21-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-રાજુલ કૌશિક

કસ્તુરી 

હેલ્લો શમિતા..
હલ્લો મમ્મા,
કેટલા દિવસથી તને ફોન કરું છું બેટા, સાસરે શું ગઈ મમ્માને ભૂલી જ ગઈ?
ના મમ્મા, તેં જ કહ્યું હતું ને કે સાસરીમાં સાકરની જેમ ભળી જજે અને કસ્તૂરીની જેમ મહેંકી ઉઠજે. મમ્મા તેં શીખવાડ્યું એમ તો કરવા ટ્રાય કરી રહી હતી. સાસરીમાં સાકર ઓગળવા જેટલો સમય તો આપવો જ પડેને? અને તું યાદ નહીં આવે તો કોણ યાદ આવશે? પણ મમ્મા સાચું કહું તારી સાથે વાત કરવી જ નહોતી. તું બહુ જ યાદ આવતી હતી અને મને ખબર નહીં ખાતરી હતી કે તારો અવાજ સાંભળીશ તો મારાથી રડી પડાશે.
આ વાત થઈ રહી હતી શમિતા અને એની મમ્મી વર્ષા વચ્ચે..
શમિતા…
વર્ષાબેન અને હર્ષદભાઈને એકની એક લાડકવાયી દિકરી. લાડ લડાવવામાં ક્યાંય કોઈ કમી રહી જતી તો એ શમિતાના દાદાજી પુરી કરી દેતા. પાણી માંગે ત્યાં દૂધની નદી જ વહેવડામાં બાકી રાખ્યું હશે. એ શમિતા આજથી દસ દિવસ પહેલા જ પરણીને પરાઈ થઈ ગઈ. સાચા અર્થમાં એ પરાઈ થઈ ગઈ હોય એવું એની મમ્મા તો ક્ષણે ક્ષણે અનુભવી રહી હતી. આજે દસ દિવસે શમિતા સાથે વાત કરીને જરા એના જીવને ટાઢક વળી.
આટલા લાડકોડ વચ્ચે ઉછરેલી શમિતાએ પોતાના નિર્ણયો તો પોતાને હસ્તક જ રાખ્યા હતા. હા એ ખુલ્લા મનથી મમ્મા-ડેડા કે દાદાજી સાથે એ પોતાના મત, માન્યતા કે મતાંતર વિશે ચર્ચા કરતી અને સ્વીકારવા જેવુ સ્વીકારતી પણ ખરી. મમ્મા-ડેડા કે દાદાજીના મંતવ્યનો સ્વીકાર ના કર્યો એણે એક પોતાની મનગમતી કારકિર્દી નક્કી કરવામાં અને બીજો સ્વીકાર ન કર્યો પોતાના જીવનસાથીની પસંદગીમાં.
શમિતાએ ના તો હર્ષદભાઈના બિઝનેસમાં જોડાવાનું નક્કી કર્યું કે ના તો વર્ષાબેને બતાવેલા યુવકોમાંથી કોઈની પર પસંદગીનું મત્તુ માર્યું. એણે તો પોતાની પસંદગી ઉતારી એક અપ-કમિંગ આર્કિટેક્ટ યુવાન પર. જોતાની સાથે જ નજરને બાંધી રાખે એવા મિલ્સ એન્ડ બુનની વાર્તાઓમાં આવતા ટોલ, ડાર્ક-હેન્ડસમ દેખાતા પ્રણવ પર. શાદી.કોમ પર આવતી જાહેરખબર જોઈને એણે પ્રણવ સાથે થોડા દિવસ ચેટ કર્યું અને પ્રણવના વિચારો પર એ એકદમ ફિદા થઈ ગઈ અને ઘરમાં પોતાનો નિર્ણય જાહેર કરી દીધો. પરણીશ તો પ્રણવને જ…..અને ખરેખર એ પ્રણવને પરણીને જ રહી.
અને અમેરિકન સિટિઝન શમિતાનો સંસાર શરૂ થયો એચ.૧ વીઝાધારી પ્રણવ સાથે અને એના સંસારરથમાં ઉમેરાયો પ્રણવનો પરિવાર. પ્રણવના લગ્ન માટે અમેરિકા આવેલા પરિવાર પાસે છ મહિના રહેવાનો કાયદેસરનો પરવાનો તો હતો જ.
*******
એ છ મહિના પછીની એક વહેલી સવારે ઘરનો બેલ વાગતા દાદાજીએ બારણું ખોલ્યુ.
“ આવ શમિતા.” દાદાજીના અવાજમાં આશ્વાસનભર્યો આવકાર હતો
હાથ ફેલાવીને શમિતાને આવકારવા ઉભેલા દાદાજી કંઈ આગળ બોલે તે પહેલા તો કપાયેલી ડાળ જેવી શમિતા દાદાજીના હાથ વચ્ચે ફસડાઈ પડી અને તુટી પડ્યો એની આંખોમાં આજ સુધી રોકી રાખેલા આંસુઓનો બંધ.
શમિતા આજે પાછી આવી હતી.  અને એને આવી રીતે પાછી આવેલી જોઈને વર્ષા- હર્ષદભાઈ હેબતાઈ ગયા.
“શમિતા!” ..મમ્માના અવાજમાં આશ્ચર્યનો- આઘાતનો રણકો હતો.
“એને પહેલા શાંતિનો શ્વાસ તો લેવા દો” દાદાજીએ બહાર પેસેજમાં પડેલી શમિતાની બેગ ઉઠાવીને અંદર લીધી અને બારણું બંધ કર્યું. શમિતાને લાગ્યું જાણે દાદાજીએ એક આખા ભૂતકાળની વરવી યાદોને એ બારણા બહાર છોડી દીધી. હવે કોઈ ભૂતાવળ નથી, ક્યાંય કોઈ અવઢવ નથી. હવે એને એવી કોઈ યાદો સ્પર્શી નહીં શકે જેને એ પાછળ મૂકીને આવી છે.
વર્ષાબેનનો અજંપો વધતો જતો હતો. મનમાં ઉઠતો ધ્રાસ્કો કંઇક અજુગતું બન્યાના એંધાણ આપતો હતો.
“શમિતા, આમ? આવી રીતે? સાવ અચાનક? કહ્યું હોત તો તને એરપોર્ટ લેવા આવત અને પ્રણવ ક્યાં? વર્ષાબેનના સવાલો ખૂટતા નહોતા.
“ શમિતા પાછી આવી છે, પ્રણવથી છૂટી થઈને..”દાદાજીએ એક જ વાક્યમાં કહી દીધું..
*****
 અને શમિતાએ આ છ મહિનામાં બનેલી ઘટનાઓનું પોટલું ખુલ્લુ મૂકી દીધું. “ મમ્મા, મેં એ બધું જ કર્યું જે તેં શીખવાડ્યું હતું. તું કહેતી હતી ને કે સાસરીમાં સાકરની જેમ ભળી જજે અને કસ્તૂરીની જેમ મહેંકી ઉઠજે પણ કસ્તૂરીની મહેંકને માણે એવા એ સાચના સંબંધોના માણસો નહોતા એમના સંબંધો કાચના હતા. કસ્તૂરીની મહેંકથી મોહીને એને મારે એવા શિકારી હતા. મમ્મા, ફોન પર તને હું કહેતી હતી એ બધી જ ઠાલી વાતો હતી તારા જીવને દુઃખ ન થાય ને એટલે.”
“હું તને કહેતી રહી કે મારા મમ્મીજી તો હું ઓફિસથી પાછી આવું ત્યારે બધી રસોઈ તૈયાર રાખે છે, અમે બધા સાથે જમીએ પછી પ્રણવ અને પપ્પા થઈને કિચનનું કામ આટોપે અને પછી અમે બધા શાંતિથી બેસીએ. ક્યારેક વીકએન્ડમાં સાથે બહાર જઈએ, મુવી જોઈને બહાર જમીએ…આમાનું કશું જ બન્યું નહી મમ્મા, હું ઘાણીના બળદની જેમ પિલાતી રહી.”
“પ્રણવને માત્ર રસ હતો મારી સિટિઝનશીપ અને એના આધારે મળતા ગ્રીનકાર્ડ પર. એના મા-બાપને રસ હતો એમને અને એમના ઘરને સાચવે અને કમાઈને ઘર ભરે એવી છોકરીમાં.  મા, મેં જોબ ચાલુ રાખી, તું કહેતી હતી એમ એના પરિવારને પ્રેમથી સાચવવા મથી. એણે શું કર્યું ખબર છે? મમ્મા, એને એક ઘર જોઈતું હતું, એની વાત માનીને અમે ઘર લેવાનું નક્કી કર્યું . એ ઘર પણ મારા નામે લીધું. સિટિઝન હતી ને ! પ્રોપર્ટી તો મારા નામે જ લેવાય ને! અમે જોઈન્ટ બેંક એકાઉન્ટ ખોલાવ્યો હતો. એને ગ્રીન કાર્ડ મળ્યું અને જોઈન્ટ એકાઉન્ટમાંથી બધા જ પૈસા ઉપાડીને એ અડધી રાતે ક્યાં ચાલ્યો ગયો એની ય મને તો ખબર નથી.”
“મમ્મા, સતત હું મારી કેરિયર અને કુટુંબ વચ્ચે તાલમેલ સાચવવા પુરેપુરુ મથી પણ જ્યાં પાત્ર જ ખોટુ હોય ત્યાં ગમે એટલુ કેસર ઘોળેલું દૂધ ભરોને તો ય એની કોઈ કિંમત જ નહી. પ્રણવને તો જોઈતું હતું મની મશીન. જે નોટો છાપે અને એ માત્ર મઝા કરે. મમ્મા તને મેં કીધુ નહોતું પણ મારી પરમેનન્ટ જોબ સિવાય પણ મેં વીકએન્ડમાં જોબ શરૂ કરી હતી. બેંકનું મોર્ગેજ બને એટલું જલ્દી ભરી શકાય એના માટે એણે મને સમજાવી લીધી.મને પણ ખબર નથી પડતી કે હું એવી કેવી એના મોહમાં આવી ગઈ કે એના કીધે. એના તાલે મેં નાચ્યા કર્યું.”
“શમિતા, શાંત થા”. વર્ષાએ એક શ્વાસે બોલતી શમિતાને જરા પોરો ખાવા કીધું.
પણ આજે શમિતા ઠલવાઇ જવા માંગતી હતી.
“મમ્મા, તમે બધાએ મને રોકી હતી પણ તમારી વાત એ વખતે મારા મનમાં ઉતરતી નહોતી. હું ઝઝૂમી, ઘણું મથી મારો સંસાર બચાવવા. કયા મોઢે હું પાછી આવું તમારી પાસે?”
“બેટા, જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર અને દિકરી પરણીને પરાઈ થાય પણ માવતર તો હંમેશા એના માટે ત્યાં જ નજર બિછાવીને બેઠા હોય છે જ્યાં એ એના કંકુવાળા થાપાની છાપ છોડી ગઈ હોય છે. કંકુવાળા થાપાની છાપ ભલે ઝાંખી થાય પણ દિકરી માટેની મમતા જરાય ઝાંખી નથી થતી અને છોકરાઓ ભૂલા પડે તો મા-બાપનું ઘર તો હંમેશા એમના માટે ખૂલ્લુ જ રહેવાનું”
વર્ષા શમિતાના વાંસે હાથ ફેરવતા એને હળવી કરવાનો આયાસ કર્યો.
“ મને ખબર છે. મમ્મા પણ હું પોતે સંજોગોએ સર્જેલી કસોટીમાંથી મારી રીતે પાર ઉતરવા મથતી હતી”
“અરેરે દિકરી તેં આટલું બધું વેઠ્યું અને અમને અંધારામાં રાખ્યા? તારા નિર્ણયોમાં અમારી સંમતિ નહોતી એનો અર્થ એવો નહોતો કે અમે તારી સાથે નહોતા. તું સુખી થઈ હોત તો અમને આનંદ થયો જ હોત પણ અમે માત્ર તારા સુખના સાથી બનીએ એટલા સ્વાર્થી પણ નથી. અમારું જે કંઈ છે એ અંતે તો તારું જ છે ને?” હર્ષદભાઈની આંખો તરલ થઈ ગઈ.
ડેડી, મારામાં મને વિશ્વાસ હતો. ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી ઉભા થઈને ફરી એકવાર મારે મારું આકાશ સર કરવું હતું અને હું ખુશ છું આજે હું એ કરી શકી છું. દાદાજીને લગભગ બધી જ ખબર હતી. એ દૂર રહીને પણ મને માનસિક સધિયારો આપતા રહ્યા હતા. ગુંચવાયેલું કોકડું ઉકેલવા મને સધિયારો અને સમજ આપતા રહ્યા. ખાલી તમને અને મમ્માને મારે જણાવવું નહોતું. કેમકે હું મારી જાતે ખોદેલી ખાઈ મારી જ મહેનતથી પુરવા માંગતી હતી. મને ખબર હતી જે ક્ષણે તને કે ડેડીને ખબર પડશે કે તરત જ તમે મને ઉગારવા, મને સંભાળી લેવા આવીને ઉભા રહેવાના જ છો અને મારે એ જોઈતું જ નહોતું. મમ્મા-ડેડી હું એ ગુંચવાયેલું કોકડું ઉકેલીને અહીં આવી છું. પણ હા! હવે મારે ત્યાં રહેવું નહોતું. એ શહેરના તમામ રસ્તાઓ જ્યાં પ્રણવ અને હું ક્યારેક ફરેલા એ રસ્તાઓ પરથી મારે પસાર નહોતું થવું. અહીંની સરસ મઝાની જોબમાંથી ટ્રાન્સફર લઈને મેં ત્યાં કામ કર્યું ત્યારે પણ પ્રણવે કોઈ કસર છોડી નહોતી. મને મનથી અને ધનથી ખાલી કરીને એ જતો રહ્યો..  મારા મનમાં એણે કુટુંબની આખેઆખી વ્યાખ્યા જ બદલી નાખી છે. આજ સુધી તમને બંનેને એક થઈને નિર્ણયો લેતા અને એ નિર્ણયોને અમલમાં મૂકતા જોયા હતા. મને પણ એવું જ હતું કે હું અને પ્રણવ એક થઈને અમારા સંસારની ઈમારત ઉભી કરીશું જેમાં અમારી મહેનતનો રંગ અને પ્રેમનું સુશોભન હશે.
“પણ બસ હવે હું એ બધું જ ભૂલીને હું ફરી એકવાર મારી રીતે ઉભી થઈ ગઈ છું.. પોકળ અને પામર પુરવાર થયેલા સંબંધોની પેલે પાર મારી એક આગવી ઓળખ ઉભી કરીશ. હવે ફરી એકવાર મારી કારકિર્દીની એક નવી ઈનિંગ રમવા તૈયાર થઈ ગઈ છું. હું સક્ષમ હોઈશ તો ફરી એકવાર એક નવો આશિયાનો પણ ઉભો કરીશ. થોડો વખત હું નબળી પડી ગઈ હતી એની ના નહી પણ હું હારી નથી ગઈ  કે નથી મારા જીવનના એ ભૂતકાળનો ડંખ મનમાં સંઘરીને મારી જાતને કોસવાની. દરિયા કીનારે ઉભા હોઈએ અને પગની નીચે મોજુ આવે, પગને થોડા પલાળીને પાછું વળી જાય. આપણા પગ નીચેની રેતી ય સરકી જતી લાગે પણ પગ સ્થીર હોય તો આપણે સરકી નથી જતાને ? બસ એવી રીતે હું મારા પગને સ્થીર રાખીને આગળ વધીશ. પ્રણવ નામના મોજાથી મારા પગની સ્થીરતાને ડગવા નહી દઉ એ વાત પણ નક્કી. હા! થોડા દિવસ નિરાંત જીવે મનગમતું એકાંત માણીશ અને કાલે કોઈ એક નવો સંબંધ જે મને સમજે એને સ્વીકારવા પણ તૈયાર રહીશ.”
એ શમિતા આજે આટલા વર્ષે પણ માત્ર અને માત્ર પોતાની રીતે આગળ વધી રહી છે અને એ પોતાની કંપનીમાં અને સમજુ સાથીના સહકારથી સ્થીર અને સુખી જીવનમાં ખુશ છે. કસ્તૂરી એની પોતાની સુવાસથી મહેંકી રહી છે.

રાજુલ કૌશિક

1 thought on “21-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-રાજુલ કૌશિક

  1. કારકિર્દીનો સંઘર્ષ થીમ કરતા સામાજિક સામાન્ય તકલીફોનું વર્ણન વધુ લાગે છે. ભાષા સારી છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.