૩૧ – શબ્દના સથવારે – ઘટ – કલ્પના રઘુ

ઘટ

ઘટ એટલે ઘડો. શરીર-હ્રદય-મન, વસ્તુનો એકમ અથવા અંગભૂત અવયવ એટલે કે ‘unit’, ઘટવું તે, ઘટાડો કે નુકસાન, ખોટ આવવી, ઉણું થવું, ઘાટુ, ઘન, મજબૂત. ઘટ નામનું એક ઝાડ છે તેને ધાવડી કહે છે. એક જાતનાં કોતરકામને ઘટ કે અબ્જ કહે છે. જ્યોતીષમાં કુંભ રાશીને ઘટ કહે છે. ખાલી જગ્યા, અવકાશ કે જગદાકાશને ઘટાકાશ કહે છે. માટી કે ધાતુનું સાંકડા મોઢાનું પાણીનું વાસણ કે જળપાત્રને ઘટ કહે છે. અંગ્રેજીમાં ‘deficiency, shortage, deficit, shrinkage’ કહે છે.

1411552702-3999

નવરાત્રિની શરૂઆત ઘટસ્થાપનથી થાય છે. છિદ્રવાળા માટીના ઘડાની અંદર દિપક પ્રજ્જવલિત કરીને માતાજીની સ્થાપના કરવામાં આવે છે જેને ગરબો કહે છે. આ છિદ્રમાંથી જે પ્રકાશ દેખાય છે તે દેહની અંદર રહેલ આત્માની જ્યોતિનો પ્રકાશ માનવામાં આવે છે. ઘડામાં રહેલા આકાશને, ખાલી જગાને ઘટાકાશ કહે છે. ગૃહપ્રવેશ કરતી વખતે ઘડો મૂકવાની વિધિ, શુકન ગણાય છે. અક્ષયતૃતિયા એટલેકે અખાત્રીજનાં દિવસે પિતૃશ્રાધ્ધ, તર્પણ સાથે ઘડાનું દાન અતિશ્રેષ્ઠ દાન કહેવાય છે. ઘડાનું દાન એ જળદાનનો જ એક ભાગ છે. આ દિવસથી લોકો પાણીપરબ ખોલે છે. માનવ શબનાં અગ્નિદાહ વખતે અંતે ઘટને ફોડવામાં આવે છે, જે માનવ શરીર અને ઘટની નશ્વરતાનાં સંબંધને સૂચિત કરે છે.

માણસનાં દેહને માટીનાં ઘડાની ઉપમા અપાયેલ છે, દેહ પણ ઘડાની જેમ માટીનો જ છે. ઘડાની પેઠે એમાં પણ માંહે પોલાણ છે. ઘડાની જેમ એ પણ અગ્નિમાં પાકીને આવ્યો છે. કુંભાર ઘટને ઘડે છે જેમ ઇશ્વર માનવને. કુંભાર પોતાનાં પ્રેમ અને કૌશલ્યભર્યા હાથોથી, ભીની માટીને ગૂંદી, સંભાળીને હાથથી મારી, પીટીને યોગ્ય પૂર્ણ આકાર આપે છે ત્યારે તે વાપરવા યોગ્ય બને છે. માનવજીવનનું પણ એવું જ છે. તેનું સર્જન થયાં બાદ, જીવનમાં અનેક સંઘર્ષનો સામનો કર્યા બાદ તે સફળ બની શકે છે. તેનાં રૂપનાં નિખાર માટે તેને ટીપાવું જરૂરી છે. ઘડો ફૂટીને માટીમાં ભળી જાય છે, ત્યારબાદ એજ માટીમાંથી કુંભાર બીજો ઘડો બનાવે છે. પંચમહાભૂતનું બનેલું માનવ શરીર પણ ચિતાની ભસ્મ બની માટીમાં ભળી જાય છે. કુંભારનો ઘટ અને માનવ શરીરમાં કેટલી બધી સામ્યતા છે!

અગ્નિમાં તપીને ઘડો બન્યા પછી કુંભાર ટકોરા મારીને તેને ચકાસે છે, કે તે ફૂટી જતો નથીને કે કાચો રહ્યો નથીને! માનવ જીવનમાં પણ અંદરથી નબળા માનવનાં શરીર પર દુઃખ આવવાથી તરત અસર થાય છે અને તે તૂટી જાય છે. જીવનમાં અગ્નિ પરીક્ષામાંથી પસાર થયેલો માનવ ક્યારેય તૂટતો નથી. જેમ ઘટ પાકીને નિંભાડામાંથી બહાર આવે છે તેવું જ માનવ શરીરનું થાય છે. મહત્વ ઘડતરનું જ છે. ચપ્પલ સાથે આવેલી માટીનું સ્થાન ઘરનાં ઉમરા સુધી હોય છે પણ એજ માટી ઘડાઇને ઘડો બનીને આવે તો તે ઘરનાં પાણીયારે પૂજાય છે. સફળ માનવનું સમાજમાં સ્થાન હોય છે.

માનવ શરીરરૂપી ઘટની કિંમત કેટલી હોય છે તે સમરાંગણનાં શૂરા માટે દેશ કાજે લખાયેલું મેઘાણીનું કાવ્ય બોલે છે,

‘ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ,

અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.’

અહીં યુવાન ઘટને, કેસરિયા વાઘા ધરી જુધ્ધે ચઢવાની વાત છે. કારણકે યુવાનીમાં ઘોડા થનગનતા હોય છે. ભગવતીકુમાર શર્માનું, ‘ઘટ ઘટમાં રહે’ કાવ્ય, જીવન જીવવાની ખૂબ સુંદર રીત બતાવે છે.

‘જીવ તું શું કામ નાહક તુચ્છ ખટપટમાં રહે?

એને ઓળખ, જે પળેપળ તારા ઘટઘટમાં રહે.’

એક કિર્તનમાં કહેવામાં આવ્યું છે, ‘પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, તેહને રંગ હરિ રાચે રે.’

માનવકાયાનાં ઘટઘટમાં છુપાયેલી વિલક્ષણ શક્તિ પાછળ જીનેટીક્સ અથવા કોઇ અજાણી શક્તિ કામ કરતી હોય છે પરંતુ માનવ તેને ઓળખી શકતો નથી. ‘કસ્તુરી કુંડળ બસે, મૃગ ઢૂંઢે બન માંહી, ઐસે ઘટઘટ રામ હૈં, દુનિયા દેખો નાંહી।’ જેમકે કસ્તુરી, હરણની નાભીમાં થાય છે છતાં હરણને તેની ખબર ન હોવાથી તે જંગલમાં, ઘાસમાં તેને શોધે છે. તે જ રીતે રામ દરેકનાં હ્રદયમાં રહેલાં છે પણ મનુષ્ય તે જાણતો નથી તેથી અન્યત્ર તેને શોધવા ભટકતો ફરે છે. અંતે તો એજ છે, પુષ્ટિ મધુરમમાં કહ્યું છે તે, ‘મારાં ઘટમાં બીરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી.’

માનવ આખરે તો માટીનું પૂતળુ જ છે. કોઇકે ઘડાને પૂછયું, ‘દરેક પરિસ્થિતિમાં તું ઠંડો કેવી રીતે રહી શકે છે?’ ઘડાએ જવાબ આપ્યો, ‘હું મારી જાતને સતત યાદ આપાવતો રહું છું, તારી ઔકાત શું છે? તું માટીમાંથી બન્યો છું અને માટીમાં મળી જવાનો છું. જેનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન માટીથી બનેલું છે તો શા માટે ગુમાન કે ગુસ્સો કરવો?’ આમ ઘટ માનવને ઘણું શીખવી જાય છે.

અવલોકન -૩૩ -૩૪-૩૫-રસ્તો – ત્રણ અવલોકન

 –    ૧    –  

લોન્ગ કટ 

        શોર્ટ કટ તો હોય. પણ લોન્ગ કટ?   હા! લોન્ગ કટ!   વાત જાણે એમ છે કે, અમારા ગામના પાર્કમાં એક નાનકડું તળાવ છે. એની બાજુમાંથી ચાલવાનો એક રસ્તો પસાર થાય છે.

rd1

     અમે તળાવના કિનારે બેઠા હતા. ત્યાં તળાવની સામેની બાજુમાં અમે અમુક લોકોને ચાલતા જોયા.  અમારી વાનરસેનાને એ બાજુ જવાનું મન થયું. આથી અમે તળાવની બાજુમાં આવેલા ઘાસના મેદાનની એક બાજુએ આવેલા છીંડા જેવા કિનારે ગયા. ત્યાં પાછળની ઝાડીમાં જતી, એક કાચી કેડી નજરે પડી. અમે તો એમાં ઝુકાવ્યું. સાવ એક જ જણ માંડ ચાલી શકે તેવી ઝાડી અને ઝાંખરાં વચ્ચેથી પસાર થતી કેડી હતી. અમે જેવા એમાં પ્રવેશ્યા કે તરત જ સાવ જંગલમાં આવી ગયા હોઈએ એવો આભાસ થતો હતો. અમુક જગ્યાઓએ તો નીચે ઝૂકેલી  ડાળીઓ રસ્તો રોકીને પથરાયેલી હતી, તેમને વાળીને અથવા ઝુકાવીને માર્ગ કરવો પડતો હતો. માત્ર એક બે જગાએ જ એ કેડી તળાવની નજીકથી પસાર થતી હતી. અને ત્યાંથી તળાવનું સુંદર દ્રશ્ય દેખાતું હતું. બે જણ ત્યાંથી નીચે ઉતરી માછલીઓ પકડવામાં પણ પ્રવૃત્ત હતા.

       અમે બેળે બેળે આખી કેડી પસાર કરી પાછા પાકા રસ્તાની નજીક બહાર આવી ગયા. આમ અને જ્યાં ઉભા હતા, ત્યાંથી પાકા રસ્તે જે અંતર એક બે મીનીટમાં કપાઈ જાય તે અમે કાપવા અમારે અડધો કલાક થયો!

      હવે તમે જ કહો. આને લોન્ગ કટ કહેવાય કે નહીં? પણ અમારો આશય થોડો જ રસ્તો કાપવાનો હતો? અમારે તો એક સાહસ કરવું હતું. નાનકડું સાહસ. શહેરની વચ્ચોવચ આવેલા પાર્કમાં સાહસ.

      સામાન્ય વ્યવહારમાં બધે શોર્ટ કટ શોધવાની વૃત્તિવાળા અમારે માટે આ લોન્ગ કટનો અનુભવ અનેરો હતો.

 –    ૨    –  

શોર્ટ કટ 

     એ તો તરવરિયા તોખાર જેવા મારા દોહિત્ર સાથેની સફરની વાત હતી. પણ આ તો બેળે બેળે ચાલતા, ઘોડાગાડીના ગલઢા અડિયલ ટટ્ટુ જેવા આ ડોસાની વાત છે!

    આ વાત લખી હતી ત્યારે જમણો ઢીંચણ જરીક આડો થયેલો હતો! સહેજ ચાલું એટલે રાડ્યું પાડવા માંડે. પણ ચાલ્યા વગર તો કેમ ચાલે? ન ચાલું તો સાવ બેઠાડુ જ થઈ જાઉં ને? એટલે દરરોજ થોડું થોડું ચાલવાનો મહાવરો રાખ્યો હતો. તે દિવસે પાર્કમાં ચાલવા ગયો. ગાડી પાર્ક કરી, આગળના રસ્તે જવા નીકળ્યો. પણ બાજુમાં જ સૂકા વહેળાની પાર સરસ લીલું મઝાનું ઘાસ હતું. નીચે ઊતરી, થોડુંક કષ્ટ વેઠી ચાલું તો ખાસું અંતર ઓછું થઈ જાય તેમ હતું.

rd2

     સાચવી સાચવીને કાચા ઢાળ પરથી વહેળામાં ઉતર્યો. અને બીજી પાર થોડુંક વધારે કષ્ટ   લઈ ચઢી પણ ગયો. ઘાસ વટાવી પાછો મુળ રસ્તે ચઢી ગયો. પગમાં જોડા નહીં પણ ચંપલ પહેરેલાં હતાં, એટલે લપસી જતાં પણ બચ્યો – ખાસ તો ઉપર ચઢતી વખતે.

      સૌને શોર્ટ કટ શોધવાનું અને લાંબા રસ્તા ટાળવાનું સૌને ગમે છે – મારા જેવી તકલીફ વાળાઓને તો ખાસ.   પણ એવા સરળ રસ્તાનાં પોતાનાં જોખમો હોય છે. ક્યાંક ગબડી પડવાની, લપસી જવાની, ઘવાવાની, કાયદાનું ઉલ્લંઘન થવાની, ક્યાંક અનૈતિકતાની, હાસ્યાસ્પદ થવાની શક્યતા હોય છે.   બધા ચાલતા હોય તેવો, લાંબો રાજમાર્ગ સહી સલામત હોય છે. ક્યાંક તો શોર્ટ કટ ન જ લઈ શકાય. ક્યાંક એ લાંબો રસ્તો લેવાથી બીજી શક્ય તકલીફો બચી પણ જાય છે. ક્યાંક સરળ રસ્તા લાભ કરી આપે છે અને ક્યાંક લાંબા ગાળાનું નુકશાન પણ!

     શોર્ટ કટ લેવો કે લોન્ગ કટ, એ પોતપોતાની આવડત, ચિત્તવૃત્તિ અને  જોખમો વહોરવાની કાબેલિયત પર આધાર રાખતું હોય છે!

–    3    –  

અનુકૂળ રસ્તો 

ઉપરોક્ત  બે અનુભવ પરથી એવું તારણ નીકળ્યુ  કે,

અનુકુળ રસ્તો લેવો.
સ્થળ, સમય, સંજોગને આધીન
જેવી જરુર હોય તેવો રસ્તો લેવો.

     એકદમ વ્યવહારિક વાત. સીધા સટ રસ્તે ચાલવું. શોર્ટ કટ મળી જાય તો…. લાંબા રસ્તે સ્વૈરવિહાર કરી ઠામુકાનો શ્રમ અને સમય ન બગાડવો. પણ,  સાથે સાથે  શોર્ટ કટનું જોખમ પણ ન લેવું.

 • નો રિસ્ક ફેક્ટર!
 • સમય વર્તે સાવધાન.
 • જેવો વટ, તેવો વહેવાર.
 • જે આંગળીએ ઘી નીકળે, તે વાપરવી.

આ જ તો  સરળ રીતે જીવવાની રીત. મધ્યમ માર્ગ. સફળ થવાની રીત. સામાન્ય અને સર્વમાન્ય રસ્તો. કોઈ વિવાદ વિનાની, ગળે શીરાની જેમ ઊતરી જાય તેવી વાત.

પણ …કશુંક નવું કરવું હોય તો?

 • નવી કેડી પાડવી હોય તો?
 • નવું સંશોધન કરવું હોય તો?
 • પનામાની કે સુએઝની નહેર બનાવવી હોય તો?
 • ચન્દ્ર અને મંગળ સર કરવા હોય તો?
 • અજાણ્યા રાહે ચાલી, નવા પ્રદેશો શોધી કાઢવા હોય તો?
 • જીવનને સરળ બનાવે તેવા શોર્ટ કટ શોધવા હોય તો?
 • પર્વતના શીખર પર ચઢવું હોય તો?
 • જુની રસમો તોડી, નવી પ્રથાઓ સ્થાપવી હોય તો?

     એ તો વીરલાનું કામ. બહાદુર બંકાનું કામ. પાગલનું, નશામાં મસ્ત મસ્તાનાનું કામ. પથ પ્રદર્શકનું કામ. સામાન્યતાને વીસારી પાડનારનું કામ. અનુકૂળતા જ શોધનારનું એ કામ નહીં. વ્યવહારિક બુદ્ધિ ધરાવનાર, ગાડરિયા પ્રવાહમાં ચાલનાર, વધારે પડતા હુંશિયાર(!) જણનું એ કામ નહીં!

અભિવ્યક્તિ -૨૫-ચાંખડી, પગરખાં, પનોતી!

ચાંખડી, પગરખાં, પનોતી!

અમે વઢાતા. જો કે, વઢાવું અમારા ઉછેરમાં સાહજીક હતું. અમે વઢાયા તો જ ઘડાયા.

ઘરની બહાર પગ મૂકતી વખતે બૂટ-ચંપલનું નામ લેવાઈ જાય તો અમારે વઢાવું પડતું. એ અપશુકન ગણાતું. કેમ એ કોઈને ખબર નહોતી છતાં વઢાવાની બીકે બૂટ-ચંપલને બદલે ‘પગનાં’ કે ‘પગરખાં’ બોલવાની જીભ વળી ગઈ’તી.

અમે વડીલોને ચાંખડી પહેરી મંદિરે પૂજા કરવા જતાં જોયા છે. મારા કાકા તો જીવ્યા ત્યાં સુધી ઘરમાં ચાંખડી પહેરતા એટલે તોસ્વર્ગ પામ્યા હશે એવું મારું અનુમાન છે. એ ‘ચટચટચટ’ રિધમિક અવાજમાં અમને કોઈ ઋષિ-મૂનીના આશ્રમનાં દર્શન થતાં અને ગજાર-પરસાળ બે ઘડી આશ્રમ બની જતું. અમને થતું કે અયોધ્યાની ગાદી પર મૂકેલી શ્રીરામની ‘પાદુકા’ આ ચાંખડી જેવી જ હશે. જો કે, ચાંખડીનો દંભ લાંબુ ન ટક્યો. ચાંખડી ગઈ અને ‘હડહડ’ થવા ચંપલ રહ્યાં.

મારા ઘરમાં બૂટ-ચંપલ પહેરીને ડેલીના બારણાથી આગળ વધવાની મનાઈ હતી. હજુ એ પરંપરા ઘણા ઘરોમાં જળવાય છે. બૂટ-ચંપલ હાથેથી ઉપાડ્યા હોય એ હાથ ધોવો પડે. જો કોઈ છાનામાના ચંપલ પહેરીને રસોડા કે પરસાળ તરફ ઘૂસતાં પકડાયા તો જન્મટીપ અને જો નજર ચૂકવીને પાણીયારાને અડ્યા તો તો ખલ્લાસ, ફાંસીની સજા સાંભળવી જ બાકી રહેતી! મંદિર બહાર આપણે પગરખાં યંત્રવત ઉતારી નાખીએ છીએ અથવા ‘ટોકન’ લઇ પાંજરામાં મૂકીએ છીએ. પણ કેટલાંક મંદિરોની અંદરની ગંદકી એવી હોય કે ચીકણી ફરસ પર પગના તળિયાં ચોંટે, કાળાં થાય કે દાઝે. મોજાં ગંદા થઇ એવી ગંધ મારે કે માથું ફાટે!

અફસોસ! પાઘડી કરતા પણ મહત્વની ફરજ બજાવતાં પગરખાંને આપણે કેવું સ્ટેટસ આપ્યું? ગામ આખાના ધૂળ-ગારાથી ખરડાઈ, ઘસાઈ, આપણા પગના તળિયાને કાંકરા-કાંટા કે બળબળતા રસ્તાથી બચાવતાં પગરખાંની વેલ્યુ ઝીરો! પગરખાં ઘસી ઘસીને કેરિયર બનાવશું અને મોકો મળે ત્યારે બેફિકરાઈથી કહેશું, ‘તૂ તો મેરે પાંવ કી જૂતી’! કોઈ ગુનેગાર કે નેતાને જાહેરમાં ઉતારી પડવો હોય તો શું પહેરાવવાનું? ખાસડાં!. રોમિયોને મેથીપાક ચખાડવામાં? ખાસડાં! અરે, ચંપલ ચોરાઈ જાય એટલે ખુશ થવાનું, ‘સારું, પનોતી’ ગઈ’! પછી ભલેને નવેનવાં Hush Puppies ગયા હોય!

આજે તમે કોઈને ત્યાં જાવ અને ચંપલ બહાર ઉતારવા લાગો તો કહેશે, “ના, ના, ચાલશે” ત્યારે તમે વિવેક ખાતર ઉતારી તો નાખો છો પણ મનમા તો ઘણું થાય કે પહેરી રાખ્યા હોત તો સારું હતું. થોડી વારમાં ઘરનો યુવા પુત્ર બૂટ પહેરીને સડસડાટ ઘરમાં દાખલ થઇ, ફ્રિજમાંથી બોટલ લઇ પાણી ગટગટાવતો દેખાય ત્યારે ‘પગરખાં બહાર ઉતારો’ એટીકેટના ધાજાગરા ઉડતાં દેખાય છે.

જીવનમાં પગરખાંનું સ્ટેટસ શું છે અને તેનું સ્થાન ક્યાં હોય એ તો નવી પેઢીએ શીખવાડ્યું! એમના બૂટ ચંપલના કબાટ બેડ રૂમમાં લઇ ગયા. એમના પગરખાં રાખવાના રેક્સ અને ડિઝાઈનર કબાટો અને સંખ્યા જોઇને અચંબો પામવું જ પાડે. વિવિધ જોગીંગ શુઝ, બ્લેક-બ્રાઉન લેધર શુઝ, હાઈ હિલ્સ અને ફ્લેટ સોલ, બધા રંગના લેડીઝ ચંપલ, સ્નિકર્સ, સ્લીપર, ચોમાસાનાં જૂદાં જૂતાં, સોરી, ‘ફૂટવેર’. એક વાર પહેર્યા પછી ઉતારવાની વાત ખોટી. નવાં નવાં ફૂટવેરના ‘ક્રેઝી’ યુવાધનના કોઈ માં-બાપને પૂછી જોજો કે દીકરા દીકરી પાસે કૂલ કેટલાં અને કેવાં કેવાં પગરખાં છે તો ગર્વથી કહેશે, ‘ગણવાં મૂશ્કેલ છે’!

એ લોકોએ ‘પગરખાં પહેરી ફાવે ત્યાં ફરો’નું સ્લોગન અપનાવ્યું, અને આપણે એ આંશિક કે મહદ અંશે સ્વીકાર્યું. એટલે જ, અત્યાર સુધી હડધૂત થતાં ખાસડાં આજે ‘ફૂટવેર’નું રૂપાળું નામ ધારણ કરીને ડ્રોઈંગ રૂમ, બેડ રૂમ અને કિચનમાં રોફ અને માનથી રહે છે, હરે છે, ફરે છે. અરધી દૂનિયા ઉઘાડા પગે ફરતી હશે પણ જે પહેરે છે તેમાંથી અરધી દુનિયા હજી પગરખાંને તિરસ્કારપૂર્વક ઘરની બહાર રાખે છે. માણસ! તું પણ કમાલ છે!

અલબત્ત, અનુભવે સમજાતું ગયું કે તમે આરોગ્યનું અને ઠાકોરજીનું ધ્યાન રાખો એટલે બસ!

બાકી, ‘બૂટ-ચંપલ પહેરી રાખો’ v/s ‘બૂટ-ચંપલ બહાર ઉતારો’ પ્રજા બે છાવણીઓમાં વહેંચાઇ ગઈ છે અને બન્ને વચ્ચે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે એવો મને ભય છે.Anupam Buch

વિનુ મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા નું પરિણામ

મિત્રો ઇનામની જાહેરાત થઇ ગઈ છે અને પરિણામ આ મુજબ છે.

દરેક કેટેગરીમાં પહેલું ઈનામ $૧૦૧

અને બીજું $૫૧, એમ, બે ઈનામો આપવામાં આવશે.

દરેક કેટેગરીમાં $૨૫ના એક એક આશ્વાસન ઈનામ પણ આપવામાં આવશે.

વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા નું પરિણામ –

વાર્તા નું પરિણામ

૧-નંબર -૨૪ -વૈશાલી રાડિયા

૨-નંબર -૧૩-કલ્પનારઘુ શાહ -વાર્તા -૩૧ -આરતી રાજ પોપટ (બે વ્યક્તિ વચ્ચે  વ્હેચાયું છે.)

૩-નંબર -૫-રાજુલ કૌશિક-આશ્વાસન ઈનામ

નિબંધ નું પરિણામ 

૧-નંબર-૧૨-વૈશાલી રાડિયા

૨-નંબર -૧૯ -સપનાબેન

૩-નબર -૧-પ્રવિણા કડકિયા-આશ્વાસન ઈનામ

 

૩૧ ) આવું કેમ ? મધર્સડે પછીના દિવસે!

આવું કેમ ? મધર્સડે પછીના દિવસે!
રવિવારનો દિવસ તો પૂરો થયો ! હવે આવશે ત્રણસો ને ચોંસઠ દિવસ પછી ! જેને અમેરિકાનો વર્ષના સૌથી મહત્વના દિવસોમાંનો એક કહ્યો છે -કે જે દિવસે સૌથી વધારે ફોન થાય છે, કાર્ડ મોકલાવાય છે, ફૂલ અપાય છે અને રેસ્ટોરન્ટમાં બ્રન્ચ , લંચ કે ડિનર માટે કુટુંબ સાથે જવાની પ્રથા છે તેવો , માનું ગૌરવ સન્માન કરતો એ રવિવાર આવીને જતો રહ્યો !

મારી એક મિત્ર ફેમિલી થેરાપિસ્ટનું કામ કરે છે. ઉત્સવોની ઉજવણી પહેલા , દરમ્યાન અને પછી થતી એંક્ઝાયટી – અકળામળ કે ચિંતા વિષે વાત કરતાં કહે ,’ ઘણી વાર નાનાં બાળકો કે મોટા સંતાનોની માતા , મધર્સ ડે ના દિવસે ( કે પછી અન્ય કોઈ મહત્વના પ્રસંગે- વર્ષગાંઠ કે એનિવર્સરી જેવા અવસરે )પોતાની અપેક્ષા મુજબ માન – સન્માન ન મળતાં નિરાશા અનુભવે છે. જે સંતાનો માટે કે કુટુંબ માટે પોતે આટલો પ્રેમ વરસાવે છે એ લોકોની પ્રેમની અભિવ્યક્તિમાં ક્યાંક વેઠ લાગે અથવાતો છેલ્લી મિનિટે જ્યાંત્યા ગાળિયો કાઢ્યો હોય તેમ લાગે ત્યારે એનું દિલ દુઃખાય છે!
ત્યારે ફેમિલી થેરાપિસ્ટ તરીકે હું એમને – મા અને કુટુંબને -સમજવું છું : આનન્દ આપણી અંદર રહ્યો છે! આ કાર્ડ, ફૂલ , ચોકલેટ માત્ર પ્રતીક છે ;મા જે કરે છે તેની તોલે પ્રતીક ક્યારેય આવી જ ના શકે , પણ તહેવારો – ખાસ કરીને મધર્સ ડે – એ ગયા પછી એકલતા કે અફસોસ કે વિષાદ ઘેરાય તો તેને હટાવવાની જડીબુટ્ટી સાયકીઆટ્રી અને ન્યુરો સાયન્સે શોધી કાઢી છે! અને એ જડીબુટ્ટી તમારા હાથમાં જ છે!’ મારી થેરાપિસ્ટ સખીએ કહ્યું.
“ખરેખર ? “મારો પ્રશ્ન હતો !
આ મધર્સ ડે સેલિબ્રેશન ઇન્ડિયાની જેમ આખું વર્ષ ઉજવવાની જડી બુટ્ટી મળી જાય તો ભયો ભયો! મેં વિચાર્યું ! અમારા દેશમાંતો રોજ મધર્સડે હોય છે! મેં વધુ પડતા દેશ પ્રેમ, સઁસ્કૃતિ ગૌરવનું ગાણું ગાતાં કહ્યું!

મારી મિત્ર થેરાપિસ્ટ સમજાવ્યું , “આપણા વર્તનને આપણું મન કન્ટ્રોલ કરે છે. ને મુખ્યત્વે પાંચ ન્યુરો કેમિકલ્સ ઉપર આપણા આનંદની માત્રાઓની વધ ઘટ થતી હોય છે”
એ વળી શું ? એવું કેમ? મેં પૂછ્યું .
“એ ગહન વિષય છે ; પણ એ કેમિકલ્સ ને આપણા વર્તનને સીધો સબન્ધ છે! “ એ કહે
જે કામ કરો તેમાં આનન્દ લો , તો સ્ટ્રેસ ઓછો થાય કોર્ટિસોલ કેમિકલ્સ એ કન્ટ્રોલ કરે છે (cortisol ); સ્પર્શ – હાથ પકડવો , હગ આપવી હાથ પકડીને ચાલવું જેવા નાનાં નાનાં સ્પર્શથી માતા અને સંતાન વચ્ચે પ્રેમનો અનુભવ થાય છે ( જે ચોકલેટ કે ફૂલ કે અન્ય ગિફ્ટથી ઘણું વધારે અસરકારક છે)( oxytocin ) ; નવી બનેલી માતાઓ કે સિનિયર સિટિઝનની માતાએ એ જાણવું ખાસ જરૂરી છે કે માતૃત્વ તમારાં મૃત્યુ બાદ પણ અમર રહે છે; એને ચમકતું રાખવા – એટલેકે તમારે જો ખુશ રહેવું હોય તો, કાયમ કાંઈક નવું જાણવા , શીખવાની વૃત્તિ કેળવો ! નવી વસ્તુઓમાં રસ લેવો , નવું નવું શીખવું વગેરે મગજમાં ડેપોમાઇન જેવું કેમિકલ કન્ટ્રોલ કરેછે ; એ પોષાશે તો આનંદની લાગણી આપોઆપ જન્મશે( dopamine ) ; કસરત કરવી જેવી શારીરિક પ્રવૃત્તિ મગજને પ્રફુલ્લિત કરે છે જે એન્ડોરફિન ગ્રન્થિને પોષે છે( endorphin ) ;અને કોઈ ને મદદ કરવી ઉમદા કાર્ય કરવા વોલેન્ટિયર વર્ક – મન્દીરમાં , કોઈ પ્રોગ્રામમાં , કોઈ જરૂરિયાતવાળાને પૈસાની આર્થિકમદદકરવી વગેરે ઉમદા કર્યો આપણને અંદરથી ખુશી આપે છે( serotonin ). ને પ્રસન્ગોના આવીને જતા રહેવાનું દુઃખ કે ગ્લાનિ કે ઉદાસીનતા પછી ઝાઝું ટકશે નહીં! આ બધું આમ તો સરળ છે! માત્ર મનને ટપારવાની જરૂર છે!
આવું કેમ? મેં વિચાર્યું; શું પહેલાના જમાનામાં માને આવાં પ્રશ્નો થતા હતા ખરા ? પણ નવયુવાન મા બાળક માટે બધું જ કરે એમાં અપેક્ષા કે ઈચ્છાઓ હોય ખરી ? માને તો નિશ્વાર્થ પ્રેમની મૂર્તિ કહી છે! તેને અપેક્ષા, નિરાશા? આવું કેમ?પણ યાદ રાખીએ કે મા એ આખરે તો મનુષ્ય છે! ઉપેક્ષિત માતા કે એકલી માતા એ સઁસ્કૃત સમાજની પણ ઉણપ દર્શાવે છે! પણ એ વાર્તાલાપ બાદ મારે માતૃભૂમિની મુલાકાતે જવાનું થયું ! મેરા ભારત મહાન ! મારી સઁસ્કૃતિ દુનિયામાં શ્રેષ્ઠ !ખરેખર ? આજે મને હમણાંની મારી ઇન્ડિયાની ટ્રીપ યાદ આવી : આર્થિક પરિસ્થિતિને કારણે એક જ છાપરા હેઠળ રહેવાથી માતૃપ્રેમ વધી જતો નથી ! ત્યાંના રબારી વાડામાં એક દિવસ ગાળવાનો મળ્યો ; એક બે ઘરડાંઘરની મુલાકાત પણ લીધી ; અને ત્યાંયે સમય અને સંજોગો બદલાતાં જાય છે. કોઈ પણ સમાજ જયારે પ્રગતિ કરતો હોય( ગતિ કરે તે પ્રગતિ જ કહેવાય) ત્યારે ચાર પાંચદાયકા પુરાણ મૂલ્યો પણ નવું રૂપ ધારણ કરે જ: તે સ્વાભાવિક છે; તેને સ્વીકારીને ગતિમાન રહેવું એ એક કળા છે !મધર્સ ડે પછીનો દિવસ અને ત્યાર પછીના બીજા ત્રણ સોને ત્રેસઠ દિવસ પણ જો આંનદમાં વિતાવવા હોય તો- તો પેલી જડીબુટ્ટીને યાદ કરો: હા , બીજાને સુધારવા કરતાં આપણી જાતને થોડું કષ્ટ આપ્યું હોયતો કેવું ? “પણ તો સન્તાનોએ કાંઈ જ નહીં કરવાનું ? એમને કાંઈ જ કહેવાનું નહીં? “મન્દીરની ઓસરીમાં બેઠેલાં વડીલ બહેને મારી વાત સાંભળી , છતાંયે અકળાઈને પૂછ્યું:“આવું કેમ? “

૩૫ –હકારાત્મક અભિગમ- આપણી પાસે શું છે? – રાજુલ કૌશિક

એક સત્ય ઘટનાની વાત છે.

રાજકીય કારણોસર જર્મનીના બે ભાગ પડી ગયા હતા અને પૂર્વ જર્મની- પશ્ચિમ જર્મની વચ્ચે એક તોતિંગ દિવાલ બનાવી દેવામાં આવી.

જ્યારે બે પરિવાર વચ્ચેની વાત હોય ત્યારે ક્યાંક લાગણીમાં ઓટ આવી હોય કે ક્યાંક લાગણીઓ ઘવાઇ હોય, લાગણીઓને ઠેસ પહોંચી હોય અથવા તો જર- જમીનના ઝગડાએ પણ આ સ્થિતિ ઊભી થઈ હોય પરંતુ જ્યારે બે વિસ્તાર વચ્ચે જો દિવાલ ઊભી થઈ હોય ત્યારે એના મૂળ  રાજકીય હોવાના અને એમાં ક્યાંય કોઇ તડજોડની શક્યતા નહીંવત જ હોવાની.

બન્યું એવું કે એક દિવસ પૂર્વ જર્મનીના કેટલાક લોકોએ એક ટ્રક ભરીને કચરો- ગંદકી દિવાલની બીજી તરફ- પશ્ચિમ જર્મનીમાં ઠલવી દીધો.

હવે આના જવાબમાં પશ્ચિમ જર્મનીના લોકોએ શું કર્યું? સ્વભાવિક છે કે ઈંટનો જવાબ પત્થરથી જ આપ્યો હોય ને ? એક તરફના લોકોએ ટ્રક ભરીને ગંદકી ઠાલવી તો બીજી તરફના લોકોએ બે ટ્રક કે એથી વધુ ગંદકી જ ઠાલવી હોય ને?

પણ ના! એવું ના બન્યું . સામાન્ય ધારણાથી સાવ અલગ જ જવાબ પશ્ચિમ જર્મનીવાળાએ આપ્યો. એમણે ફ્રુટ, બ્રેડ, દૂધ અને જીવન જરૂરિયાતની સારી એવી વસ્તુઓ ભરેલી ટ્રક પૂર્વ જર્મનીની દિવાલને અડીને વ્યવસ્થિત ગોઠવી દીધી અને ઉપર એક બોર્ડ મુક્યું જેની પર લખ્યું હતું …….. “ જેની પાસે જે વસ્તુ હોય તે જ તે આપી શકે.”

કેટલી સાચી વાત સાવ જ સ્વભાવિક અને સરસ રીતે દર્શાવી દીધી !

આપણી પાસે શું છે?

પ્રેમ કે તિરસ્કાર ?

સર્જનાત્મકતા કે વિધ્વંસતા?

પૉઝિટિવિટી કે નેગેટિવિટી ?

કોઇપણ સંજોગોમાં આપણે આપણી સારપ સાચવી જાણીએ છીએ ખરા? સામેની વ્યક્તિની જે પ્રકૃતિ હોય આપણી સ્વસ્થતા જાળવી શકીએ છીએ ખરા? ખોટા કે ખરાબ થવું કદાચ સરળ છે પરંતુ સાચા કે સારા નિવડવા જેટલી સમજ કેળવી શકીએ છીએ ખરા?

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

 

 

પ્રજ્ઞાબેનને જન્મદિનની શુભકામના 

4e0bd4e3-0ba3-47ef-a398-0697cc5dc84a

પ્રજ્ઞાબેનને જન્મદિનની શુભકામના

 

પ્રજ્ઞાબેનના તમારા જન્મદિનથી માંડીને આવનાર પ્રત્યેક દિવસ

અનેક આશા, ઉમંગ અને કાર્યસિદ્ધિ લઈને આવે એવી શુભકામના.

 

નથી રાખ્યો તમે કંઇ ઔપચારિક ભાર મનમાં,

બધા માટે છે ખુલ્લા દિલે આવકાર તમારા મનમાં.

 

વધાવ્યા છે તમે સૌને એમના સર્જનને લઈને,

કર્યો છે સહજ સ્વીકાર સૌની અભિવ્યક્તિને લઈને.

 

વિચારો છે, આયાસો છે, ઉત્સાહ છે પાયામાં,

કલમની તાકાત અને શબ્દ શણગાર છે ખ્યાલોમાં.

 

યોજો છો સાહિત્યની પરિષદ ત્યાં છે સૌને આવકાર,

ઝીલાય છે અહીં એકમેકની લાગણીના ધબકાર.

 

લખો, લખતા રહો ,મળો, મળતા રહો કાયમ,

પ્રેમથી એ જ આગ્રહ હોય છે તમારો કાયમ

 

તમારા જન્મદિને પાઠવે છે બેઠક શુભેચ્છા તમને,

ખીલો, ખીલતા રહો, રણકતા રહો કાયમ.

 

હસો, હસતા રહો ખુલ્લા દિલથી કાયમ,

છલકો, છલકતા રહો પ્રેમથી કાયમ…

 

 

 

 


અવલોકન -૨૯,૩૦,૩૧,૩૨-સાબુ પર

 –  ૧ – 

સાબુ પર સાબુ? આ તે કેવી ઊટપટાંગ વાત? હા! એમ જ છે. લો જોઈ જ લો ને  –

soap1

       તમે કહેશો … “અહો! આમ વાત છે.આમાં શું નવાઈ? અને તે પણ ગુજરાતીને ? અમદાવાદીને?  વાત એમ છે કે, આ દૃષ્ય જોયું અને બ્લોગબદ્ધ ( નવા શબ્દની રચના ! ‘વાહ, રે! મેં વાહ.’ ) કરવા તલપાપડ થઈ ગયો. પહેલાં એનો ફોટો પાડ્યો; અને હવે આ આલેખન. આમાં એક જ સંદેશ

ત્રેવડ … કરકસર..

આજે સાબુની બચેલી પતરી બચાવો. એમ બને કે, કાલે નહાવા સાબુ જ ન હોય.

 • ખોરાકની અછત
 • પાણીની અછત
 • ઉર્જાની અછત

કારણ?

 • વધતી જતી વસ્તી
 • કૂદકે ને ભૂસકે આગળ ધપતું જીવન ધોરણ
 • અમર્યાદિત બનતી જતી માનવ અપેક્ષાઓ
 • જમીનનો વધતો જતો બિન ઉત્પાદક ઉપયોગ અને…
 • દરેક સેકન્ડે ટાંચાં થતાં જતાં સ્રોતો

માનવજાતના માથા પર તોળાઈ રહેલી તાતી તલવાર;
ભયાનક ભવિષ્યના કાળઝાળ ઓથારનો
ઉવેખી ન શકાય તેવો, અચૂક અણસાર
.

          પથ્થરયુગથી સ્પેસમાં પહોંચેલો કાળા માથાનો  ( કે બીજા ગમે તે રંગના માથાનો ), માથા ફરેલ માનવી કશોક ઊકેલ તો શોધી જ કાઢશે; અથવા સૌથી બળિયો બીજા બધાંને ઢાળી દઈ,  એકદંડીયા મહેલમાં મિત્રમંડળ, કુટુમ્બ કબીલા સહિત મઝેથી મહાલશે. પણ ..

      આજે તો સાબુ પર સાબુ મૂકો અને એ પળને થોડીક આઘી ધકેલો.  પથ્થરયુગમાં પાછા ધકેલાઈ જવામાંથી બચવાનો ઊકેલ મળી જાય તે પહેલાં.

 –  ૨ – 

soap2

     સાબુની એ નાનકડી પતરી હવે તો સાવ નાની થઈ ગઈ છે. મોટા સાબુમાં ઓગળવાની પ્રક્રિયા લગભગ પતવામાં જ છે. એની મોટા ભાગની જાત પાણી સાથે ઓગળીને વહી ગઈ છે.

હવે દ્વૈતનું અદ્વૈતમાં રૂપાંતર થવાનું છે.

સમજુને બીજું કશું કહેવાની જરૂર છે ખરી?

        બે જણ થોડા દિવસ અલગ અલગ રહ્યા હતા. નવાની ઉપર જૂનો મૂકીએ તો અળગો જ રહે. પણ આજે બે એકરૂપ થઈ ગયા હતા – અલગા કરવા હોય તો પણ ન થાય.   ચપટિક કે ચમચિક  પાણીનો પ્રતાપ. થોડું અમથું જ પાણી – પણ બન્નેની સપાટીઓને સ્નિગ્ધ કરી નાંખે. અને એ સ્નિગ્ધ સપાટી સૂકાતાં સૂકાતાં સાબુનો ચીકણો રસ બન્નેને એટલો તો વળગે; કે બેય સાબુ એકરૂપ થઈ જાય.

        પાણી એટલે જીવન. કોઇ સજીવ એના વિના જીવિત ન રહી શકે. પણ અહીં તો નિર્જીવ સાબુમાંય એણે કમાલ કરી હતી. છૂટા રહેલા બે સાબુને ભેગા કરી દીધા હતા.

      એવું જ સજ્જનનું પણ હોય છે ને? મૈત્રીભાવ જગાવે. સદભાવનાને વ્યાપક કરે. છૂટા પડી ગયેલા વચ્ચે મનમેળ કરાવે. મંગળભાબનાને ઉદ્દીપિત કરે – જાતે સૂકાઈને પણ.

भवतु सब्ब मंगलं ।

પાણીના કેટકેટલા ગુણ?
જીવનને પ્રગટાવે, પોષે,
વર્ધન કરે;
અને નિર્જીવને પણ જોડે.

 –  ૩ – 

soap3

     નવા સાબુની ઉપર ચોંટાડેલો નાનકડો, જૂનો સાબુ અને તેનીય ઉપર ચોંટાડી છે – ટચૂકડી, ત્રણેમાં સૌથી જૂની પતરી.

     જે સૌથી નાનો છે; તે સૌથી જૂનો છે. કદાચ સાબુના એ ભાગને વાપરવામાં ન આવે; તો તે એમનો એમ રહે અને મોટા દેખાતા સાબુભાઈ પણ નાનકડા બની જાય. સાબુની નવી પેઢી આવે અને તેમને ઓલ્યા વડીલોની વચ્ચે ધકેલી દે! ત્રણને બદલે ચાર પડ બની જાય.  આપણા મન પર તો આવાં કેટલાંય પડ છે. સાબુ તો શું, ડુંગળીનાં કે કોબિજનાં પડ પણ એની આગળ કોઈ વિસાતમાં નથી. જન્મતાંની સાથે કદાચ ઉત્ક્રાન્તિની પ્રક્રિયાથી સંઘરાયેલાં અનેક પડ ડી.એન.એ. આપણને આપી દે છે. અને જેમ જેમ મોટા થતાં જઈએ છીએ; તેમ તેમ બીજાં અનેક ઉમેરાતાં જાય છે. પેલાં જૂનાં તો બહુ સૂક્ષ્મ હોય છે, આપણી મોટા ભાગની પ્રતિક્રિયાઓ  આ જૂના, રૂઢ થઈ ગયેલા, વજ્રલેપ બની ગયેલા  સંસ્કારો થકી હોય છે.

     એમને અતિક્રમી અંદરના પોતને ઝળહળાવવા બહુ કઠણ તપ કરવું પડે છે. જેમ જેમ આ પડ ઉકેલાતાં જાય છે; તેમ તેમ જૂનાં ઊભરવા માંડે છે. જેમ મોટા સાબુને ઓગાળવો વધારે સરળ છે; તેમ નવા વહેમો જલદી ઓગળી શકે છે. પણ એ બુડ્ઢા ખખ કેમેય જવાનું નામ નથી લેતાં!

    નવા જમાનાની રીત વધારે સારી. જૂની પતરીઓને આમ સંઘરવા કરતાં ફેંકી દઈ, સાવ નવો નક્કોર સાબુ જ વાપરવો! પણ આ અમદાવાદી જણની ચિત્તવૃત્તિ એમ શી રીતે આમૂલ પરિવર્તન પામે?

–   ૪    –

      સ્ટોરમાં ફરતાં સાબુઓની થપ્પી પર નજર કેન્દ્રિત થઈ, અને એક વિચાર સ્ફૂર્યો. ત્યાં બરાબર ફોટો પડી શકે તેમ ન હતું; આથી ઘેર આવી, ઘરના સ્ટોરમાંથી સાબુઓ કાઢીને આ ફોટો પાડ્યો –

soap4

       આ ચિત્ર જુઓ. ઉપરા ઉપરી ત્રણ સાબુ મૂકેલા છે. અથવા એમ દેખાય છે!

       જે દેખાય છે; તે સાબુ નથી. રેપર છે. અંદર સાબુ હોય કે ન પણ હોય!

આપણી નજર સામે માણસ દેખાય છે.

એ માણસ હોય કે,
ન પણ હોય! 

મોટા ભાગે આપણે રેપર – મહોરાં જ જોતાં હોઈએ છીએ.

આપણે ખુદ પણ રેપર જ
– અનેક મહોરાં જ.

     આપણે બાહ્ય દેખાવ પરથી જ અનુમાન બાંધી લેવા ટેવાયેલા હોઈએ છીએ. મૂળ તત્વ ક્યાં સહેલાઈથી જોઈ શકાતું હોય છે?

 

અભિવ્યક્તિ -‘૨૪-દીવા ટાણું’-અનુપમ બુચ

‘દીવા ટાણું’

હું નાનો હતો ત્યારથી જ મને સાંજ બહુ વહાલી. કોણ જાણે કેમ મને ઉગતા સૂરજ કરતાં ઢળતી સાંજ વધુ ગમતી. ત્યારે મને સમજાતું નહિ પણ આજે એ વહાલી સાંજનું સ્મરણ કરું છું ત્યારે થાય છે કે અરે હા, છાતી સરસી ચાંપવાનું મન થાય એ ક્ષણો હતી – ઢળતી સાંજનું ‘દીવા ટાણું’.

મારા ઘરની અગાસી પરથી સ્વામીમંદિરનો વિશાળ ગૂમ્બજ દેખાતો. બે શિવાલયોની ફરફરતી ધજા પણ સામે જ દેખાય. ઊડી ઊડી થાકેલાં કબૂતરો ગુમ્બજ અને શિખરો ફરતે લગભગ છેલ્લું ભ્રમણ કરતાં હોય ત્યારે પૂર્વમાં ગિરનાર ઝાંખો થઇ ધીમે ધીમે રેખાચિત્ર બનતો જતો હોય.

એક નિયત સમયે એકાદ મંદિરની ઝાલરું ઝણકતી સંભળાય. એમાં ટકોરી-ટકોરા અને દાંડી પીટવાનો અવાજ ભળે. વિશ્વ એને ‘સંધ્યા ટાણું’ કહે, ગામ એને ‘આરતી ટાણું’ કહે અને આમ ઘેર ઘેર ‘દીવા ટાણું’ કહેવાય. ‘દીવા ટાણું’ એટલે સંધ્યાકાળે ઠાકોરજી પાસે અને તુલસી ક્યારે ઘીનો દીવો મૂકવાનો સમય. એ પવિત્ર સમય ‘દીવા-બત્તી’ના સમય તરીકે પણ ઓળખાતો. દીવો પ્રગટે અને સાથે સાથે રસોડું, ઘર અને દિવાનખાનું ‘બત્તી’થી ઝળહળે.

પણ ‘દીવા-બત્તી’ ટાણે ઘણું ખરું પુરુષવર્ગ ઘરમાં ન હોય. મા કે દાદી દીવા અને બત્તી કરે.

‘દીવા’ સાથે ‘બત્તી’ ક્યારે જોડાઈ ગઈ એ અમને ખ્યાલ નથી પણ અમારા વડીલો પાસેથી સાંભળેલી ‘ફાનસ’યુગની વાતો સાંભળી અમે અમારી જાતને સદનસીબ સમજતા કે અમે લાઈટમાં ભણ્યા. અમે ભલે ‘બત્તી’માં ઉછર્યા પણ ત્યારે ફાનસ સાવ નવરાં નહોતાં થયાં. ‘બત્તી’ તો ઘણા સમયથી આવી’તી પણ કેરોસીન ભરેલાં ફાનસ તૈયાર જ રાખવાં પડતાં. વીજળી ક્યારે વેરણ થાય એનો ભરોસો ન રહેતો. જેવી લાઈટ જાય કે કોઠારમાંથી ફાનસો બહાર આવે. મા કે દાદી કાચનાં ‘પોટા’માં મેશ બાજે નહિ એવી ચીવટથી વાટ ઉંચી કરી એક જ દીવાસળીથી પાંચ ફાનસ પેટાવે. અમે દૂર ઊભા રહી આ મજાનો ખેલ જોયા કરતા.

ફાનસ પેટાતું હોય ત્યારે ફાનસના પ્રકાશમાં માનો ચહેરો વધુ હેતાળ લાગતો.

અમને પણ લાઈટ કરતાં ફાનસનો પ્રકાશ વધુ રોમાંચક લાગતો. ફાનસના પ્રકાશમાં ઊભીને અમે દિવાલ પર અમારા પડછાયા પાડી ગમ્મત કરતા. અમે મનોમન ઈચ્છતા કે લાઈટ જલ્દી ન આવે તો સારું. અને, લાઈટ આવે ત્યારે અમે દોડીને ફાનસમાં ફૂંક મારવા અધીરા થઇ જતા. વાટ નીચી કરી, અંગૂઠાથી કળ દબાવીને અમે ‘પોટો’ ઉંચો કરી એક જ ફૂંકે ફાનસ ઓલવી નાખતા. થોડી વાર માટે ઘરમાં પ્રસરી જતી કેરોસીનની ગંધ અમને ગમતી.

ધીમેધીમે દીવા ભૂલતા ગયા અને ‘બત્તી’નું રાજ ફૂલ્યું-ફાલ્યું. ફાનસ ઓછાં થતાં ગયાં અને અને પેટ્રોમેક્સની રોશનીનો રોફ ઘટતો ગયો. લાઈટના ગોળા આવ્યા, વીજળીના ચાળા પાડતી ‘લબૂક-ઝબૂક’ ટ્યુબ લાઈટ આવી તે હજી આજે પણ દીવાલોને વળગી છે. બહાર પ્રસંગે વપરાતી પેટ્રોમેક્સ ગઈ અને સૂરજ સામે ધૂળ ઉડાડતી હેલોઝન આવી, વીજળીના ગોળા ગયા ને એલઈડી આવી. આમ અંધારું ઉલેચતા પ્રકાશના વિવિધ સાધનોનો પરિવાર બહોળો થતો ગયો.

હવે ઝાકઝમાળ વિના ફાવતું નથી. રાંધણીયાંમાં કે બાથરૂમમાં વપરાતો ઝીરોનો બલ્બ ઘરના પૂજા રૂમ કે લાકડાના મંદિરમાં અકારણ બળ્યા કરે છે, કદાચ ક્યાંક ઘીના દીવાને બદલે. હવે તો દિવસે ઘરમાં લાઈટ થાય છે. સૂમસામ ખાલી રસ્તા પર અમસ્તો અમસ્તો પ્રકાશ પથરાય છે. હજારો માઈલ દૂર ગોઠવેલા ગૂગલ કેમેરા ઝળહળતી રોશનીથી ન્યૂ યોર્ક અને નવી દિલ્હી ઓળખી પાડે છે. આજે ચોમેર ‘બત્તી’ નું સામ્રાજ્ય છે. ઈમર્જન્સીમાં જરૂર પડે તો ફાનસ નથી, મીણબત્તી નથી, મોબાઈલની લાઈટ છે. હું ખુશ છું. હુ નસીબદાર છું કે વર્ષોથી અમારે ત્યાં વીજળી ભાગ્યે જ વેરણ થાય છે.

સારું છે, ‘બત્તી’નો આવિષ્કાર માણસે માણસને આપેલા આશીર્વાદ છે.
પણ સાહેબ, આ ‘બત્તી’થી વિખુટો પડી ગયેલો ‘દીવો’ લગભગ ભૂલાઈ ગયો છે. સંધ્યા ટાણે રાતની છડી પોકારતું ‘દીવા ટાણું’ ગયું

મારી આસપાસ પુષ્કળ રોશની મારી આંખો આંજે છે પણ આરતીની ઝાલરના રણકાર વખતે તુલસીના ભુખરા કુંડા પાસે નિયમિત પ્રગટતો ‘દીવો’ મને નથી દેખાતો અને રોજ સાંજે નિયત સમયે અમારા દિવાનખાનામાં અચૂક પ્રકાશ રેલાવતી પીળી ‘બત્તી’ પણ નથી.

Anupam Buch