અવલોકન -૪૩-૪૪-ખાસ ઘડિયાળ

….૧….
sw_clock

     અમારા  સ્વિમિંગપૂલમાં એક મોટા વ્યાસવાળું, ખાસ ઘડિયાળ છે. તેમાં કલાકનો કાંટો જ નથી! સેકન્ડનો અને મિનિટનો એમ બે જ કાંટા છે. ડાયલ પરના આંકડા પણ મિનિટ દર્શાવતા જ છે.  ૦ થી ૬૦ સુધીના –  ૧ થી ૧૨  નહીં.

       કારણ સાવ સરળ છે. તરવા આવનાર માટે તે કેટલો વખત તરવા માંગે છે, તેનું માપ જ જરૂરી હોય છે. કો’ક પંદર મિનિટ તરે તો કો’ક અડધો કલાક, તો કો’ક વીરલા એક કલાક પણ તરે. એ ગાળો આ ઘડિયાળ માપી આપે  તે પૂરતું હોય છે.

      આવી જ બીજી વિશિષ્ઠ ઘડિયાળ સ્ટોપ વોચ છે. કોઈ ઘટનાનો ગાળો આપણે ચોક્સાઈથી માપવો હોય તો સ્ટોપ વોચ વપરાય છે. જેવું તેનું બટન દબાવ્યું કે તરત જ સમયની માપણી શરુ. અને ફરી ‘ક્લિક‘ કરો એટલે સમય મપાતો બંધ થઈ જાય. આમાંય કલાક કાંટો નથી હોતો.

stop_watch

      આવું જ સમયનું પણ હોય છે. સમયનું માપ બધે એક સરખું નથી હોતું.  ગાડી કે પ્લેન પકડવાનાં હોય તો ત્યાંના સમય સાથે તાલ મિલાવવો પડે છે. પ્રિયપાત્રને મળવાનું હોય, તો તે ન આવે ત્યાં સુધી સમય જાણે થંભી ન ગયો હોય; એટલી બધી ચટપટી થાય છે. પાંચ મિનિટ જાણે પાંચ કલાક જેવી લાંબી લાગે છે! અને તે આવે પછી કલાકોના ક્લાકો ક્યાં જતા રહ્યા, તે પણ ખબર નથી પડતી!  આપણે કોઈ ચિંતા ભરેલી અવસ્થામાંથી પસાર થઈ રહ્યા હોઈએ ત્યારે તો સમય જાણે ખૂટતો જ ન હોય, તેમ આપણને લાગે છે. અહીં પણ ખરેખર કેટલો સમય થયો તેની આપણને ખબર પડતી નથી.

       જીવનની અંતિમ ક્ષણે કોઈ આપણી સ્ટોપ વોચનું બટન દબાવી દે છે;  અને સમય સ્થગિત બની જાય છે! ઘડિયાળ જોનાર વ્યક્તિ જ ગાયબ !

સમયનું માપ,
એને માપવાનાં સાધન,
સાપેક્ષ હોય છે.

….૨….

     તે દિવસે પૂલમાં પડતાં પહેલાં એ ઘડિયાળની નજીકથી પસાર થતાં એનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું . એનો સેકન્ડ કાંટો બીજી ઘડિયાળોની જેમ અચકાઈ અચકાઈને ચાલતો ન હતો. એ સતત આગળ વધતો હતો. થોડાક તક્નિકિ જ્ઞાનના આધારે એવા નિષ્કર્ષ પર આવ્યો કે, એમાં સપ્લાયના પાવરથી ચાલતી, ઈલેક્ટ્રિક મોટર હશે; પલ્સ આપતી  યાન્ત્રિક રચના નહીં હોય. મોટર એ વધારે સસ્તું, સરળ અને ટકાઉ સાધન હોય છે. આ ઘડિયાળમાં સમયની ચોક્કસતા બહુ અગત્યની નથી હોતી. પૂલમાં તરનાર વધારેમાં વધારે એકાદ કલાક જ રહે. એમાં એકાદ સેકન્ડ આમ કે તેમ હોય; તેમાં કાંઈ તાત્વિક ફરક પડતો નથી. જ્યાં માપની ચોક્કસતા જરૂરી ન હોય ત્યાં વધારે મોંઘું કે વિલક્ષણ સાધન વાપરવું જરુરી નથી હોતું.

જેવો ઘાટ એવું ઘડામણ.

     જરુર કરતાં વધારે જટિલતા શા માટે? સાદગીનો પણ મહિમા હોય છે. એની પણ ગરિમા હોય છે. આપણે ઘરમાં એક જણ હોઈએ છીએ, ઓફિસમાં બીજા , અને કોઈ અગત્યના સમારંભમાં ત્રીજા જણ હોઈએ છીએ.

ઘડિયાળ અલગ અલગ . પણ સમય તો સમય જ. 

મ્હોરાં અલગ, પણ મ્હાંયલો ? !

અને. સમાપને એક કવિતા….

સમય ભૂલાવે ભાન, એવું કહો છો મારા ભાઇ!
હતા કદીયે ભાનમાં? તે ભૂલીયે પાછા ભાઇ?!

સમય સમયની બલિહારી છે, એવું કહો છો ભાઇ!
સમય આવે ને મન ઊઠે, એમેય બને છે ભાઇ!

સમય વર્તે સાવધાન, તે ભારી બંકા ભાઇ !
શેરને ય માથે સવાશેર છે, તે પણ સાચું ભાઇ!

સમયનાં વાજાં સમયે વાગે, તે તો સાચું ભાઇ!
સંકટનાં પડઘમ ના શમતા, તેનું શું કરવું ભાઇ?

સમય જતાં સહેવાશે, એવું કહો છો ભાઇ!
પણ દિલની આ ઊલઝન, શેં કદિ ન ઊલઝે ભાઇ?

કોઇને માટે નથી અટકતો, સમય તે સાચું ભાઇ!
પગલે પગલે અટકાવી દે, તેનું શું કરવું ભાઇ?

શ્વાનનો ય સમય આવશે, એવું કહો છો ભાઇ!
રાહ એની શેં જોવી? મુજને સમઝાવો ભાઇ!

ક્યારે ય કોઇનો થયો નથી, આ સમય, મારા ભાઇ
ખયાલ બદલું તો તને ય નાથું, એ પણ સાચું ભાઇ!

સમય સમય બલવાન છે, તે તો સાચું ભાઇ!
પણ નિર્બલકે બલ રામ છે, તે પણ સાચું ભાઇ!

3 thoughts on “અવલોકન -૪૩-૪૪-ખાસ ઘડિયાળ

  1. તમારા હાથમાં સો રૂપિયાવાળું ટાઈટન ઘડિયાળ હોય તો એ તમને સમય દેખાડે છે, પણ એક લાખ રુઇયા વાળું રોલેક્ષ ધડિયાળ હોય તો એ તમારો સમય દેખાડે છે.

    Liked by 1 person

  2. સમયની ખરેખર બલીહારી છે. મારા હીસાબે દેશમા કોંગ્રેસ અને બીજેપી બન્ને માટે ખરાબ સમય ચાલી રહ્યો છે. એવું જ મહારાષ્ટ્રમાં શીવસેના અને કાશ્મીર માટે સમજવું….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.