અભિવ્યક્તિ -૨૫-ચાંખડી, પગરખાં, પનોતી!

ચાંખડી, પગરખાં, પનોતી!

અમે વઢાતા. જો કે, વઢાવું અમારા ઉછેરમાં સાહજીક હતું. અમે વઢાયા તો જ ઘડાયા.

ઘરની બહાર પગ મૂકતી વખતે બૂટ-ચંપલનું નામ લેવાઈ જાય તો અમારે વઢાવું પડતું. એ અપશુકન ગણાતું. કેમ એ કોઈને ખબર નહોતી છતાં વઢાવાની બીકે બૂટ-ચંપલને બદલે ‘પગનાં’ કે ‘પગરખાં’ બોલવાની જીભ વળી ગઈ’તી.

અમે વડીલોને ચાંખડી પહેરી મંદિરે પૂજા કરવા જતાં જોયા છે. મારા કાકા તો જીવ્યા ત્યાં સુધી ઘરમાં ચાંખડી પહેરતા એટલે તોસ્વર્ગ પામ્યા હશે એવું મારું અનુમાન છે. એ ‘ચટચટચટ’ રિધમિક અવાજમાં અમને કોઈ ઋષિ-મૂનીના આશ્રમનાં દર્શન થતાં અને ગજાર-પરસાળ બે ઘડી આશ્રમ બની જતું. અમને થતું કે અયોધ્યાની ગાદી પર મૂકેલી શ્રીરામની ‘પાદુકા’ આ ચાંખડી જેવી જ હશે. જો કે, ચાંખડીનો દંભ લાંબુ ન ટક્યો. ચાંખડી ગઈ અને ‘હડહડ’ થવા ચંપલ રહ્યાં.

મારા ઘરમાં બૂટ-ચંપલ પહેરીને ડેલીના બારણાથી આગળ વધવાની મનાઈ હતી. હજુ એ પરંપરા ઘણા ઘરોમાં જળવાય છે. બૂટ-ચંપલ હાથેથી ઉપાડ્યા હોય એ હાથ ધોવો પડે. જો કોઈ છાનામાના ચંપલ પહેરીને રસોડા કે પરસાળ તરફ ઘૂસતાં પકડાયા તો જન્મટીપ અને જો નજર ચૂકવીને પાણીયારાને અડ્યા તો તો ખલ્લાસ, ફાંસીની સજા સાંભળવી જ બાકી રહેતી! મંદિર બહાર આપણે પગરખાં યંત્રવત ઉતારી નાખીએ છીએ અથવા ‘ટોકન’ લઇ પાંજરામાં મૂકીએ છીએ. પણ કેટલાંક મંદિરોની અંદરની ગંદકી એવી હોય કે ચીકણી ફરસ પર પગના તળિયાં ચોંટે, કાળાં થાય કે દાઝે. મોજાં ગંદા થઇ એવી ગંધ મારે કે માથું ફાટે!

અફસોસ! પાઘડી કરતા પણ મહત્વની ફરજ બજાવતાં પગરખાંને આપણે કેવું સ્ટેટસ આપ્યું? ગામ આખાના ધૂળ-ગારાથી ખરડાઈ, ઘસાઈ, આપણા પગના તળિયાને કાંકરા-કાંટા કે બળબળતા રસ્તાથી બચાવતાં પગરખાંની વેલ્યુ ઝીરો! પગરખાં ઘસી ઘસીને કેરિયર બનાવશું અને મોકો મળે ત્યારે બેફિકરાઈથી કહેશું, ‘તૂ તો મેરે પાંવ કી જૂતી’! કોઈ ગુનેગાર કે નેતાને જાહેરમાં ઉતારી પડવો હોય તો શું પહેરાવવાનું? ખાસડાં!. રોમિયોને મેથીપાક ચખાડવામાં? ખાસડાં! અરે, ચંપલ ચોરાઈ જાય એટલે ખુશ થવાનું, ‘સારું, પનોતી’ ગઈ’! પછી ભલેને નવેનવાં Hush Puppies ગયા હોય!

આજે તમે કોઈને ત્યાં જાવ અને ચંપલ બહાર ઉતારવા લાગો તો કહેશે, “ના, ના, ચાલશે” ત્યારે તમે વિવેક ખાતર ઉતારી તો નાખો છો પણ મનમા તો ઘણું થાય કે પહેરી રાખ્યા હોત તો સારું હતું. થોડી વારમાં ઘરનો યુવા પુત્ર બૂટ પહેરીને સડસડાટ ઘરમાં દાખલ થઇ, ફ્રિજમાંથી બોટલ લઇ પાણી ગટગટાવતો દેખાય ત્યારે ‘પગરખાં બહાર ઉતારો’ એટીકેટના ધાજાગરા ઉડતાં દેખાય છે.

જીવનમાં પગરખાંનું સ્ટેટસ શું છે અને તેનું સ્થાન ક્યાં હોય એ તો નવી પેઢીએ શીખવાડ્યું! એમના બૂટ ચંપલના કબાટ બેડ રૂમમાં લઇ ગયા. એમના પગરખાં રાખવાના રેક્સ અને ડિઝાઈનર કબાટો અને સંખ્યા જોઇને અચંબો પામવું જ પાડે. વિવિધ જોગીંગ શુઝ, બ્લેક-બ્રાઉન લેધર શુઝ, હાઈ હિલ્સ અને ફ્લેટ સોલ, બધા રંગના લેડીઝ ચંપલ, સ્નિકર્સ, સ્લીપર, ચોમાસાનાં જૂદાં જૂતાં, સોરી, ‘ફૂટવેર’. એક વાર પહેર્યા પછી ઉતારવાની વાત ખોટી. નવાં નવાં ફૂટવેરના ‘ક્રેઝી’ યુવાધનના કોઈ માં-બાપને પૂછી જોજો કે દીકરા દીકરી પાસે કૂલ કેટલાં અને કેવાં કેવાં પગરખાં છે તો ગર્વથી કહેશે, ‘ગણવાં મૂશ્કેલ છે’!

એ લોકોએ ‘પગરખાં પહેરી ફાવે ત્યાં ફરો’નું સ્લોગન અપનાવ્યું, અને આપણે એ આંશિક કે મહદ અંશે સ્વીકાર્યું. એટલે જ, અત્યાર સુધી હડધૂત થતાં ખાસડાં આજે ‘ફૂટવેર’નું રૂપાળું નામ ધારણ કરીને ડ્રોઈંગ રૂમ, બેડ રૂમ અને કિચનમાં રોફ અને માનથી રહે છે, હરે છે, ફરે છે. અરધી દૂનિયા ઉઘાડા પગે ફરતી હશે પણ જે પહેરે છે તેમાંથી અરધી દુનિયા હજી પગરખાંને તિરસ્કારપૂર્વક ઘરની બહાર રાખે છે. માણસ! તું પણ કમાલ છે!

અલબત્ત, અનુભવે સમજાતું ગયું કે તમે આરોગ્યનું અને ઠાકોરજીનું ધ્યાન રાખો એટલે બસ!

બાકી, ‘બૂટ-ચંપલ પહેરી રાખો’ v/s ‘બૂટ-ચંપલ બહાર ઉતારો’ પ્રજા બે છાવણીઓમાં વહેંચાઇ ગઈ છે અને બન્ને વચ્ચે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે એવો મને ભય છે.Anupam Buch

2 thoughts on “અભિવ્યક્તિ -૨૫-ચાંખડી, પગરખાં, પનોતી!

  1. હું બુટ કે ચંપલ નહીં પણ સેન્ડલ પહેરું છું ! મારા જેવાંઓની અવગણના થયેલી લાગી !
    પણ….વિપશ્યનાના આ અનુભવીના મત મુજબ, બુટ બારણાં પાસે અને સ્લીપર ઘરમાં – એ બુદ્ધ શૈલીનો મધ્યમ માર્ગ લાગે છે!
    આમ આ બુધ સભામાં વદ્યો !

    Like

  2. હવે તો ઘરમાં પહેરવા માટે કપડાના,વેલવેટના જાત જાતના સુંદર મઝાના હલકા સુઝ કહો કે મોજડી મળે છે જે ધોઈ પણ શકાય અને પહેરવામાં પણ અનુકુળ .મારા નણંદ શિયાળામાં પહેરવા માટે ઉનના અંકોડીથી ગુંથીને સુંદર રંગ બેરંગી સુઝ બનાવે છે જે પહેરવાથી પગમાં ઠંડી પણ ન લાગે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.