અભિવ્યક્તિ -૩૦-‘સીંગતેલ ક્યાં?’

‘સીંગતેલ ક્યાં?’

સોનું અને સીંગતેલની ખરીદારીમાં ખરી સમજદારી હતી એ સમયને સલામ!

ખાસ કરીને ઘરમાં પ્રસંગ આવવાનો હોય એ વર્ષ દીકરી કે દીકરાનો બાપ સોનું અને સીંગતેલની પાકે પાયે વ્યવસ્થા કરી નિશ્ચિંત થઇ જતો એ યુગ હવે અસ્ત થયો.

દેવ દિવાળીના કોડિયામાં છેલ્લું છેલ્લું તેલ પૂરાયા પછી ફળિયામાં રેંકડામાં સીંગતેલના તેલના ડબ્બા ઉતરવા શરૂ થાય. કોઈને ત્યાં બે-ત્રણ તો કોઈને ત્યાં છ-સાત. જેવો જેનો ‘વસ્તાર’ અને જેવી જેની પહોંચ. પંદર કિ.ગ્રા.નાં આ મોટાં ટીન કોઠાર, રસોડું કે નાની ઓરડીનાં ખૂણામાં ગોઠવાય એટલે આખા વર્ષની પરમ શાંતિ! અલબત્ત, એક જ ફળિયામાં સીઝનનું સીંગતેલ ન ભરી શકે છતાં સંતોષ અને સ્વમાનથી જીવતાં અન્ય કુટુંબો પણ છૂટક શુદ્ધ સીંગતેલ ખરીદીની એટલી જ કાળજી રાખતાં.

ટૂંકમાં, અમારા અર્થતંત્રની ધોરી નસમાં શુદ્ધ સીંગતેલ વહેતું એ વાત કોણ માનશે?

જેમણે ચોમાસા પછી લહેરાતાં મગફળીનાં લીલુડાં ખેતરો અને ભાદરવાના આકરા તડકામાં સૂકાતા મગફળીના છોડના ઢગલા નથી જોયાં, જેમણે તાજા લીલવણી માંડવીના ઓળા નથી ચાખ્યા અને મુઠ્ઠી ફાટ સીંગદાણા નથી જોયા, જેમણે તાજી પીલાતી મગફળીની સોડમ નથી લીધી, ‘એમનો એળે ગયો અવતારજી’!

એ મોટા ટીનમાંથી બરણીમાં ઠલવાતા સીંગતેલની સોનાવર્ણી ધાર અને ખૂશ્બૂ પર કદિ કોઈ કવિને કાવ્ય રચવાનું કેમ સ્ફૂર્યું નહિ હોય?

કડાઈમાં દડા જેવી ફૂલાઈને ઝારીને હલેસે તરતી પુરીની સોડમ છોડતું, ઊંધિયાનો સ્વાદ અને સુગંધ રેલાવતું, ગરમાગરમ ગોટા, ગાંઠિયા અને ભજીયાં તળતું, લાલ ચટ્ટક અથાણામાં તરતું, ઢોકળાં, હાંડવો અને પાટવડી સાથે જામતું, દાળ પર વઘાર બની શોભતું, રોજ હનુમાનદાદાને ચઢતું, મંદિરમાં પ્રજ્વલિત દીપશીખા માટે બળતું, નવરાત્રીમાં માતાજીના અખંડ દીવામાં પુરાતું શુદ્ધ સીંગતેલ આજે છે અને છતાં નથી.

એક સમય હતો જયારે ગુજરાતમાં સીંગતેલ સિવાય બીજાં કોઈ ખાદ્યતેલનો પ્રવેશ નિષેધ હતો! આજે તો ઘણાં પ્રકારના ખાદ્યતેલોના કેરબા, જાર અને બોટલો આપણા સ્ટોરરૂમોમાં ગોઠવાઈ ગયાં છે. સીંગતેલની મોનોપોલી તૂટી રહી છે. બીજી તરફ સીંગતેલ આરોગ્ય માટે હાનીકારક હોવાના વૈજ્ઞાનિક તારણો પણ નીકળ્યાં છે. કોઈ એક બ્રાન્ડ તો એવો દાવો કરે છે કે વારંવાર ખાદ્યતેલ બદલાતા રહેવું સ્વાસ્થ્ય માટે હિતાવહ છે!

ખરેખર, મગફળીના લીલાંછમ્મ ખેતરો ઘટતાં જાય છે અને પીળાં અને સફેદ ખેતરો વધતાં જાય છે. તલનું તેલ, કપાસિયાનું તેલ, સનફલાવર તેલ, રાઈસબ્રાન તેલ, પામોલિન તેલ, રાયડાનું તેલ, મકાઈનું તેલ…લીસ્ટ લાંબુ જ થતું જાય છે. ઓલિવ ઓઈલ અને એના પણ વિવિધ પ્રકારોના ઉપયોગ પ્રમોટ કરતી ફૂડ ચેનલો અને શેફ તો જાણે સીંગતેલના દુશ્મન જ બની બેઠા છે! અરે, કોઈ ઓળખ વિનાના ‘એક્ટિવ’, ‘સ્લિમ’ કે ‘હેલ્ધી’ જેવા વિશેષણોને નામે વેચતાં ખાદ્યતેલો ગૃહિણીઓનું શોષણ કરે છે અને ખિસ્સાં કાપે છે. ‘ખાદ્યતેલ જેમ વધુ મોંઘુ એમ વધુ સારું’ એવી માનસિકતાથી આજનો ગ્રાહક પીડાય છે. અલબત્ત, સીંગતેલના શોખીન હજી સાવ મરી નથી પરવાર્યા. આજે પણ એવા બંદા પડ્યા છે જે સંપૂર્ણપણે (હોટેલ-રેસ્ટોરાં સિવાય) સીંગતેલના વપરાશનો આગ્રહ રાખે છે.

મને તો લાગે છે કે જેમ સીંગતેલનો વપરાશ ઘટતો જાય છે તેમ ‘સ્ટેન્ટ’ મૂકાવવાવાળાની સંખ્યા વધતી જાય છે. નિતનવા સંશોધનો બહાર પડતાં જાય છે. મને આશા છે કે એક દિવસ કોઈ જર્નલમાં રિપોર્ટ આવશે, ‘મૂંહફલી જૈસા કોઈ તેલ નહી’!

બસ, ત્યારે સૌરાષ્ટ્રના રસ્તાની બન્ને તરફ તમારી નજર પડે ત્યાં સુધી ચાસ પડેલાં લીલાંછમ્મ ખેતરો ફરી પાછાં લહેરાતાં દેખાશે. ત્યારે ઘેરઘેર કુણી રોટલી માટે લોટમાં શુદ્ધ સીંગતેલનું મોણ નખાતું થશે અને મંદિરોમાં ૧૦૦% શુદ્ધ સીંગતેલનાં દીવાઓનો પ્રકાશ પથરાશે. બાકી, અત્યારે તો….’સીંગતેલ ક્યાં?’

૩૬) આવું કેમ ? રશિયા : મારી નજરે !

રશિયા : મારી નજરે !
એક કલ્પના કરો : ઘરમાં મા- બાપ , દાદા બા અને દીકરો – દીકરી સૌ ડાઇનિંગ ટેબલ પર જમવાં બેઠાં છે અને દાદા પોતાના સમયની કોઈ વાતો કરી રહ્યા છે.. છોકરાંવને કદાચ ગમતું નથી , પણ બધાં જ શાંતિથી દાદાને સાંભળી રહ્યાં છે.. કેવું સુંદર , અદભુત દ્રશ્ય છે, નહીં? ઘરમાં બધાં સાથે , હળીમળીને રહેતાં હોય !એક બીજાને અનુકૂળ થઈને જીવતાં હોય!
પણ હવે એ દ્રશ્ય પાછળનું બેકગ્રાઉન્ડ જણાવું : અને તમારી માન્યતા બદલાઈ જશે !
રશિયાના વીસમી સદીના પ્રારંભે શરૂ થયેલ કમ્યુનિષ્ટ રાજ્ય યુગનું અને ઓગણીસ સો નેવું પહેલાનું – એક સામાન્ય ઘરનું આ દ્રશ્ય છે.. એ એવો સમય હતો જયારે :
બધાં સામ્યવાદના કડક અમલમાં ડરી ડરીને જીવતાં હતાં . કોઈને કાંઈ આડું અવળું કરવા વિચારવાનોય હક્ક નહોતો ! એક્ચ્યુઅલી , કોઈને જાણે કે વ્યક્તિગત અસ્તિત્વ જેવું જ નહોતું !
રશિયાના પાટનગર મોસ્કો એરપોર્ટ પર ઉતર્યાં પછી અમે જયારે અમારી હોટલ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે મેં ત્યાંના વિશાળ આંઠ ટ્રેકના રસ્તાઓ જોયા , અને તેની બન્ને બાજુએ તોંતિગ આંઠ- દશ માળના , અડધો બ્લોક લાંબા એપાર્ટમેન્ટ બિલ્ડિગ જેવા કાંઈ કેટલાયે મકાનો જોયા! બસ્સો – ચારસો એપાર્ટમેન્ટ્સ ( કે વધારે ) હોય એવા આ ભેંકાર લાગતાં બિલ્ડીંગો વિષે જાણવાની મારી જીજ્ઞાશા વધતી જતી હતી .. ત્યારે નહીં ; પણ બે ચાર દિવસ બાદ સમજાયું કે વીસમી સદીના સામ્યવાદી રશિયાની એ સમાજ વ્યવસ્થા હતી!
યુરોપના દેશોમાં હોય છે તેવા નાનકડા એપાર્ટમેન્ટથી પણ નાનાં અને સાંકડા એવાં બે બે એપાર્ટમેન્ટ વચ્ચે એક કોમન રસોડું – બાથરૂમ ધરાવતા આ બસ્સો ચારસો કુટુંબોનાં રહેઠાણોમાં મોટા ભાગે સંયુક્ત કુટુંબો રહેતાં ;અને સરકારે નીમેલા અમલદારોના કહેવા પ્રમાણે બધાએ કામ કરવાનું રહેતું ! કોઈ કાંઈ ઉહાપો કરે તો સીધા સાયબેરિયા ભેગા ( જેલમાં )!!
ઘણું બધું માન્યામાં ના આવે , પણ અમેરિકામાં જે રંગ ભેદ હતો, ને કાળા – ધોળાં લોકો માટે જે ખુલ્લેઆમ વહેરો આંતરો હતો તે શું માન્યામાં આવે છે?અને હા , રશિયા કે અમેરિકાની વાતો જવા દો ,આપણાં દેશમાં તો હજુ આજે પણ ઉંચ નીચના ભેદ છે! ફલાણી જાતિના લોકોથી આ મંદિરમાં ના જવાય , પેલા કુવેથી પાણી ના લેવાય .. વગેરે વગેરે!
તો લેખના પ્રારંભે જણાવેલ દ્રશ્ય આવા એક ઘરનું, કુટુંબનું ,હતું !
જો કે રશિયામાંથી સામ્યવાદનું ઝેરી વાદળું હઠી ગયા પછી આજે ત્રીસ વર્ષે પણ આ તોંતિગ મકાનોનું શું કરવું તે એ લોકો નક્કી કરી શક્યાં નથી, પણ પ્રાઇવેટ માલિકો જ્યાં ત્યાં આ મકાનોભાડે આપે છે ખરાં પણ ભવિષ્યમાં એને તોડીને કાંઈ નવું બનાવશે ..
રશિયાની સરખામણી કોની સાથે કરું ?
કદમાં અમેરિકા કરતાં ૧.૮ ગણો મોટો અને વસ્તીમાં અમેરિકા કરતાં અડધો!રશિયા એટલે પૃથ્વી ઉપરનો સૌથી મોટો દેશ ! આપણાં ભારત કરતાં પાંચ ગણો મોટો પણ વસ્તી જુઓ તો દશમાં ભાગની!! .વળી ઠન્ડી પણ પડે એટલે શિયાળો તો ભારે જ હોય( શિકાગોની જેમ ?)
પણ, રશિયાનો ઇતિહાસ ને સંસ્કૃતિ હજ્જારો વર્ષ પુરાણી છે.આમતો સામ્યવાદને લીધે કોઈને ધર્મ સ્વાતંત્ર્ય નહોતું પણ ક્રિસ્ચ્યનિટીનો ફેલાવો સામ્યવાદ પૂર્વે , છેક હજાર વર્ષ પહેલાથી . અમે ઠેર ઠેરસુંદર ચર્ચ અનેકેથેડ્રલ ( એક પ્રકારના મોટાં ચર્ચ) જોયા. જેમ આપણે સોમનાથ મંદિર કેદ્વારિકાધીશના મંદિરનો ઇતિહાસકહીએ એ રીતે અમારી ગાઈડે એ બધાનું વર્ણન કર્યું . મોટાંમસ મ્યુઝિયમ કે જેને નિરાંતે જોતાં આઠ વર્ષ લાગે તેવાં આર્ટ્સના મ્યુઝિયમને અમે કલાકમાં ન્યાય આપ્યો ! એની કલાકારીગરી અને વિષય વસ્તુ આપણી સઁસ્કૃતીથી ક્યાંક જુદા પણ જોયા ..,કોઈ સ્ત્રીઓને સતી થતી કે જોહર કરતી હોય તેવાં પેઈન્ટિંગ્સ ક્યાંય જોયા નહીં ; હા , પ્રેમ શૃંગાર ફ્લર્ટ વગેરે થીમ જરૂર જોયા..
પણ જે જોઈને રશિયા વિશ્વની મહાસત્તા હશે તેવો અહેસાશ થયો તે હતું મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગમાં જોયેલ તોપો અને ટેન્કોનું પ્રદર્શન ! રશિયાએ એની તાકાતનો પરિચય દુશમ્નો સાથેના યુદ્ધમાં બતાવ્યો જ છે: નેપોલિયનને હંફાવ્યો અને પછી હિટલરને પણ!“એમાં શું?”કોઈએકહ્યું ,”આટલો મોટો દેશ હોય તો એનું લશ્કર પણ મોટું જ હોય ને ?ખોબલા જેટલા નાનકડા ફ્રાન્સનું કે જર્મનીનું એની સામે લડવાનું શું ગજું?”અને મન અજાણતા ભારતના ઇતિહાસમાં ડૂબી ગયું ! આપણાં ગુજરાતના કદ જેવડો દેશ બ્રિટન અને એમણે ૨૦૦ વર્ષ સુધી ભારતને ગુલામ રાખ્યો ! આવું કેમ?અરે સમૃદ્ધ સંસ્કૃતિની વાતો કરતો મારો દેશ જ્યાં સ્ત્રીઓ પોતાનું પાવિત્ર્ય જળવાઈ રહે તે માટે સમૂહમાં ચિતા પર ચઢી જોહર કરતી હતી ; એવી બહાદ્દુર વીરાંગનાઓના પતિદેવોમાં મહમદ ગીઝની જયારે ચડી આવ્યો ત્યારે ભેગાં થઈને એનો સામનો કરવાની કોઈનામાંયે તાકાત નહોતી !! આવું કેમ? શું આપણી પાસે લશ્કરનહોતું ? કે આપણામાં સમ્પનો અભાવ હતો?રશિયાના સામ્યવાદની ટીકા કરનારા આપણે ,વ્યક્તિ સ્વત્રંત્રય નહોતું’ કહી ટીકા કરનાર આપણે , આપણા શહેરના માથાભારે ગુંડાઓને હટાવવા શું કરીએ છીએ ? આવું કેમ? અરે, પ્રત્યેક ઘરમાં સંયુક્ત કુટુંબમાં રહેતી વ્યક્તિઓ શું પ્રેમથી જ હળીમળી ને રહેતી હોય છે કે પછીસંજોગોને આધિન થઈને, મન મારીને પરાણે સહન કરતી હોય છે ઘરનાને સહી લેતી હોય છે? હેં , આવું કેમ?રશિયામાં હવે નવો પવન આવી રહ્યો છે ! અનેસાથે નવા લોકશાહીના પ્રશ્નો પણ ! તમે નવા પવન સાથે જુના વાતાવરણનો અનુભવ પણ કરશો ..રશિયનો દારૂ ખુબ પીએ! હવે નવા રશિયામાં દારૂ સાથેડ્રગ્સ અને નાઈટ લાઈફ પણ ઉમેરાયા! ભગવાન બુદ્ધની જેમ હું પણ કોઈ મધ્યમ માર્ગની શોધમાં અટવાઉં છું .. “આવું કેમ? “બુદ્ધે તેમના શિષ્ય આનન્દને પૂછ્યું હતું : મારો પણ એજ પ્રશ્ન છે:આવું કેમ?

૪૦- (હકારાત્મક અભિગમ) – આત્મમંથન-રાજુલ કૌશિક

ભૂતપૂર્વ બરાક ઓબામાની કારકિર્દી હજુ નજીકનો જ ભૂતકાળ છે. બરાક ઓબામાએ અમેરિકન પ્રેસિડન્ટ તરીકે આઠ વર્ષ સેવા આપી. એવા બીજા ય પ્રેસિડન્ટ હશે જેઓ સામાન્ય ચાર વર્ષનો શિરસ્તો ચાતરીને ફરી પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા હશે. એવા જ એક ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ફ્રેંકલિન રૂઝવેલ્ટ, જેઓ લગાતાર ચાર વાર અમેરિકન પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા અને બાર વર્ષ સુધી સેવા આપી એટલું જ નહીં પણ બીજા વિશ્વયુધ્ધ વખતે પણ યુનાટેડ સ્ટેટ્સને લીડરશિપ અપાવી.

આજે એમની સફળ કારકિર્દી કરતાં ય એમના વ્યક્તિત્વ વિશે વાત કરવી છે. ફ્રેંકલિન રૂઝવેલ્ટને એક ટેવ હતી. દિવસ આખો પસાર થયા પછી રાત્રે તેઓ તેમના દિવસભરના કામો વિશે મંથન કરતા. આખા દિવસ દરમ્યાન તેમણે કરેલા કામો, મંત્રણાઓ કે મહત્વની પ્રવૃત્તિથી માંડીને અલગ અલગ અનુભવનું સરવૈયું ચકાસતા જેથી કરીને પોતાનાથી થયેલી ભૂલને સુધારવાનો અવકાશ મળે.

કેવી સરસ વાત!

આપ આરોપી અને આપ જ જજ. પણ આ જજ સાચુકલા હતા. એમણે કરેલા આત્મમંથનમાંથી પોતાની જાત માટે કેટલીક તારવણી કરી અને જોયું કે એમનામાં મુખ્ય ત્રણ દોષ હતા.

સમય વેડફવો ,બીન જરૂરી બાબતોમાં ચંચૂપાત કરવો અને લોકો સાથે નિરર્થક ચર્ચાઓ કરીને એમની વાતોનું ખંડન કરવું અથવા વિરોધ કરવો.

હવે? ફ્રેંકલિન રૂઝવેલ્ટ તો સફળ નેતા હતા એ તો સૌએ સ્વીકારી લીધેલું સત્ય હતું. એમને વળી ક્યાં પોતાના ગુણ-દોષને ત્રાજવે તોળવાની જરૂર હતી? બીજું કોઇ હોય તો આપવડાઈ અને મોટાઈમાં રાચતું થઈ જાય પરંતુ તથસ્થ એવા ફ્રેંકલિન રૂઝવેલ્ટે વિચાર્યું કે જ્યાં સુધી આ દુર્ગુણો દૂર નહીં થાય ત્યાં સુધી બધું જ વ્યર્થ છે. એકવાર નિર્ણય કર્યો પછી એમણે શરૂ કર્યું એક પછી એક દોષ વિશે સતર્ક રહીને એને નિર્મૂળ કરવાનું. સાથે સાથે એમાં પોતે કેટલી પ્રગતિ કરી શક્યા એ પણ ચકાસતા રહેતા. આમ ઘણા સંઘર્ષ પછી એમણે પોતે શોધી કાઢેલા દોષ પર એ કાબૂ મેળવી શક્યા. શક્ય છે એના લીધે અમેરિકાને આટલા પ્રભાવશાળી- શક્તિશાળી વ્યક્તિત્વ ધરાવતા પ્રેસિડન્ટ મળ્યા.

આ આખી વાત પરથી એક વાત તો ફલિત થાય છે કે જ્યારે જે કોઇ સંજોગો હોય એમાં અન્ય કરતાં પોતાની જ જવાબદારી વધુ હોય છે. માણસનો સૌથી મોટો દુશ્મન એ ખુદ હોય છે. સાથે એક વાત પણ નિશ્ચિત છે કે માત્ર પોતાના ગુણ-દોષ પારખીને કે આત્મમંથન કરીને પોતાની જાતને ઉતરતી માની લેવાની ય જરૂર નથી.

જરૂર છે આત્મમંથનની અને એમાંથી માખણ તારવવાની. વ્યક્તિ જ પોતે તટસ્થ રીતે પોતાના ગુણ- દોષ પારખીને જો એમાંથી શું સારું કે શું સાચું એ નક્કી કરી લે તો ઘણી બધી સમસ્યાનો આપમેળે ઉકેલ આવી જાય.

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

હેપ્પી ફાધર્સ ડે !

હેપ્પી ફાધર્સ ડે !
માતૃ મહિમા ઉપર ઘણું લખાયું છે …પિતા વિષે લખેલ આ દુહાઓ આપ સૌ ને જરૂર ગમશે .

🙏પિતા સમો ના ભગવાન !

જીવનને ઉંબરે મુંઝાઉં , રોવું , તો યાદ આવો હવે આપ !
તવ શબ્દો સુઝની સરવાણી ગુંજતી , પિતા સમો ના ભગવાન ! (1)

માડીના હેતથી ગુંજતા વિશ્વને , કહેવાદોને મને આજ ;
પુત્ર વિયોગે પ્રાણ ત્યજા જેણે , એ રાજા દશરથ ની વાત !(2)

કાળીનાગ સાથ જેણે સંતતિ હિત કાજે નદી પાર કરી મધરાત ;
નિજ જીવન હોડ મૂક્યું , યાદ કરો આજ એ પિતા વસુદેવ ની વાત !(3)
ખેતરમાં હળ કે ગાડીમાં સ્ટિયરિંગ વિહ્લ, ઘરને ચલાવે એમ બાપ !
ઉગ્ર બની શિસ્તનું પાલન કરાવનાર , સઁસ્કાર સિંચવનાર બાપ (4)

પ્રાણ પુરે , ઘર કાજ કાળી મજૂરી કરે , જીવન ખર્ચીદે આમ !
રક્ષણ કુટુંબનું , ગૌરવ સમાજમાં , જેના થકી તે છે બાપ !(5)
મૌન રહી એકાંતે દુઃખના ઘૂંટડા ગળી, પિતા કવચ પહેરે આમ ;
અંતે એ જશ બધો માડી પર ઢોળી દે , પિતા સમો ના ભગવાન !(6)પા પા પગલી કરાવી જીવનની રાહ ચીંધે , સુખનો પવન વીંઝે બાપ ;દુનિયાદારીની મેલી રમતને સમજાવે અલગારી બાપ !(7)જીવનને ઉંબરે મુંઝાઉં , રોવું તો યાદ આવો તમે આમ ;પિયરની વાટ પિતા દૂર બહુ ભાસે છે , તમ સમ ના કો ભગવાન ,તમ સમ નથી રે ભગવાન (8) – ગીતા ભટ્ટ.

૩૪ – શબ્દના સથવારે – પિતા – કલ્પના રઘુ

પિતા

‘પિતા’ એટલે બાપ, તાત, જનક, બાબા, અબ્બુ. અંગ્રેજીમાં ‘father’ કહેવાય છે. ‘પીતા’ એટલે કટકો, અંગ્રેજીમાં ‘piece, fragment, bit, portion’ કહેવાય, પીવું, અંગ્રેજીમાં ‘drink, absorb, suck, inhale tobacco smoke’ કહેવાય છે. પરમેશ્વર કે જે સર્વનું રક્ષણ કરે છે તેને, બ્રહ્માજીને કે જેણે સૃષ્ટિનું સર્જન કર્યું છે એમને, સૂર્યનારાયણ કે જે આખી દુનિયાની પ્રાણશક્તિ છે તેમને ‘પિતા’ કહેવાય છે. જન્મ ના આપ્યો હોય પરંતુ પાલન પોષણ કરીને મોટાં કરે તે પાલક પિતા કહેવાય. ખેડૂતને જગતનો તાત કહેવાય છે. કોઇ શોધ કરનારને જે તે શોધના શોધક પિતા ગણવામાં આવે છે.

બાળકનો જન્મ માતા પિતાનાં સમાગમ થકી થાય છે. પિતા, માના અંગમાં તેનું બીજારોપણ કરીને છૂટાં થઇ જાય છે કારણકે માના ગર્ભાશયમાં બીજ, ફલિત થઇને બાળકનુ સ્વરૂપ લઇને ૯ મહિને બહાર આવે છે ત્યાં સુધી માતા અને બાળકનાં પોષણની તમામ જવાબદારી પિતાની હોય છે. માનું આંતરિક શરીર ગર્ભમાંથી વિકસતાં બાળકને સહાયક બને છે. જ્યારે પિતા તન-મન-ધનથી આવનાર બાળકની અને માની તંદુરસ્તી માટે સુસજ્જ બની જાય છે. આ પિતાને કુટુંબ-બાગનો માળી જ કહેવાય. ઇશ્વરે સંસારની રચના જ આ પ્રમાણે કરી છે. માટે જ માતૃદેવો ભવઃ પછી પિતૃદેવો ભવઃ કહીને પિતાને વંદન કરવામાં આવે છે. પિતા કરતાં માતા પર કવિતાઓ વધુ લખાઇ છે કારણકે માતાના શરીર થકી શિશુનું સર્જન થાય છે બાકી કોણ કોનાથી ચઢિયાતું તે ચર્ચાસ્પદ વિષય છે. બન્ને એકબીજાનાં પૂરક હોય છે. પિતા ઘરનો ‘મોભ’ છે તો માતા ‘આડી’ છે. મોભ એટલે છાપરાનાં ટેકારૂપ મુખ્ય આડું લાકડું. આજે સંદર્ભો બદલાતાં જાય છે. મકાનનાં બાંધકામમાંથી મોભ જતો રહ્યો છે એવાં સમયે મોભ શબ્દ પિતા માટે સમજવો રહ્યો. જેમ મોભને ઋતુ ઋતુનો માર સહન કરવો પડે, મોભારે પક્ષીઓ બેસે, વાંદરા કૂદે, આંધી-વરસાદનો બધો જ ભાર મોભને માથે હોય ત્યારે મોભને કારણે ઘરમાં વસતા સભ્યોને નિરાંત હોય છે. મોભ પોતે સહન કરે પણ પોતાને આધારે રહેનારને સાચવે છે. તે તેની જવાબદારી નિભાવે છે. તેની ભીતર કથા અને વ્યથા બન્ને હોય છે. ઘરનાં પૂર્વજોથી તે વાકેફ હોય છે. મોભારાની ઉંચાઇ પ્રાપ્ત કરવી તે જેવી તેવી વાત નથી. મોભ તૂટી પડતાં એટલે કે પિતાનાં મૃત્યુ બાદ કેટલાંય પરિવારો છિન્નભિન્ન થતાં જોવા મળે છે.

પિતા એટલે પુરુષત્વની મિસાલ! આદર્શ પુરુષનાં તમામ ગુણોની જીવંત મૂર્તિ એટલે પિતા! પિતા એટલે અનુશાસન. પરંતુ શ્રીફળની જેમ બહારથી દેખાતાં કઠણ અને કડક વ્યક્તિત્વની ભીતર કૂણું, માખણ જેવું હ્રદય જેમાં લાગણીઓનો લાવા ખદબદતો હોય એ તો માત્ર દીકરી જ અનુભવી શકે. દીકરીનાં સગપણ માટે ઉંબરા ઘસતાં પિતા અને સગપણ બાદ દીકરીનાં જાનૈયા સામે પાઘડી ઉતારનાર વિવશ પિતાની વાતો ક્યાં અજાણી છે?! પુત્ર હોય કે પુત્રી, ખભે કે માથે રાહતનો હાથ તો પિતાનો જ ફરતો હોય છે.

પિતા એટલે એક મૂક વ્યક્તિત્વ. મા, આસું દ્વારા દુઃખ વહાવે છે. તમામ ભાર પિતાને સોંપી દે છે. પરીવારજનોમાં બેલેન્સ કરવાનું કામ એક પિતાજ કરી શકે. દાઢી વધેલો ચહેરો, ઘસાયેલાં જૂતાં, કાણાંવાળાં અન્ડરવેર પહેરનાર માત્ર પિતા હોય છે. આર્થિક કે સામાજીક વિટંબણાંઓ સામે અંદર દાવાનળ અને બહાર હસતું મોઢું રાખી, આંખમાં ધસી આવતા આંસુને ગળી પીને યોગ્ય નિર્ણય એક પિતાજ લઇ શકે. પિતાને પત્ની, બાળક ઉપરાંત, પોતાના માતા-પિતા, તેમજ કૂળની જવાબદારી આજીવન નિભાવવાની હોય છે.

દેવકીએ કારાગારમાં કૃષ્ણને જન્મ આપ્યો પણ કાળી ડીબાંગ મધરાતે નદીના પૂરમાં કાનાને સૂપડામાં માથે મૂકીને નંદ-યશોદા ઘેર સુરક્ષિત પહોંચાડનાર તો એક પિતા હતા. રામનાં વનવાસનો ઘા પિતા દશરથથી ના જીરવાયો. કૌશલ્યાપુત્ર રામનાં વિયોગથી તરફડીને મૃત્યુને શરણ થયાં એક પિતા. અસુરો સામે લડવાની શક્તિનું માતાને ભાન કરાવનાર, તેમની શક્તિઓને જાગ્રત કરાવનાર હતાં, મહાદેવ.

સંસ્કાર સાથે વારસાની મૂડી પિતા પાસેથી મળે છે. આજની એ કરૂણતા છે કે હિન્દુ કુટુંબમાં વસિયતની સાથે ભાગલામાં દીકરાઓ વૃધ્ધ માને માંગે છે, વૃધ્ધ પિતાને નહીં. મા રોટલા તો ઘડી શકે, વૃધ્ધ પિતા કામમાં ના આવે. આજના વૃધ્ધ પિતાને સમસ્યા, પત્નીની હયાતી બાદ રોટલા ખાવાની હોય છે. માટેજ દીકરી,

માના મૃત્યુ બાદ વૃધ્ધ પિતાનાં લગ્ન કરાવતાં દાખલા જોવા મળે છે. ત્યારે એમ થાય કે પાશ્ચાત્ય દેશોમાં ફાધર્સ ડે નિમિત્તે પિતાનો એક દિવસ ઉજવાય છે તે આવકાર્ય છે. આજની પેઢી જેણે પિતા માટે કંઇ નથી કર્યું તે પિતૃઓથી ગભરાય છે પરંતુ માતા-પિતાનો આદર કરે છે તેને પિતૃદોષ કે કોઇ ગ્રહો નડતા નથી તે નિર્વિવાદ છે.

માતા સાથે પિતાનું પણ એટલું જ મહત્વ હોય છે. પુત્ર હોય કે પુત્રી, આજે પિતાને શબ્દાંજલિ થકી સાચુ તર્પણ કરીએ.

પિતૃ દેવો ભવઃ

અવલોકન -૪૦-પડછાયા

      આ શબ્દ સાંભળતાં કે વાંચતાં કોઈ અલગ જ અનુભૂતિ ઉપસી આવે છે. આપણો પડછાયા સાથે બહુ આત્મીય સંબંધ હોય છે. પડછાયો એક તરફ નકારાત્મક પ્રતિકૃતિનું રૂપ છે; તો બીજી તરફ તે હમ્મેશના સાથીનું સ્વરૂપ પણ ધરાવે છે.

       જ્યારે અજવાળું હોય છે ત્યારે જ પડછાયો આપણો સાથી હોય છે. તે કદી અંધકારમાં આપણને સાથ નથી આપતો!  સુખ સમયનો જ તે સાથી હોય છે. જેમ પ્રકાશ આપણાથી વધારે દૂર, તેમ પડછાયો લાંબો થતો જાય છે. જ્યારે પ્રકાશ માથા ઉપર હોય છે, ત્યારે પડછાયો સાવ ટૂંકો હોય છે. આ ઘટનાને આપણે અલગ અલગ રીતે મુલવી શકીએ.

      એક રીતે જોઈએ તો – જ્યારે આપણો સૂર્ય મધ્યાકાશે હોય;  જ્યારે આપણી કાર્યક્ષમતા તેની સોળે કળાએ ખીલી ઊઠેલી હોય; ત્યારે અભાવનો પ્રતિનિધિ એવો પડછાયો લગભગ નગણ્ય સ્વરૂપ ધરાવતો હોય છે. જ્યારે આપણો સૂરજ અસ્ત થવાની તૈયારીમાં હોય છે; ત્યારે પડછાયો તેમજ અભાવ બન્ને બહુ મોટાં મસ બની જતાં હોય છે.

      બીજી રીતે જોઈએ તો – પડછાયો આપણી મુશ્કેલ પરિસ્થિતિમાં આપણને વધારે મોટો બનીને સાથ આપે છે.  જ્યારે સાથની જરુર ઓછી હોય, ત્યારે તે લગભગ અદ્રશ્ય બની રહે છે.  તે યશનો નહીં દુઃખનો સાથી હોય છે.

      બીજી એક વાસ્તવિકતા એ પણ છે કે જ્યારે પ્રકાશની તરફ આપણી નજર હોય છે, ત્યારે આપણે પડછાયાને જોઈ શકતા નથી. પ્રકાશથી ઊંધી દિશામાં આપણી નિગાહ હોય ત્યારે જ તેનું અસ્તિત્વ આપણે અનુભવી શકીએ છીએ. જ્ઞાનથી, જાગૃતિથી વિમુખ થઈએ કે, તરત જ અજ્ઞાન અને નિદ્રા ઊભરાઈ આવે.

      આંખો મીંચી દઈએ તો? પ્રકાશ પણ ન રહે કે પડછાયો પણ નહીં!  અંધ થવામાંય એક જાતની નિરાંત હોય છે! જોઈએ તો દુખ કે સુખ થાય ને? દેખવુંય નહીં અને દાઝવુંય નહીં. અંધારઘેર્યા મધ્યયુગના સમાજની જેમ –  નહાવુંય નહીં  ને નિચોવવુંય નહીં.


bath_light_1

     અમેરિકાની સામાન્ય રીતરસમ પ્રમાણે, અમારી બાથરૂમમાં છ દીવાની એક હાર છે. અહીં ઘરની બાથરૂમમાં  ટ્યુબ લાઈટો ઓછી વપરાય છે. દીવા (lamp) વધારે. બાથરૂમમાં આ દીવાથી પડતો પડછાયો જૂદી જ જાતનો હોય છે. આપણી  આકૃતિના અનેક પડછાયા એકમેકની ઉપર પડતા હોય છે. આને કારણે પડછાયો નહીં પણ, છ પડછાયાનો એક સમૂહ રોજ જોવા મળે છે!  જેમ દીવાલની નજીક જઈએ તેમ આ છ યે આકૃ્તિઓ  સાવ નજીક આવી જાય, પણ થોડી ભિન્નતા તો રહે જ. જેમ દીવાલથી દૂર થતા જઈએ તેમ, આ આકૃતિઓ એકમેકથી દૂર થતી જાય. પડછાયાઓ પણ વધુ ને વધુ ધૂંધળા થતા જાય. જો દીવાની સાવ નજીક જઈએ તો પડછાયા એટલા બધા વ્યાપ્ત બની જાય કે તે સાવ આછા થઈ જાય છે. અહીં પડછાયાનું સ્વરુપ સાવ જુદી જ જાતનું હોય છે.

    જ્યારે વિચારો, દૃષ્ટિબિંદુઓ અનેક હોય ત્યારે પડછાયાની સ્પષ્ટતા જોખમાય છે! જેટલા આવા વિચારભેદની નજીક જઈએ તેટલા તે વધુ અસ્પષ્ટ બની જાય છે. એક જ દીવો હોય;  વિચારની એકલક્ષિતા હોય તો  પ્રતિબિંબ  કે પડછાયો સ્પષ્ટ ઊભરી આવે છે.


streetlight.jpg

     રસ્તા ઉપર ચાલતા હોઈએ ત્યારે પડછાયો બહુ અલગ જ રીતની વર્તણૂંક કરે છે. જેમ જેમ આપણે પ્રકાશથી દૂર જતા જઈએ તેમ તેમ તે લાંબો ને લાંબો બનતો જાય છે. આપણા અજ્ઞાનનું તે બહુ જ વાસ્તવિક પ્રતીક છે. જ્યારે રસ્તાની બે લાઈટોની બરાબર વચ્ચે હોઈએ ત્યારે,  બે વિચારધારાઓ વચ્ચે અટવાતા આપણા માનસની દ્વિધાનો તે  બરાબર પડઘો પાડે છે! બબ્બે પડછાયા આપણને ભુલાવામાં નાંખતા રહે છે – એક કહે ‘ હું સાચો પડછાયો.’  બીજો કહે , ‘ના! હું.’  જેમ જેમ એક લાઈટની નજીક આવતા જઈએ તેમ તેમ તેનાથી પડતા પડછાયાની જ પ્રબળતા હોય છે. ત્યારે બીજી વિચારધારાનો પ્રભાવ ક્ષીણ થતો જાય છે. બે અંતિમ બિંદુઓ વચ્ચે ઝોલા ખાતી આપણી ચિત્તવૃત્તિને  તે સાકાર કરે છે.

     આપણે એક એવી વ્યવસ્થા કલ્પી શકીએ કે, જેમાં સમસ્ત પર્યાવરણ પ્રકાશના પૂંજથી વ્યાપ્ત હોય. દા.ત. એક મોટો, અનેક લાઈટોથી ઝગમગિત હોલ. ત્યાં પડછાયો ગુમ થઈ જાય છે. ગમે ત્યાં નજર ફેરવો ત્યાં પ્રકાશ જ  પ્રકાશ હોય છે.  જ્યાં બધેથી પ્રકાશ આવતો હોય, કેવળ સત્ય જ હોય, ત્યાં અજ્ઞાન, અભાવ , અંધકાર , સુપ્તતા સંભવી જ ન શકે. પૂર્ણ જ્ઞાનની, સત્યપ્રકાશની અનુભૂતિ  કદાચ આવી હશે?


        હવે  પડછાયા કળાનો આ વિડિયો જુઓ …

     એમાં દેખાતા પડછાયા એક સાવ નવા નક્કોર અભિગમ તરફ અંગુલિનિર્દેશ કરી જાય છે. આપણે પડછાયાને આપણી ચિત્ત વૃત્તિ મૂજબ મૂલવીએ, એ એક વાત છે. પણ એક  કલાકૃતિના સર્જન માટે પણ તેનો ઉપયોગ થઈ શકે  છે.

      આ જણના સોળ સોળ વર્ષના  નવરાધૂપ ગાળાની એક નિષ્પત્તિ ‘હોબીઓ તરફ અનુરાગ’ છે. થોડીક પર હાથ અજમાવ્યો છે; પણ આવી અનેક જાતની હોબીઓ હોઈ શકે છે; તેની આછી ઝલક આવું કાંઈક નવું જોઈએ એન પરથી  મળે છે.

     સામાન્ય પડછાયાના અવલોકનની ભીતર મનના વિચારોની પ્રક્રિયા જ હતી – આ ૬૯ વરસના આયખામાં એકઠા કરેલ શિક્ષણ, સંસ્કાર, અભિગમ, ગમા, અણગમા; અને એવું બધું.

   પણ એ સિવાય પણ કશુંક સાવ અલગ હોઈ શકે છે – આ પડછાયા આકૃતિઓના વિડિયો જેવું. મૂળ ચીજ પર ક્યાંથી, કેવો પ્રકાશ પડે અને ક્યાં, કેવી રીતે ઝીલાય – એના આધારે પડછાયા સાવ અલગ જ આકાર ધારણ કરી શકે છે.  આપણે કદીયે જોયો કે કલ્પ્યો ન હોય તેવો આકાર.  પડછાયો માત્ર જ જોઈએ, તો મૂળ ચીજ કેવી હશે, એનો કોઇ અંદાજ  પણ બાંધી ન શકાય.

      આપણે અમૂક જ રીતે વિચારવા ટેવાયેલા હોઈએ છીએ. અવલોકનોનો અમૂક જ સિલસિલો હોય છે.

     પણ એની આરપાર, સાવ નવું જ વિશ્વ હોઈ શકે છે.

    સાવ નવી નક્કોર અનુભૂતિઓ થઈ શકે છે. 

     પડછાયાનું પણ એક શાસ્ત્ર હોય છે ! આપણી જાગૃત અવસ્થાનો આ હમ્મેશનો સાથી આપણને ઘણું બધું કહી જાય છે.


અને છેલ્લે….

ખરેખર કશુંયે સત્ય હશે ખરું?

કે બધોય માત્ર આભાસ જ?

આ બધા પડછાયાની કની ! 

અભિવ્યક્તિ -૨૯-છત વિનાની ‘દુકાન’

છત વિનાની ‘દુકાન’

આપણે ત્યાં અગરબત્તી મંદિરો કરતાં ફૂટપાથ પર વધારે સળગે છે.

પ્લાસ્ટર ઊખડેલ કમ્પાઉન્ડ વોલ પર લટકાવેલ આઈ શ્રી ખોડીયાર માતાજીના ફોટા સામે કે પતરાંની પેટીના ખૂલ્લા ઢાંકણા પર ચીપકાવેલ ચામુંડા માતાજીના ફોટા સામે કે લીમડાના વૃક્ષ નીચે ગોઠવેલ ગોગા મહારાજના ફોટા સામે અગરબત્તી ઘૂમાવી દિવસના ધંધાનો પ્રારંભ કરતા હજ્જારો ‘દુકાનદારો’ બે ઘડી માટે ફૂટપાથ મઘમઘાવતા હોય છે.

સવાર સવારમાં ફૂટપાથ પર ધાર્મિક ડેરી-મઝારમાં ખોડેલી અગરબત્તીની ‘જૂડી’ની ઉઠતી ધૂમ્રસેર અને એ બાંધકામની આડશમાં કે બંધ મકાનની દીવાલના ખૂણામાં ધમધમતી ચાની કિટલી કે શાકની લારી નજીક થતા ધૂપની ઉઠતી ધૂમ્રસેર જુઓ તો સમજવું કે છત વિનાની બધી ‘દુકાન’ ખૂલી ગઈ.

કોઈ વાર કાન માંડજો, આ ‘દુકાનો’માં અગરબત્તીઓ થાય ત્યારે તમને નકરા પુરુષાર્થની ઝાલર સંભાળશે.

અમારા એરિયામાં એક ફૂટપાથ પર વર્ષોથી જેઠો મોચી બેસે છે. સોરી, જેઠાની ‘દુકાન’ છે. સહેજ આગળ એક બંગલાની ફેન્સિંગ પાસે કાળુની સ્કૂટર રિપેરીંગની ‘દુકાન’ છે. થોડેક આગળ એલઆઈસીની કમ્પાઉન્ડ વોલ પાસે ઓપન-ટુ-સ્કાય બાર્બર ‘શોપ’ છે. પાછળ આઇઆઇએમની ફૂટપાથ પર જૂનાં પુસ્તકોની વર્ષો જૂની ‘દુકાન’ છે. કેટલાંય વર્ષોથી હું આવી ‘દુકાનો’ પાસેથી પસાર થાઉં છું પણ હું જાડી ચામડીનો થઇ જાઉં છું. ક્યારેક એ બધા ‘દુકાનદારો’ને હું એન્ક્રોચર્સ ગણી ધૂંધવાઉં છું.

કેવી હોય છે આ ‘ખૂલ્લી દૂકાનો’, નહિ? નહિ ઊપર છાપરું, નહિ બારી-બારણાં. નહિ આગળિયો-સ્ટોપર કે તાળાં છતાં એ ખૂલે અને બંધ પણ થાય! ફૂટપાથની ધૂળ પર બુઠ્ઠી સાવરણી ફરે અને અગરબત્તી થાય પછી એ ‘દુકાનો’નો વેપાર આખો દિ’ ધમધમે. તો ક્યાંક ફૂટપાથ પર બે પેઢી જૂની લાકડાની મોટી પેટી ‘દુકાન’ બનીને ખોડાણી હોય. એને નાનું અમથું તાળું માર્યું હોય. સવારમાં એનું ઢાંકણું ઉઘડે એટલે સમજો ‘દુકાન’ ઉઘડી.

અરે, તમે એક વખત આવી કોઈ છત વિનાની ‘દુકાન’ પાસે સમી સાંજે ઉભા રહી નિરીક્ષણ કરજો. તમે ‘દુકાન’ની શ્રદ્ધાપૂર્વક ‘વસ્તી’ કરતા ‘દુકાનદાર’ને જોઇને અવાક થઇ જશો. અંધારું થયા પછી એ ‘દુકાન’ અલોપ થઇ જાય! ત્યાં ‘રવિવારની રજા’ પણ ખરી! ટાઢ-તડકાની પરવા ન કરે પણ અનરાધાર વરસાદ હોય ત્યારે ફરજિયાત બંધ રહેતી આ ‘દુકાનો’ હું બંધ જોઉં છું ત્યારે ‘દુકાનદારો’ શું કરતા હશે એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો.

ખૂલ્લી ‘દુકાન’ની સુવાંગ માલિકી એમની. હા, કોઈને હપ્તો આવો પડતો હોય તો તો વહેવારની વાત ગણાય. કાં કોઈ બંગલાવાળો એમ વિચારે, ‘ભલે બેઠો બિચારો, કોઈના પેટમાં લાત શા ,અતે મારવી?’ આમ, કોઈના દયાભાવથી ‘દુકાન’ ટકી રહે. નહિ કોઈ રૂકો, નહિ કોઈ ગુમાસ્તા ધારાની ઝંઝટ! છતાં નૈતિક માલિકી એવી કે બીજી-ત્રીજી પેઢી સુધી કોઈ પેશકદમીનો ભય નહિ! કહે છે ને, ‘કબજો બળવાન છે’. વર્ષોથી આવી છત વિનાની ‘દુકાન’ એવી ને એવી જ ઊભી હોય. એ જ બાંકડા, એ જ ડબલાં, એ જ હનુમાનજી, એ જ ખોડિયારમા, એ જ પાવાગઢવાળી! Anupam Buch

ફૂટપાથની કોઈક શુકનવંતી ‘દુકાનો’ એવી પણ હશે જેના ‘માલિક’ ‘પાકી’ દુકાન ભેળા થયા હશે. પણ, સેંકડો જેઠાઓ અને હજારો મકનજીઓના નસીબમાં કમ્પાઉન્ડ વોલની આડશે અને રસ્તાના ખૂણામાં ‘દુકાનો’ ખોલી બેસવાનું હોય છે. ત્યાં રોજ કચરો વળાય છે, રોજ અગરબત્તી થાય છે. ત્યાં રોજ તાળાં વિનાનો ગલ્લો અને પાંચના પેટ ભરાય છે!

૩૫ ) આવું કેમ ? આજનું રશિયા !

આજનું રશિયા !
મને ઘણાં વર્ષોથી એ તોતિંગ અભેદય દીવાલોની પેલી પાર શું થઇ રહ્યું છે તે જાણવાની ઉત્સુકતા હતી !
અને આજે , એ જ કિલ્લાઓને ભેદીને , ત્યાંની આમ જનતા સાથે વાર્તાલાપ કરવાની મને તક મળી છે!
હા, એક વખતના કમ્યુનિષ્ટ દેશ રશિયાની ધરતી પરથી આ લેખ લખી રહી છું !
યોગાનુયોગ અમેરિકાના સમાચાર પત્રોમાંયે આજે રશિયાનો ઉલ્લેખ છે!
પ્રેસિડન્ટ ટ્ર્મપે ફરી એક વાર રશિયા માટે કૂણી લાગણી બતાવી છે, અને અમેરિકાના લોકોને વળી એક વાર નારાજ કર્યાં છે!
આવું કેમ ?
શું છે આ રશિયા માટેઅમેરિકાના લોકોને ?
અને આપણે આ રશિયા અમેરિકાના સંબન્ધો વિષે શું જાણીએ છીએ ?

હજુ ત્રણેક દાયકા પહેલા આ દેશ રશિયા માટે સામાન્ય લોકોમાં એક જાતની ભય અને શંકાની લાગણી રહેતી હતી. ત્યાં શું થઇ રહ્યું છે તેની વિશ્વમાં સામાન્ય જનતાને બહુ જાણ રહેતી નહીં ! એટલે ગમે તેવી અફવાઓ – અટકળોથી એ દેશ વિષે સમાચાર જાણવા મળતાં!
એવું કેમ?
કારણકે ત્યાં કમ્યુનિષ્ટ રાજ્ય હતું!
કમ્યુનિઝમ એટલે એવી સમાજ વ્યવસ્થા જેમાં કાર્ય , જવાબદારી અને વળતર પર આખ્ખા સમાજનો સહિયારો હક્ક હોય ! કોઈ ગરીબ નહીં: કોઈ તવંગર નહીં! વિશ્વ વિખ્યાત સમાજશાસ્ત્રી કાર્લ માર્કસે દુનિયામાંથી ગરીબી નિવારવા આ વિષે ખુબ વિચાર્યું છે. અને એ વિચારધારા પર રશિયામાં વીસમીસદીનાં પ્રારંભે સમાજ વ્યવસ્થા રચાઈ.( ગાંધીજીએ પણ સાઉથ આફ્રિકામાં ટોલ્સ્ટોય આશ્રમ આ જ વિચાર સરણી પર રચ્યો હતો . અને એ પ્રયોગ સફળ નીવડ્યો હતો)
પણ આ તો ઘણી સારી વાત કહેવાય -જ્યાં બધાં એક સમાન હોય !
પણ તેની નબળી બાજુ એ હતી કે ‘ સૌનું કામ તે કોઈનું નહીં !’ જો સારો નેતા ના હોય તો પ્રજા પણ સારું કામ ના કરે!
એટલે લોકોમાં થી ધગસ ઉત્સાહ મૌલિકતા વગેરે જતાં રહ્યાં! વળી આ બધાં પર અંકુશ રાખવા માત્ર એક જ પાર્ટીનું ચલણ રહે ! કોઈ એની સામે બોલી શકે નહીં! વિરોધ કરે તેને પકડીને જેલમાં પુરી દે !અને આ રીતે કમ્યુનિષ્ટ પાર્ટી માટે ડર અને ભયની લાગણી જન્મ્યાં ! એક જ પાર્ટી ની સત્તા એટલે ડિક્ટેટરશિપ !
વિશ્વના ઘણાં રાષ્ટ્રોમાં આમ થઇ રહ્યું છે. પણ લોકશાહીને વરેલ અમેરિકા આવા રાષ્ટ્રોને ટેકો આપતો નથી
હા , લોકશાહીના પણઘણાં ભય સ્થાનો છે. કોઈનો ડર નહીં તેથી પ્રજા મનફાવે તેમ કરે , મોંઘવારી , હડતાલ , અસામાજિક તત્વોનું જોર વધે વગેરે આડ અસરો પણ ભોગવવી પડે . જો કે આ છતાં , એક પણ જણે કમ્યુનિષ્ટ રાજ્ય હતું તે સારું હતું એમ કહ્યું નથી. મારી આ મુલાકાત દરમ્યાન રશિયાના જે જે નાગરિકો સાથે
વાત કરવાની તક મળી તે યુવાનો અને વૃદ્ધો સૌ ,આ નવી -સવી ભાંખોળિયાં ભરતી સ્વતંત્રતાના પવનની હવા વધાવી રહ્યાં છે. પણ અહીં પુરી લોકશાહી છે એમ કહેવું જરા ઉતાવળિયું છે. પણ રશિયા સાથે આપણે શાની દુશમનાવટ ? બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા અને રશિયા જર્મની સામે લડ્યા , પણ યુદ્ધ પૂરું થતાં રશિયાએ પોલેન્ડ ,ચેકોસ્લોવેકિયા, રોમેનિયા , હંગેરી વગેરે દેશ હડપ કરી લીધા ! ત્યારે મહા સત્તા હોવાને નાતે અમેરિકાએ રશિયાનો વિરોધ કર્યો .. ને વીસમી સદીના છેલ્લા દાયકામાં બધાંસ્વંતત્ર બન્યા પણ આ બે મહાસત્તાઓ લશ્કરની અને વિજ્ઞાનની પ્રગતિની રેસમાં હરીફાઈ કરતા રહ્યાં છે. અને કોલ્ડ વોર ચાલુ જ રહી છે!અમેરિકાની પ્રજાને અમેરિકાની પ્રેસિડન્ટની ચૂંટણીમાં રશિયાનો હાથ હતો એવો શક છેઅનેતેને લીધે દેશમાં મતભેદો ઉભા થયા છે ત્યાં હવે પ્રેસિડન્ટ ટ્રમ્પ G7 ( G7?એ વિષે ફરી ક્યારે વાત કરીશું )માં રશિયાની ભલામણ કરે છે .. જે દુશમન છે તેને જ ,અન્ય રાષ્ટ્રોને ભલામણ કરી ,આગળ લાવવાનો ? એવું કેમ? આતો બધી રાજ રમતો ! આખરે સહન તો બિચારી સામાન્ય જનતાને જ કરવાનું ને? કરસનદાસ માણેકની એ કાવ્ય પઁક્તિઓ યાદ આવે: ખુદ મતલબીયા મુત્સદ્દીઓએ દીધાં યુદ્ધ વધુમાં !હુંફાળાં રાજવી ભવનો ને મમત અઘોર નશામાં !તે દિ આસું ભીના રે હરિના લોચનિયાં મેં દીઠાં!આવું કેમ?

૩૯- હકારાત્મક અભિગમ – મન મર્કટ- રાજુલ કૌશિક

વાંદરો અને મદારી… નાનપણમાં સૌએ આ જોડી જોઇ હશે. વાંદરા વગર તો મદારી અને એનો ખેલ અધૂરો. એ ય મઝાની ડુગડુગી વગાડે અને વાંદરું એના તાલે નાચે. છોકરાઓ ખુશ ખુશ.

એક દિવસ મદારીએ વાંદરાને પકડવા જંગલમાં પાંજરું ગોઠવ્યું અને એમાં મૂક્યા મગફળીના દાણા. જેમ ઉંદરને પકડવા રોટલીનો ટુકડો પાંજરામાં મુકીએ અને રોટલીની લાલચે ઉંદર પાંજરામાં આવે અને ફસાઇ જાય એવી રીતે મગફળી લેવા વાંદરું માત્ર હાથ અંદર નાખે અને પાંજરામાં એનો હાથ ફસાઈ જાય એવી આ રચના હતી.

હવે આમાં એક શક્યતા હતી કે વાંદરું જો મગફળી લેવાનો મોહ છોડીને હાથની મુઠ્ઠી ખોલી દે તો એનો હાથ જેટલી સહેલાઇથી પાંજરામાં ગયો એવી સાવ સરળતાથી બહાર કાઢી જ શકે. પરંતુ વાંદરું એમ નહીં કરે કારણકે એને અંદર પડેલા મગફળીના દાણા લવાનો મોહ છે અને એટલે એનો હાથ ફસાયેલો જ રહેશે અને બસ પછી તો મદારી માલિક અને વાંદરું એનું ગુલામ. મદારી એને પકડીને પોતાના તાલે કાયમ માટે નાચતું કરી દેશે.

આપણે જાણીએ છીએ , સમજીએ છીએ કે વાંદરું તો જાણે કે પ્રાણી છે પણ આપણે?

આપણને પણ એકાદ ક્ષણની લાલચમાં ફસાતા ક્યાં વાર લાગે છે? દેખીતો લાભ લેવાની વૃત્તિ આપણે પણ ક્યાં જતી કરી શકીએ છીએ? એ ક્ષણે આપણે પણ ભૂલી જઈએ છીએ કે એ એક ક્ષણનો મોહ અને કાયમ માટેનું બંધન કારણકે એ ક્ષણિક લાલચ હંમેશ માટેની આપણી આદત બની જાય છે અને પછી તો કહે છે ને કે થાંભલો મને છોડતો નથી. સાચી વાત એ છે કે પેલા મગફળીની લાલચમાં જકડાયેલા વાંદરાની જેમ આપણે જ એ આદતનો થાંભલો છોડી શકતા નથી.

ખોટી કે ખરાબ આદત એ ક્ષણે તો સારી જ લાગશે, આનંદ આપનારી, લહેજતભરી લાગશે પણ ધીમે ધીમે ખબર પડતી જાય કે કેવા કળણમાં આપણે ઉતરતા જઈએ છીએ અને ત્યારે એમાંથી પેલા વાંદરાની જેમ બહાર નિકળવાની કોઇ કારી સફળ નથી થતી.

લોભામણી- લલચાવનારી ભૂમિ પર સ્વસ્થતા જાળવવાનું જરા કપરું તો છે જ પણ જો એ સમયે મનને જો થોડા સમય માટે પણ વશમાં રાખી શકીએ તો જીવનભર આપણે આપણી મરજીના માલિક.

એક સારી અને સાચી ભૂમિકા પસંદ કરવાનું ખરેખર કપરું છે પણ જો એક વાર સાચી, સારી અને નક્કર ભૂમિકા પર આપણે સ્થિરતા મેળવી લઈશું તો જીવનભરની સ્થિરતા.

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૩૩ – શબ્દના સથવારે – જાળું – કલ્પના રઘુ

જાળું

શબ્દકોશ મુજબ જાળું એટલે એકબીજા સાથે ગૂંચવાઇ કે ગૂંથાઇને બનેલું કોકડું; ધુંગું (જેમકે છોડ, વેલા, વિગેરેનું), કરોળિયાનું બાવું બાઝવું, આંખની છારી (આંખમાં જાળું વળે તેને), કપટનું જાળુંને જાળ કે ફાંસલો કહેવાય. ગળામાં જાળું બાઝે તે એક પ્રકારનો રોગ (ડીપ્થેરીયા) કહેવાય. એંગ્રેજીમાં ‘spider-web’, ‘net’, ‘cobweb’, ‘snare’ કહેવાય. જાળું એટલે ‘film’. મજ્જાતંતુઓનું જાળું એટલે ‘plexus’. નાડીચક્રમાં નાડીઓનું જાળું આવેલું હોય છે.

જાળાં અનેક પ્રકારનાં હોય છે. સોશીયલ મીડીયાનું નેટવર્ક એક પ્રકારનું જાળું છે. આજકાલ ઇન્ટરનેટનાં જાળાંમાં વોટ્સએપ અને ફેસબુકમાં લોકો એટલાં ફસાઇ ગયાં છે કે, તેમાંથી બહાર નિકળવું મુશ્કેલ છે. ઇશ્વરે સર્જેલી માયાજાળ, એ મોટામાં મોટું જાળું છે જેમાંથી માનવ છટકવા માટે ધમપછાડા કરે છે પરંતુ દલદલની જેમ અંદરને અંદર ફસાતો જાય છે. માનવ સર્જીત ‘હું’નું જાળું તેને અધઃપતનની ખાઇમાં ધકેલે છે. મનમાં બાઝેલાં પૂર્વગ્રહના જાળાં દૂર કરવા પણ માનવે ખુદ પ્રયત્નો કરવાં પડે છે. ઇચ્છાનું, યાદોનું, શંકાનું,ગેરસમજનું, સ્વાર્થનું, વિષય-વાસનાનું, પ્રદુષણનું, કેટકેટલાં પ્રકારનાં જાળાં માનવસર્જીત છે! માનવ, જનમતાંજ સંબંધોનાં તૈયાર જાળાંમાં આવી પડે છે.

timthumb

જાળું શબ્દ કરોળીયાનાં જાળાંની યાદ તાજી કરે છે. હજારો જાતનાં કરોળીયામાં કેટલાંક ઝેરી પણ હોય છે. કરોળીયો જાળું ગૂંથે છે, પડી જાય છે, ફરી જાળું ગૂંથે છે, એની એ ક્રિયા એનાં જીવન સાથે વણાઇ ગયેલી હોય છે. મચ્છર કે માખી જાળાંમાં ફસાય એટલે પોતે વાઇબ્રેટ થઇને જાળાંને વધુ ગૂંચવે છે જેથી શિકાર ફસાઇ જાય છે. જાળું નાજુક દેખાય છે પરંતુ ઘણું મજબૂત હોય છે કારણકે એ કરોળિયાનો અને મારેલાં જંતુનો ભાર ઝીલી શકે છે. યોગ્ય સ્થળે, જમીનથી ઉંચે, અવાવરૂ કે ભેજવાળી સલામત જગ્યાએ, પોતાનીજ લાળમાંથી કાતિલ અને મોહક જાળું બાંધવું, તેનાં શિકાર સિવાય કચરો કે નકામી વસ્તુ તેમાં ભરાય તો તે ભાગ તોડીને સમારકામ કરવું, ખૂણામાં જઇને શિકારની રાહ જોવી, કેટલું અદ્‍ભૂત કહેવાય!

ઘણાં દાયકાઓથી વૈજ્ઞાનિકો કરોળીયાનાં જાળાં પર અભ્યાસ કરી રહ્યાં છે. જે રૂ જેવાં હલકાં પણ સ્ટીલ કરતાં મજબૂત હોય છે. તેના જાળાંમાં સાત અલગ અલગ પ્રકારનાં રેસા હોય છે. એ સાતમાંથી ડ્રેગલાઇન નામનાં રેસા જે વચ્ચેથી બહાર તરફ નીકળે છે તે સૌથી મજબૂત હોય છે. રેશમ બનાવતા કીડાંનાં રેશમ કરતાં પણ મજબૂત હોય છે. તે પાણીમાં ભીનાં થતાં નથી. ડ્રેગલાઇન રેસાની નકલ કરવી કંઇ રમત નથી કારણકે તે કરોળિયાના શરીરની અંદર બને છે. જીવવૈજ્ઞાનિક શરેઇલ હેયાશિએ લખ્યું છે કે કરોળિયો જે કામ આપણાં ઘરમાં બેઠો બેઠો કરે છે, એની જ નકલ કરવાં વૈજ્ઞાનિકોને પોતાનાં મગજ કસવા પડે છે. સરજનહારની કેવી કરામત છે!

કરોળિયાનું જાળું દરિદ્રતાની નિશાની માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં જાળું ના જોઇએ. કારણકે જ્યાં જાળું બાઝેલું હોય ત્યાં સૂક્ષ્મ આત્માઓનો વાસ હોય છે. તેમાં નકારાત્મક ઉર્જા એકત્રિત થાય છે, જે ઘરની શાંતિ, સુખ-સમૃધ્ધિ હણી લે છે માટે તેને અશુભ માનવામાં આવે છે.

તમે પ્રયત્ન કરો, જાળાંને વિંખવાનો. કરોળિયો જતો રહે છે પરંતુ થોડા સમય પછી પાછો આવીને નવું જાળું બનાવવા માંડશે માટે જ દલપતરામનું કાવ્ય કહે છે,

‘કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય,

વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય.’

તે મનુષ્યનો ગુરૂ છે. તે શીખવે છે કે સમય સાથે લડતાં શીખો. જીવન એક રમત છે. દર વખતે ટટ્ટાર રહીને ઘા નથી સહેવાનાં. ક્યારેક નમતા શીખો. જીવન એક યુધ્ધ છે. સમય, સંજોગો મુજબ શસ્ત્ર બદલતાં આવડવું જોઇએ. ભોંય પર પડીને ઉભા થતાં આવડે તે જ અડીખમ રહી શકે છે કારણકે જીન્દગી કરવટ બદલતી રહે છે. દરેક રંગે રંગાવું એ કરોળિયાનું જાળું શીખવે છે.

શું બુધ્ધિશાળી માનવ નિષ્ફળતા જીરવતાં શીખવાનું, પછડાઇને ઉભા થતાં શીખવાનું, પોતાનું જાળું ફરી ફરીને ગૂંથવાનું, પોતે કે પોતાનાં બાળકને શીખવાડે છે? પરીક્ષામાં નાપાસ થયાં, નોકરી ગઇ, ધંધામાં ખોટ આવી, સંબંધોમાં વિચ્છેદ થયો ત્યારે માનવ ભાંગી પડે છે. કરોળિયાની જેમ પોતે રચેલાં જાળામાં બંધાવું, પડવું, બહાર નીકળવું અને સત્વ, રજત અને તમો ગુણથી મુક્ત થઇને વિચરવું! જાળું માનવને આ શીખવે છે! માટેજ ગુરુ દત્તાત્રેયએ ૨૪ ગુરુમાં કરોળિયાને સ્થાન આપ્યું છે.