કલ્પના રઘુ- વ્યક્તિ પરિચય

કલ્પના રઘુ 

ઘણીવારે કુદરત અનાયસે આપણને કોઈ સાથે મેળવે છે. એની પાછળ નું એક પ્રયોજન છે.બધાને ભગવાન એક ઉદેશ સાથે મોકલે છે.અને એ ઉદેશ માત્ર એક વ્યક્તિ થકી પૂર્ણ નથી થતો. બસ મારા જીવનમાં પણ આવું જ કશું બન્યું, “પુસ્તક પરબ”ની શરૂઆત કરી અને કલ્પનાબેનને જયંતભાઈ લઈને આવ્યા. માત્ર આવ્યા જ નહિ મારા ધ્યેયને પૂર્ણ કરવા જાણે એક નીમ્મિત બન્યા. ‘બેઠક’ના ના સંચાલન કાર્યમાં અજાણતા જ મારા સહભાગી થયા.અને ‘બેઠક’ની મોસમ ખીલી …અમે સાથે સાથે જાણી અને માણી,એક બીજાના પુરક બન્યા.

કલ્પનાબેન એટલે એક એવું વ્યક્તિત્વ અથવા યોગ્ય શબ્દ લખું તો એવી એક સ્ત્રી શક્તિ, એક હૃદયસ્પંદન કે સામા માણસને ઉઘડવાનું મન થાય… ઉમળકો આવે. પોતે લખે ત્યારે પહેલા કોળિયાની જેમ પહેલું વાક્ય પ્રભુને પીરસે,શ્રદ્ધા અને વિશ્વાસથી જ આગળ વધે એમની પ્રભુ પરની શ્રધા એના કાર્યમાં પરિણમે અને …લેખનમાં પોતાનું નામ નહિ પરંતુ નારાયણ નું નામ પ્રગટે …એવા કલ્પનાબેન અનેક સ્ત્રીઓ માટે સ્ત્રી શક્તિ બની પ્રેરણા આપે છે … જગત તો વિસંવાદોથી અને વિષમતાથી ભરેલું છે તેમાંથી પોતાની શક્તિ ને પારખવાની કળા કલ્પનાબેન પાસે છે અને પોતાના લેખો દ્વારા બીજાને આપી રહ્યા છે, એવા કલ્પનાબેન બેઠકની મોસમના આખું વર્ષ ખીલતું ફૂલ છે જે શબ્દોને પારખે છે. વેડફતા નથી બાવરા બોબકડા, લવારો કરનારા, વાણીના વિલાસી નથી માટે જ મોંન ની વચ્ચે શબ્દના અર્થને માણે છે.મોસમ ખીલે છે.  જીવન નો અર્થ સરી પડતા મોસમને  પાનખરમાં પણ  શબ્દનો સથવારો મળતા અર્થ સભર જીવન મળે છે….

બેઠકના આયોજક -પ્રજ્ઞા દાદ્ભાવાળા

*****************************************************************

શ્રીમતી કલ્પના રઘુ

અમદાવાદની પોળમાં જન્મેલા, આજે ૬૫ વર્ષે, છેલ્લા ૭ વર્ષથી કેલિફોર્નીયા, અમેરીકામાં દિકરાના પરિવાર સાથે, પતિ રઘુ શાહ, જે વ્યવસાયે અમદાવાદમાં ડૉક્ટર હતા, તેમની સાથે વસવાટ કરે છે. હાલમાં તેઓ અમેરીકાનાં સીટીઝન છે.

બી. કોમ.; એલ. એલ. બી.નો અભ્યાસ કરેલ છે. ઉપરાંત ડ્રોઇંગ, સંગીત, સીવણ (TCWCG), પર્સનાલીટી ડેવેલપમેન્ટ, કુકીંગ, બ્યુટી પાર્લર, કેન્ડલ મેકીંગ, ફ્લાવર એરેન્જમેન્ટ, નેપકીન-ફોલ્ડીંગ, ગીફ્ટ રેપીંગ, રેકી, આર્ટ ઓફ લીવીંગ, સિધ્ધ સમાધી યોગ (SSY), સ્પીરીચ્યુઅલ હીલીંગ, એક્યુપ્રેશર, મેડીટેશન, વગેરે કોર્સ કર્યા છે.

૧૨ વર્ષની ઉંમરે આકાશવાણી પરથી ગીતાના શ્લોકો બોલવા, ૧૫ વર્ષની ઉંમરે ઓલ ગુજરાત નાટ્ય કોમ્પીટીશનમાં એક પાત્રીય અભિનયમાં પ્રથમ સ્થાન મેળવવું તેમજ લાયન્સ ક્લબમાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ હરીફાઇમાં ઇનામો મેળવવા, શાળા તેમજ કોલેજમાં ન્યૂઝ-રીડીંગ તેમજ કવિતા પઠન કરવું, તેમજ તેઓ કસરત-પિરામિડમાં લીડરશીપ સાથે C. R., L. R. તરીકે રહ્યાં છે માતા-પિતા તરફથી ખૂબજ પ્રોત્સાહન અને હૂંફને કારણે પર્સનાલીટી નીખરતી ગઇ. લગ્ન બાદ પતિનો સાથ અને સહકાર તેમના વિકાસમાં પૂરક રહ્યો માટે તેઓ કલ્પના રઘુના નામે ઓળખાવાનું પસંદ કરતાં.

અનેક જગ્યાએ પ્રવચનો, કુકીંગના ડેમોન્સ્ટ્રેશન અને પ્રોગ્રામ કોમ્પેરીંગ કરતાં. વિવિધ હરીફાઇઓ તેમજ ટી. વી. શોમાં ભાગ લેવો તેમજ પ્રાર્થના-ભજન-સંગીત તેમનો શોખ હતા. ગરબા અને વિવિધ પ્રવૃતિઓમાં તેઓ જજ તરીકે રહેતા. અમદાવાદની જાણીતી સ્ત્રી સંસ્થાઓ જેમકે ફેમીના, સખી, મીડ-એજ ક્લબ, લાયોનેસ ક્લબ, અમદાવાદ મેડીકલ એસોશીએશન-લેડીઝ ક્લબ, તેમજ ખડાયતા અને દશા પોરવાડ જ્ઞાતિની સ્ત્રી સંસ્થાઓ સાથે સંક્ળાયેલાં હતાં. ક્લબોમાં અંતાક્ષરી રમાડતાં તેમજ વિવિધ સોસાયટીઓમાં, મંડળોમાં રમત-ગમત રમાડવા જતાં. ફેમીલી કાઉન્સેલીંગ કરતાં.

Food for Body અને Food for Soul એ તેમના મન ગમતા વિષય છે. બાળપણથી વાંચન-લેખન અને ડાયરી લખવાનો શોખ હતો. અમેરીકા આવ્યા બાદ પ્રથમ ‘રીડ ગુજરાતી’માં ‘સ્ત્રી તેના અસ્તીત્વની શોધમાં’ વાર્તા લખીને તેઓ પ્રચલીત થયા. ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે બે એરિયામાં ચાલતી ‘બેઠક’ સંસ્થાના સહસંચાલીકા છે. ‘શબ્દનું સર્જન’, ‘સહિયારૂ સર્જન’, ‘પ્રતિલીપિ’ તેમજ અન્ય બ્લોગો અને મેગેઝીનમાં તેમણે લેખો અને કવિતાઓ લખી છે. કેનેડાથી પ્રકાશિત થતાં ‘ગુજરાત ન્યૂઝલાઇન’ ન્યૂઝપેપરમાં અને ઓસ્ટ્રેલીયા તેમજ ન્યૂઝીલેન્ડથી પ્રકાશિત થતાં ‘ધી દિવ્ય ગુજરાત’ ન્યૂઝપેપરમાં ‘નારી-શક્તિ’ કોલમનાં લેખિકા હતાં. આજે પણ તેઓ ‘શબ્દ-સેતુ’ કોલમના લેખિકા છે. તેઓ ન્યૂઝ-રીપોર્ટીંગ કરે છે. અમદાવાદથી પ્રકાશિત થતાં, પુષ્ટીમાર્ગના મેગેઝીનોમાં તેમના લેખો પ્રકાશિત થાય છે. હાલમાં ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશવા જઇ રહેલ મહાગ્રંથ ‘સંવર્ધન માતૃભાષાનું’માં તેમના લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનેક પુસ્તકોની પ્રસ્તાવના તેમજ અભિપ્રાયો લખ્યા છે. બે એરિયાના સીનીયર સેન્ટરોમાં પ્રોગ્રામો આપે છે તેમજ લાફ્ટર યોગા કરાવે છે. મીલપીટાસ હવેલીમાં તેમનું પ્રદાન ઘણું છે. વોલીયેન્ટરીંગ વર્ક પણ કરે છે. હાલમાં ‘ગુજરાત ગૌરવ દિવસ’ની ઉજવણી પ્રસંગે સાન્તા ક્લેરા કાઉન્ટી તરફથી તેમના સોશીયલ વર્કને નવાજ્યો હતો. નિષ્પક્ષ વલણ અને સાચી સલાહ એ તેમની આગવી ઓળખ છે.

 

કલ્પના રઘુ

Phone: +1 (408) 216-7191

Email: kalpanaraghushah@gmail.com