૩૨-હકારાત્મક અભિગમ- અભિવાદન-રાજુલ કૌશિક

લગભગ પાંચસોથી પણ ઉપર કામ કરતાં કામદારો હોય એવી એક ફેક્ટરીના મેનેજરની વાત છે. સવારે આઠ વાગે શરૂ થતી આ ફેક્ટરી સાંજે સાતના સુમારે બંધ થતી. હવે આટલી મોટી ફેક્ટરીમાં કામ કરતાં લોકોને પોતાના કામ અને સાંજ પડે ભરાતી પાળીના ધોરણે મળતાં પૈસામાં જ રસ હોય ને? બહુ બહુ તો પોતાની આસપાસ કે જમના ટાણે ભેળા બેસીને જમતા હોય એવા બે-ચાર લોકો સાથે બોલો-ચાલો અને મનમેળ હોય.

સવારે શિફ્ટ શરૂ થાય ત્યારે ફેક્ટરીની બહાર એક બાજુ ટેબલ લઈને બેઠેલા વૉચમેન પાસે હાજરીનો ચોપડો રહેતો જેમાં સવારે સૌ આવે એટલે ત્યાં પોતાના આવવાના સમયે નામ લખીને સહી કરે એવી રીતે પાછા જતાં સમય અને સહી… બસ વાત પતી ગઈ. આ બહાર બેઠેલો વૉચમેનન પણ સંનિષ્ઠાથી પોતાની જવાબદારી નિભાવે. સૌની ઉતાવળ પારખીને કામ પુરતું કામ રાખે.

એક દિવસ આ ફેકટરીના મેનેજરને કામનો થોડો બોજો વધારે હતો એટલે થયું કે કામ પુરૂં કરીને જ નિકળું વળી એ પછીનો દિવસ એટલે રવિવાર. મેનેજરને બીજા દિવસે આવતી રજામાં માથા પર ભાર નહોતો રાખવો. કામમાં મશગૂલ મેનેજર બહારથી ફેકટરીનો મેઇન પાવર સપ્લાય બંધ થયો ત્યારે સફાળા ચમક્યા. હવે? બહાર કેવી રીતે નિકળવું? ફેકટરી બંધ થઇ ગઈ હોય , તાળા પણ દેવાઇ ગયા હોય. ફેકટરીના તોતિંગ દરવાજા પર તો હાથ પછાડે કે માથા કશું વળવાનું નહોતું એવી ખબર તો હતી જ.  હવે કરવું શું ?  મેનેજરને ફડક પેઠી. આ કારમી ઠંડીમાં પોતાની શી વલે થશે એના વિચારે આખા શરીરમાં પસીનો છૂટી ગયો. એ સમયે મોબાઇલ જેવી સગવડ ક્યાં? અને ફોન કરે તો પણ કોને? ઘરનાં ને? ફેકટરીના માલિકને? અંધારામાં ફોન પણ કેવી રીતે કરે? અમથાય ફેક્ટરીના આ અંધકારમાં તો સાંજ છે કે રાત અણસાર સુદ્ધાં ના રહ્યો. જામતી રાતે ઠંડી પણ વધવા માંડી ત્યારે ખ્યાલ આવ્યો કે સમય ઘણો આગળ નિકળી ગયો છે

ભયની ભૂતાવળ મન પર સવાર થવાની તૈયારીમાં જ હતી કે દૂરથી ઠક..ઠક.. અવાજ સંભાળયો. હાથમાં ટોર્ચ લઈને કોઇ ભીંતે લાકડી ઠોકતું ઠોકતું આગળ આવતું હોય એવું લાગ્યું તો ખરું. પણ ના આ તો મારી ભ્રમણા જ હશે. આટલી મોડી રાતે તો વળી કોણ ફેકટરી ખોલીને આવતું હશે ?ધીમે ધીમે અવાજ પાસે આવતો ગયો એમ મેનેજરના શરીરમાં જરા ચેતન આવતું હોય એવું લાગ્યું.

અરે ! આ તો વૉચમેન !

સાહેબ, સાહેબ કરીને ટોર્ચના અજવાળે આગળ આવી રહેલા વૉચમેનને જોઇને મેનેજરના શરીરમાં જરા જોમ આવ્યું.

“ભલું થજો ભાઇ તારું, આજે તો તું મારો તારણહાર બનીને આવ્યો પણ તને કેમ કરીને ખબર પડી કે હું અંદર છું.”

“ સાહેબ,ખબર કેમ ના પડે? આટલા બધામાં એક તમે જ તો છો કે સવારે આવો ત્યારે અને સાંજે પાછા જાવ ત્યારે મને બોલાવ્યા વગર નથી રહેતા. બાકી તો બધાય છે આવે છે અને ચોપડામાં પોતાના નામનું મત્તું મારે છે અને જાય છે ત્યારે ય પોતાના નામનું મત્તું તો મારતા જાય છે પણ સમ ખાવા પુરતું ય જો સામે જોતા હોય. તમારે તો મત્તુ મારવાય ઊભા રહેવાનું નથ તો ય સાહેબ! આટલા વર્ષોમાં તમે એક દિ બોલાવ્યા વગર રહયા નથ. આજે સવારે તમે આવ્યા એ તો જાણ્યું પણ પાછા વળ્યા એનો અણહાર ના રહ્યો એટલે થયું કે નક્કી કોઇ ગરબડ છે બાકી મારા સાહેબ ક્યારેય બોલાવ્યા વગર ના જાય. મન માન્યું નહીં અને એટલે જ સાહેબ ઘર પોંકવાના અડધે રસ્તેથી હું પાછો વળ્યો.

સાહેબની આંખોમાં ઝળઝળીયા આવી ગયા. પોતાનું એક સ્મિત કે “કેમ નાથુભાઇ કેમ છો?”  જેવા ગણીને રોકડા નવ શબ્દો નવજીવન બનીને સામે આવશે એવી તો ક્યાંથી કલ્પના હોય?

મોટાભાગે એવું બને છે કે આપણે આપણી જાત સાથે એટલા વ્યસ્ત હોઇએ છીએ કે આસપાસની દુનિયાને પણ વિસરી જઈએ છીએ. કામ પુરતું કામ , કામચલાઉ અને ખપ પુરતાં સંબંધો એ આજની વ્યસ્તતાની વ્યાખ્યા છે. જરૂર પડે સૌને પોતાનાથી મોટા કે અગત્યના લોકો સાથે જ સંબંધ કેળવવામાં રસ હોય છે . જીવનની રફ્તારમાં અનેક લોકો આવશે અને જશે પણ આપણામાં એટલું તો સૌજન્ય હોવું જોઇએ કે આસપાસનાને સાવ વિસરી તો ન જ જઈએ. કોણ ક્યારે આપણા જીવનમાં મસીહા બનીને આવશે એની તો આપણને ખબર નથી પણ કોઇના જીવનને, કોઇના દિનને આપણા સ્મિતથી ઉજાળી શકીએ તો એના માટે ય કેટલું અકસીર નિવડશે  ? દરેક વ્યક્તિ મહતવની છે એ સ્વીકારી લઈએ તો પણ ઘણું .

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

1 thought on “૩૨-હકારાત્મક અભિગમ- અભિવાદન-રાજુલ કૌશિક

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.