અવલોકન -૪૧-રિસાયકલ કેન

recycle

   કચરો રિસાયકલ કરવા માટેના કેન પર નજર પડી- અને બારેક વર્ષ પહેલાં ‘રિડર્સ ડાયજેસ્ટ’માં વાંચેલ ત્રણ ‘રિ’ વાળો લેખ યાદ આવી ગયો. ગુજરાતી ભાષામાં ‘રિ’ અથવા રિસાયકલનો કોઈ સામાન્ય વપરાશનો અને ટૂંકો ને ટચ પર્યાય મળ્યો નહીં; એટલે તરત ગળે ઉતરી જાય તેવું આ જ શિર્ષક રાખીએ ! અને આમેય નામ કે રૂપમાં શું? તત્વ જ સમજવા જેવું હોય છે ને?
       ‘રિડર્સ ડાયજેસ્ટ’ ના એ લેખમાં વિશ્વમાં વધતી જતી માનવવસ્તી અને બધા જ દેશોમાં અને પ્રજાઓમાં સુખાકારી અને આધુનિક સુખ-સગવડો માટે વધી રહેલી દોડના કારણે સર્જાઈ રહેલી એક અપરિવર્તનશીલ, અને સર્વનાશ તરફ દોરી જતી; કઠોર, કડવી, વાસ્તવિકતા અને કરૂણ શક્યતા તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો હતો. આના એક ઉપાય તરીકે ત્રણ ‘રિ’ ની ત્યાં ભલામણ કરવામાં આવી હતી.

Reduce : Reuse : Recycle

 વપરાશ ઓછો કરો.
વસ્તુઓ ફરીથી વાપરો.
કચરો ઉત્પાદન માટે ફરીથી વાપરો.

        હવે તમે જ કહો કે, એનું વધારે વિવરણ જરૂરી છે ખરું ? સત્યનારાયણના  શીરાની જેમ ગળે ઊતરી જાય એવી છે કે નહીં?! છતાં હકીકત એ છે કે, અમેરિકા જેવા સૌથી વધુ વ્યય અને બગાડ કરતા દેશમાં આ શીરો વધારે ખવાવા માંડ્યો છે! જો કે, આ બાબતમાં અમેરિકા આખા વિશ્વનો સૌથી વધુ ‘પછાત’ દેશ પણ છે! પણ ‘શીરા ખાતર શ્રાવક થનાર‘ – બધા વિકસતા દેશો અમેરિકન જીવન-પદ્ધતિના આંધળા અનુકરણમાં અને એ ખતરનાક દોડમાં વ્યસ્ત છે.
     પણ એ તો ત્રીજો ‘રિ’ થયો. આગળના બીજા બે ‘રિ’ એટલે –
       આની વાત અન્ય જગ્યાએ કરેલી છે, એટલે એ દોહરાવતો નથી. એમની ઉપર ક્લિક કરીને વાંચી લેજો. પણ બહુ દૂર જણાતી એ ભયાવહ શકયતા દોહરાવવી જરૂરી છે. કદાચ….ત્રણ ભાગમાં વહેંચાયેલી આ સ્વપ્નકથા એ ભયાનક શક્યતાની અને એમા શકવર્તી ઉકેલની પ્રતીતિ કરાવી દેશે.
અમેરીકન હાઈવે પરની ત્રણ ઘટનાઓ
     ડલાસ અને ફોર્ટવર્થના મહાનગરોને વીંધીને સોંસરવા જતા; એટલેંટિક અને પેસિફિક મહાસાગરોને જોડતા; રાષ્ટ્રની અર્થવ્યવસ્થાની ધોરી નસ જેવા; ઈન્ટરસ્ટેટ હાઈવે ઉપરથી મારી ગાડી કલાકના ૬૦ માઈલની ઝડપે પૂરપાટ પસાર થઈ રહી છે. આ રશ-અવર છે. મારી આજુબાજુ રસ્તાની ચાર લેનો મારા જેવી જ અસંખ્ય ગાડીઓ, વાનો અને ખટારાઓથી ભરચક ભરેલી છે. વાહનોની વચ્ચે બહુ જ ઓછી જગ્યા છે. ગાડીઓનો સતત પ્રવાહ ધસમસી રહ્યો છે.  સામેની દિશાની ચાર લેનોની પણ આ જ પરિસ્થિતિ છે. મને એમ પ્રતીતિ થઈ રહી છે કે, હું દેશની ધોરી નસ જેવા આ હાઈવેમાંથી વહી રહેલા, અને દેશના આર્થિક વ્યવહારને ધમધમતું રાખતા, કરોડો રક્તકણો જેવો એક રક્તકણ છું. ગતિનો પ્રાણવાયુ અને નાણાંના પેટ્રોલનું ઈંધણ મને ફૂલાવીને ટેટા જેવો બનાવી રહ્યાં છે!  સતત ધસમસતા મારા જેવા આ બધા રક્તકણો; તેમજ ટ્રેનો, જેટપ્લેનો અને મહાકાય સ્ટીમરોમાં વહી રહેલા, આવા જ અનેક રક્તકણો રાષ્ટ્રની આર્થિક વ્યવસ્થાને ધમધમતી રાખી રહ્યાં છે.વિવીશ્વના આ સૌથી સમૃદ્ધ દેશ જેવા તગડા બનવા, દુનિયાના પ્રત્યેક રાષ્ટ્રે હોડ બકી છે. આખું માનવજગત એક ન અટકાવી શકાય તેવી દોડમાં પ્રવૃત્ત છે; અને પ્રત્યેક ક્ષણે આ દોડ જેટની ઝડપે, સતત વર્ધમાન થતી રહે છે. આ મૂષકદોડનો કોઈ અંત નજર સમક્ષ દેખાતો નથી. બધાં વિનાશની, સર્વનાશની દુર્ગમ ખીણ તરફ, પ્રચંડ ગતિએ, એકશ્વાસે, ધસમસી રહ્યાં છે. કોઈને બ્રેક લગાવવાની ફુરસદ, ઈચ્છા કે સમય નથી.
ત્યાં જ આવી વિચારધારામાં મારા ખિન્ન માનસમાં સત્યનો એક ઝબકારો થાય છે કે, હું એક એક્ઝિટ ચૂકી ગયો છું; અને ખોટો એક્ઝિટ લઈ પૂર્વ(!) દિશામાં જવાને બદલે પશ્ચિમ(!) તરફ ધસી રહ્યો છું!
***********
    મારા આખા શરીરે પરસેવો વળી ગયો છે. હું મારી પથારીમાં સાવ શબવત્ પડેલો છું. એક બિભીષણ દુઃસ્વપ્ન હમણાં જ પસાર થઈ ગયું છે. એ સ્વપ્ન ચાલીસ વરસ પછીના આ જ આઈ-૨૦  હાઈવેનું હતું. આખો રસ્તો સવારના આઠ વાગે ભેંકાર, ખાલી પડેલો હતો. એની ઉપરથી સમ ખાવા બરાબર, એક પણ વાહન ચાલી રહ્યું નહોતું. એની ઉપર ઠેકઠેકાણે વનરાજીએ સામ્રાજ્ય જમાવી દીધું હતું. વીતેલી અર્થવ્યવસ્થાના મહા-અજગર જેવો આ હાઈવે શબની જેમ સડી રહેલો જણાતો હતો. દુર્દશાની અસંખ્ય કીડીઓ તેના દેહનું ભક્ષણ કરી રહી હતી. બધી જ રેલ્વે લાઈનો, બધાજ મહાસાગરો અને સમસ્ત આકાશમાં ક્યાંય એક પણ વાહન સરકી રહ્યું ન હતું. આખી દુનિયામાંથી પેટ્રોલિયમનું છેલ્લું ટીપું અને કોલસાનો છેલ્લો ટૂકડો વપરાઈ ગયાને પણ પાંચ વર્ષ વીતી ગયાં હતાં. તોડી નાંખવામાં આવેલા બંધોને કારણે બધાં જળાશયો પણ ખાલી પડેલાં હતાં. થોડા વરસ પહેલાં, પાણી અને શક્તિસ્રોતો માટે ખેલાયેલા, ત્રીજા વિશ્વયુદ્ધમાં નેવું ટકાથી ય વધારે માનવજાત નાશ પામી ચૂકી હતી. અણુયુદ્ધના કારણે પેદા થયેલી ગરમીથી પીગળેલા ધ્રુવીય બરફે વિશ્વનાં બધાં જ બંદરોને પાણી નીચે ગરકાવ કરી દીધાં હતાં. બધી સલ્તનતો તહસ નહસ બની ચૂકી હતી. જગતની બધી અર્થવ્યવસ્થા, અરે! સમગ્ર સમાજજીવન ભાંગીને ભુક્કો બની ગયાં હતાં. મારા જેવાં ગણ્યાંગાંઠ્યાં કોક’જ દુર્ભાગી માનવજીવો આમતેમ ખોરાક અને પાણી માટે જંગલોમાં વલવલતાં, આથડતાં હતાં. જૂના શહેરના બહુમાળી મકાનોના બધાં ખંડેરો ભયાવહ વનરાજીમાં અરણ્યરુદન કરી રહ્યાં હતાં. સમસ્ત માનવજીવન ખોડંગાતું, કણસતું, આક્રંદતું ગુફાજીવન તરફ મંથર ગતિએ, કીડીવેગે સરકી રહ્યું હતું. આજુબાજુના જંગલનો ભાગ બની ચુકેલા આઈ- ૨૦ ઉપર હું ભુખ્યો અને તરસ્યો, નિર્વિર્ય  અને નિષ્પ્રાણ, હતપ્રભ અને હતાશ ઊભેલો હતો. કઈ ઘડીએ, કોઈ રાની જાનવર આવીને મારો કોળિયો કરી જશે, તેના ભયથી હું થરથરી રહ્યો હતો. મારું આખું શરીર આ ભરશિયાળામાં પણ પસીને રેબઝેબ બની ગયેલું હતું.
     મારા ખોટા એક્ઝિટે (!) મને ક્યાંથી ક્યાં લાવી મૂક્યો; તેની મરણપોક પાડીને હું ઝબકીને જાગી ગયો છું.
***********
       બાથરૂમમાંથી પાછો આવી હું પથારીમાં સૂઈ ગયો છું. પેલી દુર્દમ દશા તો એક સ્વપ્ન જ હતું, તેની પ્રતીતિ થતાં હું ફરી પાછો નિદ્રાદેવીને શરણે જાઉં છું. ઘસઘસાટ ઊંઘની વચ્ચે એક નવું પરોઢ ઊગી નીકળે છે. હું ફરી પાછો એવા જ રશ-અવરમાં, એ જ આઈ-૨૦ હાઈવે પરથી, મારી હાઈ-પાવર બેટરી-સંચાલિત નાનકડી ગાડીમાં પૂરપાટ પસાર થઈ રહ્યો છું. પણ હવે પહેલાં જેવો ધમધમાટ નથી. હવે શહેરમાં ગણીગાંઠી અને નાનકડી ઓફિસો જ છે. સૌ પોતાના ઘેરથી જ ઈન્ટરનેટ પર કામ કરી લે છે. જીવનજરૂરી બધી વસ્તુઓ હવે તેમને ઈ-ઓર્ડર પ્રમાણે ઘેર પહોંચાડવામાં આવે છે. માત્ર શોખની વસ્તુઓ માટે જ લોકો માર્કેટમાં જાય છે. અથવા આનંદપ્રમોદ માટે કે મિત્રો અને સંબંધીઓને મળવા જવા, મારી જેમ ગાડીઓ વાપરે છે. તે ગાડીઓ પણ સ્વયંસંચાલિત વિજળીના રેલ સ્ટેશનો પર જ પાર્ક કરવામાં આવેલી હોય છે. મોટા ભાગની યાતાયાત, સ્વયંસંચાલિત, અત્યંત આધુનિક અસંખ્ય સંખ્યાની બૂલેટ ટ્રેનો વડે જ થાય છે. બધાં કારખાનાં રોબોટો ચલાવે છે. બધા સામાનની આપ-લે પણ સ્વયંસંચાલિત સ્ટોરોમાં રોબોટો જ સંભાળે છે. હાઈવે પર ચાલી રહેલા મોટા ભાગનાં વાહનોમાં આવા રોબોટ ચાલકો જ છે! મારા જેવા કો’ક જ સહેલાણીઓ અથવા ઈલેક્ટોનિક સાધનો, મહાકાય પાવરહાઉસો કે કારખાનાંઓના તાત્કાલિક મરામતકામ માટે જતાં સ્ત્રીપુરૂષો જ ગાડીઓમાં બેઠેલાં છે. બાકીનું બધું રોજિંદું ઉત્પાદન અને મરામતકામ તો રોબોટો જ સંભાળે છે. આખા વિશ્વની શક્તિ-જરુરિયાતો માટે હવે કરોડો ‘ટોકામેક’ સુસજ્જ છે. તેમાં પેદા થતી વિજળી આખા વિશ્વની હજારો વર્ષોની જરુરિયાત માટે પર્યાપ્ત છે. સૂર્યના નાનકડા સંતાન જેવા આ ‘આદિત્યો’એ આખાય વિશ્વની રૂખ બદલી નાંખી છે. બધો વ્યવહાર તેમના થકી પેદા થતી વિજળી વડે ચાલે છે. સમુદ્રના પાણીમાંથી આ જ વિજળી અમર્યાદિત જથ્થામાં શુદ્ધ પાણી પણ બનાવી દે છે. પ્રદૂષણ એ ભુતકાળની, અને બિનજરૂરી ઘટના બની ચૂકી છે. પાણી અને શક્તિ સ્રોતો માટેના દેશ દેશ વચ્ચેના ઝગડા અને ભીષણ યુદ્ધો ભુતકાળની ઘટનાઓ બની ચૂકી છે. માનવજાતના એક જ ઝંડા નીચે સમસ્ત વિશ્વ એક જ રાષ્ટ્ર બની ચુક્યું છે.
હું ‘શાર્દૂવિક્રીડિત’ માં ગણગણી રહ્યો છું …..
આશા એક જ એ રહી જગતને અસ્તિત્વની દોટમાં.
વ્હાલા સૂરજદેવ! આજ જગવો વિસ્ફોટ નાના કણે.
   એ આશાભર્યા વિસ્ફોટના પ્રતાપે CTNR ( Controlled Thermo Nuclear Reaction)તો અત્યારે મારી આ ગાડી ચાલી રહી છે. માનવજાતની બધી દુર્વૃત્તિઓ, દર્પ, ઈર્ષ્યા, સામર્થ્ય માટેની દોડ અને ખેંચાખેંચી પણ ભુતકાળની બાબતો બની ચૂકી છે. મારી ગાડીના રેડિયો પરથી મંગળના ગ્રહ પરથી પ્રસારિત થઈ રહેલી, મધુર ગુજરાતી ગઝલોની સૂરાવલીઓ મારા ચિત્તને દિવ્ય આનંદ આપી રહી છે.
આ નવા એક્ઝિટે તો મને મહામાનવજાતિનો એક અંશ બનાવ્યો છે.

     વાચકોને લાગશે કે, આ તો આ અમદાવાદી જણની ખાસંખાસ વાત! પણ સૌને વિનંતિ કે, નિજાનંદ અને મસ્તીમાંથી  થોડો સમય કાઢી આ વાત પર ગંભીરતાથી વિચાર કરે.

1 thought on “અવલોકન -૪૧-રિસાયકલ કેન

  1. આપે બતાવેલા ત્રણેય રિ પર વિચાર કરવોજ રહ્યો .આપની વાત ખરેખર શીરાની જેમ ગળે ઉતરી જાય તેવી છે.આજની પેઢીને સમજવા જેવું છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.