અભિવ્યક્તિ -૨૯-છત વિનાની ‘દુકાન’

છત વિનાની ‘દુકાન’

આપણે ત્યાં અગરબત્તી મંદિરો કરતાં ફૂટપાથ પર વધારે સળગે છે.

પ્લાસ્ટર ઊખડેલ કમ્પાઉન્ડ વોલ પર લટકાવેલ આઈ શ્રી ખોડીયાર માતાજીના ફોટા સામે કે પતરાંની પેટીના ખૂલ્લા ઢાંકણા પર ચીપકાવેલ ચામુંડા માતાજીના ફોટા સામે કે લીમડાના વૃક્ષ નીચે ગોઠવેલ ગોગા મહારાજના ફોટા સામે અગરબત્તી ઘૂમાવી દિવસના ધંધાનો પ્રારંભ કરતા હજ્જારો ‘દુકાનદારો’ બે ઘડી માટે ફૂટપાથ મઘમઘાવતા હોય છે.

સવાર સવારમાં ફૂટપાથ પર ધાર્મિક ડેરી-મઝારમાં ખોડેલી અગરબત્તીની ‘જૂડી’ની ઉઠતી ધૂમ્રસેર અને એ બાંધકામની આડશમાં કે બંધ મકાનની દીવાલના ખૂણામાં ધમધમતી ચાની કિટલી કે શાકની લારી નજીક થતા ધૂપની ઉઠતી ધૂમ્રસેર જુઓ તો સમજવું કે છત વિનાની બધી ‘દુકાન’ ખૂલી ગઈ.

કોઈ વાર કાન માંડજો, આ ‘દુકાનો’માં અગરબત્તીઓ થાય ત્યારે તમને નકરા પુરુષાર્થની ઝાલર સંભાળશે.

અમારા એરિયામાં એક ફૂટપાથ પર વર્ષોથી જેઠો મોચી બેસે છે. સોરી, જેઠાની ‘દુકાન’ છે. સહેજ આગળ એક બંગલાની ફેન્સિંગ પાસે કાળુની સ્કૂટર રિપેરીંગની ‘દુકાન’ છે. થોડેક આગળ એલઆઈસીની કમ્પાઉન્ડ વોલ પાસે ઓપન-ટુ-સ્કાય બાર્બર ‘શોપ’ છે. પાછળ આઇઆઇએમની ફૂટપાથ પર જૂનાં પુસ્તકોની વર્ષો જૂની ‘દુકાન’ છે. કેટલાંય વર્ષોથી હું આવી ‘દુકાનો’ પાસેથી પસાર થાઉં છું પણ હું જાડી ચામડીનો થઇ જાઉં છું. ક્યારેક એ બધા ‘દુકાનદારો’ને હું એન્ક્રોચર્સ ગણી ધૂંધવાઉં છું.

કેવી હોય છે આ ‘ખૂલ્લી દૂકાનો’, નહિ? નહિ ઊપર છાપરું, નહિ બારી-બારણાં. નહિ આગળિયો-સ્ટોપર કે તાળાં છતાં એ ખૂલે અને બંધ પણ થાય! ફૂટપાથની ધૂળ પર બુઠ્ઠી સાવરણી ફરે અને અગરબત્તી થાય પછી એ ‘દુકાનો’નો વેપાર આખો દિ’ ધમધમે. તો ક્યાંક ફૂટપાથ પર બે પેઢી જૂની લાકડાની મોટી પેટી ‘દુકાન’ બનીને ખોડાણી હોય. એને નાનું અમથું તાળું માર્યું હોય. સવારમાં એનું ઢાંકણું ઉઘડે એટલે સમજો ‘દુકાન’ ઉઘડી.

અરે, તમે એક વખત આવી કોઈ છત વિનાની ‘દુકાન’ પાસે સમી સાંજે ઉભા રહી નિરીક્ષણ કરજો. તમે ‘દુકાન’ની શ્રદ્ધાપૂર્વક ‘વસ્તી’ કરતા ‘દુકાનદાર’ને જોઇને અવાક થઇ જશો. અંધારું થયા પછી એ ‘દુકાન’ અલોપ થઇ જાય! ત્યાં ‘રવિવારની રજા’ પણ ખરી! ટાઢ-તડકાની પરવા ન કરે પણ અનરાધાર વરસાદ હોય ત્યારે ફરજિયાત બંધ રહેતી આ ‘દુકાનો’ હું બંધ જોઉં છું ત્યારે ‘દુકાનદારો’ શું કરતા હશે એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો.

ખૂલ્લી ‘દુકાન’ની સુવાંગ માલિકી એમની. હા, કોઈને હપ્તો આવો પડતો હોય તો તો વહેવારની વાત ગણાય. કાં કોઈ બંગલાવાળો એમ વિચારે, ‘ભલે બેઠો બિચારો, કોઈના પેટમાં લાત શા ,અતે મારવી?’ આમ, કોઈના દયાભાવથી ‘દુકાન’ ટકી રહે. નહિ કોઈ રૂકો, નહિ કોઈ ગુમાસ્તા ધારાની ઝંઝટ! છતાં નૈતિક માલિકી એવી કે બીજી-ત્રીજી પેઢી સુધી કોઈ પેશકદમીનો ભય નહિ! કહે છે ને, ‘કબજો બળવાન છે’. વર્ષોથી આવી છત વિનાની ‘દુકાન’ એવી ને એવી જ ઊભી હોય. એ જ બાંકડા, એ જ ડબલાં, એ જ હનુમાનજી, એ જ ખોડિયારમા, એ જ પાવાગઢવાળી! Anupam Buch

ફૂટપાથની કોઈક શુકનવંતી ‘દુકાનો’ એવી પણ હશે જેના ‘માલિક’ ‘પાકી’ દુકાન ભેળા થયા હશે. પણ, સેંકડો જેઠાઓ અને હજારો મકનજીઓના નસીબમાં કમ્પાઉન્ડ વોલની આડશે અને રસ્તાના ખૂણામાં ‘દુકાનો’ ખોલી બેસવાનું હોય છે. ત્યાં રોજ કચરો વળાય છે, રોજ અગરબત્તી થાય છે. ત્યાં રોજ તાળાં વિનાનો ગલ્લો અને પાંચના પેટ ભરાય છે!

4 thoughts on “અભિવ્યક્તિ -૨૯-છત વિનાની ‘દુકાન’

  1. ઘણીવાર આવી જ વ્યક્તિ આપણા જીવનનો હિસ્સો બની જાય એ ન આવે તો જાણે સૂનું લાગે,અમારા ઘર નીચે મોચી બેસતો સાથે નાનું બાળક આવે સ્કૂલમાં જાય અને પાછો સાંજે આવી એના પપ્પાની છત વગરની દુકાને લેશન કરે। ……બાપ દીકરો ડબ્બો ખાય।, આજે વિચાર આવે છે કે એ મોચી એની પત્નીને શું કહેતો હશે ? જલ્દી ડબ્બો આપ દુકાન ખોલવાની છે। ….ખુબ સરસ વાત અને વાસ્તવિકતા ….જે કલમ માણસને વિચાર કરતા કરેને એ કલમને સલામ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.