીલો દિવ્યેશ નહીં સ્વીકારે.

એક દિવસ આ વિષે ચર્ચા કરતાં કાનને પોતાના મનની વાત ખુલ્લી કરી કે તેને પ્રસુતિ પછી બહુ બહુ તો ત્રણ મહિનાની રજા મળે પણ ત્યાર પછી શું? પોતાના આવનાર શિશુને તે કોઈ પરાયી કામવાળી પાસે ઉછેરવા નથી માંગતી. જે કાંઈ તેણે જાણ્યું છે અને વાંચ્યું છે તે પરથી તે સમજે છે કે શિશુના શરૂઆતના વર્ષો તેની મા જે રીતે ઉછેરે તેવી રીતે પારકી સ્ત્રી ન કરી શકે. તેણે કહ્યું એ પણ કહ્યું કે શિશુની માને બદલે અન્ય નારીના હાથમાં બાળકનો ઉછેર થાય તો તે બાળકનો વિકાસ જુદી રાહ અપનાવે છે.

કાનનની વાત શાંતિથી સાંભળ્યા બાદ દિવ્યેશ બોલ્યો કે તું તેની ચિંતા ન કર. મા છે ને. તે તો રાજી રાજી છે અને ખુશીથી આવનારનો ઉછેર કરશે. જે રીતે તેણે મારો ઉછેર કર્યો છે તે જોતાં મને નથી લાગતું કે તારી ચિંતા અસ્થાને છે. વળી આપણે તેમને મદદરૂપ થાય એવા કોઈ બેનને પણ રાખી લઈશું જેથી તેમના પર ઓછો બોજો પડે અને બાળકનો ઉછેર પણ યોગ્ય થાય. સવાર સાંજ આપણે તો હાજર રહેવાના એટલે તે રીતે આપણે પણ આપણી રીતે બાળકના ઉછેરમાં યોગ્ય પ્રદાન કરી લેશું. તેમ છતાં તારૂં મન ન માનતું હોય તો ચાલ આપણે માને વાત કરીએ કે નવજાત આવે કે નહી અને આવ્યા પછી તું ઓફિસ જવાનું ઈચ્છે તો તેને કોઈ વાંધો છે? તે જો જવાબદારી લેવા રાજી ન હોય તો આપણે આગળનો વિચાર કરશું.

પણ નાના જીવને શરૂઆતમાં બીમારી આવે ત્યારે તેને આપણી જરૂર હોય અને જો આપણે બંને રજા ન લઇ શકતા હોઈએ તો? કાનને શંકા વ્યક્ત કરી.

તારી શંકા ખોટી છે એમ હું નહીં કહું કારણ આ બાબતમાં અજાણ્યા થવાનો કોઈ અર્થ નથી. પણ એકબીજાના સાથ અને સહકારથી આ તકલીફનો પણ આપણે વખત આવ્યે સામનો કરી શકશું તેની મને ખાત્રી છે.

આટલી ચર્ચા પછી પણ કાનનની માનસિક સ્થિતિ ડહોળાયેલી રહેતી જોઈ દિવ્યેશે નિર્મળાબેનને બધી વાત કરી. શાંતિથી વાત સાંભળી નિર્મળાબેન કાનન પાસે આવ્યા અને ધીરજ આપી કે તારી મૂંઝવણ હું સમજી શકું છું. પણ આવનાર બાળકને કારણે જે વાતાવરણ બદલાઈ જશે તેનો અનુભવ કર્યા પછી તું પણ તારી જાતને ધન્ય માનશે એક માતા હોવાનો. હા, પ્રસુતિ પછી તું જ્યારે ફરી ઓફિસ જવાનું ચાલુ કરશે ત્યારે વખત પ્રમાણે આપણે જરૂરી વ્યવસ્થા કરી લઈશું જેથી બાળકના ઉછેરમાં કોઈ કમી ન રહે અને તારી કારકિર્દી પણ સચવાઈ જાય એટલે તું નચિંતપણે આગળ વધ.

આ વાત સાંભળી કાનનને એક રીતે થોડી શાંતિ તો થઇ પણ કહ્યા વગર ન રહી કે મમ્મી તમને આ ઉંમરે આવી તકલીફ આપવી ઠીક નથી. જવાબમાં નિર્મળાબેને કહ્યું કે બેટા ફરી મા જેવા લાભ લેવાની તક મળતી હોય તો આ તકલીફ પણ ક્ષમ્ય છે. તું મારી ચિંતા ન કર અને તારી તબિયતની પુરતી સંભાળ લે જેથી બધું સમયસર અને સારી રીતે પતી જાય.

અને યોગ્ય વખતે કાનને એક સુંદર બાળકને જન્મ આપ્યો. ત્રણેય બહુ ખુશ થયા અને તેના ઉછેરમાં મસ્ત બની ગયા.

હવે કાનનને ફરી ઓફિસ જવાનું આવ્યું. આટલા દિવસો શિશુ સાથે વિતાવ્યા એટલે મન નહોતું માનતું પણ ફરજ અને જવાબદારીએ તેને હાજર થવા મજબૂર કર્યા. શરૂઆતમાં તો કામમાં મન ન લાગે અને દિવસમાં બે ત્રણ વાર ઘરે ફોન કરી બધું ઠીક છે ને? એમ પૂછવાનું ન છોડતી. પછી વખત જતા બધું થાળે પાડવા માંડ્યું અને નાનો ધૈર્ય પણ દાદીના લાડમાં મોટો થવા લાગ્યો.

પણ સારા દિવસો હંમેશા નથી હોતા. કુદરત આગળ માનવીનું કશું નથી ચાલતું. આ જાણવા છતાં જ્યારે દુ:ખ આવી પડે છે ત્યારે માનવી ઘાંઘો થઇ જાય છે. કાનન અને દિવ્યેશના કિસ્સામાં પણ આમ જ થયું. ધૈર્ય લગભગ દસ મહિનાનો હતો અને એક સવારે નિર્મળાબેન અચાનક બેભાન થઇ ગયા. ડોકટરે તપાસી તરતને તરત હોસ્પિટલમાં દાખલ કરવા સૂચવ્યું. પણ ત્યાં પહોંચતા પહોંચતામાં તો બધું સમાપ્ત.

આ કારમા ઘામાંથી કાનન અને દિવ્યેશને બહાર આવતાં થોડો સમય લાગ્યો પણ અંતે જેમ દરેકે જીવનધારામાં પાછું આવવું પડે છે તેમ તે લોકો પણ સ્વના જીવનમાં પુન: આવી ગયા. પરંતુ હવે મોટો પ્રશ્ન હતો ધૈર્યના ઉછેરનો. કાનને વિચાર્યું કે ધૈર્યની ઉંમરને લઈને તેના ઉછેર માટે બહારના કરતાં તેની વધુ જરૂર છે કારણ સાધારણ રીતે શિશુના ઉછેરમાં માતાના હેત અને સંભાળ વધુ યોગ્ય ગણાય છે. પણ તે માટે તેણે કુરબાની આપવી પડે. પણ જો તે નોકરી છોડી દે તો ઓફિસમાં પોતાનું સ્થાન ગુમાવી બેસે અને કાબેલિયત પણ વેડફાઈ જાય. ઘરમાં આવતી કમાઈ પણ ઓછી થઇ જાય તે વધારાનું. તો કરવું શું? જો તે દિવ્યેશને પોતાના વિચારો જણાવે અને કહે કે તેની ઈચ્છા નોકરી ચાલુ રાખવાની છે તો તે જરૂર માતાની જવાબદારીઓની ફિલસૂફી આગળ કરશે અને અંતે તેણે નમવું પડશે. પણ વાત નહીં કરે તો પણ સમસ્યા ઊભી જ છે.

પણ કાનનને ઓફિસમાં ફરી પાછા જવાનો દિવસ નજીક આવી ગયો એટલે હિંમત કરી દિવ્યેશ સાથે વાત માંડી. ઓફિસમાં તેનું સ્થાન, પગાર વગેરે દિવ્યેશની જાણ બહાર ન હતાં એટલે કાનને સીધું જ સમસ્યા પર આવી તેનું મંતવ્ય જાણવા માંગ્યું. કાનનની વાત સાંભળી દિવ્યેશે મંદ સ્મિત આપ્યું એટલે કાનનને નવાઈ લાગી અને કહ્યું કે હું એક ગંભીર પ્રશ્ન તને કહું છું જેનું આપણે સાથે મળી તેનું નિરાકરણ કરવાનું છે અને તને હસવું આવે છે?

જવાબ મળ્યો કે શું હું આ પરિસ્થિતિ ઊભી થવાની છે તેનાથી અજાણ છું? અરે મેં તો તેનો ઉપાય પણ ૨૪ કલાક પહેલાં શોધી લીધો છે.

તેં વિચાર્યું જ હશે તે હું માનું પણ તેનો ઉપાય પણ શોધી રાખ્યો અને મને કહ્યું પણ નહીં?

તું ક્યારે મારી સામે હાજર થઇ તારા મનની વાત કરે છે તેની રાહ જોતો હતો અને એટલે જ જ્યારે તેં વાત કાઢી ત્યારે આપોઆપ સ્મિત રેલાઈ ગયું.

તો શું ઉપાય છે તે હું જાણી શકું?

તું નિરાંતે તારી ઓફિસ જઈ શકે છે.

અને ધૈર્યનું શું?

તેને માટે હું છુને.

તારે પણ ઓફિસમાં જવાનું છે તો હું છુને કહીને તું શું કહેવા માંગે છે?

એ જ કે હવેથી હું ઘરે રહી કામ કરીશ. ઘણા વખતથી એક સ્ટાર્ટ અપ કંપની ઉભી કરવાનો વિચાર હતો તે હવે ફળીભૂત થશે. તેને લગતી બધી વ્યવસ્થા સમયાંતરે કરી લઇશ. એટલે ઘરનું ઘર અને ઓફિસની ઓફિસ.

અરે પણ ધૈર્યને સંભાળવાનું તું કરી શકીશ?

કેમ, ફક્ત સ્ત્રી જ બાળઉછેરમાં માહેર છે? તારી જાણ બહાર મેં ઘણી બધી જાણકારી મેળવી લીધી છે અને તને ખબર તો છે કે કેટલીયે વખત તેના બાળોતિયાં પણ બદલાવ્યા છે. રહી વાત રસોઈની તો શરૂઆતમાં તું બનાવીને જજે અને ધીરે ધીરે હું પણ તારી પાસે બધું શીખી લઈશ એટલે પછી તે ચિંતામાથી પણ તને મુક્તિ. રહી વાત આવકની તો હા, શરૂમાં થોડી તકલીફ પડશે અને બચત પણ ઓછી થશે પણ સમય જતાં મારૂં કામ વ્યવસ્થિત થઇ જશે એટલે આવકનો પ્રશ્ન પણ મહદ અંશે હલ થઇ જશે. જ્યારે તારી જરૂર હશે ત્યારે તું ક્યા દૂર છે? એક ફોન જ કરવાનોને?

દિવ્યેશ, આટલું બોલી કાનન આંખમાં અશ્રુ સાથે તેને વળગી પડી એટલે દિવ્યેશ બોલ્યો કે આજના જમાનામાં નારીઓ પુરૂષ સમોવડી થવાના પ્રયત્નો કરે છે તો પુરૂષે સ્ત્રી સમોવડી થવામાં અચકાવું શા માટે? બસ, હવે નચિંત થઇ ધૈર્ય પાસે જા કારણ લાગે છે કે તેને ભૂખ લાગી છે એટલે તે રડી રહ્યો છે.

નિરંજન મહેતા

૨૨-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-વસુબેન શેઠ

નિર્ણય

વસુ પાંચ વાગ્યાની બસ પકડવા ઝડપથી ચાલવા માંડ્યું .ત્યાં તો દૂરથી બસ દેખાણી બસ સ્ટોપ સુધી પોહ્ચવા એણે દોડ મૂકી ..
બસમાં બેસતા હાશ કરી ઊંડો સ્વાસ લીધો..બારી પાસેની જગ્યા મળતા ત્યાં બેઠી, બારી માંથી આવતો પવન આજે જાણે મુક્તતાનો અનુભવ કરાવતા હતા..કામ કરું છું તો હવે હું મારી મરજીની માલિક.અને તેનું મન વિચારે ચડ્યું ,..
 બાપુજી ભણતરને ખુબ મહત્વ આપતા ,ભાઈ તો ભણ્યો ,પણ અમને બન્ને બહેનોને પણ ભણવાની છૂટ હતી,મારા માં પણ મેટ્રીક સુધી ભણેલા હતા. આજ થી ૭૦ વર્ષ પહેલા ભણેલી સ્ત્રીને  સ્કૂલમાં નોકરી મળી જતી,તેઓએ પણ નોકરી કરેલી,એમનો ઉદ્દેશ એકજ હતો હું મારી બન્ને દીકરીઓને  ભણાવું જેથી કરીને ગમે તેવી પરિસ્થિતિમાં પોતાના પગ ભર ઉભા રહી શકે,અમે બન્ને બહેન અને  ભાઈ બેન ગ્રેજ્યુએટ થઈ ગયા,મને બેંક માં નોકરી પણ મળી ગઈ.
થોડા સમય માં મારા લગ્ન થયા,બધું બદલાઈ ગયું ,ઘર માં સાસુ ન્હોતા ,કાકીજી નું રાજ હતું,તેમને હું નોકરી કરું તે ગમતું ન્હોતું,મારા પતિ ને વાંધો નોહ્તો,પણ કાકીજી નારાજ રહેતા,ઘરનું કામ કરવા છતાં, એમને ખુશ રાખવા  મુશ્કેલ હતા.
 નોકરીએ જતા પહેલા અને પાછી આવું ત્યારે કામ ના ઢગલા રેડી હોય,થોડો સમય નીકળી ગયો,પણ બાળકો થયા પછી તકલીફ નો પાર ન રહ્યો,અને ઉપરથી  જતીન નો સ્વભાવ ગુસ્સા વાળો એટલે થોડા થોડા સમયે નોકરી છોડી દેતા,જેથી મારે નોકરી છોડાય તેમજ નોહ્તું,જતીન ના માએ નાનપણથી એવાજ સઁસ્કાર આપ્યા હતા કે છોકરાઓ માટે ઘર નું કામ નથી,ફક્ત આર્થિક જવાબદારી એ લેતા.
બસના કનડેકટરના કડાકેદાર અવાજે વસુને વિચારોમાંથી  જગાડી દીધી -ટીકીટ ..બહેન છુટા આપો ..હમ…આવા ને આવા હાલ્યા આવે છે.જાણે હું મફત મુસાફરી ન કરતી હોઉં..પર્સમાંથી છુટા ભેગા કરી આપ્યા..અને મન ફરી ફરથી એ કડાકેદાર અવાજ સાથે જોડાઈ ગયું.જતીનનો આવાજ પણ આવો જ ..
ઘરે આવતાની સાથે એક પછી એક હુકમ છૂટે,”પાણી આપજે ”,”પેપર ક્યાં મૂક્યું છે ,મારે વાંચવાનું બાકી છે,પછી જમવા બેસીશ ,”
હું પણ કામથી આવતી,બાળકોને સ્કૂલમાંથી લાવીને દૂધ નાસ્તો આપીને રસોઈની ત્તયારી કરવાની સાથે સાથે બાળકોને હોમવર્ક માં પણ મદદ કરવી પડતી,જતીન તો પેપર માંથી માથું ભાર કાઢે નહીં,સવાર ના  પાંચ થી રાત ના બાર વાગ્યા સુધી કામ કરું પણ કામ ખૂટે નહીં,હું ઘણી વખત કંટાળી ને નોકરી છોડવાની વાત કરું,એટલે જતીન મારા પર ગુસ્સે થાય ,”શું ઘર માં રહી ને ગામ પંચાત કરવી છે કે પછી બેનપણીઓના ઘર ગણવા છે ,”
હું સમજી જતી કે જતીન મને નોકરી કરવા શા માટે આગ્રહ રાખે છે,રોજ સિગરેટ જોવે ,સાંજ પડે ડ્રિંક્સ જોઈએ અને અપટુડેટ કપડાં,એમનું ખર્ચાળ જીવન હતું,સતત એક ભય નીચે હું જીવતી,સ્વભાવ ને લીધે જતીન ની નોકરી ક્યારે જતી રહેશે તો ?મારા નણંદ આ જાણતા હતા તેથી તેઓ મને મદદ કરવા  આવી જતા ,સરકારી નોકરી એટલે વાર તહેવારોની રજા મળતી ,ત્યારે મને ઘણી રાહત રહેતી,
મારા નણદ જયારે આવતા ત્યારે જતીન ને ઘણું સમજાવતા પણ શેઠ ની શિખામણ ઝાપા સુધી ,પછી હતા તેવા ને તેવા,મને પણ મારા નણદ ની મદદ ની આદત પડવા લાગી હતી જે તદ્દન ખોટું હતું,એમની પણ ઉંમર થઈ હતી ,લોકો પર આપણે કેટલું નિર્ભર રહેવાનું,મીઠા ઝાડ ના મૂળિયાં ના ખવાય,એક દિવસ જતીને ઓફિસ નો ગુસ્સો ઘેર આવીને મારા પર ઉતાર્યો,અને તે દિવસે હું પણ અકળાઈ ગઈ,મારા થી બોલાઈ ગયું,”નોકરી કરું,ઘર નું કામ કરું,છોકરાની જવાબદારી પણ હું સંભાળું ,કેટ કેટલું કરું ?”
 ટુક સમયમાં  જતીન પણ જોબ વગર ના ઘર માં બેઠા, તેનો આકરો સ્વભાવ બધે આડો આવતો ,અમારા વચ્ચે મત ભેદ વધવા લાગ્યા,તે દિવસે શું થયું કે હું પણ હઠે ચડી,”,મારે પણ નોકરી નથી કરવી,”
મેં એને સંભળાવી દીધું ”જે થવાનું હશે તે થશે,”
જતીન ગુસ્સામાં બોલી પડ્યા ,”તો નોકરી છોડી દે,”મેં શબ્દો પકડી લીધા અને બીજે દિવસથી એક મહિનાની રજા પર ઉતરી ગઈ.જતીન ને એમ કે મેં નોકરી છોડી દીધી.હવે દર મહિને આવનારી આવકમા ધટાડો થયો. જેના હિસાબે ધર ખચઁનો બોજ જતીનના  માથે વધવા લાગ્યો. અમારી  બન્ને  વચ્ચે ધણી બધી વાર બોલાચાલી અને ઝઘડાઓ થતા. બાળકો ગભરાઈ જતા …ધર ખચઁનો બોજ હળવો કરવા માટે હું  બીજાના કામ કરતી, ક્યારેક સાડીમા ટીકી ટાકવી.. વગેરે ..આમ જોઈએ તો આવા ન ગમતા કામો કરવાની ફરજ પાડવામા આવી હતી .  હું હવે કંટાળી ગઇ હતી .
હવે ઘરમાં પૈસાની અછત વર્તાવા લાગી,ભગવાનનો પાડ માનો કે  જતીન પોતાને ગમતી નોકરી શોધવા માંડ્યા, જતીન ના ગ્રહ હમેશા સાથ આપતા જતીન ને સારી જગ્યાએ જોબ મળી ગઈ,નોકરી તો બધી સારી હતી પણ આતો એમને ગમતી નોકરી મળી એટલે તેમના સ્વભાવમાં  ફેરફાર દેખાવા માંડ્યો. પણ સાથે  ચિંતા થવા લાગી ,આટલા વર્ષોમાં ન અનુભવેલું જોઈ ને પેટ માં ધ્રાસ્કો પડતો.
જ્તીનનો ગુસ્સો તો જાણે ક્યાં ખોવાઈ ગયો ,ઘેર આવે તો પોતાનું કામ જાતે કરી લેવાની કોશિષ કરતો ,શા કારણે સ્વભાવ માં ફેરફાર આવ્યો હશે તે તો ઈશ્વર જાણે,મને હજુ પણ વિશ્વાસ આવતો નહતો બીજી તરફ આ ભય મને સતાવતો ,કે જતીન નોકરીમાં કેટલો વખત ટકશે? આમ જોવા જઈએ તો મને  નોકરી કરવી ગમતી,  ઘરના બંધિયાર વાતાવરણમાં હું ગૂંગળાતી.જેલમાંથી કેમ છુંટવું ?  સવાર ના ફ્રી સમય માં શું કરું ? મારા સમય અને મારી આવડતનો ઉપયોગ સાથે આવક પણ થાય તો શું વાંધો ?આવા અનેક સવાલ મને ઘેરી વળતા.
મેં તે દિવસે હિંમત કરી જતીનને સમજવાની કોશિશ કરી  “હું જોબ છોડી દઇશ તો પછી તું પણ દર મહિનાના ધર ખચઁની નીચે તું દબાઇ જઇશ, તું અને હું જોબ કરીએ  ધરની જવાબદારી અને  ખચઁ સાથે ઉઠાવીએ  તો કેમ ? આ વાતનો નિર્ણય  તું અને હું ભેગા મળીને કરીએ તો આપણને કોઇ મુશ્કેલી નહિ પડે.અને મેં મારી મહત્ત્વકાંક્ષાને સફળ બનાવવા મારી નોકરીની રજા પૂરી કરી, ફરી શરુ કરી. અને આજે ઘણા વખતે ખુલ્લી બસની બારીમાંથી આવતા પવનમાં મુક્તિનો શ્વાસ અનુભવ્યો.
વસુબેન શેઠ

૪૯-હકારાત્મક અભિગમ-આદાનપ્રદાન-રાજુલ કૌશિક

મોટાભાગે એવું બનતું હોય છે કે આપણને આપણી વાત કરવામાં જેટલો રસ હોય છે એટલી સામેની વ્યક્તિની વાત સાંભળવામાં નથી હોતો. કોઈક કંઇક વાત કરવાની શરૂ કરે ત્યાં વચ્ચે જ આપણી વાત શરૂ કરી દેતા હોઈએ છીએ. એનાથી જરા અલગ અભિગમવાળી એક રસપ્રદ બીના જાણવા મળી.
એકવાર કોઈ કંપનીના ઉચ્ચ હોદ્દા માટે અતિ સક્ષમ વ્યક્તિની નિમણૂંક કરવાની હતી. એને અનુલક્ષીને અખબારમાં જાહેરખબર આપવામાં આવી..અને હંમેશા બને છે એમ આ હોદ્દાને અનુરૂપ એક નહી અનેક લોકોએ પોતાની લાયકાત અને અનુભવને વર્ણવતી અરજી કરી.
અનેક લોકોના ઈન્ટરવ્યુ બાદ કંપનીના માલિકે એક યુવકની પસંદગી કરી. કારણ?
આપણે એ યુવકના શબ્દોમાં જ એ ઇન્ટર્વ્યુના અંશ સાંભળીએ. એણે ઇન્ટર્વ્યુ દરમ્યાન પોતાની લાયકાત અંગે થોડાક શબ્દોમાં કહ્યા પછી એણે કંપનીના માલિકને  એટલું કહ્યું કે, “આપની કંપની માટે જો મારી પસંદગી થશે તો હું મારી જાતને સદ્ભાગી માનીશ. હું જાણું છું કે આજથી ત્રીસ વર્ષ પહેલા આપે એક નાનકડી ઓફિસમાં સાદા ટેબલ-ખુરશી અને એક મદદનીશ સાથે શરૂઆત કરી હતી અને આજે શહેરમાં આપની એક સન્માનીય અને અગ્રગણ્ય વ્યક્તિ તરીકે આગવી ઓળખ ઉભી થઈ છે..”
હવે બન્યું એવું કે એ યુવકે આ કંપની માટે અરજી કરતાં પહેલા કંપનીની વિગતો ઉપરાંત એના માલિક વિશે પણ શક્ય એટલી માહિતી મેળવી લીધી હતી. દરેક સફળ વ્યક્તિના મનમાં એમના સંઘર્ષના દિવસોની ક્યારેય ન ભૂલાય એવી યાદ અંકિત થયેલી હોય છે જ અને સંઘર્ષના પથ પર ચાલીને જે રીતે સફળતાના પગથીયા સર કર્યા છે એ વાત યાદ કરવી ગમતી પણ હોય છે. હવે જ્યારે આ યુવકે એમની કારકિર્દીના આરંભની વાતનો ઉલ્લેખ કર્યો ત્યારે સાવ ઓછી મૂડી લઈને શરૂ કરેલી એ યાત્રાથી માંડીને , દિવસોના દિવસોની અથાક અને અથાગ મહેનતના દિવસો, કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરીને આગળ વધ્યા અને અંતે ધારેલી અને મેળવેલી સફળતા સુધીની વાતો યાદ આવી ગઈ.
જો કે એ યુવક માત્ર પોતાની જ વાત કહીને નિકળી શક્યો હોત પરંતુ તેણે પોતાની જ વાત કહેવા પુરતો રસ ન દાખવતા માલિકની વાતો અત્યંત રસપૂર્વક સાંભળી. કહેવાની જરૂર છે કે એ યુવકને કંપનીના એ હોદ્દા માટેની જગ્યા મળી ગઈ ?
સીધી વાત- જેમ આપણને અન્ય સાથે આપણી વાત કરવી ગમે છે. આપણા જીવનના ચઢાવ-ઉતાર, સંઘર્ષ કે સફળતા વિશે કહેવું ગમે છે, આપણે શું પામ્યા અને એની પાછળ જીવનની કેટલી અમૂલ્ય ક્ષણો અર્પી છે એ કહેવું ગમે છે, આપણે જીવી ગયેલી પળોની વાત કરવી ગમે છે. આપણા જીવનના સારા-માઠા અનુભવોની યાદ તાજી કરવી ગમે છે  એવી રીતે અન્યને પણ પોતાની સફળતા વિશે વાત કરવી ગમે જ છે તો આપણે માત્ર આપણી વાત જ ન કરતાં પહેલાં એની વાત પણ સાંભળી લઈએ તો કેવું? અને બીજી વાત આપણે કોઈને પ્રથમ વાર મળતા હોઈએ ત્યારે એના વિશેની જાણકારી અગાઉથી મેળવી લઈને એ વ્યક્તિ સાથે સાથે સરળતાથી જોડાવાનો સેતુ બાંધી લઈએ તો એની સાથે વાત કરવામાં પણ સરળતા રહે.
આદાનપ્રદાન જેવો એક શબ્દ છે એ માત્ર ભૌતિક કે આર્થિક સ્તરે જ ન વિચારતા જરા આગળ વધીને વ્યક્તિગત સંબંધ સાથે પણ જોડી દઈએ તો કેવું?

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

21-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-રાજુલ કૌશિક

કસ્તુરી 

હેલ્લો શમિતા..
હલ્લો મમ્મા,
કેટલા દિવસથી તને ફોન કરું છું બેટા, સાસરે શું ગઈ મમ્માને ભૂલી જ ગઈ?
ના મમ્મા, તેં જ કહ્યું હતું ને કે સાસરીમાં સાકરની જેમ ભળી જજે અને કસ્તૂરીની જેમ મહેંકી ઉઠજે. મમ્મા તેં શીખવાડ્યું એમ તો કરવા ટ્રાય કરી રહી હતી. સાસરીમાં સાકર ઓગળવા જેટલો સમય તો આપવો જ પડેને? અને તું યાદ નહીં આવે તો કોણ યાદ આવશે? પણ મમ્મા સાચું કહું તારી સાથે વાત કરવી જ નહોતી. તું બહુ જ યાદ આવતી હતી અને મને ખબર નહીં ખાતરી હતી કે તારો અવાજ સાંભળીશ તો મારાથી રડી પડાશે.
આ વાત થઈ રહી હતી શમિતા અને એની મમ્મી વર્ષા વચ્ચે..
શમિતા…
વર્ષાબેન અને હર્ષદભાઈને એકની એક લાડકવાયી દિકરી. લાડ લડાવવામાં ક્યાંય કોઈ કમી રહી જતી તો એ શમિતાના દાદાજી પુરી કરી દેતા. પાણી માંગે ત્યાં દૂધની નદી જ વહેવડામાં બાકી રાખ્યું હશે. એ શમિતા આજથી દસ દિવસ પહેલા જ પરણીને પરાઈ થઈ ગઈ. સાચા અર્થમાં એ પરાઈ થઈ ગઈ હોય એવું એની મમ્મા તો ક્ષણે ક્ષણે અનુભવી રહી હતી. આજે દસ દિવસે શમિતા સાથે વાત કરીને જરા એના જીવને ટાઢક વળી.
આટલા લાડકોડ વચ્ચે ઉછરેલી શમિતાએ પોતાના નિર્ણયો તો પોતાને હસ્તક જ રાખ્યા હતા. હા એ ખુલ્લા મનથી મમ્મા-ડેડા કે દાદાજી સાથે એ પોતાના મત, માન્યતા કે મતાંતર વિશે ચર્ચા કરતી અને સ્વીકારવા જેવુ સ્વીકારતી પણ ખરી. મમ્મા-ડેડા કે દાદાજીના મંતવ્યનો સ્વીકાર ના કર્યો એણે એક પોતાની મનગમતી કારકિર્દી નક્કી કરવામાં અને બીજો સ્વીકાર ન કર્યો પોતાના જીવનસાથીની પસંદગીમાં.
શમિતાએ ના તો હર્ષદભાઈના બિઝનેસમાં જોડાવાનું નક્કી કર્યું કે ના તો વર્ષાબેને બતાવેલા યુવકોમાંથી કોઈની પર પસંદગીનું મત્તુ માર્યું. એણે તો પોતાની પસંદગી ઉતારી એક અપ-કમિંગ આર્કિટેક્ટ યુવાન પર. જોતાની સાથે જ નજરને બાંધી રાખે એવા મિલ્સ એન્ડ બુનની વાર્તાઓમાં આવતા ટોલ, ડાર્ક-હેન્ડસમ દેખાતા પ્રણવ પર. શાદી.કોમ પર આવતી જાહેરખબર જોઈને એણે પ્રણવ સાથે થોડા દિવસ ચેટ કર્યું અને પ્રણવના વિચારો પર એ એકદમ ફિદા થઈ ગઈ અને ઘરમાં પોતાનો નિર્ણય જાહેર કરી દીધો. પરણીશ તો પ્રણવને જ…..અને ખરેખર એ પ્રણવને પરણીને જ રહી.
અને અમેરિકન સિટિઝન શમિતાનો સંસાર શરૂ થયો એચ.૧ વીઝાધારી પ્રણવ સાથે અને એના સંસારરથમાં ઉમેરાયો પ્રણવનો પરિવાર. પ્રણવના લગ્ન માટે અમેરિકા આવેલા પરિવાર પાસે છ મહિના રહેવાનો કાયદેસરનો પરવાનો તો હતો જ.
*******
એ છ મહિના પછીની એક વહેલી સવારે ઘરનો બેલ વાગતા દાદાજીએ બારણું ખોલ્યુ.
“ આવ શમિતા.” દાદાજીના અવાજમાં આશ્વાસનભર્યો આવકાર હતો
હાથ ફેલાવીને શમિતાને આવકારવા ઉભેલા દાદાજી કંઈ આગળ બોલે તે પહેલા તો કપાયેલી ડાળ જેવી શમિતા દાદાજીના હાથ વચ્ચે ફસડાઈ પડી અને તુટી પડ્યો એની આંખોમાં આજ સુધી રોકી રાખેલા આંસુઓનો બંધ.
શમિતા આજે પાછી આવી હતી.  અને એને આવી રીતે પાછી આવેલી જોઈને વર્ષા- હર્ષદભાઈ હેબતાઈ ગયા.
“શમિતા!” ..મમ્માના અવાજમાં આશ્ચર્યનો- આઘાતનો રણકો હતો.
“એને પહેલા શાંતિનો શ્વાસ તો લેવા દો” દાદાજીએ બહાર પેસેજમાં પડેલી શમિતાની બેગ ઉઠાવીને અંદર લીધી અને બારણું બંધ કર્યું. શમિતાને લાગ્યું જાણે દાદાજીએ એક આખા ભૂતકાળની વરવી યાદોને એ બારણા બહાર છોડી દીધી. હવે કોઈ ભૂતાવળ નથી, ક્યાંય કોઈ અવઢવ નથી. હવે એને એવી કોઈ યાદો સ્પર્શી નહીં શકે જેને એ પાછળ મૂકીને આવી છે.
વર્ષાબેનનો અજંપો વધતો જતો હતો. મનમાં ઉઠતો ધ્રાસ્કો કંઇક અજુગતું બન્યાના એંધાણ આપતો હતો.
“શમિતા, આમ? આવી રીતે? સાવ અચાનક? કહ્યું હોત તો તને એરપોર્ટ લેવા આવત અને પ્રણવ ક્યાં? વર્ષાબેનના સવાલો ખૂટતા નહોતા.
“ શમિતા પાછી આવી છે, પ્રણવથી છૂટી થઈને..”દાદાજીએ એક જ વાક્યમાં કહી દીધું..
*****
 અને શમિતાએ આ છ મહિનામાં બનેલી ઘટનાઓનું પોટલું ખુલ્લુ મૂકી દીધું. “ મમ્મા, મેં એ બધું જ કર્યું જે તેં શીખવાડ્યું હતું. તું કહેતી હતી ને કે સાસરીમાં સાકરની જેમ ભળી જજે અને કસ્તૂરીની જેમ મહેંકી ઉઠજે પણ કસ્તૂરીની મહેંકને માણે એવા એ સાચના સંબંધોના માણસો નહોતા એમના સંબંધો કાચના હતા. કસ્તૂરીની મહેંકથી મોહીને એને મારે એવા શિકારી હતા. મમ્મા, ફોન પર તને હું કહેતી હતી એ બધી જ ઠાલી વાતો હતી તારા જીવને દુઃખ ન થાય ને એટલે.”
“હું તને કહેતી રહી કે મારા મમ્મીજી તો હું ઓફિસથી પાછી આવું ત્યારે બધી રસોઈ તૈયાર રાખે છે, અમે બધા સાથે જમીએ પછી પ્રણવ અને પપ્પા થઈને કિચનનું કામ આટોપે અને પછી અમે બધા શાંતિથી બેસીએ. ક્યારેક વીકએન્ડમાં સાથે બહાર જઈએ, મુવી જોઈને બહાર જમીએ…આમાનું કશું જ બન્યું નહી મમ્મા, હું ઘાણીના બળદની જેમ પિલાતી રહી.”
“પ્રણવને માત્ર રસ હતો મારી સિટિઝનશીપ અને એના આધારે મળતા ગ્રીનકાર્ડ પર. એના મા-બાપને રસ હતો એમને અને એમના ઘરને સાચવે અને કમાઈને ઘર ભરે એવી છોકરીમાં.  મા, મેં જોબ ચાલુ રાખી, તું કહેતી હતી એમ એના પરિવારને પ્રેમથી સાચવવા મથી. એણે શું કર્યું ખબર છે? મમ્મા, એને એક ઘર જોઈતું હતું, એની વાત માનીને અમે ઘર લેવાનું નક્કી કર્યું . એ ઘર પણ મારા નામે લીધું. સિટિઝન હતી ને ! પ્રોપર્ટી તો મારા નામે જ લેવાય ને! અમે જોઈન્ટ બેંક એકાઉન્ટ ખોલાવ્યો હતો. એને ગ્રીન કાર્ડ મળ્યું અને જોઈન્ટ એકાઉન્ટમાંથી બધા જ પૈસા ઉપાડીને એ અડધી રાતે ક્યાં ચાલ્યો ગયો એની ય મને તો ખબર નથી.”
“મમ્મા, સતત હું મારી કેરિયર અને કુટુંબ વચ્ચે તાલમેલ સાચવવા પુરેપુરુ મથી પણ જ્યાં પાત્ર જ ખોટુ હોય ત્યાં ગમે એટલુ કેસર ઘોળેલું દૂધ ભરોને તો ય એની કોઈ કિંમત જ નહી. પ્રણવને તો જોઈતું હતું મની મશીન. જે નોટો છાપે અને એ માત્ર મઝા કરે. મમ્મા તને મેં કીધુ નહોતું પણ મારી પરમેનન્ટ જોબ સિવાય પણ મેં વીકએન્ડમાં જોબ શરૂ કરી હતી. બેંકનું મોર્ગેજ બને એટલું જલ્દી ભરી શકાય એના માટે એણે મને સમજાવી લીધી.મને પણ ખબર નથી પડતી કે હું એવી કેવી એના મોહમાં આવી ગઈ કે એના કીધે. એના તાલે મેં નાચ્યા કર્યું.”
“શમિતા, શાંત થા”. વર્ષાએ એક શ્વાસે બોલતી શમિતાને જરા પોરો ખાવા કીધું.
પણ આજે શમિતા ઠલવાઇ જવા માંગતી હતી.
“મમ્મા, તમે બધાએ મને રોકી હતી પણ તમારી વાત એ વખતે મારા મનમાં ઉતરતી નહોતી. હું ઝઝૂમી, ઘણું મથી મારો સંસાર બચાવવા. કયા મોઢે હું પાછી આવું તમારી પાસે?”
“બેટા, જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર અને દિકરી પરણીને પરાઈ થાય પણ માવતર તો હંમેશા એના માટે ત્યાં જ નજર બિછાવીને બેઠા હોય છે જ્યાં એ એના કંકુવાળા થાપાની છાપ છોડી ગઈ હોય છે. કંકુવાળા થાપાની છાપ ભલે ઝાંખી થાય પણ દિકરી માટેની મમતા જરાય ઝાંખી નથી થતી અને છોકરાઓ ભૂલા પડે તો મા-બાપનું ઘર તો હંમેશા એમના માટે ખૂલ્લુ જ રહેવાનું”
વર્ષા શમિતાના વાંસે હાથ ફેરવતા એને હળવી કરવાનો આયાસ કર્યો.
“ મને ખબર છે. મમ્મા પણ હું પોતે સંજોગોએ સર્જેલી કસોટીમાંથી મારી રીતે પાર ઉતરવા મથતી હતી”
“અરેરે દિકરી તેં આટલું બધું વેઠ્યું અને અમને અંધારામાં રાખ્યા? તારા નિર્ણયોમાં અમારી સંમતિ નહોતી એનો અર્થ એવો નહોતો કે અમે તારી સાથે નહોતા. તું સુખી થઈ હોત તો અમને આનંદ થયો જ હોત પણ અમે માત્ર તારા સુખના સાથી બનીએ એટલા સ્વાર્થી પણ નથી. અમારું જે કંઈ છે એ અંતે તો તારું જ છે ને?” હર્ષદભાઈની આંખો તરલ થઈ ગઈ.
ડેડી, મારામાં મને વિશ્વાસ હતો. ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી ઉભા થઈને ફરી એકવાર મારે મારું આકાશ સર કરવું હતું અને હું ખુશ છું આજે હું એ કરી શકી છું. દાદાજીને લગભગ બધી જ ખબર હતી. એ દૂર રહીને પણ મને માનસિક સધિયારો આપતા રહ્યા હતા. ગુંચવાયેલું કોકડું ઉકેલવા મને સધિયારો અને સમજ આપતા રહ્યા. ખાલી તમને અને મમ્માને મારે જણાવવું નહોતું. કેમકે હું મારી જાતે ખોદેલી ખાઈ મારી જ મહેનતથી પુરવા માંગતી હતી. મને ખબર હતી જે ક્ષણે તને કે ડેડીને ખબર પડશે કે તરત જ તમે મને ઉગારવા, મને સંભાળી લેવા આવીને ઉભા રહેવાના જ છો અને મારે એ જોઈતું જ નહોતું. મમ્મા-ડેડી હું એ ગુંચવાયેલું કોકડું ઉકેલીને અહીં આવી છું. પણ હા! હવે મારે ત્યાં રહેવું નહોતું. એ શહેરના તમામ રસ્તાઓ જ્યાં પ્રણવ અને હું ક્યારેક ફરેલા એ રસ્તાઓ પરથી મારે પસાર નહોતું થવું. અહીંની સરસ મઝાની જોબમાંથી ટ્રાન્સફર લઈને મેં ત્યાં કામ કર્યું ત્યારે પણ પ્રણવે કોઈ કસર છોડી નહોતી. મને મનથી અને ધનથી ખાલી કરીને એ જતો રહ્યો..  મારા મનમાં એણે કુટુંબની આખેઆખી વ્યાખ્યા જ બદલી નાખી છે. આજ સુધી તમને બંનેને એક થઈને નિર્ણયો લેતા અને એ નિર્ણયોને અમલમાં મૂકતા જોયા હતા. મને પણ એવું જ હતું કે હું અને પ્રણવ એક થઈને અમારા સંસારની ઈમારત ઉભી કરીશું જેમાં અમારી મહેનતનો રંગ અને પ્રેમનું સુશોભન હશે.
“પણ બસ હવે હું એ બધું જ ભૂલીને હું ફરી એકવાર મારી રીતે ઉભી થઈ ગઈ છું.. પોકળ અને પામર પુરવાર થયેલા સંબંધોની પેલે પાર મારી એક આગવી ઓળખ ઉભી કરીશ. હવે ફરી એકવાર મારી કારકિર્દીની એક નવી ઈનિંગ રમવા તૈયાર થઈ ગઈ છું. હું સક્ષમ હોઈશ તો ફરી એકવાર એક નવો આશિયાનો પણ ઉભો કરીશ. થોડો વખત હું નબળી પડી ગઈ હતી એની ના નહી પણ હું હારી નથી ગઈ  કે નથી મારા જીવનના એ ભૂતકાળનો ડંખ મનમાં સંઘરીને મારી જાતને કોસવાની. દરિયા કીનારે ઉભા હોઈએ અને પગની નીચે મોજુ આવે, પગને થોડા પલાળીને પાછું વળી જાય. આપણા પગ નીચેની રેતી ય સરકી જતી લાગે પણ પગ સ્થીર હોય તો આપણે સરકી નથી જતાને ? બસ એવી રીતે હું મારા પગને સ્થીર રાખીને આગળ વધીશ. પ્રણવ નામના મોજાથી મારા પગની સ્થીરતાને ડગવા નહી દઉ એ વાત પણ નક્કી. હા! થોડા દિવસ નિરાંત જીવે મનગમતું એકાંત માણીશ અને કાલે કોઈ એક નવો સંબંધ જે મને સમજે એને સ્વીકારવા પણ તૈયાર રહીશ.”
એ શમિતા આજે આટલા વર્ષે પણ માત્ર અને માત્ર પોતાની રીતે આગળ વધી રહી છે અને એ પોતાની કંપનીમાં અને સમજુ સાથીના સહકારથી સ્થીર અને સુખી જીવનમાં ખુશ છે. કસ્તૂરી એની પોતાની સુવાસથી મહેંકી રહી છે.

રાજુલ કૌશિક

પ્રેમ એક પરમ તત્વ-૮

ખળખળ વહેતું ઝરણું હોય, મઘમઘતાં ફૂલો હોય, બાહો પ્રસારી બોલાવતાં દરિયા હોય, આસમાન સાથે વાતો કરતા પહાડો હોય, જટાયુ જેવા વૃક્ષ, શાંત વહેતી નદી, ઊડતા રંગ બે રંગી પંખી, જેને સ્પર્શતા હાથમાં રંગ લાગી જાય એવા પતંગિયા, જળમાં સરકી જતી માછલી, સમીસાંજનોસૂરજ કે શરદપૂર્ણિમાનો ચંદ્રમા!! આંખ બંધ કરી હું જો હું આ બધાં કુદરતના નજારાનું મનન કરું તો મને એ પરમકૃપાળુ પરમાત્માની સામે શીશ ઝુકાવ્યા વગર રહેવાતું નથી!!કેટલી અસીમ કૃપા કરી છે એ ઈશ્વરે આપણા ઉપર આવી સુંદર ધરા બનાવીને!!

પણ જેને આટલી સુંદર ધરા બનાવી એ કેટલો સુંદર હશે!! જો ફૂલો જોઇને વહાલ આવે અને પુનમ નો ચાંદ જોઈને રોમાંચિત થઈ જવાય!! તો એને બનાવવા વાળો તો કેટલો સુંદર હશે!!આસમાની ચૂંદડી ઓઢી ધરા સોળે સજી ચાંદની પણ પાથરી તે કેટલો સુંદર હશે! એ ઈશ્વરની ધરાને આટલો પ્રેમ તો એ ઈશ્વરને કેટલો પ્રેમ!!પ્રકૃતિના કણકણ માં પ્રેમ ઉભરાય છે!! ધરા અને ઈશ્વરને જોડતી એક કડી છે જે પ્રેમ છે!!

હું મારા ઈશ્વરને શી રીતે ઓળખું? હા, આ વિશાળ સાગર જોઉં અને મને એનો અપાર પ્રેમ યાદ આવે!! હું એનાં સુવાસિત ફૂલોને જોઉં અને મને એની પ્રેમની મહેકની અનુભતી થાય!! હું આકાશમાંથી વરસતા જળને જોઉં અને હું એનાં પ્રેમમાં તરબોળ થાઉં!! એ વરસતાં વરસાદથી ધરાને હરીભરી થતાં જોઉં  લીલો ટહૂકો હ્ર્દયમાંથી ઉદભવે અને  ઉષાની લાલિમા જોઉં અને મને એનાં હોવાપણાનો એહસાસ થાય!! કુદરત કે પ્રકૃતિ  એટલે ઈશ્વર અને ઈશ્વર એટલે કુદરત!! એટલે તો વિદ્વાનોએ કહ્યું છે કે કણકણ મે તું હૈ !!

સ્ત્રી પુરુષનો પ્રેમ, મા બાળક નો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ કે મિત્ર મિત્ર વચ્ચેનો પ્રેમ આ ઈશ્વરનું વરદાન છે!! પણ કુદરત અને પ્રકૃતિનો સાથે નોપ્રેમ એ ઈશ્વરને  ઓળખવાની ચાવી છે!! જો ખળખળ વહેતા ઝરણાથી તમારા હ્ર્દયમાં ખળખળ થાય છે? તો તમારામાં ઇશ્વર છે! ઊછળતા દરિયાને જોઈ તમારું હ્ર્દય ઊછળી બહાર આવે છે? તો તમારામાં ઈશ્વર છે!! મહેકતા ફૂલોને જોઈ એનાં બનાવવા વાળાની કલ્પના આવે છે છે તો ઈશ્વર તમારામાં છે!!

જો કુદરતના કોઈ પણ નજારા જોઈને હ્ર્દય મુગ્ધ થતું હોય તો તમારું હ્ર્દય પ્રેમથી ભરપૂર છે!! અને આ પ્રેમ તમને ઈશ્વર સુધી લઈ જશે!! ઈશ્વરને પામવું એટલે પરમને પામવું!! પરમ પ્રેમને પામવા માટે તપ તપસ્યાની જરૂર નથી બસ આંખ ખૂલી રાખવાની જરૂર છે!! પ્રકૃતિને જોઈ એના બનાવ વાળાની ભક્તિની જરૂર છે!! પ્રકૃતિને જોઈ થવું જોઈએ કે ,” યહ કૌન ચિત્રકાર હૈ?”

હે ઈશ્વર તારું સ્વર્ગ અમે જોયું નથી!! શું એ તારી ધરાથી પન સુંદર હશે? આ ધરા સાથે મને ખૂબ પ્રેમ છે!! તો તારા સ્વર્ગમાં તું જરૂર મારી ધરાને મૂકજે!! કારણકે આ ધરાએ મને તારી ઓળખાણ આપી છે!! પ્રેમની ઓળખાણ!!પરમ પ્રેમની ઓળખાણ!!

સપના વિજાપુરા

5 દ્રષ્ટિકોણ: ભારત ની આઝાદી અને જન્મદિન નો ઇતિહાસ – દર્શના

નમસ્તે મિત્રો. મારા, દર્શના વારિયા નાડકર્ણી અને બેઠક તરફથી આ ચેનલ ઉપર તમારું સ્વાગત છે. આ ચેનલ ઉપર આપણે નવા દ્રષ્ટિકોણ થી અથવા નવા વિષયો થી કોઈ વાત ને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ.
આજનું શીર્ષક છે — 

ભારત ની આઝાદી અને જન્મદિન નો ઇતિહાસ

હમણાં એક બ્લોગ ઉપર ભારતની આઝાદી માટે ઓગસ્ટ 15 નો દિવસ શા માટે નક્કી કરાયેલ તે વિષે માહિતી વાંચી. તેમાં વાંચ્યું કે ભારતના છેલ્લા વાઇસરોય માઉન્ટબેટને જોયું કે તે વધુ સમય  ભારતની પ્રજાને કન્ટ્રોલમાં નહીં રાખી શકે અને બે વર્ષ પહેલાં -૧૯૪૫ માં બ્રિટને જાપાનને હરાવેલું અને રેડિયા પર જાપાને જાહેરમાં હાર સ્વીકારેલી એ બ્રિટનનો ગૌરવનો દિવસ યાદગાર બનાવવા માટે તેમણે તે દિવસ પસંદ કર્યો. તે પછી તેમાં લખવામાં આવેલ કે તે દિવસ શીખવે છે કે જયારે બધાં કોઈ સારા કાર્ય માટે , સારા હેતુથી એક થઇ જાય છે ત્યારે ભગવાન પણ ઝડપથી સારા કાર્યમાં જોડાઈ જાય છે!
તો આજે ભારતની આઝાદી નો ઇતિહાસ ફરી ખોલીએ અને બીજા દ્રષ્ટિકોણ થી સાંભળો. ભારતની આઝાદીના તે દિવસ માં ભગવાન ને જવાબદાર ગણવા કરતા વધારે બ્રિટન ની સંકુચિતતા અને સ્વાર્થને વધુ જવાબદાર ગણી શકાય. આજે આપણે ગૌરવ થી ભારતના જન્મદિનનો એ દિવસ ઉજવીએ છીએ પરંતુ તે દિવસ તે સમયે ભારતના ઇતિહાસ માટે ક્યારેય ન બનેલ તેવો લોહિયાળ હિંસાનો દિવસ હતો. મોઉન્ટબેટને તેમ પણ કહેલું કે તેમણે તે તારીખ વધુ વિચાર્યા વગર અવ્યવસ્થિત રીતે નક્કી કરી નાખી. માઉન્ટબહેન ને જાણ હતી કે ખૂંખાર હિંસા થવાની શક્યતા છે. જો બ્રિટનને ભારત માટે થોડી પણ જવાબદારી નિભાવવાની ભાવના હોત તો બ્રિટન આઝાદી નો દિવસ પાછો ઠેલી ને પહેલા ભારતની સુરક્ષિતતા ના પગલાં અમલમાં મુકત. પરંતુ ઉલટાની એ બાબતો ઉપર જવાબદારી ન લેવી પડે તે માટે વિચાર્યા વગર ભારત અને પાકિસ્તાન ના આઝાદીના દિવસ નક્કી કરી દેવામાં આવ્યા. બાકી જાપાન હાર સ્વીકારે તે દિવસે ભારતને આઝાદી આપવી તેમાં તેમણે ભારત ની સુરક્ષિતતા માટે વિચાર્યું ન કહેવાય.

પણ સૌથી મુખ્ય વાત જે બ્રિટન ની જવાબદારી ના અભાવ તરફ આંગળી ચીંધે છે તે એ છે કે ભારત અને પાકિસ્તાનના ભાગલા ને લીધે લોહિયાળ વિસ્ફોટ થવાની પુરી માહિતી હોવા છતાં  બ્રિટને આઝાદી નું એલાન કર્યું ત્યારે બંને દેશ ની સીમાઓ પણ પુરેપુરી નક્કી નહિ કરેલી ઘણી જગ્યાએ સીમાઓની વાટાઘાટ અને વિવાદ ચાલતા હતા. ઓગસ્ટ ની 14 મી એ પાકિસ્તાનને આઝાદી મળી અને ઓગસ્ટ ની 15 મીએ ભારતને આઝાદી મળી. તે સમયે માઉન્ટબેટને સાઈરિલ રેડક્લિફ ને સીમા દોરવાનું કામ સોંપેલું હતું . ઇન્ડિયા અને પાકિસ્તાન ને આઝાદી મળી તેના 3 દિવસ પછી સીમાઓ જાહેર કરવામાં આવી. એટલે કે ઘણા લોકો ઓગસ્ટ 14 અને ઓગસ્ટ 15 ની સવારે ઉઠ્યા ત્યારે તેમના દેશ આઝાદી ઉજવતા હતા પરંતુ સીમાઓ પાસે રહેતા તે લોકોને હજી જાણ ન હતી કે તેઓ ભારતમાં છે કે પાકિસ્તાન માં. સીમાઓ નક્કી થઇ પછી જે લોકોને થયું કે તે સીમાની ખોટી બાજુએ છે તે લોકોએ પોતાના મરજી ના દેશ તરફ પ્રયાણ શરુ કર્યું।  અને તેનું પરિણામ?

જે પ્રજા મૉટે ભાગે એક થઇ ને રહેલી તેમને ભાંગવામાં દાયકાઓ પહેલા બ્રિટને પહેલ કરી અને હવે વર્ષો બાદ તે ભાંગેલી પ્રજા એ વગર સીમાના દેશના ભાગલા થતા ચારે તરફ લોહી ની નદીઓ વહાવી. પણ બ્રિટને તો આગલે દિવસે આઝાદી નો એલાન કરી દીધેલો તેથી ન તો તેઓ જવાબદાર ગણાય અને ન તો તેઓ ના  માથા ઉપર શાંતિ સ્થાપવાની જવાબદારી આવી શકે. તે સમયના હત્યાકાંડ માં મ્ર્ત્યુ પામેલાની નિશ્ચિત સંખ્યા ગણવી મુશ્કેલ હતી પરંતુ આશરે 15 લાખ લોકોએ જાન ગુમાવ્યાનું અનુમાન કરવામાં આવ્યું છે. પણ તે તો માત્ર મરી ગયા તેમની વાત છે. તે ઉપરાંત, તે હત્યાકાંડ એટલો તીવ્ર હતો કે તેમાં આખા ને આખા ગામડાઓ બાળી નાખવામાં આવેલા, સામૂહિક અપહરણો અને અસંખ્ય બળાત્કાર વગેરે હિંસાનો સમાવેશ થાય છે. લગભગ પિચોતેર હજાર મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો, અને અસંખ્ય બાળકો અને મોટાઓ તેમના સ્નેહીજન થી હંમેશ માટે વિખુટા પડી ગયેલા. તે આઝાદી નો સમય એટલો ભયાનક હતો કે ઇતિહાસકારો તેને “વીસમી સદીની દક્ષિણ એશિયામાં બનેલ સૌથી મુખ્ય કેન્દ્રીય ઐતિહાસિક ઘટના” તરીકે ઓળખે છે.  અને તેમના મત અનુસાર બ્રિટન નું ભારતને અને પાકિસ્તાનને આઝાદી આપવાનું કાર્ય તદ્દન અવ્યવસ્થિત, અવિચારી અને કઢંગી કામચલાઉ કાર્ય હતું. તેમાં માત્ર તેમના પોતાના સ્વાર્થ ની ભાવના હતી. ઘણા ભારતના નેતાઓએ તેમને વિનવ્યા હતા કે તે આઝાદી ને થોડી પાછળ ઠેલી ને પહેલા શાંતિ સ્થાપવાનો બંદોબસ્ત કરે અને માઉન્ટબેટને તે ઉપર વિચાર પણ કરેલો પણ આખરે બ્રિટને આટલા વર્ષ દેશ ને ગુલામ બનાવી રાખીને છેલ્લે ઉતાવળમાં, આઝાદી બાદના ભાવિ નો વિચાર કર્યા વગર જ 15 મી ઓગષ્ટ ના તે દિવસે વિદાય લીધી.
આ ઇતિહાસ ખોલવાનું કારણ?
જો ઇતિહાસ ને ખોલીએ તો ઉપરછલ્લી રીતે તેના ઉપર અભિપ્રાય આપવાની બદલે સાચા અને બની શકે તેમ વિવિધ દ્રષ્ટિકોણ થી ઇતિહાસ ને જાણવાની આપણી જવાબદારી છે તે વાત મને હાવર્ડ ઝીન્ન કરીને કે ખુબ મોટા ઇતિહાસકાર પાસેથી જાણવા મળેલી। ઝીનને લખેલું પુસ્તક “People’s History of the United States” ને ઘણા એવોર્ડ્સ મળી ચુક્યા છે. તેમના કહેવા અનુસાર ઉપરછલ્લો અને પહેલી નોંધવાળો ઇતિહાસ હંમેશા વિજેતા ના દ્રષ્ટિકોણ થી લખાતો આવ્યો છે અને સાચા ઇતિહાસ ને સમજવા અને જાણવા થોડી મહેનત અને સંશોધન કરવું પડે છે અને તે લેખકોની જવાબદારી છે. તેમણે તેમના પુસ્તકમાં અમેરિકાનો ઇતિહાસ સામાન્ય લોકોના વિવિધ દ્રષ્ટિકોણ થી પ્રસ્તુત કર્યો છે. પહેલા લખાયેલ ઇતિહાસ તો યુરોપીઅન લોકો જે અમેરિકા માં સ્થાઈ થયા તેમના દ્રષ્ટિકોણ થી લખાયેલ હતો. તેમાં સ્ત્રીઓના દ્રષ્ટિકોણ થી જિંદગી કેવી હતી તેનો ઉલ્લેખ ખાસ નથી. તેમજ તેમાં અમેરિકાના મૂળભૂત રહેવાસીઓ એટલે કે અમેરિકન ઇન્ડિયન, અમેરિકા માં ગુલામ તરીકે લાવવામાં આવેલ આફ્રિકન અમેરિકન વગેરે નો ઉલ્લેખ નથી અને ઝીને પોતાના પુસ્તકમાં તેમના દ્રષ્ટિકોણ થી ઇતિહાસ લખ્યો છે. તેમજ તેમણે નિમ્ન વર્ગના દ્રષ્ટિકોણ થી ઇતિહાસ લખ્યો છે અને તેમના પુસકમાં નિમ્ન વર્ગના સંઘર્ષ, લેબર યુનિયન, એન્ટી રેન્ટ મુવમેન્ટ, દિવસ ના દસ દસ કલાકો બારી વગરના બંધ ઓરડામાં કામ કરતી કેટલીયે યુવા કન્યાઓ ત્યાં લાગેલી આગ માં મોટી સંખ્યા માં બળીને મારી ગયી તેવી ઘટનાઓનો સમાવેશ થાય છે.
તો આપણી પણ જવાબદારી બને છે ને કે આપણીજ સ્વતંત્રતા ને આપણે સાચા દ્રષ્ટિકોણ થી સમજવાનો પ્રયત્ન કરીએ? અને આજે ઇચ્છીએ કે ઘણી વાર કપરા સમયમાંથી ગુજરતા વ્યક્તિ નું ચરિત્ર ઘડાય છે તેમજ કપરી પરિસ્થિતિ માંથી ગુજારેલા આપણા દેશ નું ભાવિ હંમેશા ઉજળું રહે, આપણો દેશ આગળ વધતો રહે, અને સમૃદ્ધિ અને શાંતિના સ્તરે પ્રગતિ પ્રાપ્તિ માં દુનિયા માં આગળ રહે.  
જય હિન્દ!!!!   
Darshana Varia Nadkarni, Ph.D.
http://www.darshanavnadkarni.wordpress.com

પ્રેમ પરમ તત્વ-૫

ખળખળ વહેતું ઝરણું હોય, મઘમઘતાં ફૂલો હોય, બાહો પ્રસારી બોલાવતાં દરિયા હોય, આસમાન સાથે વાતો કરતા પહાડો હોય, જટાયુ જેવા વૃક્ષ, શાંત વહેતી નદી, ઊડતા રંગ બે રંગી પંખી, જેને સ્પર્શતા હાથમાં રંગ લાગી જાય એવા પતંગિયા, જળમાં સરકી જતી માછલી, સમીસાંજનોસૂરજ કે શરદપૂર્ણિમાનો ચંદ્રમા!! આંખ બંધ કરી હું જો હું આ બધાં કુદરતના નજારાનું મનન કરું તો મને એ પરમકૃપાળુ પરમાત્માની સામે શીશ ઝુકાવ્યા વગર રહેવાતું નથી!!કેટલી અસીમ કૃપા કરી છે એ ઈશ્વરે આપણા ઉપર આવી સુંદર ધરા બનાવીને!!
પણ જેને આટલી સુંદર ધરા બનાવી એ કેટલો સુંદર હશે!! જો ફૂલો જોઇને વહાલ આવે અને પુનમ નો ચાંદ જોઈને રોમાંચિત થઈ જવાય!! તો એને બનાવવા વાળો તો કેટલો સુંદર હશે!!આસમાની ચૂંદડી ઓઢી ધરા સોળે સજી ચાંદની પણ પાથરી તે કેટલો સુંદર હશે! એ ઈશ્વરની ધરાને આટલો પ્રેમ તો એ ઈશ્વરને કેટલો પ્રેમ!!પ્રકૃતિના કણકણ માં પ્રેમ ઉભરાય છે!! ધરા અને ઈશ્વરને જોડતી એક કડી છે જે પ્રેમ છે!!
હું મારા ઈશ્વરને શી રીતે ઓળખું? હા, આ વિશાળ સાગર જોઉં અને મને એનો અપાર પ્રેમ યાદ આવે!! હું એનાં સુવાસિત ફૂલોને જોઉં અને મને એની પ્રેમની મહેકની અનુભતી થાય!! હું આકાશમાંથી વરસતા જળને જોઉં અને હું એનાં પ્રેમમાં તરબોળ થાઉં!!હું ઉષાની લાલિમા જોઉં અને મને એનાં હોવાપણાનો એહસાસ થાય!! કુદરત એટલે કે ઈશ્વર અને ઈશ્વર એટલે કુદરત!! એટલે તો વિદ્વાનોએ કહ્યું છે કે કણકણ મે તું હૈ !!
સ્ત્રી પુરુષનો પ્રેમ, મા બાળક નો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ કે મિત્ર મિત્ર વચ્ચેનો પ્રેમ આ ઈશ્વરનું વરદાન છે!! પણ કુદરત અને પ્રકૃતિનો સાથે નોપ્રેમ એ ઈશ્વરને  ઓળખવાની ચાવી છે!! જો ખળખળ વહેતા ઝરણાથી તમારા હ્ર્દયમાં ખળખળ થાય છે? તો તમારામાં ઇશ્વર છે! ઊછળતા દરિયાને જોઈ તમારું હ્ર્દય ઊછળી બહાર આવે છે? તો તમારામાં ઈશ્વર છે!! મહેકતા ફૂલોને જોઈ એનાં બનાવવા વાળાની કલ્પના આવે છે છે તો ઈશ્વર તમારામાં છે!!
જો કુદરતના કોઈ પણ નજારા જોઈને હ્ર્દય મુગ્ધ થતું હોય તો તમારું હ્ર્દય પ્રેમથી ભરપૂર છે!! અને આ પ્રેમ તમને ઈશ્વર સુધી લઈ જશે!! ઈશ્વરને પામવું એટલે પરમને પામવું!! પરમ પ્રેમને પામવા માટે તપ તપસ્યાની જરૂર નથી બસ આંખ ખૂલી રાખવાની જરૂર છે!! પ્રકૃતિને જોઈ એના બનાવ વાળાની ભક્તિની જરૂર છે!! પ્રકૃતિને જોઈ થવું જોઈએ કે ,” યહ કૌન ચિત્રકાર હૈ?”
હે ઈશ્વર તારું સ્વર્ગ અમે જોયું નથી!! શું એ તારી ધરાથી પન સુંદર હશે? આ ધરા સાથે મને ખૂબ પ્રેમ છે!! તો તારા સ્વર્ગમાં તું જરૂર મારી ધરાને મૂકજે!! કારણકે આ ધરાએ મને તારી ઓળખાણ આપી છે!! પ્રેમની ઓળખાણ!!પરમ પ્રેમની ઓળખાણ!!

સપના વિજાપુરા