૨૯ – શબ્દના સથવારે – પરબ – કલ્પના રઘુ

પરબ

જોડણીકોશ પ્રમાણે પરબ એટલે રસ્તામાં મુસાફરને પાણી પાવાની ધર્માદા જગ્યા, પક્ષીઓને દાણા નાંખવા એક થાંભલા પર કરેલું સાર્વજનિક મકાન. પરબ એટલે પિયાવો, ખેતરમાં પાણેત કરનારો મજૂર,તહેવાર-ઉત્સવનો દિવસ, એક જાતનો હીરો જે સાદા કાચ જેવો હોય છે જેની કોર પર સહેજ પહેલ પાડેલા હોય છે. કોઇ રત્ન કે જવાહિરનો નાનો ફટકો, ગાંઠ-સાંધો-આંગળીનો વેઢો, તક. પ્રકરણ-અધ્યાય-ભાગ, સૂર્ય નવા નક્ષત્રમાં દાખલ થાય તે પળ, ધાવણ, જમણવાર, વટેમાર્ગુઓને મફત પાણી પાવાનું ઠેકાણું.

pani-parab-in-village

પરબ, માનવ માટે અને પશુ-પક્ષી માટે હોય છે. તૃષા મિટાવે અને નિઃશુલ્ક હોય તેને પરબ કહેવાય. પોતાની પાસે જે હોય તેમાંથી આપવું તે પરબ માટે જરૂરી છે. તે પછી તન, મન કે ધન હોય. દાતરનો હાથ ઉપર હોય પણ દ્રષ્ટિ નીચી હોવી જરૂરી છે. ગંગા કિનારે પાણીની પરબનો કોઇ મતલબ નથી હોતો. રણમાં મીઠી વિરડીનું મહત્વ હોય છે.

ઠંડુ પાણી તરસ્યાને અમૃત સમાન લાગે છે. મહિનાઓમાં વૈશાખને શ્રેષ્ઠ કહ્યો છે. જે ફળ તમામ તિર્થોનાં દર્શનથી મળે છે તેટલાં જ પુણ્ય અને ફળની પ્રાપ્તિ વૈશાખ માસમાં માત્ર જળદાનથી થઇ જાય છે. સર્વ દાનમાં જળદાન ઉચ્ચ છે. જે પરબ બંધાવી લોકોની તરસ બુઝાવે છે તેના પર બ્રહ્મા-વિષ્ણુ-મહેશ જેવા દેવતાઓ પ્રસન્ન થાય છે. વૈશાખ માસમાં તરસ્યાને પાણી, છાંયડાની જરૂરિયાતવાળાને છત્રી અને પંખાની ઇચ્છા ધરાવનારને માટે પંખાનું દાન કરવુ જોઇએ.

ઘરમાં કોઇ સમસ્યા કે અસાધ્ય રોગ હોય તો પંખીઓને ચણ નાંખવાથી તેનું સમાધાન થાય છે. અબોલ પક્ષીઓ માટે ધોમધખતા તાપમાં ખાસ પ્રકારનાં માટીનાં વાસણમાં પાણી મૂકવું એટલું જ મહત્વનું છે. ઘરની બહાર પક્ષીઓ માટે પાણી અને દાણા માટે ચબૂતરા બાંધવા એ એક પરબનો પ્રકાર છે. ઘણાં દાતા, ગોચરની જમીન જે બીન ઉપજાવ હોય તેમાં જે ઉગે તેમાં પ્રાણીઓ ચરી શકે એવી જમીન ફાળવે છે તેમજ અમુક એવી જમીન ફાળવે કે જેમાંથી થતી આવક ગાય, કુતરા કે પાણીની પરબ માટે તેઓ વાપરે છે. ‘રામકી ચીડિયા, રામકા ખેત, ખાઓ ઓ ચીડિયા ભર ભર પેટ’, ના ન્યાયે ચાલતી પરબ, ખરી પરબ છે જેમાં દાતાનું નામ ના હોય અને જરૂરિયાતમંદની તૃષા છિપાય.

આધુનિક યુગમાં હવે પરબ શબ્દનો અર્થ પાણી સુધી સીમિત નહીં રહેતા વ્યાપક બન્યો છે. આકરા ઉનાળામાં, ધગધગતા તાપને કારણે બાળકો શાળાએ જઇ શકતા નથી તેને કારણે શિક્ષણ અટકી પડે છે તેવા સંજોગોમાં શાળાએ જતાં બાળકોને રક્ષણ આપી પગરખાં પહેરાવી શાળાએ મોકલવાનો સંતોષ અનેરો હોય છે. આવા દાતાઓની આવી પરબ, સરાહનીય અને અનુકરણીય કહી શકાય.

આ ઉપરાંત લોકો ગરમીમાં છાશની પરબ, અન્નક્ષેત્રો, વસ્ત્રોની તો ક્યાંક જ્ઞાનની પરબ ખોલે છે. ઓનલાઇન જ્ઞાનની પરબ દ્વારા વેબસાઇટ પર સુવિચારો, રોજગારલક્ષી તેમજ દુર્લભ માહિતિઓ પૂરી પાડે છે. ક્યાંક દર્દીઓ માટે ભોજન, દવાઓ, ઓક્સીજન સીલીન્ડર, વ્હીલચેર તેમજ શારીરિક સેવાઓ પુરી પાડવામાં આવે છે. ક્યાંક બાળકો માટે રમકડાની પરબ પણ જોવા મળે છે. વૃધ્ધો માટે આપેલો સમય પરબ કહી શકાય.

ખાસ કરીને અંતરિયાળ ગામમાં વસતા બાળકોની તેમજ અન્ય લોકોની વાંચનની ભૂખ સંતોષવા માટે પુસ્તકાલય શરૂ કરવામાં આવે છે જેને ‘પુસ્તક પરબ’ કહેવાય છે. બાળમાનસમાં વિચારો પેદા કરે તેવાં પુસ્તકો સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવી શકવા સક્ષમ હોય છે. પુસ્તક વ્યક્તિ માટે ફ્રેન્ડ, ફીલોસોફર અને ગાઇડ બની શકે છે. પુસ્તકો નવા વિચારો આપી વ્યક્તિનું ઘડતર અને ચણતર કરે છે. હેલન હેઇઝનાં કહેવા પ્રમાણે, પુસ્તક વ્યક્તિને કલ્પનાની અને જ્ઞાનની પાંખો આપે છે. વડોદરનાં શ્રી પ્રતાપભાઇ પંડ્યાએ ભારત અને યુ. એસ.માં અનેક પુસ્તક પરબનું નિર્માણ કર્યું છે. વાચકને મફત સાહિત્ય પીરસવું એ પુસ્તક પરબનો મુખ્ય ધ્યેય હોય છે.

હવા, પાણી અને ખોરાક પૂરું પાડનાર વૃક્ષ, ઓક્સીજન આપી પર્યાવરણને સ્વચ્છ રાખે છે. વરસાદ ખેંચી લાવે છે. ઇંધણ પૂરું પાડે છે. પક્ષીઓ માટે રહેઠાણ તેમજ ફળ, ફૂલ, અનાજ પૂરાં પાડે છે. આ જીવતી જાગતી પરબ માટે પણ માનવે સજાગ રહેવું એટલુંજ જરૂરી છે.

આજે જ્યારે વ્યક્તિ, મારે શું? અને મારૂં શું? એ પ્રશ્નોમાંથી બહાર આવી, ‘નેકી કર ઔર કૂવેમેં ડાલ’ વાક્યને આત્મસાત કરે તોજ પરબનું નિર્માણ શક્ય બનશે. એક હાથે દાન કરી બીજા હાથને ખબર ના પડે તો તે કરેલા કર્મની ઇશ્વર જરૂર નોંધ લેશે માટે પરબ કરીને કૃષ્ણાર્પણ કરવી જરૂરી છે. પરબ કરવા માટે માત્ર પૈસા હોવા જરૂરી નથી, સાથે સાથે સેવાની ભાવના અને ઇચ્છા શક્તિ પણ જરૂરી છે.

3 thoughts on “૨૯ – શબ્દના સથવારે – પરબ – કલ્પના રઘુ

  1. લેખ વાંચીને બે વાતો યાદ આવી (૧) વાર્તા “વણઝારી વાવ” (૨) માવજીભાઈની પરબ.
    માવજીભાઈ મારા વહાલા મિત્ર છે. એમની પરબનો હું છેલ્લા આઠ નવ વરસથી લાભ લઈ રહ્યો છું. એમની પરબમાં ગુજરાતી સાહિત્યની લહાણ છે. એમના જેટલી નિસ્વાર્થ સેવા બ્લોગ જગતમાં ભાગ્યે જ બીજા કોઈએ કરી હશે. (સુરેશભાઈ જાનીનું ગુ.પ્ર.પ. પણ બીજી આવી જ પરબ છે.)

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.