અવલોકન -૩૬-રિવર વોક અને બંધ બારી

       ઓસ્ટિનના સરસ મજાના રિવરવોકના લોખંડના એક બાંકડા ઉપર હું બેઠો છુ; અને મારી સામેની બધી ચહલ પહલ નિહાળી રહ્યો છું.

       સામે, નદીની પેલે પાર ડાઉન ટાઉનની ગગનચુંબી ઈમારતો ખડી  છે – કોઈક વીસ માળની, તો કો’ક ચાળીસ માળની, તો કો’ક પચાસ માળની. સૌથી ઉંચી ઈમારત પર સ્વાભાવિક રીતે બધાંની નજર પડે; તેમ મારી નજર પણ ખેંચાય છે. એની આડી અને ઉભી, બધી  બારીઓ બંધ છે – સાવ નિષ્ક્રીય અને કોઈ ચેતન વિનાની. હું એ બારીઓની પેલે પાર શું ચાલી રહ્યું છે; તે જોઈ શકતો નથી. કદાચ ત્યાં કોઈ આતરરાષ્ટ્રીય કમ્પનીનો કરોડો ડોલરનો કારોબાર ચાલી રહ્યો હશે. કો’ક માંધાતા તેની કુશાંદે ચેમ્બરમાં વૈભવશાળી ખુરશીમાં બેસી મ્હાલી રહ્યો હશે. કદાચ તેની ઘણે નીચે આવેલા પરિસરમાં સળવળતાં માનવ જંતુઓને જોઈ મૂછમાં મલકી રહ્યો હશે.

     એની આગળ નદી વહી રહી છે. એનાં પાણી હજારો વર્ષોથી આમ જ સતત  વહેતાં રહ્યાં છે. એમાં જાત જાતની અને ભાત ભાતની હોડીઓ આવન જાવન કરી રહી છે.

    નદીની મારી તરફ રિવરવોક છે. એની ઉપર જાતજાતનાં અને ભાતભાતનાં લોકો – પુરુષો, સ્ત્રીઓ, બાળકો – ચાલી, દોડી રહ્યાં છે. કોઈક ધસમસતા સાઈકલ ચલાવીને જઈ રહ્યા છે. કોઈકની સાથે જાતજાતના અને ભાતભાતના કૂતરા પણ છે.

     લોખંડનો એ બાકડો સાવ નિર્જીવ છે. એમાં કોઈ જ ચહલપહલ નથી. એ તો એમનો એમ જ, સાવ જડ અવસ્થામાં પડેલો રહેવાનો છે. એમાં કોઈ પરિવર્તનને અવકાશ નથી. હા! હું મારી કલ્પના અને વિજ્ઞાનના થોડાક જ્ઞાનને સહારે, એના અણુ અને પરમાણુમા સતત ચાલી રહેલી ગતિ  વિશે વિચારી શકું છું. પણ બાંકડો એ જાણે છે ખરો?

     મારી નજર હવે એ બાંકડાની બાજુએ આવેલ ઝાડ પર પડે છે. એની ડાળીઓ મને શીતળ છાયા આપી રહી છે. એનાં પાદડા પવનમાં ફરફરી રહ્યાં છે. એના લીલાં પાન તડકામા તપતાં શ્વસી રહ્યાં છે; વૃક્ષનો જીવનરસ સતત બનાવી રહ્યાં છે. સૂકી ભંઠ લાગતી એની ડાળીમાં ક્યાંક નવાંકુર ફૂટું ફૂટું કરી રહ્યો છે, થોડાક દીવસોમા એમાંથી કુંપળ ફૂંટશે અને નવી ડાળીનો કે કદાચ એક ફૂલની કળીનો નવો નક્કોર જન્મ થશે. પણ એ ઝાડ જોઈ શકતું નથી, સાંભળી શકતું નથી, સ્પર્શી શકતું નથી. એને કોઈ વિચાર પણ નથી આવતા. એ કશેય એક તસુ પણ  ખસી શકતું નથી. એની ચેતના બાકડાના લોખંડની ચેતનાથી થોડેક આગળ આવીને અટકી ગયેલી છે.

     ત્યાં ગળે માલિકના પટાથી બંધાયેલો એક કૂતરો દોડતો દોડતો અને મોંમાંથી જીભ બહાર લબડાવતો આવી પહોંચે છે. સ્વભાવવશ, કશીક મનગમતી ચીજને સૂંઘતો, સૂંઘતો, આમતેમ આથડતો, તે મારા  પગને પણ સૂંઘી લે છે. પણ માલિકના ઈશારાથી મને અવગણીને વિદાય લે છે. કૂતરાની ચેતના ઝાડની ચેતના કરતાં ઘણી જટિલ છે. તે જોઈ શકે છે; સાંભળી શકે છે; સૂંઘી શકે છે; ચાખી શકે છે. કરડી અને ભસી શકે છે. તે ચાલી, દોડી, કુદી પણ શકે છે. પણ તેની વિચાર શક્તિ બહુ જ સીમિત છે.

…………..

     આ બધું નિહાળતો હું કુતરા કરતાં ઘણું વધારે કરી શકું તેમ છું. મારી પાસે માણસને મળેલી મહાન દોલત – માનવ મન છે. હું ધારું તો એ બાંકડાને તોડી ફોડી, ગરમ કરી તેના પૂર્જાઓના અવનવા ઘાટ ઘડી શકું છું; તેને ભઠ્ઠીમાં ઓગાળી, તેના રસને બીબામાં ઢાળી સુંદર મૂર્તિ બનાવી શકું છું.

    હું એ ઝાડને કુહાડી વડે કાપી, તેના લાકડામાંથી આગ પેદા કરી શકું છું. અથવા એના બીજ અન્ય જગ્યાએ વાવી, એવાં અનેક ઝાડ ઘણે દૂર, નવા જ કોઈ બગીચામાં ઊગાડી શકું છું.

     હું તે કૂતરાને અથવા એના જેવા બીજા અનેક કૂતરા કે બીજાં પ્રાણીઓને પાળી, મારો માલિકી ભાવ સંતોષી શકું છું.

    ‘મારી ચેતના કૂતરાની ચેતના કરતાં અનેક ગણી ચઢિયાતી છે.’–  તેવો ગર્વ મારા મનમાં આકાર લેવા માંડે છે.

     પણ ..

એમ ન બને કે….

 • મારાથી અનેક ગણું ચઢિયાતું કોઈક હોવાપણું એવી અપ્રતિમ ચેતના ધરાવતું હોય……
  • જેના થકી એને કોઈ દેખીતા રંગ, રૂપ, આકાર કે હોવાપણાંની જરુર જ ન હોય?
  • જેને માનવ મનની કે અસ્તિત્વ/ અનસ્તિત્વની મર્યાદાઓ નડતી ન હોય?
  • જે આ બધાંયની મ્હાંયલી પા અણુએ અણુમાં વ્યાપીને રહેલું હોય?
  • જે આ બધાંયને હાલતાં, ચાલતાં, શ્વસતાં; કારણસર કે કારણ વિના, ધસમસતાં અને પ્રગટ અસ્તિત્વ વાળાં કરી દેતું હોય?

      – પચાસ માળ ઉંચે આવેલી બંધ બારીની પેલે પાર બેઠેલા, પણ મારી આંખે ન દેખાતા ઓલ્યા માંધાતાની જેમ?


 નોંધ 

     આ અવલોકન ૨૦૦૯ની સાલમાં  થઈ ગયું હતું – મારાં માનીતાં અવલોકનોમાંનું એક છે; કદાચ એ એક સ્તૂતિ છે! મૂળ જગ્યાએ એની ઘણી ચર્ચા પણ થઈ હતી. હ્યુસ્ટનના વડીલ મિત્ર શ્રી. ચિમન પટેલે (ચમન) તો એનો અનુવાદ કરવાની પણ ફરમાઈશ કરી હતી , જેથી ગુજરાતી વાંચી ન શકતો યુવાન વર્ગ એની પાછળના વિચાર અને  ભાવને માણી શકે.

આ રહ્યો એ અનુવાદ ….

      ત્યાર બાદ એના આધાર પરથી જૂન – ૨૦૧૪માં  ‘Scratch’ પર હોબી પ્રોગ્રામિંગનો એક પ્રોજેક્ટ પણ બનાવ્યો હતો. એની મદદથી બનાવેલ એનિમેશન વિડિયો …..

 

4 thoughts on “અવલોકન -૩૬-રિવર વોક અને બંધ બારી

 1. મેં અત્યારસુધીમાં વાંચેલા અવલોકનોમાંથી મને આ અવલોકન વધારે ગમ્યું છે. આમાં અવલોકન છે કે આભાષ છે એ હું નક્કી કરી શક્યો નથી, પણ મન મર્કટની જેમ એક વિષયથી બીજા વિષ્ય ઉપર કુદાકુદ કરે છે એ હકીકતનો આ સરસ ઉદાહરણ છે, ” હું મારી કલ્પના અને વિજ્ઞાનના થોડાક જ્ઞાનને સહારે, એના અણુ અને પરમાણુમા સતત ચાલી રહેલી ગતિ વિશે વિચારી શકું છું. પણ બાંકડો એ જાણે છે ખરો?” આ વાક્ય ખરેખર ફીલોસોફીનું એક ઉતકૃષ્ટ ઉદાહરણ છે.

  Like

 2. સુરેશભાઈ, ખુબજ સુંદર અવલોકન , જેમાં તેનું મંથન કરતા તમારા ઉચ્ચતમ વિચારો દેખાઈ આવે છે.

  તમારી દ્રષ્ટીથી કરેલ અવલોકનનું આલેખન કર્યું પરંતુ વાંચનાર પણ જાણે આ નજારો નજરો નજર જોઈ રહ્યા હોય એવું જ લાગે છે. સચોટ આબેહુબ વર્ણન.
  સાચી વાત છે એક એવી ચેતના અણુ અણુમાં સમાયેલી છે જેને રુપ રંગ કે કોઈ આકાર નથી છતાં પણ એના આધારે આપણું અસ્તિત્વ છે.

  Like

 3. સાચે જ નજર સમક્ષ દેખાતા ચલચિત્ર જેવા દ્રશ્યો, નિર્જીવ વસ્તુઓ , ચેતન-જડ તમામમાંથી કશુંક તારવીને જે આપના શબ્દોમાં મુકાય છે એમાંથી કશીક નવી સમજ મળે છે બાકી તો રમતારામ જેવા સૌ…
  જ્યાં બેઠા ત્યાંથી કપડાં ખંખેરીને ઊભા થઈએ અને એ અનુભૂતિ ત્યાં જ લુપ્ત……..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.