અવલોકન -૩૯-અવ્યવસ્થિત

        વ્યવસ્થિત નહીં, પણ અવ્યસ્થિત? 

       હા! ‘વ્યવસ્થિત’ તો દાદા ભગવાનનો પ્રિય શબ્દ છે. તેઓ  હમ્મેશ વ્યવસ્થિતનો જ ઉલ્લેખ કરતા. આ સૃષ્ટિનો ‘કોઈ બાપોય બનાવનાર નથી.’ એમ એ સતત કહેતા આવ્યા છે. ઈશ્વર, અલ્લા, યહોવા, વ્યવસ્થિત શક્તિ – જે નામ આપો તે પણ મુદ્દે વાત એક જ છે. કશુંક સનાતન સત્ય, કશુંક સાવ વ્યવસ્થિત, કશુંક અપરિવર્તનશીલ.

       પણ અહીં અવ્યવસ્થિતની વાત, અવ્યવસ્થિતનું અવલોકન છે!

    વાત જાણે એમ છે કે, આ અવલોકન લખાયું ત્યારે,  ઘર નવેસરથી સજાવવાનું કામ ચાલુ હતું. પહેલાં દસેક દિવસ કાર્પેટની જગ્યાએ ટાઈલ્સ લગાવડાવ્યા અને પછી બે અઠવાડિયાના વિરામ બાદ દિવાલો અને બારી, બારણાંને રંગ કરવાનું કામ ચાલ્યું. આખોય વખત સરસામાન ભડાભૂટ પડેલો રહ્યો.

    અમારું આ મકાન ખરીદે  પાંચ વર્ષ થયાં હતાં. દિવાલો પર ખોટી લગાવેલી  ખીલીઓના કાણાં, બાળકોના ચિતરામણ, મેલના ડાઘા, અભાવ પેદા કરે એવો ફિક્કો રંગ,  સતત નજર કોરી ખાતા હતા. કાર્પેટ સાવ જૂની અને ગંદી લાગતી હતી. એની ઉપર ઠેર ઠેર ડાઘા, ક્યાંક ઢોળાયેલા જ્યુસના અવશેષના રેલા હમ્મેશ દીલમાં ખટકો પેદા કરતા હતા. છેવટે  એમ નક્કી થયું કે, કાર્પેટની જગ્યાએ ટાઈલ્સ લગાવવા અને દિવાલો અને બારી બારણાંને નવેસરથી, નવા રંગે રંગાવવા.

      કામ શરૂ થયું અને બધું સાવ અવ્યવસ્થિત. એ ગરબડનું  એક દૃષ્ય આ રહ્યું.

lr1

      અને આ રહ્યો નવો નજારો.

lr2

     તમે કહેશો- ‘એ તો એમ જ હોય ને? કાંઈક નવી વ્યવસ્થા કરવી હોય ; તો થોડીક અવ્યવસ્થા તો થાય જ ને? ‘

     હા!  તમારી વાત સાવ સાચી છે. અને આ અવલોકનમાં એ જ કહેવાનું છે.

     જો સઘળું સદા વ્યવસ્થિત જ રહેવાનું હોય, તો એમાં કશી મજા નથી. લો! આ મારી પ્રિય રમત ‘સુડોકુ’નું ખાલી બોર્ડ. અને એમાં રમાઈ ગયેલી રમતનો નજારો.

sudoku_1

sudoku_blank_1

    કેવું સોહામણું છે? કોઈ રમત નહીં; કોઈ સમસ્યા નહીં; કોઈ જંગ નહીં; હાર કે જીત પણ નહીં! કોઈ ભૂલભુલામણી નહીં. કોઈ ચાવીઓ નહીં. પણ એ બોર્ડ જ રહે – રમત નહીં.

અધુરા આંકડા,  
એક અવ્યવસ્થા, 
થોડીક ચાવીઓ  
થોડીક મગજમારી

એક  રમત બનાવી શકે છે!

      અને બધેય એમ જ હોય છે. એક સરસ મજાની વ્યવસ્થા હોય; સદીઓ  સુધી એમને એમ જ ચાલતું હોય. પણ કશુંક બને અને બધી વ્યવસ્થા ખળભળી ઊઠે. આખુંય માળખું કડડભુસ્સ થઈને ટૂટી પડે. અને નવી વ્યવસ્થા આકાર લે.  અને એનાય ગણતરીના જ દિવસો ને? ફરીથી બધું અવ્યવસ્થિત

     ઉત્ક્રાન્તિની તવારીખ જોઈએ તો, એક જીવરચના પર્યાવરણ સાથે સંતુલન સાધવા, જીવન સાતત્યની રક્ષા કરવા; એના અંગ ઉપાંગ અને સ્વભાવ બદલતી રહે. નવી જ એક  જીવરચના આકાર લે. એક  માછલી તરફડતી, તરફડતી દરિયા કિનારે જીવતી રહી જાય અને સરિસૃપોની આખી વણજાર જીવન જીવવાની સાવ નવી રીત શરૂ કરી દે.

     અરે! એ લાખો વર્ષોથી ચાલી આવતી વ્યવસ્થા કે અવ્યવસ્થાની કલ્પના કે વૈજ્ઞાનિક સિદ્ધાંતની વાત બાજુએ જવા દઈએ; અને માત્ર ચાર પાંચ હજાર વર્ષ જૂ્ના માનવ ઈતિહાસ પર જ નજર નાંખીએ, તો તરત આંખે ઊડીને વળગે એમ જણાશે  કે,  માનવ સમાજ, એની સમજ, જ્ઞાન, પ્રજ્ઞા, ચેતના એ બધાંએ કેવા કેવા ઉથલા જોયા છે? એક વ્યવસ્થા, એક માન્યતા, જીવન જીવવાની એક રીત ખેદાન મેદાન બની જાય; અને નવી વ્યવસ્થા, નવી માન્યતાઓ, જીવવાની  અવનવી રીતો પેદા થાય.

       ભગવદગીતામાં ખુદ કૃષ્ણ ભગવાને કહ્યું છે –

परित्राणाय साधुनाम् विनाशाय च दुष्कृताम्
धर्मसंस्थापनार्थाय  सम्भवामि युगे युगे ।

      ગાંધી બાપુ જેવા શીલ, સદાચાર અને સત્યના પૂજારીને પણ સવિનય કાનૂન ભંગ અને અસહકારના શસ્ત્રનો આશરો લેવો પડ્યો હતો. સમાજને આઝાદીનો અહેસાસ અને તરોતાજા શ્વાસ લેતો કરવા, દેશનું તંત્ર ખોરવી નાંખ્યું હતું.  અને હવે એ આઝાદીથી પણ હવે ઉબકા આવે એવી પરિસ્થિતી ફરી સર્જાઈ ગઈ છે. એક  આમૂલ ક્રાન્તિ બારણાં ખખડાવી રહી છે. અવ્યવસ્થિતના ટકોરા.   અમારા ઘરના એ નજારાની જેમ!

    આ માઉસ , કીબોર્ડ અને મોનિટરની માયામાં, ઓલી નોટબુક અને કલમ હવે શોધવા જવું પડે એમ છે. કેવી સરસ મજાની, સુસ્થાપિત વ્યવસ્થા હતી? હવે ગ્રંથોની ઘડીઓ ગણાઈ રહી છે !

     દરેક  પરિવર્તન માટે જોઈએ –  ‘અવ્યવસ્થિત’. અહીં અવ્યવસ્થિતતાનો મહિમા ગાવાનો આશય નથી. પણ…..

અવ્યવસ્થિત પણ
વ્યવસ્થિત રચનાનું
એક અવિભાજ્ય અંગ જ છે.

એના અસ્તિત્વનો પણ સ્વીકાર.

Disorder in order.

      આમ તો આ બધી સાહિત્યિક / આધ્યાત્મિક વાત થઈ ગણાય પણ આપણને જાણીને નવાઈ થશે કે, સૌથી આધુનિક વિજ્ઞાન પણ અવ્યવસ્થિતતાનો સ્વીકાર કરે છે ! એ માટે એમણે એક રૂપકડો શબ્દ બનાવ્યો છે-

CHAOS THEORY

      એ અંગે આ મસ્ત વિડિયો સાથે ‘અવ્યવસ્થિત’ની પૂર્ણાહુતિ !

5 thoughts on “અવલોકન -૩૯-અવ્યવસ્થિત

 1. સરસ. ગમ્યું.
  અવ્યવસ્થા…વ્યવસ્થા…
  Chaotic = ગોટાળાભર્યુ.
  ઘર્મ અને વિજ્ઞાનના આજના જ્ઞાનને સહારે અવ્યવસ્થામાંથી વ્યવસ્થા તરફ કેવી રીતે પ્રયાણ થાય અને થવું જ જોઇઅે તેની સમજ ગમી.
  સંસ્કૃતિ તો સ્થિર નથી.તે સમયે સમયે બદલાતી રહે છે અને તે સમય અને વિજ્ઞાનના નવા નવા જ્ઞાનની સાથે બદલાતી રહે છે. અને બદલાતી રહેવી જ જોઇઅે. સ્થીર પાણી દુર્ગંઘ મારે છે.
  અવ્યવસ્થાને કેમ કરીને વ્યવસ્થીત કરવી તે જ તો વિજ્ઞાન શીખવે છે…( વિશેષ જ્ઞાન.).
  ” You can’t reach for anything new if, your hands are still full of yesterday’s junk.”
  જન્મથી મરણ સુઘીની યાત્રામાં પણ પગથીયે પગથીયે સમય અને સમયની માંગને સમજીને બદલાતા રહેતા માનવીની જીંદગી પણ વ્યવસ્થીત ચાલતી આગળ વઘતી રહે છે.
  આભાર.
  અમૃત હઝારી

  Like

  • અમૃતભાઈ,
   અને કદાચ આ રીતે વિચાર કરવાથી જ રેશનાલિષ્ટોને એ સમજાશે કે, વ્યથાઓ અને અનિશ્ચિતતાથી ભરપૂર જીવનમાં માણસ શા માટે ‘ધર્મ’ ,’ઈશ્વર’, ‘આત્મા’ એ બધાંને હજારો વર્ષોથી શોધતો રહ્યો છે.

   Disorder થી ભરેલા જીવનમાં order લાવવાની કોશિશ .

   અને એટલે જ અનેક અપૂર્ણતાઓથી ભરેલા હોવા છતાં . આપણે પશુની ચેતનાથી ઘણે આગળ નીકળી શક્યા છીએ.
   અસ્તુ….

   Like

 2. I think nature likes it.The river never goes in straight line, niether lightening does;they rather take least resistance paths. Asymmetry or symmetrical asymmetry are more preferred.Even nature’ s favorite Golden Ratio is not regular number.

  Like

 3. ‘અવ્યવસ્થિત પણ
  વ્યવસ્થિત રચનાનું
  એક અવિભાજ્ય અંગ જ છે.
  એના અસ્તિત્વનો પણ સ્વીકાર.” મારા મનની વાત…
  કોલેજકાળમા મારી અભ્યાસની જગ્યા અમારા પિતાશ્રીની દ્રુષ્ટિએ અવસ્થિત હતી ! મેં બોર્ડ લગાવેલુ-‘I love my mess for the times it allows me to be real with others.I love my mess for permitting me to ignore the material for the real.I love my mess for being evidence of a full life.It is real, full of dirty dishes, scattered plans, and unfolded laundry
  .અને ૫-૬ વર્ષ પહેલા તમારી પાસે શીખી-
  ‘કોઈ અવસ્થા કાયમ ટકતી નથી – સુખની હો કે દુઃખન
  દરેક અવસ્થામાંથી જીવનનો કોઈ ને કોઈ સંદેશ મળ્યો છે. જીવવાની કોઈ ને કોઈ નવી ચાવી હાથવગી બની છે.
  આપણી ગમે તેટલી મોટી સમસ્યા ના હોય; એવા કરોડો લોકો છે; જેમના માથે આભ ટૂટી પડેલું હોય છે. એમની આજુબાજુ દિવાલો જ દિવાલો અને ખાઈઓ જ ખાઈઓ હોય છે.’
  .
  .
  .

  અવલોકનના વમળ આવે છે પણ અહીં અસ્તુ

  Like

 4. કોઈ અવસ્થા કે વ્યવસ્થા ક્યાં કાયમી હોય છે ?
  આજે જે વ્યવસ્થિત લાગે એ કાલે ન પણ લાગે .

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.