શ્રુતિ , તું સાચે જ મને અને આ ઘરને છોડી ને જતી રહેવાની છો ? પછી હું શું કરીશ ?”
” એ તો તું જાણે ! – તારા જીવનમાં મારૂં કોઈ સ્થાન નથી. દરેક વસ્તુ તારી ઇચ્છા પ્રમાણે થવી જોઈએ. તને અમેરિકા આવવું હતું તો મારે મારુ ભણવાનું છોડવું પડ્યું ! તને એવો કોઈ દિવસ વિચાર આવ્યો કે શ્રુતિને પણ મહત્વાકાંક્ષા હશે !! મારે શા માટે ગીવ ઈન કરવું , દરેક વાતમાં ? હું કંટાળી ગઈ છું. તું તારે તારા મનસ્વીપણે રહેજે.”
એટલું કહેતાં તો શ્રુતિને કપાળે પરસેવાનાં બિંદુ આવી ગયા. શ્રવણનાં માં – બાપ નો ટેકો ના મળ્યો હોત તો શ્રુતિએ કદાચ હિંમત ન કરી હોત પણ તેઓએ કહ્યું કે અમે તારી સાથે છીએ. શ્રવણને પીવાની બૂરી લત પડી ગઈ હતી. એને આ લતમાંથી છોડાવવા તેઓએ પણ શ્રુતિને સાથ આપ્યો. વાત જાણે આમ બની.
પંદર વર્ષ પહેલા શ્રુતિ જયારે શ્રવણને પહેલીવાર મળી ત્યારે બંન્નેને એકબીજા પ્રત્યે ચુંબક આકર્ષણ થયું હતું. બન્ને એકબીજામાં મુગ્ધ હતા. શ્રુતિ સ્લીમ , દેખાવડી, નજરને ગમી જાય તેવી અને શ્રવણ પણ જુવાનીને આંગણે પહોંચેલ ફૂટડો જુવાન. શ્રવણે શ્રુતિને કોફી પીવા આમંત્રણ આપ્યું અને શ્રુતિ માની ગઈ. કોફી પીતા એકબીજાંને મુગ્ધતાથી જોતા રહ્યા.
શ્રુતિ આર્ટ્સમાં હતી અને શ્રવણ નું કોમર્સમાં છેલ્લું વર્ષ હતું. શ્રુતિને હજુ બે વર્ષ બાકી હતા. ત્યારે શ્રવણે અમેરિકા જવાનો વિચાર દર્શાવ્યો . તેને અમેરિકન વિઝા મળેલ હોય ત્યાં જઈ સેટલ થવા વિચારે છે. શ્રુતિ અવાક બની સાંભળી રહી. છેલ્લે શ્રવણ જીતી ગયો. શ્રુતિએ સંગીત જતુ કર્યું અને શ્રવણ સાથે લગ્ન કરી અમેરિકા પહોંચી ગઈ. વર્ષો વિતતા વાર ન લાગી
શ્રુતિ બે બાળકોની માતા બની. પોતાનાં કુટુંબ સાથે શ્રુતિ ખૂબ વ્યસ્ત રહેતી. બન્ને બાળકોને મોટા કરવામાં પાંચ વર્ષ ક્યાં નીકળી ગયા એ ખબર ન પડી. શ્રવણની એકની કમાણી
પર ઘરસંસાર ચલાવવો મુશ્કેલ બનતો જતો હતો. શ્રુતિ બહાર કામ શોધવા લાગી. અને તેને કામ મળી ગયું.
બન્ને ભુલકાઓને તૈયાર કરી ઠંડીમાં એ બહાર નીકળતી. મોટા નીલને શાળામાં મુક્તી અને નાની નેહાને કિન્ડર ગાર્ડન માં મુક્તી . ત્યાંથી ડ્રાઈવ કરી કામે પહોંચતી. કોઈક વખત સમયસર કામે ન પહોંચાય તો લંચ જતુ કરવું પડતું. ત્રણ વાગે ઓફિસેથી નીકળી પહેલાં નીલને લેતી અને પછી નેહાને લઇ ઘરે આવતી. ઘરે આવતાં ચાર, સાડા ચાર થઇ જતા.
છોકરાંઓ બિમાર હોય ત્યારે મુશ્કેલી પડતી. દિવસ ભાંગવો પડતો. અને પગાર કપાઈ જતો. શ્રવણ સવારે સાત વાગ્યે ઘરેથી નીકળતો અને સાંજના છ વાગ્યે ઘરે આવતો.
શ્રુતિ ઘરે આવી બન્ને બાળકોને ખવડાવતી, સંભાળ લેતી અને રસોઈ બનાવતી. તેમાં શ્રાવણના માં – બાપ દેશથી ફરવાં આવ્યા ત્યારે તો હદ જ થઇ ગઈ. બધી જવાબદારી શ્રુતિ ઉપર આવી જતી. ગમે તેટલું કરે પણ જાણે તે પહોંચી ન્હોતી વળતી. તેને લાગતું કે તેની કોઈ કિંમત નથી કરતુ. શ્રવણ તો જાણે બદલાઈ જ ગયો હતો. પ્રણયની પૂંજી તો સાવ ખાલીખમ દેખાતી. તે રોટલી બનાવતી ત્યારે પોતાની જાતને રોટલીનાં લોટ સાથે સરખાવતી થઇ ગઈ. પીસાવાનું , ખેંચાવાનું, શેકાવાનું અને સર્વેને રાજી રાખવાનું. શ્રુતિનું મન ખૂબ આરૂ બની ગયું. એવા નિરાશામય વાદળોમાં એક આશાનું કિરણ દેખાયું. ઘણાં વર્ષો પછી તેની કોલેજની સખી સાધના તેને અચાનક મળી. બન્ને એકબીજાને જોઈ ભેટી પડ્યા અને ખૂબ ખૂશ થયા. જીવન કેમ ચાલે છે તેની એકબીજાને માહિતી આપી અને પાછા ક્યારે મળશું તે નક્કી કર્યું ! સાધનાએ પોતાનાં ઘરે વીકેન્ડમાં એક પ્રોગ્રામ રાખ્યો હતો અને તેમાં શ્રુતિ અને શ્રવણને આમંત્રિત કર્યા. શ્રુતિએ શ્રવણને વાત કરી અને એ માની ગયો. બન્ને બાળકોને લઇ સાધનાને ત્યાં ગયા. ગાવાના પ્રોગ્રામમાં શ્રુતિએ એક કળી ગાયને ભાગ લીધો. હાજર રહેલાં સર્વેને ખૂબ ગમ્યું અને તેને આવકારી. પછી તો ખૂબ પ્રોત્સાહન મળ્યુ . નાના નાના પ્રસંગોમાં ભાગ લેવાનું અને સાથ આપવાનું. શ્રુતિને ગાવાનું ગમતું. તેને
થયું હું શા માટે થોડી ટ્રેઇનિંગ ન લઉં અને મારી જાતને કેળવું ? તેણે આજુબાજુમાં તપાસ કરી મ્યુઝીક ક્લાસીસ શોધી કાઢ્યા અને ભરતી કરી. તેની ધગશ જોઈ મ્યુઝીક ટીચરે તેને વીકેન્ડ ના પ્રોગ્રામમાં ભાગ લેવા કહયું. તેમાં સાધનાએ પણ સાથ આપ્યો. શ્રવણને વાત કરી, તેણે વાંધો ન લીધો.
સાધનાની મદદથી એક લગ્ન પ્રસંગે શ્રુતિને ગાવાનો મોકો મળ્યો . શ્રુતિએ મન દઈ લગ્નનાં દરેક પ્રસંગને અનુરૂપ ગીતો ગાયા. તેનાં ગીતો સૂરમાં અને સુંદર હતા, સર્વેને આનંદ થયો. તે પ્રસંગના તેને $1500 ડોલર મળ્યા. શ્રુતિ ખૂબ રાજી થઇ ગઈ. તેણે ચાલુ કામ છોડી આ રીતે મળતા ગાવાનાં પ્રોગ્રામમાં વધુ ધ્યાન આપવા લાગી. વીકેન્ડ ના પ્રોગ્રામથી એને સારી કમાણી થવા લાગી. લોકો તેની પ્રશંસા કરતા. તેના ફોટા ન્યુઝપેપરમાં આવવા લાગ્યા નીલ અને નેહા નાના હતા પણ બન્નેને સંગીત ગમતું. તેમની મમ્મી સાથે થોડું થોડું ગાતા. પણ આ બધી હલચલમાં શ્રવણ તદન અતડો થઈ ગયો. શ્રુતિને બધા માન અને અગત્યતા આપતાં તે તેના સંકુચિત માનસને અનુકુળ ન આવ્યું. તેનો ઈગો યાને કે
અહમને ભારે ઝટકો લાગ્યો. અત્યાર સુધી શ્રુતિ એનું કહ્યું કરતી અને ઘરમાં જ રહેતી. હવે તે બહારની દુનિયા સાથે હળીમળી પોતાનું એક આગવું સ્થાન મેળવી રહી હતી. શ્રવણને માટે આ અશોચનીય હતું. તે શ્રુતિથી અળગો થતો ગયો. ક્યારે પીવાની લત ચાલુ કરી તે શ્રુતિને જાણ ન હતી. પણ દરરોજ મોડો આવતો થયો. આવે ત્યારે તેના શરીરમાંથી દારૂની વાસ આવતી. છોકરાઓ સાથે પણ પ્રેમથી જે પહેલાં સમય વિતાવતો તે હવે ટાળતો. શ્રુતિ ભાંગી પડી. તેણે સાધનાને ફોન જોડ્યો।
“સાધના, મને એ સમજાતુ નથી કે હું થોડું વધારે કમાઈને લાવું કે લોકો મને થોડી વધારે અગત્યતા આપે તો શ્રવણ એ કેમ અપનાવી નથી શકતો? શું બધા પુરુષોને આ ઈગો યાને કે અહમ નડતો હશે? ખૂબ પ્રેમ સભર સબંધ પણ પોતાના અહમને પોષવા ન્યોછાવર કરવા તૈયાર થઇ જાય છે. અમે કેવા એકબીજામાં ઓતપ્રોત જીવતા હતા. હું કેવી રીતે શ્રવણને સમજાવું કે એક બીજાના પૂરક બની રહેશું તો આ જીવનનું રગશિયું ગાડુ તેના નિશ્ચિત સ્થાને પહોંચશે નહીં તો વચમાં જ ભાંગી પડશે !! ભગવાને સૃષ્ટિની રચના કરી ત્યારે સ્ત્રી અને પુરુષ બન્નેને સર્જ્યા . કારણકે એ બન્ને વિના તો નવ સર્જન શક્ય નથી. તેમાં પ્રેમ, લાગણી, સ્નેહ, ઈર્ષા, અહમ અને વિનાશ આ સઘળા તત્વો મૂક્યા છે અને મને એમ લાગે છે કે અહમનો સારો ભાગ પુરુષોમાં જ જવા દીધો છે. તું મારી સાથે સહમત થાય છે સાધના? તું કેમ કાંઈ બોલતી નથી?”
સાધનાએ હા પાડી પણ બીજુ કશુ બોલી નહી. શ્રુતિ એ કહ્યું ,” સાધના, હું મારો સંસાર વેરવિખેર કરવા તૈયાર નથી. મેં આ ગાવાનો પ્રોગ્રામ છોડી દેવા નિર્ણય કર્યો છે. તને ખરાબ લાગશે પણ મારી પાસે બીજો કોઈ માર્ગ નથી.” સાધના અવાચક બની સાંભળી રહી. તેને દુઃખ થયું. શ્રુતિનું ગાવાનું બંધ થશે એટલે આવક પણ બંધ થઇ જશે.
સાધના વિચારતી રહી. કેવી રીતે શ્રુતિના જીવનમાં આવી પડેલ મુશ્કેલી અને સમશ્યાને નિપટુ ? તેને થયું શ્રવણ પહેલા તો આવો નહોતો. શું સાચે જ શ્રુતિને મળતી પ્રસિદ્ધિ તેને માનસિકતાની કસોટી પર લાવી મૂકી દીધો છે? કદાચ તેને અંદરથી તેનું મન કોરી ખાતું હશે પણ તેનો ઇગો તેની સમજદારીને પાસે નહી આવવા દેતો હોય! હું શું કરું ? તેણે દેશમાં ફોન જોડ્યો અને શ્રવણનાં મમ્મી, પપ્પા સાથે વાત કરી. તેઓને શ્રવણ અને શ્રુતિના વર્તમાન પરિસ્થિતિમાં ચાલતા સંઘર્ષનો ખ્યાલ આપ્યો. એમનું લગ્ન જીવન બચાવી લેવા તેઓ શું કરી શકે એમ છે? એ પૂછ્યું!”
બન્નેનો પ્રતિભાવ ખૂબ હકારાત્મક આવ્યો. તેઓએ કહ્યું ,” શ્રુતિને કહે, જો શ્રવણ ન માને, ન સુધરે તો બન્ને બાળકોને લઇ એને છોડી દે. અમે તારી સાથે છીએ ! અમે અમેરિકા આવીએ છીએ. શ્રુતિને અમારો પૂરેપૂરો સાથ છે. શ્રવણને કોઈપણ હિસાબે સુધારવો જ રહયો . એને ઝાટકો લાગશે તો જ એ સુધરશે અને અમોને ખાત્રી છે કે એકવાર એ લતમાંથી બહાર આવશે તો શ્રુતિ એને સંભાળી લેશે.”
સાધના મનોમન વિચારી રહી- આવું જ કંઈક કરીએ. શ્રવણને “શોક ” ટ્રીટમેન્ટ ની જરૂર છે . એણે કદી સ્વપ્નમાં પણ નહી વિચાર્યું હોય કે શ્રુતિ એને છોડીને જવાની વાત કરશે.
તરત તેનો અમલ કરવા તેના માં – બાપ અમેરિકા આવી ગયા અને શ્રુતિએ શ્રવણને કહી નાખ્યું ,” શ્રવણ! જો તું નહીં સુધરે તો હું આ બન્ને બાળકોને લઇ તારા ઘરમાંથી નીકળી જઈશ . હવે નિર્ણય તારે લેવાનો છે.”
શ્રાવણના માં-બાપે પણ કહ્યું કે અમે શ્રુતિની સાથે જશું . તારી સાથે નહી રહીએ. શ્રવણથી આ સહન ન થયું. એણે જીવનમાં જે મેળવ્યું હતું તે સરી જતી રેતી સમાન સરી જતું લાગ્યું. એકાએક તે રડી પડ્યો. માં-બાપની માફી માંગી . શ્રુતિનો હાથ પકડી તેને અટકાવી અને વચન આપ્યું કે હવે પછી તે દારૂને હાથ નહી લગાવે અને શ્રુતિનાં દરેક કાર્ય અને સફળતામાં એ પૂરો સાથ આપશે !!
વાર્તા ગમી. જોડણીદોષને બાદ કરતાં વાર્તાતત્ત્વ સરસ. આજના જમાનામાં આ જ સંઘર્ષ મોટાભાગના નોકરિયાતને આ પુરુષ અહમ નડે છે. અંત સામાન્ય લાગ્યો બાકી સરસ.
LikeLike