૧૮-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન

માતૃત્વની મહેક

અશેષ, પરંતુ
    આપણાં લગ્નને ત્રણ વર્ષ પૂરા થયાં. આ ત્રણ વર્ષમાં તેં મને ઘણો પ્રેમ આપ્યો. રાજાની રાણી જેવું સુખ આપ્યું. એશ-આરામ અને સુખ સાહ્યબીના સાધનોમાં જ મારે જીવવાનું હતું. છતાં પણ મને ભીતરમાં કંઈક ઓછપ લાગતી હતી. શું ઓછપ હતી તે જણાવતાં પહેલાં થોડી મારી અતીતની વાતો કહીશ.
   શ્રીમંત પરિવારમાં મારો જન્મ થયો હતો. એકનું એક સંતાન હોવાથી હું મમ્મી અને પપ્પા બંનેની ખૂબ જ લાડકી હતી. ખૂબ જ લાડકોડમાં મારૂં બાળપણ વિત્યું. પપ્પા તો મને દીકરી નહીં પણ દીકરો જ ગણતાં હતાં. પપ્પાએ મારા બધા જ શોખ પૂરાં કર્યાં હતાં. સંગીત મને અત્યંત પ્રિય હતું અને એની તાલીમ પણ મેં લીધી હતી. ખાવાનું બનાવવાનો પણ મને બહુ ગમતું. બધાં જ મને સ્વાદ સામ્રાજ્ઞી કહીને બોલાવતાં. ભણતરમાં પણ મેં એમ. એ ની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. આ બધી પ્રવૃત્તિ સાથે પપ્પાએ અમારા કુટુંબ અને સમાજનો વિરોધ સહન કરીને પણ મને ઘોડેસવારી, ક્રિકેટ, ચેસ અને કરાટેની તાલીમ અપાવી હતી. વક્તૃત્વમાં પણ મને કોઈ પહોંચી શકે નહીં. ‘વુમન્સ ડે’ પર મેં સ્ત્રીની શક્તિ, સ્ત્રીની પહોંચ, સ્ત્રીની ખૂબીઓ અને સ્ત્રીની મહાનતાને સાંકળીને આપેલા વક્તવ્યમાં મને આંતર રાષ્ટ્રીય કોલેજ સ્પર્ધામાં પ્રથમ ઈનામ મળ્યું હતું. રૂપ, ગુણ અને સંસ્કારના ત્રિવેણી સંગમ જેવી મારી પ્રતિભા હતી. મારા બધા જ શોખ અને મારી બધી જ ઈચ્છા પૂરી કરી શકે એવા રાજકુમાર સાથે મને પરણાવવાની મારા પપ્પાને ઈચ્છા હતી. ખેર! વિધાતાને કંઈ જૂદુ જ મંજૂર હતું.
     મારા પપ્પાને ધંધામાં અચાનક જ મોટી ખોટ સહન કરવી પડી. નુકસાન અકલ્પનીય હતું. તારા પપ્પાએ એટલે કે પપ્પાજીએ મારા પપ્પાને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા હાથ તો લંબાવ્યો પણ સાથે મારા હાથની પણ તારાં માટે માંગણી કરી. મારા પપ્પા આ માંગણી સ્વીકારવા તૈયાર ન હતા. તમારૂં કુટુંબ ખાનદાન છે અને સમાજમાં તમારૂં નામ છે એ વાત પપ્પા જાણતાં હતાં પણ તેમને એ ખબર હતી કે તમારી વિચારસરણી જૂની છે. તમારી રૂઢિચુસ્તતાનાં કારણે મારાં બધાં જ શોખ પર જો આ સંબંધ માટે હા પાડવામાં આવે તો પૂર્ણવિરામ મૂકાઈ જાય એમ હતું. મારા પપ્પાને આ વાત મંજૂર ન હતી. મમ્મી પાસેથી જ્યારે આ વાતની ખબર પડી ત્યારે મેં પપ્પાને કહ્યું કે જો તમે મને સાચા અર્થમાં દીકરો માનતા હો તો તમારી તકલીફનાં આ સમયે મને કામમાં આવવા દો. મને આ સંબંધ બાંધવામાં કોઈ જ વાંધો નથી. હું રાજીખુશીથી અને દિલથી આ બંધનમાં જોડાઈશ. હું ક્યારેય કોઈ ફરિયાદ નહીં કરૂં. આમ પણ તમારા ભાવિ જમાઈના ભણતર અને સંસ્કારીતાની મને જાણ છે. એમના સાલસ સ્વભાવ સાથે હું મારા શોખને જૂદા સ્વરૂપમાં ઢાળી દઈશ.
         પછી તો આપણા લગ્ન થઈ ગયા. મધુરજનીથી પાછા આવ્યા બાદ બીજા જ દિવસે સવારે મમ્મીજીને પગે લાગીને મેં હોંશથી કહ્યું “મમ્મીજી આજે તો મારાં હાથે નવી જ વાનગી બનાવીને હું બધાને ખવડાવીશ.” પણ મારી વાતને વચ્ચેથી જ કાપતાં મમ્મીજીએ કહ્યું “આપણે ત્યાં એ બધી નવા જમાનાની વાનગીઓ નહીં ચાલે. તારે આ ઘરની પ્રણાલિકા મુજબનું ખાવાનું જ બનાવવાનું છે.” મેં મનને મનાવી લીધું. થોડા દિવસ પછી મેં સંગીતના વર્ગ ઘરે ચાલુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો પણ મમ્મીજીએ કહ્યું “આપણા કુટુંબમાં આવા બધા કામ ન શોભે”. મેં આ વાત પણ સ્વીકારી લીધી. મારા ભણતરનો ઉપયોગ થાય એ માટે મેં શાળામાં ભણાવવા જવા માટે પરવાનગી માંગી. મમ્મીજીએ તરત જ કહ્યું “આટલી દોમદોમ સાહ્યબી છે તો તારે પંતુજીની નોકરી કરવાની શી જરૂર છે?”.
આવા તો ત્રણ વર્ષમાં અનેક પ્રસંગ બન્યાં પણ મેં ક્યારેય તમને ફરિયાદ નથી કરી. તમને આ વાતો અંગે પહેલા નથી પૂછ્યું કારણ કે મને ખબર હતી કે મંજૂરીની મહોર તો મમ્મીજી જ મારી શકે. અલબત્ત, મમ્મીજી મને પ્રેમ જરૂર કરતાં હતાં.
           બે મહિના પહેલા જ્યારે મને મા બનવા માટેનાં એંધાણ દેખાયા ત્યારે તો ઘરમાં બધા જ ખુશ થઈ ગયાં. મમ્મીજી તો મારૂં વિશેષ ધ્યાન રાખવા લાગ્યા. તે દિવસે મેં સહજભાવે કહ્યું કે મને તો પહેલી બેબી આવે તો બહુ ગમશે ને ત્યાં જ મમ્મીજી પ્રથમ વાર કંઈક ગુસ્સા સાથે બોલી ઉઠયાં” ખબરદાર, બેબીનો વિચાર પણ કરતી નહીં. પહેલો તો બાબો જ જોઈએ. ને હાં! હમણાં બહાર કોઈને આ વાત જાહેર કરતી નહીં. હું કહું તે પછી જ આ સમાચાર તું તારા ઘરે જણાવીશ.”ત્યારે તો હું કંઈ સમજી નહીં એટલે ચૂપ રહી પણ ગઈકાલે જ્યારે તમે કહ્યું “આશા, કાલે આપણે ડોક્ટર પાસે જવાનું છે. મમ્મી સાથે આવશે. ડોકટર મમ્મીની ખાસ બહેનપણી છે. આમ તો ગર્ભ પરિક્ષણની મનાઈ છે પણ આપણને ખાનગીમાં જાણવા મળી જશે. બાબો હશે તો તો સારૂં જ છે પણ જો બેબી હશે તો મમ્મીની ઈચ્છા છે કે ગર્ભપાત…” મેં તમને વચ્ચેથી જ અટકાવી દીધાં. ત્યારે તો હું ખામોશ રહી. મારૂં સ્ત્રી સ્વાતંત્ર્ય સોનાની બેડીમાં જકડાયેલું હતું તો યે તમારા પ્રેમમાં મેં ઘણું બધું મેળવી લીધું હતું. તમારા પ્રેમાળ સ્વભાવની ઓથમાં મને પિંજરાના સળિયાઓના બંધનમાં ઊડવાનું પણ મંજૂર હતું. ખેર! આજે જ્યારે મારા માતૃત્વ સામે પડકાર થયો છે ત્યારે હું ચૂપ નહીં રહું. હું ઈચ્છું છું કે સોનોગ્રાફીમાં મને બેબી હોવાનું જ નિદાન આવે. હું એ બેબીને તમારા બધાની ઈચ્છા નહીં હોય તો પણ જન્મ આપીશ. ગઈકાલની વાતથી મને તમારા પ્રત્યે થોડી નફરત થઈ અને થોડી દયા પણ આવે છે. મમ્મીજીની જેમ તમને પણ બેબી નહીં જોઈતી હોય તો હું તમારા માર્ગમાંથી ખસી જવા તૈયાર છું. કોઈપણ જાતના બદલાની અપેક્ષા વગર હું રાજીખુશીથી તમને ફારગતિ આપીશ. તમારા બીજા લગ્ન જલ્દીથી થઈ જાય તે માટે હું પ્રાર્થના કરીશ. હા!  હું મારા પિતા પર બોજ નહીં બનું. મારા ભણતરનો ઉપયોગ કરીને હું મારા બળ પર બેબીને મોટી કરીશ. તમારો ત્રણ વર્ષ સુધીનો પ્રેમ મારી જિંદગીની અમૂલ્ય સોગાદ બની રહેશે. આપની ઈચ્છા સાંજે ડોક્ટર પાસે જતાં પહેલાં જણાવશો. તમારી જ આશા.
              સવારના ઓફિસે જતાં પહેલાં અશેષને આપેલા આ પત્રના જવાબમાં આશા ફોનની રાહ જોઇ રહી હતી. કંઈ કેટલી મંગળ અમંગળ કલ્પનામાં એ ઘેરાયેલી હતી. ત્યાં જ અશેષ અચાનક જ બપોરના ધરે આવી ગયો. દરવાજાથી પ્રવેશતાં જ એણે પ્રથમ વાર ઉંચા અવાજે કહ્યું “આશા, આજે તો તારા હાથની કોઇ નવી જ વાનગી ખાવી છે ને લે આ પરી જેવી બેબલીનાં ફોટા. આપણાં શયનખંડમાં ચારે બાજુ લગાવી દઈશું.” અશેષે બધાની વચ્ચે જ જાણે એમની ઈચ્છા દર્શાવી દીધી હતી. આશાને એનો જવાબ મળી ગયો. એની આંખો આંસુથી છલકાઈ ઉઠી. વાતાવરણમાં માતૃત્વની મહેક પ્રસરી ગઇ.

રોહિત કાપડિયા

1 thought on “૧૮-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન

  1. વાર્તા સરસ બની. આત્મ કથાનકની રીત પણ સરસ. છેલ્લા ફકરામાં પણ એ જ રીત રાખી હોત તો સારી લાગે. અચાનક છેલ્લો ફકરો બદલાયો. હવે મુખ્ય વાત એ કે ગમે એટલી સારી વાર્તા પણ સ્પર્ધામાં મૂકીએ તો થીમ જળવાવી જોઈએ. અહીં ફક્ત કૌટુંબિક સંઘર્ષ સારી રીતે રજુ થયો. કારકિર્દીની કોઈ વાત જ નથી! સરસ લખી શકો એમ છો તો થીમ અનુસરવી એ મુખ્ય વાત.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.