૩૧ – શબ્દના સથવારે – ઘટ – કલ્પના રઘુ

ઘટ

ઘટ એટલે ઘડો. શરીર-હ્રદય-મન, વસ્તુનો એકમ અથવા અંગભૂત અવયવ એટલે કે ‘unit’, ઘટવું તે, ઘટાડો કે નુકસાન, ખોટ આવવી, ઉણું થવું, ઘાટુ, ઘન, મજબૂત. ઘટ નામનું એક ઝાડ છે તેને ધાવડી કહે છે. એક જાતનાં કોતરકામને ઘટ કે અબ્જ કહે છે. જ્યોતીષમાં કુંભ રાશીને ઘટ કહે છે. ખાલી જગ્યા, અવકાશ કે જગદાકાશને ઘટાકાશ કહે છે. માટી કે ધાતુનું સાંકડા મોઢાનું પાણીનું વાસણ કે જળપાત્રને ઘટ કહે છે. અંગ્રેજીમાં ‘deficiency, shortage, deficit, shrinkage’ કહે છે.

1411552702-3999

નવરાત્રિની શરૂઆત ઘટસ્થાપનથી થાય છે. છિદ્રવાળા માટીના ઘડાની અંદર દિપક પ્રજ્જવલિત કરીને માતાજીની સ્થાપના કરવામાં આવે છે જેને ગરબો કહે છે. આ છિદ્રમાંથી જે પ્રકાશ દેખાય છે તે દેહની અંદર રહેલ આત્માની જ્યોતિનો પ્રકાશ માનવામાં આવે છે. ઘડામાં રહેલા આકાશને, ખાલી જગાને ઘટાકાશ કહે છે. ગૃહપ્રવેશ કરતી વખતે ઘડો મૂકવાની વિધિ, શુકન ગણાય છે. અક્ષયતૃતિયા એટલેકે અખાત્રીજનાં દિવસે પિતૃશ્રાધ્ધ, તર્પણ સાથે ઘડાનું દાન અતિશ્રેષ્ઠ દાન કહેવાય છે. ઘડાનું દાન એ જળદાનનો જ એક ભાગ છે. આ દિવસથી લોકો પાણીપરબ ખોલે છે. માનવ શબનાં અગ્નિદાહ વખતે અંતે ઘટને ફોડવામાં આવે છે, જે માનવ શરીર અને ઘટની નશ્વરતાનાં સંબંધને સૂચિત કરે છે.

માણસનાં દેહને માટીનાં ઘડાની ઉપમા અપાયેલ છે, દેહ પણ ઘડાની જેમ માટીનો જ છે. ઘડાની પેઠે એમાં પણ માંહે પોલાણ છે. ઘડાની જેમ એ પણ અગ્નિમાં પાકીને આવ્યો છે. કુંભાર ઘટને ઘડે છે જેમ ઇશ્વર માનવને. કુંભાર પોતાનાં પ્રેમ અને કૌશલ્યભર્યા હાથોથી, ભીની માટીને ગૂંદી, સંભાળીને હાથથી મારી, પીટીને યોગ્ય પૂર્ણ આકાર આપે છે ત્યારે તે વાપરવા યોગ્ય બને છે. માનવજીવનનું પણ એવું જ છે. તેનું સર્જન થયાં બાદ, જીવનમાં અનેક સંઘર્ષનો સામનો કર્યા બાદ તે સફળ બની શકે છે. તેનાં રૂપનાં નિખાર માટે તેને ટીપાવું જરૂરી છે. ઘડો ફૂટીને માટીમાં ભળી જાય છે, ત્યારબાદ એજ માટીમાંથી કુંભાર બીજો ઘડો બનાવે છે. પંચમહાભૂતનું બનેલું માનવ શરીર પણ ચિતાની ભસ્મ બની માટીમાં ભળી જાય છે. કુંભારનો ઘટ અને માનવ શરીરમાં કેટલી બધી સામ્યતા છે!

અગ્નિમાં તપીને ઘડો બન્યા પછી કુંભાર ટકોરા મારીને તેને ચકાસે છે, કે તે ફૂટી જતો નથીને કે કાચો રહ્યો નથીને! માનવ જીવનમાં પણ અંદરથી નબળા માનવનાં શરીર પર દુઃખ આવવાથી તરત અસર થાય છે અને તે તૂટી જાય છે. જીવનમાં અગ્નિ પરીક્ષામાંથી પસાર થયેલો માનવ ક્યારેય તૂટતો નથી. જેમ ઘટ પાકીને નિંભાડામાંથી બહાર આવે છે તેવું જ માનવ શરીરનું થાય છે. મહત્વ ઘડતરનું જ છે. ચપ્પલ સાથે આવેલી માટીનું સ્થાન ઘરનાં ઉમરા સુધી હોય છે પણ એજ માટી ઘડાઇને ઘડો બનીને આવે તો તે ઘરનાં પાણીયારે પૂજાય છે. સફળ માનવનું સમાજમાં સ્થાન હોય છે.

માનવ શરીરરૂપી ઘટની કિંમત કેટલી હોય છે તે સમરાંગણનાં શૂરા માટે દેશ કાજે લખાયેલું મેઘાણીનું કાવ્ય બોલે છે,

‘ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ,

અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.’

અહીં યુવાન ઘટને, કેસરિયા વાઘા ધરી જુધ્ધે ચઢવાની વાત છે. કારણકે યુવાનીમાં ઘોડા થનગનતા હોય છે. ભગવતીકુમાર શર્માનું, ‘ઘટ ઘટમાં રહે’ કાવ્ય, જીવન જીવવાની ખૂબ સુંદર રીત બતાવે છે.

‘જીવ તું શું કામ નાહક તુચ્છ ખટપટમાં રહે?

એને ઓળખ, જે પળેપળ તારા ઘટઘટમાં રહે.’

એક કિર્તનમાં કહેવામાં આવ્યું છે, ‘પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, તેહને રંગ હરિ રાચે રે.’

માનવકાયાનાં ઘટઘટમાં છુપાયેલી વિલક્ષણ શક્તિ પાછળ જીનેટીક્સ અથવા કોઇ અજાણી શક્તિ કામ કરતી હોય છે પરંતુ માનવ તેને ઓળખી શકતો નથી. ‘કસ્તુરી કુંડળ બસે, મૃગ ઢૂંઢે બન માંહી, ઐસે ઘટઘટ રામ હૈં, દુનિયા દેખો નાંહી।’ જેમકે કસ્તુરી, હરણની નાભીમાં થાય છે છતાં હરણને તેની ખબર ન હોવાથી તે જંગલમાં, ઘાસમાં તેને શોધે છે. તે જ રીતે રામ દરેકનાં હ્રદયમાં રહેલાં છે પણ મનુષ્ય તે જાણતો નથી તેથી અન્યત્ર તેને શોધવા ભટકતો ફરે છે. અંતે તો એજ છે, પુષ્ટિ મધુરમમાં કહ્યું છે તે, ‘મારાં ઘટમાં બીરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી.’

માનવ આખરે તો માટીનું પૂતળુ જ છે. કોઇકે ઘડાને પૂછયું, ‘દરેક પરિસ્થિતિમાં તું ઠંડો કેવી રીતે રહી શકે છે?’ ઘડાએ જવાબ આપ્યો, ‘હું મારી જાતને સતત યાદ આપાવતો રહું છું, તારી ઔકાત શું છે? તું માટીમાંથી બન્યો છું અને માટીમાં મળી જવાનો છું. જેનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન માટીથી બનેલું છે તો શા માટે ગુમાન કે ગુસ્સો કરવો?’ આમ ઘટ માનવને ઘણું શીખવી જાય છે.

5 thoughts on “૩૧ – શબ્દના સથવારે – ઘટ – કલ્પના રઘુ

  1. ‘દરેક પરિસ્થિતિમાં તું ઠંડો કેવી રીતે રહી શકે છે?’ ઘડાએ જવાબ આપ્યો, ‘હું મારી જાતને સતત યાદ આપાવતો રહું છું, તારી ઔકાત શું છે? તું માટીમાંથી બન્યો છું અને માટીમાં મળી જવાનો છું. જેનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન માટીથી બનેલું છે તો શા માટે ગુમાન કે ગુસ્સો કરવો?’ આમ ઘટ માનવને ઘણું શીખવી જાય છે. વાહ શું વાત કરી છે.

    Like

  2. કલ્પનાબેન ખુબજ સરસ લેખ છે.
    માનવ શરીર માટીમાંથી પેદા થયું આખરે માટીમાં જ ભળી જવાનું તો પછી ખોટો અહમ શું કામનો ?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.