13મી મે રવિવારે 2018ના ગુજરાત ગૌરવ દિનની ઉજવણીમાં મિલપિટાસ આઈ.સી સી ના હોલમાં ‘જય જય ગરવી ગુજરાત’નું અરૂણ પ્રભાત દીપી ઊઠ્યું હતું! તેમાં ભળી મધર્સ’ ડે ની મધુરતા . મોટી સંખ્યામાં ગુજરાતપ્રેમીઓ સજીધજીને ગુજરાત દિનની ઉજવણીમાં ભાગ લેવા આવ્યા હતા. ‘છેલ છબીલા ‘નર નારીઓ આનન્દને હિલ્લોળે ઝૂલતાં હતાં .‘ચોળી,ચણિયો ને પાટલીનો ઘેર અને આગળ શોભતા છેડાવાળી ગુજરાતી સાડીમાં ઉલ્લાસમાં ગુજરાતણો ઘુમતી હતી. માનો છેડલો એટલે અજંપાનું ઓસડ .
ગુજરાત ગૌરવ દિવસ બે એરિયાની ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયાના નેજા હેઠળ ખરો પણ અનેક સંસ્થાઓ તથા ગુજરાતીઓના સહકારથી અમેરિકામાં ઉત્સાહપૂર્વક ઉજવાયો. આપણી માતૃભૂમિ ગુજરાતી ,માતૃભાષા ગુજરાતી અને સાંસ્કૃતિક વારસાના જતન અને વિસ્તારના શુભપ્રસંગની સાંસ્કુતિક ઉજવણી બેવડા આનંદથી થઈ. સૌએ પોતાની જન્મદાત્રી જનની પ્રત્યેના પ્રેમ અને ઋણને ‘મધરસ’ ડે ‘થી નવાજ્યો.તેથી સોનામાં સુગંધ ભળી.હોલની બહાર રસિયા ગુજરાતીઓના હાથમાં ગરમ ચા -કોફીના પ્યાલાની સુગંધ આવતી હતી તો હોલની અંદર સાંસ્કૃતિક અવસરની મહેક હતી. “અમેં સૌ ગુજરાતી છીએ,સાકર સરખા મીઠા સૌ જન સાથે હળીએ મળીએ હળવે હસતા હસતા.’ (પદમાબેન કનુભાઈ શાહ )આપણને વારસામાં સાંસ્કૃતિક ,ધાર્મિક ,આધ્યાત્મિક પરંપરા સહજ રીતે મળે છે.સંસ્કુતિ ,ભાષા -સાહિત્ય અને સંસ્કાર માતાના ગર્ભમાંથી બાળકના લોહીમાં એકરૂપ થાય છે , હાલરડાંનું મીઠું ગૂંજન હર પળે તેના જીવનમાં વહ્યા કરે છે, તેની ઉજવણી દિવાળી જેવા ઉત્સાહથી થઈ તે ગુજરાતના ગૌરવને વધારે છે .ભીના કંઠે ગાવાનું મન થઈ જાય ‘ગુજરાત મોરી મોરી રે ‘. આવડી વિશાળ પુથ્વી પર એક મુલકને મારો કહીએ ત્યારે કેટલું પોતીકું લાગે છે! પરદેશમાં મુલકની સોડમ લઈ ફરીએ ત્યારે એક આગવો ગુજરાતી મૂડ હોય છે.બે ગુજરાતી મળે તો મેળો અને ગુજરાત ગૌરવ દિન ભેગાં મળી ઉજવીએ ત્યારે તો દિવાળી જેવા માનીતા બધા ય અવસરોની એકસાથે ધૂમ મચી જાય.
હદયના છલકતા ઊર્મિહિલોળથી સઁચાલકો અને કલાકરોએ સાચા અર્થમાં ગુજરાતની ગરિમાનું સન્માન કર્યું છે.’ગુજરાત ગૌરવદિન’ની ઉજવણી નિમિતે તૈયાર કરેલ ‘સંભારણાં ‘ નામક સ્મરણિકા (સોવિનયર ) માહિતીસભર અને મનોરંજક છે.અનેક મહાનુભાવોના સંદેશા ,જૂની રંગભૂમિનો ઇતિહાસ ,તે જમાનાના કલાકારોની નાટક પ્રત્યેની જીવનભરની મહેનત અને ત્યાગનું જીવંત ચિત્ર તેમાં છે.ભૂલી વિસરી જૂની રંગભૂમિને અપાયેલી આ અંજલિ યાદગાર બની રહેશે. ‘ભાંગવાડી ભલે સમયની નજરે ભાંગ્યું પણ તેનું પ્રદાન ગુજરાતી નાટકમાં સદાય સ્મરણીય રહેશે. જૂની રંગભૂમિના ગીતોનો આસ્વાદ અને અન્ય માહિતીપૂર્ણ લેખો સોવિનયરને પ્રસંશનીય બનાવે છે.સંભારણાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા બે-એરિયાના મોંઘેરા કલાકારોના સુંદર ફોટા સોવિનિયરની શોભા તો છે જ પણ એથી વધુ અત્રે વસતા ગુજરાતી સમાજની પ્રતિષ્ઠા છે.ભારતની બહાર વસતા આ કલાકરોની સાધના અને રિયાઝને સલામ! ગુજરાત ગૌરવ દિને સન્માન પ્રાપ્ત કરતા ગર્વીલા ગુજરાતીઓના ફોટા જોઈ કહેવું જોઈએ:
‘પુરૂષાર્થને પ્રેમ કરે સાહસથી સીંચે માટી ,ખમીરવંતી છાતી લઈ જે જીવે એ ગુજરાતી (હિતેન આનંદપરા) રસતરસ્યા ગુજરાતીઓ માટે કાર્યક્રમની શરૂઆત થઈ . ઉત્સાહથી છલકાતાં ,સુંદર ગુજરાતી સાડીમાં શોભતાં કલ્પનાબેન રધુના મધુર સ્વરે સરસ્વતી વંદના થઈ . કાર્યક્રમના આયોજક અને સંચાલક પ્રજ્ઞાબેને ગુજરાતી સુંદર સાડીમાં માઈક્ને સંભાળ્યું. ખૂલ્લાદિલે હસીને સૌનુ સ્વાગત કર્યું ને પ્રેક્ષકોમાં ઉલ્લાસ પ્રસરી ગયો.ત્યારપછી નોર્ધન કેલિફોર્નિયા ગુજરાતી સમાજના સહ સૂત્રધાર સુરેશભાઈ પટેલે (લાડીલું નામ મામા ) ગુજરાતીઓને પાનો ચઢે તેવું સરળ પણ સચોટ સંબોધન કર્યું .તેમણે બે એરિયા ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયા ગુજરાતી સમાજની ચાર પ્રતિભાઓની સન્માનવિધિ કરી.
આજના અતિથિ વિશેષ પુસ્તકપરબના પ્રણેતા શ્રી ડો.પ્રતાપભાઈ પંડ્યા, શ્રી ચન્દ્રકાન્તભાઈ પટેલ,શ્રી નરેન્દ્રભાઈ પાઠક તથા લેખિકા જયશ્રીબેન મર્ચન્ટને તેમણે સમાજમાં આપેલા યોગદાન માટે સન્માનિત કરી સૌ ગુજરાતીઓએ ગર્વની ભાવના અનુભવી.તેમનો પરિચય આપનારા વક્તાઓ રાજેશભાઈ શાહ ,દર્શનાબેન નાડકર્ણી તથા કલ્પનાબેન રઘુએ સુંદર કામગિરી બજાવી. બેઠકની બહેનો જયવંતીબેન,ઉષાબેન ,જ્યોત્સ્નાબેન તથા કલ્પનાબેનના હસ્તે મહેમાનોને ફૂલગુચ્છ અર્પિત થયા.શ્રી નરેદ્રભાઈ પાઠક દ્રારા સેનેટ તરફથી બે એરિયામાં ગુજરાતી સમાજની વિશેષ સેવા કરતા ગુજરાતની અસ્મિતાને બળ આપવાની સાંસ્કૃતિક પ્રવુતિ કરતાં પ્રજ્ઞાબેન,કલ્પનાબેન રધુ તથા રાજેશભાઈનું સર્ટિફિકેટ આપી સન્માન થયું.
સ્ટેજનું જૂની ગુજરાતી રઁગભૂમિની યાદ આપતું , કલાવારસાને અનુરૂપ નયનરમ્ય સુશોભન ગમી ગયું. (જેનો શ્રેય ખ્યાતીબેન ને જાય છે.)તેમાં ય બે એરિયાના કોકિલકંઠી માધવીબેન મહેતાની સૂત્રધાર જેવી કોમેન્ટ્રીમાં સાદ આપતા ,પૂર્તિ કરતાં હાસ્યના ખજાનચી પ્રજ્ઞાબેનની જુગલબંધી એવી જામી કે પ્રેક્ષકોનો આજનો દિવસ સાર્થક થઈ ગયો. જૂની રંગભૂમિ પર બનતું તેવું સહજ વાતાવરણ તેઓએ વાતચીત કરતાં હોય તેવા સંવાદો દ્રારા જીવંત કર્યું.
રંગભૂમિને માટે નાટ્કો લખતા ઊચ્ચ કોટિના લેખકોની નિષ્ઠા ,લગન અને ત્યાગની ભાવનાનો પરિચય નાટ્યમય શેલીમાં આપવાનું કઠિન કામ જીવંત સંવાદો દ્રવારા -અભિનયપૂર્વક માધવીબેન ,પ્રજ્ઞાબેન અને અન્ય કલાકારોએ અદભુત કર્યું છે.તે દેશી નાટકોના મૂળ સ્વરૂપને સદેહે કરવાનું બીડું બે એરિયાના ગાયકો,સંગીતકારો અને કલાકારોએ પ્રેક્ષકોના દિલને જીતી પાર પાડયું છે.સોને મારાં અભિનન્દન. જૂની રંગભૂમિના તેજસ્વી સિતારાઓની ઓળખનો ક્રમબદ્ધ ઇતિહાસ ઊંડા સંશોધન ,વાચન પછી થયો હશે ! શુદ્ધ ગુજરાતી ઉચ્ચારો। લકેકાઓ અને રણકાર મારા કર્ણપટલને આનન્દ આપતા હતા. હે, અમેરિકામાં વસતા ગુજરાતી ગાયકો અને કલાકારો તમે માતૃભાષા અને કલાને મુઠ્ઠી ઊંચેરી કરી છે.ધન્યવાદ !
રઘુનાથ બ્રમભટ્ટ ,પ્રભુલાલ દ્રિવેદી, મૂળશકર મુલાણી ..લાંબી યાદીમાં કોઈ વિસરાયું નથી. જૂની રંગભૂમિની ઓળખ પારસીઓના નાટકો વિના કેમ અપાય ? સ્ટેજ પર પારસી વેશભૂષામાં પારસી બોલી બોલતું યુગલ (દર્શનાબેન -નરેન્દ્રભાઈ) પ્રેક્ષકોને આનન્દ આપી ગયું અને પારસી નાટકોની ઓળખ કરાવી.હાસ્યરસથી ભરપૂર પારસી નાટકો જોવા એક લહાવો હતો.
જૂની રંગભૂમિના ગીતો લોકોના દિલ પર છવાયાં હતાં . ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા ‘ ,ઝટ જાઓ ચંદનહાર હાર લાવો. જેવાં અનેક ગીતો રેડિયો ,ટીવી. કે બીજા કોઈપણ સાધન વિના લોકોને કંઠસ્થ હતાં . ગલીએ ,પોળે, ચોરે ચૌટે હોંશથી લોકો મસ્તીમાં ગાતા.આ ગીતોમાં કવિતા હતી.ગાયકી-સંગીત હતું ,લહેકા અને લટકા ,પ્રેમ ને રિસામણાં ,મીઠાં મહેણાં -ટોણાં ,હાસ્ય અને કરુણતા હતી.સૌને મોખરે નાટકના ભાગરૂપે અભિનેય હતાં .આજના ચલચિત્રોમાં ગાયનો ક્યારેક વસ્તુને અનુરૂપ ના પણ હોય !
બે એરિયા સંગીતજ્ઞ મધુરકંઠી ગાયકો માધવી-અસીમ મહેતા ,આણલ -અચલ અંજારિયા ,હેતલ જાગીરદાર ,પ્રજ્ઞાબેન વગેરેએ ખૂલ્લા ગળે આ ગીતોને અભિનયથી ગાયાં। સ્ટેજ પર હરતાં ,નાચતાં દ્રશ્યરૂપે કર્યાં . દરેક ગીતોમાં તે સમયના વેશ પહેરેલા અભિનેતા અને અભિનેત્રીઓએ એવું સુંદર નૃત્ય ,ગરબા ,નાટક કર્યું કે તાળીઓના ગડગડાટથી ‘વન્સ મોર ‘ થયું.ગીતા-સુભાષ ભટ્ટનું રોમેન્ટિક ગીત તથા ઝટ લાવોનો પ્રજ્ઞાબેનનો ઝટકો અને સૌ કલાકારોની કલા અને શ્રમને જેટલી દાદ આપીએ તેટલી ઓછી છે !
માસ્ટર ફૂલમણી-સ્ક્રીપ્ટ નો શ્રેય શ્રી ચંદ્રકાંતભાઈ શાહ ને જાય છે.
.જૂની રંગભૂમિ અને આ ક્રાર્યક્રમ જેના વિના અધૂરા છે,તેવા જયશન્કર સુંદરીના સ્ત્રી પાત્રના અભિનયને ‘વાહ’ કહેવું પડે બીજી વાર ‘વાહ ‘સૌભાગ્ય સુંદરી ‘નાટકના લેખક મૂળશન્કર મુલાણીના અભિ નયને રજૂ કરનાર શરદભાઈ દાદભાવાલાને અને સુંદરીનું પાત્ર ભજવનાર બે એરિયાના કલાકાર અંબરીશ દામાણીને નવાજવા પડે.’મોહે પનઘટ ગીતને ‘ લટકાથી રજૂ કર્યું। અન્ય સૌ કલાકારો પારુલ, મિતિ પટેલ ,મોનીક ધારિયા,નરેન્દ્ર શાહ,વિકાસ સાલવી ,પરિમલ ઝવેરી,દિવ્યા શાહ સૌને ખૂબ અભિનન્દન.
પ્રત્યેક સ્વંયસેવક ,કલાકાર,આયોજકોની મહેનત કાર્યક્રમમાં રંગ લાવી તેને યાદગાર બનાવ્યો છે.’બેઠક’માં અને આ કાર્યક્રમમાં ઉત્સાહથી રાતદિવસ મહેનત કરનાર સંચાલિકા,લેખિકા,ગાયિકા અને અભિનેત્રી પ્રજ્ઞાબેન દાદભાવાલાને ધન્ય છે. રાજેશભાઈની આભારવિધિ બદલ આભાર.બે એરિયાના ગુજરાતીઓને ગુજરાત દેશે પહોંચાડનાર તમે જ છો .અંતે લંચ બોક્સમાં શ્રીંખડ -પૂરીની સાથે જૂની રંગભૂમિના ગીતોનો રસથાળ લઈ પસન્ન થઈ સૌ ગયા .. ‘આવતા વર્ષે પધારજો ‘. આવનાર અનેક ગુજરાત ગૌરવ દિન ઉજવતા રહીએ તેવી શુભકામના !
Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.
LikeLike
aabhar, Vijybhai
LikeLike
welldone aabhin daan proud to be gujarati
WordPress.com | Pragnaji posted: ” પરદેશમાં આપણા મલકની સોડમ-ગુજરાત ગૌરવ દિવસ 13મી મે રવિવારે 2018ના ગુજરાત ગૌરવ દિનની ઉજવણીમાં મિલપિટાસ આઈ.સી સી ના હોલમાં ‘જય જય ગરવી ગુજરાત’નું અરૂણ પ્રભાત દીપી ઊઠ્યું હતું! તેમાં ભળી મધર્સ’ ડે ની મધુરતા . મોટી સંખ્યામાં ગુજરાતપ્રેમીઓ ” | |
LikeLike
બહુ જ સરસ, સચિત્ર અહેવાલ. ગમી ગયો.
LikeLike