અવલોકન -૩૩ -૩૪-૩૫-રસ્તો – ત્રણ અવલોકન

 –    ૧    –  

લોન્ગ કટ 

        શોર્ટ કટ તો હોય. પણ લોન્ગ કટ?   હા! લોન્ગ કટ!   વાત જાણે એમ છે કે, અમારા ગામના પાર્કમાં એક નાનકડું તળાવ છે. એની બાજુમાંથી ચાલવાનો એક રસ્તો પસાર થાય છે.

rd1

     અમે તળાવના કિનારે બેઠા હતા. ત્યાં તળાવની સામેની બાજુમાં અમે અમુક લોકોને ચાલતા જોયા.  અમારી વાનરસેનાને એ બાજુ જવાનું મન થયું. આથી અમે તળાવની બાજુમાં આવેલા ઘાસના મેદાનની એક બાજુએ આવેલા છીંડા જેવા કિનારે ગયા. ત્યાં પાછળની ઝાડીમાં જતી, એક કાચી કેડી નજરે પડી. અમે તો એમાં ઝુકાવ્યું. સાવ એક જ જણ માંડ ચાલી શકે તેવી ઝાડી અને ઝાંખરાં વચ્ચેથી પસાર થતી કેડી હતી. અમે જેવા એમાં પ્રવેશ્યા કે તરત જ સાવ જંગલમાં આવી ગયા હોઈએ એવો આભાસ થતો હતો. અમુક જગ્યાઓએ તો નીચે ઝૂકેલી  ડાળીઓ રસ્તો રોકીને પથરાયેલી હતી, તેમને વાળીને અથવા ઝુકાવીને માર્ગ કરવો પડતો હતો. માત્ર એક બે જગાએ જ એ કેડી તળાવની નજીકથી પસાર થતી હતી. અને ત્યાંથી તળાવનું સુંદર દ્રશ્ય દેખાતું હતું. બે જણ ત્યાંથી નીચે ઉતરી માછલીઓ પકડવામાં પણ પ્રવૃત્ત હતા.

       અમે બેળે બેળે આખી કેડી પસાર કરી પાછા પાકા રસ્તાની નજીક બહાર આવી ગયા. આમ અને જ્યાં ઉભા હતા, ત્યાંથી પાકા રસ્તે જે અંતર એક બે મીનીટમાં કપાઈ જાય તે અમે કાપવા અમારે અડધો કલાક થયો!

      હવે તમે જ કહો. આને લોન્ગ કટ કહેવાય કે નહીં? પણ અમારો આશય થોડો જ રસ્તો કાપવાનો હતો? અમારે તો એક સાહસ કરવું હતું. નાનકડું સાહસ. શહેરની વચ્ચોવચ આવેલા પાર્કમાં સાહસ.

      સામાન્ય વ્યવહારમાં બધે શોર્ટ કટ શોધવાની વૃત્તિવાળા અમારે માટે આ લોન્ગ કટનો અનુભવ અનેરો હતો.

 –    ૨    –  

શોર્ટ કટ 

     એ તો તરવરિયા તોખાર જેવા મારા દોહિત્ર સાથેની સફરની વાત હતી. પણ આ તો બેળે બેળે ચાલતા, ઘોડાગાડીના ગલઢા અડિયલ ટટ્ટુ જેવા આ ડોસાની વાત છે!

    આ વાત લખી હતી ત્યારે જમણો ઢીંચણ જરીક આડો થયેલો હતો! સહેજ ચાલું એટલે રાડ્યું પાડવા માંડે. પણ ચાલ્યા વગર તો કેમ ચાલે? ન ચાલું તો સાવ બેઠાડુ જ થઈ જાઉં ને? એટલે દરરોજ થોડું થોડું ચાલવાનો મહાવરો રાખ્યો હતો. તે દિવસે પાર્કમાં ચાલવા ગયો. ગાડી પાર્ક કરી, આગળના રસ્તે જવા નીકળ્યો. પણ બાજુમાં જ સૂકા વહેળાની પાર સરસ લીલું મઝાનું ઘાસ હતું. નીચે ઊતરી, થોડુંક કષ્ટ વેઠી ચાલું તો ખાસું અંતર ઓછું થઈ જાય તેમ હતું.

rd2

     સાચવી સાચવીને કાચા ઢાળ પરથી વહેળામાં ઉતર્યો. અને બીજી પાર થોડુંક વધારે કષ્ટ   લઈ ચઢી પણ ગયો. ઘાસ વટાવી પાછો મુળ રસ્તે ચઢી ગયો. પગમાં જોડા નહીં પણ ચંપલ પહેરેલાં હતાં, એટલે લપસી જતાં પણ બચ્યો – ખાસ તો ઉપર ચઢતી વખતે.

      સૌને શોર્ટ કટ શોધવાનું અને લાંબા રસ્તા ટાળવાનું સૌને ગમે છે – મારા જેવી તકલીફ વાળાઓને તો ખાસ.   પણ એવા સરળ રસ્તાનાં પોતાનાં જોખમો હોય છે. ક્યાંક ગબડી પડવાની, લપસી જવાની, ઘવાવાની, કાયદાનું ઉલ્લંઘન થવાની, ક્યાંક અનૈતિકતાની, હાસ્યાસ્પદ થવાની શક્યતા હોય છે.   બધા ચાલતા હોય તેવો, લાંબો રાજમાર્ગ સહી સલામત હોય છે. ક્યાંક તો શોર્ટ કટ ન જ લઈ શકાય. ક્યાંક એ લાંબો રસ્તો લેવાથી બીજી શક્ય તકલીફો બચી પણ જાય છે. ક્યાંક સરળ રસ્તા લાભ કરી આપે છે અને ક્યાંક લાંબા ગાળાનું નુકશાન પણ!

     શોર્ટ કટ લેવો કે લોન્ગ કટ, એ પોતપોતાની આવડત, ચિત્તવૃત્તિ અને  જોખમો વહોરવાની કાબેલિયત પર આધાર રાખતું હોય છે!

–    3    –  

અનુકૂળ રસ્તો 

ઉપરોક્ત  બે અનુભવ પરથી એવું તારણ નીકળ્યુ  કે,

અનુકુળ રસ્તો લેવો.
સ્થળ, સમય, સંજોગને આધીન
જેવી જરુર હોય તેવો રસ્તો લેવો.

     એકદમ વ્યવહારિક વાત. સીધા સટ રસ્તે ચાલવું. શોર્ટ કટ મળી જાય તો…. લાંબા રસ્તે સ્વૈરવિહાર કરી ઠામુકાનો શ્રમ અને સમય ન બગાડવો. પણ,  સાથે સાથે  શોર્ટ કટનું જોખમ પણ ન લેવું.

 • નો રિસ્ક ફેક્ટર!
 • સમય વર્તે સાવધાન.
 • જેવો વટ, તેવો વહેવાર.
 • જે આંગળીએ ઘી નીકળે, તે વાપરવી.

આ જ તો  સરળ રીતે જીવવાની રીત. મધ્યમ માર્ગ. સફળ થવાની રીત. સામાન્ય અને સર્વમાન્ય રસ્તો. કોઈ વિવાદ વિનાની, ગળે શીરાની જેમ ઊતરી જાય તેવી વાત.

પણ …કશુંક નવું કરવું હોય તો?

 • નવી કેડી પાડવી હોય તો?
 • નવું સંશોધન કરવું હોય તો?
 • પનામાની કે સુએઝની નહેર બનાવવી હોય તો?
 • ચન્દ્ર અને મંગળ સર કરવા હોય તો?
 • અજાણ્યા રાહે ચાલી, નવા પ્રદેશો શોધી કાઢવા હોય તો?
 • જીવનને સરળ બનાવે તેવા શોર્ટ કટ શોધવા હોય તો?
 • પર્વતના શીખર પર ચઢવું હોય તો?
 • જુની રસમો તોડી, નવી પ્રથાઓ સ્થાપવી હોય તો?

     એ તો વીરલાનું કામ. બહાદુર બંકાનું કામ. પાગલનું, નશામાં મસ્ત મસ્તાનાનું કામ. પથ પ્રદર્શકનું કામ. સામાન્યતાને વીસારી પાડનારનું કામ. અનુકૂળતા જ શોધનારનું એ કામ નહીં. વ્યવહારિક બુદ્ધિ ધરાવનાર, ગાડરિયા પ્રવાહમાં ચાલનાર, વધારે પડતા હુંશિયાર(!) જણનું એ કામ નહીં!

4 thoughts on “અવલોકન -૩૩ -૩૪-૩૫-રસ્તો – ત્રણ અવલોકન

 1. મારા બાપુજીએ મને સલાહ આપેલી કે હંમેશા મેઈન રોડથી જવું અને મેઈન રોડથી આવવું, શોર્ટકટ લેવા ગલી ગુંચીથી આવન જાવન ન કરવી. એ મને કચ્છી ભાષામાં કહેતા “વડી વાટથી વેજે અને વડી વાટથી અચીજે.”

  Like

 2. એક કાવ્ય યાદ આવી ગયું : Saved Photos


  Inspired by Robert Frost’s famous poem : Two roads diverged in a wood; And I took the less traveled by!
  And that has made all the difference!
  અને મેં લખેલ એક કાવ્ય “ અમેરિકાથી અમદાવાદ ‘ કાવ્ય સઁગ્રહમાંથી :
  બે રસ્તા મંઝિલ છે એક!
  ને બેઉ પહોંચાડે ઘર છેક !

  Liked by 1 person

 3. શોર્ટ કટ લેવો કે લોન્ગ કટ, એ પોતપોતાની આવડત, ચિત્તવૃત્તિ અને જોખમો વહોરવાની કાબેલિયત પર આધાર રાખતું હોય છે! બાકી તો સીધો રસ્તો જે સીધા જ મંઝીલે પહોંચાડે એ જ શ્રેષ્ઠ…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.