અભિવ્યક્તિ -૩૧-‘ઝભલાં’ ગયાં, થેલી આવી!

 

આખરે ઝભલાં થેલી ગઈ સમજો! અરેરે, ઝભલાં થેલી વિના આપણા હાથ અડવા લાગશે, નહિ? હસતે મોઢે ઝભલાં થેલી હાથમાં ઝૂલાવતા યુવાવર્ગને સૂતરાઉ થેલી પકડવાની શરમ આવશે, નહિ?

આ ઝભલું પંદર-વીસ વરસથી તો ચારેય તરફ એવું ઘૂસી ગયું’તું કે જાણે એના વિના વેપાર અને વહેવાર ચાલતા જ નહિ. જ્યાં જૂઓ ત્યાં ઝભલાં થેલી. માંગો એ સાઈઝમાં ઉપલબ્ધ, વજનમાં હલકી ફૂલ અને પાણીથીય સસ્તી. વળી, ચારેય તરફથી ભેગી કરેલાં ઝભલાંઓનું કબાટ ભરીને કલેક્શન થાય એ નફામાં!

મને તો ઝભલાંનાં અમાપ ઉપયોગોનું ભારે કૌતૂક થાય. શાક-ભાજી અને કરિયાણું ભરવા માટે મહત્તમ ઉપયોગ થાય. પાંચ કિલો બટેટાં કે અથાણાંની કેરી ઊંચકવાં હોય અને મૂઠ્ઠી જેટલાં ઘાણા-આદુ-મરચાં ભરવાં હોય, ત્રણ કિલો ખાંડ લેવી હોય કે સો ગ્રામ મોરૈયો, ઝભલું જોઈએ.

સાડીઓ, તૈયાર કપડાં, વાસણ અને દરેક વપરાશી ચીજ-વસ્તુઓ મૂકવા, ઝભલું. ખાદ્ય ચીજો, ફાસ્ટ ફૂડ, નાસ્તો અને લંચ બોક્સ મૂકવા, ઝભલું.

સાહેબ, રૂપિયાના બંડલો વીંટવા, કીમતી દસ્તાવેજ મૂકવા, ઘરેણાં અને સેફ ડિપોઝીટ વોલ્ટમાં મૂકાતાં લખો રૂપિયાની જવેલરીના બોક્સ લપેટવા, ઝભલું. મંદિર કે કથાનો પૂજાપો અને ભગવાનને બીલીપત્ર-ફૂલો ચઢાવવા, ઝભલું, અંતિમ યાત્રાના ક્રિયાકર્મનો સામાન પહોંચાડવા, ઝભલું. વરસાદ પડે ત્યારે જેઠો, ભીખલો કે મોંઘીએ માથે પહેરી ભાગવું હોય, ઝભલું. કામવાળાં મંગુબેનને કે વાળવાવાળા કાનાને કોઈ વાર વધ્યું ઘટ્યું ભરીને આપવું હોય, ઝભલું. ઘરનાં એઠવાડ, કચરો-કસ્તર ભરીને ફેંકવું હોય, ઝભલું!

ઝભલાં થેલીઓ આવી ત્યારે મને આપણી સૂતરાઉ થેલીનો અમર વારસો ઝૂંટવાઈ ગયાનો રંજ થયો’તો. ત્રણ પેઢીથી ખીંટી પર ટીંગાઈ રહેતી બે-ત્રણ શાકની સૂતરાઉ થેલીઓનો વપરાશ લગભગ બંધ થઇ ગયો’તો. નામ હતું શાકની થેલી પણ એ થેલીઓનો અન્ય જરૂરિયાત માટે પણ ઘણો ઉપયોગ થતો.

કેવી મજાની અને મજબૂત હતી એ ધરમશી કે વાલાજીની સિવેલી થેલીઓ? કોઈ થેલીના નાકાનો રંગ જુદો હોય, કોઈ થેલી બે-ત્રણ જાતનાં કપડાંમાંથી બની હોય, તો કોઈનું નાકું લાંબું હોય. કોઈ થેલી ટૂંકાં પડી ગયેલાં સ્કર્ટમાંથી બની હોય એટલે હાથમાં ગુલાબી ફૂલોનો બગીચો ઝૂલતો હોય એવી લાગે. કોઈ થેલી વળી ઝળી ગયેલ બેડશીટમાંથી બની હોય એટલે ચટાપટાવાળી પણ હોય. કોઈ થેલીનું કપડું બ્લ્યુ ને સિલાઈનો દોરો સફેદ હોય. એમ થાય છે કે એ બધી ‘ડિઝાઈનર’ થેલીઓ એકઠી કરીને કોઈ ‘ઇન્ટરનેશનલ ફેશન ડિઝાઈન ફેયર’માં મૂકાય તો ચપોચપ વેચાઈ જાય અને ઊપરથી લોકો ‘વાઉ, વાઉ!. હાઉ નાઈસ!’ કહે.

જેમણે પંચ હાટડી શાક માર્કેટમાં આંટો માર્યો હશે એ જાણે જ છે કે શાકની સપ્તરંગી સૂતરાઉ થેલીઓથી છવાયેલ બજારમાં વિશ્વના એકસો અઠ્ઠાવન દેશોનાં ‘રાષ્ટ્રધ્વજ’ ફરફરાટ કરતા હોય એવું દ્રશ્ય ખડું થતું!!

શાકની આ સપ્તરંગી થેલીઓ કોઈ સ્ટેટસ સિમ્બલ ન હતી. બજારમાં રોજ સવારે તાજું શાક લેવા નીકળી પડતા બધા જ લોકો ‘કોમનમેન’ હતા. કોઈ ભેદ નહિ, કોઈ સંકોચ નહિ કે નહિ ‘શોપિંગ બેગ’નો દેખાડો!

આમ તો પ્લાસ્ટિકનું ઝભલું સમૂળગું જાય તો સારું થાય. પર્યાવરણની પાયમાલી થતી તો બચશે જ ઉપરાંત ફૂટપાથ પર ફટાફટ કપડાંની થેલીઓ સિવી આપતી દૂકાનો ધમધમશે. હા, ઘેર મશીન પર છૂટક સિલાઈ કામ કરી બે પૈસા રળતી બહેનોને કામ મળશેAnupam Buch

ફરી સમય આવ્યો છે જ્યારે પંખાના પવનમાં ખીંટીઓ પર મનમોહક શાકની ખાલી થેલીઓ ઝૂલતી થાય!

2 thoughts on “અભિવ્યક્તિ -૩૧-‘ઝભલાં’ ગયાં, થેલી આવી!

 1. માણસે પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ કરી એનો અન્ય એટલે કે કચરાપેટી કે રસ્તે ફેંકી કર્યો અને રામાયણ શરુ થઈ. 

  લોકલ કે લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરીએ તો ઠેર ઠેર આવી થેલીઓ નજરે પડે. રસ્તાની આજુબાજુ કે દરીયા કીનારે ગટર હોય તો એ ગટરમાં આવી પ્લાસ્ટીકની અપરંપાર થેલીઓ જોવા મળે.

  આવી પ્લાસ્ટીકની થેલીઓએ નુકશાન શરુ કર્યું અને માનવને ખબર પડી.

  ભારતમાં ગામડાં હતા પણ અભ્યાસને કારણે શહેરો તરફ જવાનું શરુ થયું. શહેરોમાં નવી જાતના પ્રશ્નો ઉભા થયા અને ધનીકો રીસોર્ટ કે વાડી બગીચે ઘર બનાવવા લાગ્યા. પાછા એના પ્રશ્નો ઉભા થયા કે થશે.

  ડાયનાસોર આવ્યા અને ગયા એમાં કુદરતી કે માનવ સર્જીત પ્રશ્નો ઉભા થતા જશે અને કુદરત કે માનવ એનો હલ કરતો રહેશે.

  Like

 2. ઝભલા વિષે સરસ વર્ણન કર્યું છે.હાલમાં પ્લાસ્ટીકની થેલીઓ અને પર્યાવરણ ખૂબ ચર્ચામાં છે.ગાય જયારે પ્લાસ્ટિક થેલીઓ ખાય છે તે અરેરાટી ઉપજાવે છે..આ બાબતે યોગ્ય પગલા લેવાવાજ જોઈએ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.