અવલોકન -૨૩-લિપિ

      નેટ મિત્ર અને જાણીતા કટાર લેખક શ્રી. બીરેન કોઠારી અવાર નવાર તેમની લોકપ્રિય કટાર ‘સળી નહીં,  સાવરણી’ માં પ્રસિધ્ધ થયેલ મર્માળી, ટચુકડી રચનાઓના ફોટા ઈમેલથી મોકલે છે. આજે સવારે ‘ટોકન’ મોકલ્યો!

token

     દેશમાં ઘેર દૂધની કોથળી આપી જતા અને એવા બીજા વ્યાવસાયિકોના આવાં પોતીકાં (!) ચલણથી આપણે માહેર છીએ. અમેરિકામાં ચકી ચીઝ અને એવા બીજા બાળકોના મનોરંજન માટેના સ્ટોરમાં પણ ટોકન આપણા જાણીતા છે જ ને?

પણ લિપિ શા માટે? 

નીચેનું ચિત્ર જુઓ

ka

      આમાં પીળા બે અક્ષર તો આપણે તરત જ સમજી ગયા, પણ લાલ અક્ષર શી બલા છે? તમે નહીં માનો પણ, તે  પણ એ બે અક્ષરો  જ છે  –  [  ક અને અ  ] પણ તામીલ ભાષામાં છે !  ટોકન સાથે આ વાત ઢંગ ધડા વિનાની લાગી ને? ભલે લાગી હોય પણ …

અક્ષરો પણ બીરેન ભાઈ કહે છે તેવા ટોકન જ છે !

       આપણા મોંમાંથી નીકળતા અમૂક અવાજોનાં એ પ્રતીક છે. જેમ દૂધવાળો રોજે રોજ આપણી પાસે દૂધની કોથળી પહોંચાડવા નાણાં માંગવાની અને સાચવાની બબાલ અને ખતરાઓના ઉકેલ તરીકે ટોકન રાખે છે, તેમ લિપિ પણ અવાજની ટોકન છે ! એ ઘણી બધી બબાલ અને ગેર સમજ દૂર કરી શકે છે. ( જો કે, બરાબર ના લખાય તો નવી ગેરસમજ ઊભી પણ થઈ શકે છે હોં ! ) વળી ગુજરાતીમાં લખેલ મસ્ત વાર્તા કે કવિતા કોઈ અંગ્રેજ, અમેરિકન કે રશિયનને માટે સાવ અર્થ હીન હોય છે ! ઓલ્યો દૂધવાળાનો ટોકન આપણા લત્તામાં જ હાલે. થોડેક જ દૂર જાઓ અને એ પસ્તી માટે ય નક્કામો !

હવે લો… ૨૦૦૮ ઓગસ્ટ નો  આ સ્વાનુભવ વાંચો, અને આ વાતની પ્રતીતિ કરો.


      તે દિવસે  બાળકો સાથે હું અમારા માનીતા પાર્કમાં ગયો હતો. બાળકો રમતમાં મશગૂલ હતા. આથી મારું મન હમ્મેશની ટેવના કારણે આજુબાજુની ચીજો ઉપર કેન્દ્રિત થયું. એ ચીજો નવી વિચાર પ્રક્રિયા સર્જવા લાગી. અવલોકનો જ અવલોકનો…… એક પછી એક ચાર અવલોકનો પ્રગટ થવા માંડ્યા. અને દરેકની પાછળનો વિચાર ખરેખર સરસ હતો.

     જો કે, આમ પહેલી વાર બન્યું ન હતું. પણ ઘેર પહોંચતા સુધીમાં એકાદ વિચાર જ યાદ રહેતો અને બીજા વિલીન થઈ જતા. આથી તે દિવસે મને એક સુવિચાર સૂઝ્યો કે, આ વિચારોના મુદ્દા એ જ ક્ષણે લખી લેવા જોઈએ. મારી પાસે તો કાગળ, પેન્સિલ, પેન કશું જ ન હતું. કારમાં આ મળી રહેત. પણ પાર્કિંગ થોડે દૂર હતું. ત્યાં સુધી જઉં તો બાળકો ઉપર ધ્યાન ન રહે – ક્યાંક ભાગી જાય તો ક્યાં ખોળવા?

     હવે બીજી વાત એમ છે કે, હમણાંનો હું પથ્થરયુગની નવલકથા  *  લખવાના  ચાળે ચઢ્યો છું. આથી ‘એ યુગમાં હું જીવી રહ્યો છું.’ એવી કલ્પનાના ઘોડે સવાર થઈ જવાય. આથી તરત મને વિચાર આવ્યો કે, ‘જો અત્યારે હું એ યુગમાં જીવતો હોઉં તો આ ચાર વિચારો યાદ રાખવા શું કરું?’ તરત બીજો સદવિચાર સ્ફૂર્યો કે, એ ચારેય વસ્તુની તરત યાદ અપાવે એવાં કોઈ પ્રતીકો મારે ખિસ્સામાં સંઘરવા જોઈએ. આથી આજુબાજુ નજર દોડાવી.

     અને આ ચારેય વિચારોને સ્મૃતિપટમાંથી ઢંઢોળીને જગાડે એવી, આજુબાજુમાં પડેલી, ચાર ચીજો મને ધીમે ધીમે મળી પણ ગઈ. એક નાનકડો પથ્થર, પ્લાસ્ટિકની સ્ટ્રો, ઘાસનું તણખલું, અને ઝાડની એક નાની, સૂકાયેલી ડાળી. મારા વિચાર પ્રવાહના ચારેય પદાર્થો સાથે આમનો મેળ બેસાડી દીધો.

    એ ચારેય ટોકનને મારા ખિસ્સામાં અમૂલ્ય સિકાઓની સાથે માનભેર સ્થાન મળી ગયું !

પથ્થર –  ચગડોળ    *

 • ચગડોળની બાજુમાં પડેલો હતો

પ્લાસ્ટીકની સ્ટ્રો – લોખંડની પાટલી  *

 • પાટલી પર નાસ્તો કરીએ માટે

ઘાસનું તણખલું  –  જમીનના ઢોળાવ     *

 • ચારે બાજુ ઘાસમાં ઢોળાવો

ઝાડની એક ડાળી – રેલના પાટા    *

 • બે સીધી લીટી

[ * –  આ બધું વાંચવા મન થાય અને સમય હોય તો, અન્ડરલાઈન કરેલા શબ્દો  પર ક્લિક કરી, એ બધાં પારાયણો  ડાઉનલોડ કરી શકશો ! ]

  પછી થોડી વારે અમે ઘર ભણી પ્રયાણ આદર્યું. હું બાળકો સાથે બીજી વાતોમાં પરોવાયો. રસ્તામાં એક હોટલમાં નાસ્તો કરવા પણ અમે રોકાયા.  હમ્મેશ બનતું હતું તેમ પેલી ચાર વાતો તો ક્યાંય વિસરાઈ ગઈ.

     ઘેર ગયો અને જેવું ખિસ્સું ખાલી કર્યું, કે તરત  પેલી ચાર ચીજો બહાર આવીને ટેબલને શોભાવવા માંડી. તરત જ મનના ઊંડાણમાંથી પેલા ચાર મૂળ વિચાર એક પછી એક ઝબકવા માંડ્યા. હવે તો બધાં જ સાધનો ટેબલ ઉપર હાજર જ હતાં. મેં ચારે ય વિચારો અને તેના મુખ્ય મુદ્દા લખી લીધા. હવે ચાર લેખની પાયાની સામગ્રી મારી પાસે હાથવગી બની ગઈ હતી.

ભાઈઓ અને બહેનો,   

આવો જ કદાચ ભાષાની  લિપિનો મૂળ ઉદ્ ભવ હશે ને?

    જ્યારે માણસ માણસ વચ્ચે કોઈ અંતર નહોતું, ત્યારે કોઈ સાંકેતિક કે પ્રતીકાત્મક સંજ્ઞાઓની જરુર જ નહોતી. બધો વ્યવહાર શરીરના હાવભાવ અને બોલીથી થઈ જતો હતો. જેમ જેમ માનવજીવન વધારે ને વધારે જટિલ બનતું ગયું હશે; માણસો દૂર ને દૂર રહેવા માંડ્યા હશે; તેમ તેમ સંદેશ પહોંચાડવાની જરુર ઊભી થઈ હશે. પહેલાં ખેપિયા કે સંદેશવાહક મારફત વાણી મારફતે સંદેશા મોકલાતા હશે. એમાં મારા જેવા, કોઈ ભૂલકણા જણે છબરડો વાળ્યો હશે; અને ઓડનું ચોડ વેતરાઈ ગયું હશે. આથી બોલાતી વાણી પર ભરોસો ન રાખતાં, અગત્યના સંદેશ માટે આવી કોઈ પ્રતીકાત્મક વસ્તુઓ અને પછી ચિત્રલિપિ ઊભી કરાઈ હશે. કાળક્રમે એનું રુપાંતર અવાજને પ્રતિનિધિત્વ આપે  તેવી લેખિત સંજ્ઞાઓ –લિપિ વપરાતી થઈ હશે.

      આ પરિકલ્પના સાચી છે કે કેમ, તેનું અનુમોદન તો માત્ર ભાષાશાસ્ત્રીઓ જ આપી શકે. પણ એક વાત નિશ્ચિત છે  કે, બોલાતી કે લખાતી ભાષા એ પ્રતીકાત્મક સાધન માત્ર જ છે. કોમ્યુનિકેશનનું સત્વ અને તત્વ તો વિચાર અને ભાવ જ હોઈ શકે.

 ભાષા અને લિપિ
એક સગવડ છે –
પેલી ચાર ચીજો જેવી. 

5 thoughts on “અવલોકન -૨૩-લિપિ

 1. તમે ભેગી કરેલી ચારે વસ્તુઓનું મૂલ્ય પણ કોઈ સ્થળ, કોઈ ઘટના, કોઈક સ્મરણ સાથે જોડાયલી સંજ્ઞા કે ટોકન બની શકે. ભારતમાં બેન્ક ટોકન, હવે રેસ્ટોરાંટ કે હોસ્પિટલમાં ક્યુ મેનેજમેન્ટ વેઇટિંગ ટોકન તરીકે જાત જાતના બઝર કે બિપર જે પેજર વપરાય છે.
  મૂળ વાત ટોકનની તો લેક્ષિકોન કહે છે ટોકન એટલે નિશાની, ચિહ્ન, પુરાવો, સંભારણામાં આપેલી વસ્તુ, સંભારણું, પ્રમાણભૂત ચિહ્ન દાખલ વપરાતી વસ્તુ, પૈસા માટે, માલના બદલામાં આપવાની ચિઠ્ઠી (વાઉચર – ટોકન), ઉપરચોટિયું, ઔપચારિક

  Like

  • બચાવ પક્ષની દલીલ !
   અહીં ટોકનને કવિતામાં વપરાય છે, તેવી ઉપમા તરીકે વાપર્યો છે – ઉત્પ્રેક્ષા નહીં !!!
   અલંકારના ઘણા પ્રકાર હોય છે, પણ સરખાપણું દર્શાવતા ચાર અલંકાર –
   ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક અને અપહ્નુતિ
   એ ચારમાં સરખાપણું ઉત્તરોત્તર વધતું જાય. અપહ્નુતિમાં તો જેની સાથે સરખામણી થઈ રહી હોય તેના કરતાં પણ તે બાબત વધારે ઉત્તમ છે, એમ કહેવામાં આવે છે.
   દા.ત.
   તમારા મુખને ચન્દ્રની ઉપમા શી રીતે અપાય? ચન્દ્રમાં તો ડાઘ હોય છે !
   —————-
   પણ મુદ્દો એ નથી. મુદ્દો છે – ભાષા, શબ્દ, લિપિ, જોડણી … આ બધાં અભિવ્યક્તિનાં સાધનો છે. એ કદી વિચાર કે ભાવને પૂરેપૂરાં અભિવ્યક્ત ન કરી શકે – ખાસ તો મૂળ ભાવને.

   વળી…
   તમે આમ અલગ વિચાર રજૂ કર્યો – એનો આદર . કોમેન્ટોમાં માત્ર
   ‘અહો! રૂપં , અહો! ધ્વનિ’ ની જે પ્રથા ગુજરાતી બ્લોગો અને વેબ સાઈટો પર સામ્પ્રત થઈ ગઈ છે – એના કરતાં આવા પ્રતિભાવ ઘણા વધારે આવકાર્ય છે. તો જ મૂળ વિષયના અવનવા પાસાં પ્રકાશમાં આવે.
   ફ્રેન્કનેસ માટે ખુબ ખુબ આભાર.

   Liked by 1 person

 2. ટોકન અને લીપીની સીધી સરખામણી ન થઈ શકે તેમ માનું છું. ટોકન એ ચલણનું કામ કરે છે. જ્યારે લીપી એ કોમ્યુનીકેશન – વાણીના આદાનપ્રદાનનું કામ કરે છે. પ્રત્યાયન. ટોકન તમે આપીને કશુંક બીજું મેળવો છો, ફરી ટોકન મેળવતા નથી. લીપી એ ધ્વનીનું ચીત્ર છે જેના કોઈ ફક્ત એક ચીત્રથી કામ થઈ શકતું નથી. અક્ષર, શબ્દ અને વાક્ય સુધી આ ચીત્રોને લંબાવવાં પડે છે. વળી ધ્વનીના અનેક પ્રકારો છે. ગળામાંથી નીકળીને હોઠની બહાર નીકળતા અવાજોનાં કેટકેટલાં રૂપો છે અને દરેકને પોતાના સ્થાન પ્રમાણે ચીત્રો છે. એટલું જ નહીં પણ કક્કાની યોજનામાં પાસેપાસેના ચારેય અક્ષરો ક–ખ/ગ–ઘમાં પણ અલ્પપ્રાણ–મહાપ્રાણ /ઘોષ–અઘોષ એવું જુદાપણું બતાવાયું છે…!પાંચમો ઉચ્ચાર તો વળી નાકમાંથી નીકળતા અવાજનેય સાથે રાખીને સહુથી અલગ પતરાળી પાડે છે !
  લીપી એ ભાષા દ્વારા ભાવ અને વીચારના પ્રત્યાયન માટેનાં પ્રતીકાત્મક ચીત્રો છે. ટોકનની જેમ એને હાથમાં રાખીને વટાવવાનાં હોતાં નથી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.