અવલોકન -૨૨-પાનખર

Colorful forest panorama in autumn     તે દિવસે પાર્કની મુલાકાતે ગયો હતો. પાનખર હવે પતવામાં છે. ઓતરાદા વાયરા અને ઠંડીનો ચમકારો શરુ થઈ ગયાં છે. ઠેકઠકાણે ખરેલાં પાંદડાં પડ્યાં છે. સાવ નિર્જીવ, શબ જેવાં, પવનના ઝપાટામાં દીશાવિહીન , આમથી તેમ અફળાતાં પાંદડાં.

     આ ઝાડની નીચે ઘણાં બધાં પાંદડાનો ઢગલો પડ્યો છે. ઝાડ પર હતાં ત્યારે તેના રંગ નિખરેલા હતા. આ જ પાંદડાં ઝાડ પર હતાં ત્યારે કેટલાં સોહામણાં લાગતાં હતાં? માત્ર ઝાડની જ નહીં, આખા પાર્કની શોભામાં ચાર ચાંદ લાગી જતા હતા. અત્યારે એ સાવ મૃત થઈને પડેલાં છે.

       હું થોડો આગળ ચાલું છું. આ બીજા ઝાડ પર તો એકેય પાંદડું બાકી નથી. ઠંડીના ચમકારામાં થરથરતું એ ઝાડ સાવ બોડું થઈ ગયું છે. તેની ઉપર તો શું,  નીચેય એક પણ પાંદડું બચ્યું નથી. બધાંયને વાયરાનો સુસવાટો તાણી ગયો છે. તેની બધી સમૃદ્ધિ નામશેશ થઈ ગઈ છે.

      લ્યો… એની બાજુવાળા આ જનાબ હજી પણ પાનના રંગ ખીલવી, રંગીન મિજાજમાં મ્હાલી રહ્યા છે. તેમનો વારો હજુ હવે આવશે. પણ અત્યારે તો એ પૂરબહારમાં છે.  બાજુના મહાશય તો સદાકાળ હરિતપર્ણધારી જ છે. એ તો હમ્મેશ લીલા ને લીલા જ. તેમને કોઈ પાનખર વિચલીત કરી શકતી નથી.  તેમની ખુમારી તો કાંઈ અજીબોગરીબ જ છે.

       એની બાજુમાં જ એક કાપેલા ઝાડના થડનો, માંડ એક બે  ઈંચ ઉંચો પાયો, માત્ર સમ ખાવા માટે ટૂંટિયું વાળીને પડ્યો છે – જાણે કે, ઝાડની કબર. તેનો ક્રોસ સેક્શન/ આડછેદ જોતાં એ દાદા ૭૦ – ૭૫  વરસ જીવ્યા હોય એમ લાગે છે. લ્યો ! આ તો મારા જ સમવયસ્ક નીકળ્યા! તેમનું તો અસ્તિત્વ જ વિદાય લઈ ચૂક્યું છે.

        દરેક ઝાડની પોતાની એક ખાનદાની રસમ હોય છે. એનું પોતાનું આગવું એક કેલેન્ડર હોય છે. દરેકનો પોતાનો એક મિજાજ, એક રંગ, એક નિયત જિંદગી હોય છે. તેનો અણુએ અણુ પોતાની પરંપરાને બરાબર પાળે છે. પાનખર હો કે વસંત – દરેક પોતાની નિયતિ પ્રમાણે પાંદડાં ધારણ કરે છે અને વિખેરી દે છે. એ પાંદડાંય હમ્મેશ નથી રહેતાં અને એ થડ પણ નહીં.

        પાર્કના ખુલ્લા ભાગથી થોડેક દૂર ઝાડીઓવાળો પ્રદેશ છે. ત્યાં ગીચ ઝાડીની વચ્ચે પવનથી ઊડીને આવેલાં પાંદડાંઓના ઢગના ઢગ પડ્યા છે. વરસાદ આવશે, સ્નો પડશે, માટીના થરના થર તેમને આવરી લેશે. તે સૌ જ્યાંથી પ્રગટ્યાં હતાં, તે ધરતીનો એક અંશ બની જશે. એમાંથી રસ અને કસ ઉતરી, અન્ય વૃક્ષોનાં મૂળીયાં સુધી પહોંચશે. ફરી એ નવપલ્લવિત કુંપળોમાં રસ સિંચન કરશે. બીજા જ કોઈ વૃક્ષનું કોઈ પાન, બીજી કોઈ પાનખરે,  કોઈ બીજો જ રંગ  મઘમઘાવશે.

      ફરી જન્મ….. ફરી મૃત્યુ…. આ જ જીવનક્રમ હજારો – લાખો  વર્ષોથી ચાલ્યો આવે છે – ચાલતો રહેશે.
—————————–

       આ પાંદડાંની જેમ હું પણ વાર્ધકયમાં પ્રવેશી ચૂક્યો છું. મારો રંગ તેમના જેવો આકર્ષક નિખાર તો નથી જ આપતો! એક દિવસ તેમની જેમ હું પણ ખરી જઈશ. વાયરો મારા અવશેષોને ઊડાડીને ધરતીની સાથે એકરસ કરી નાંખશે. જેણે મારા જીવન દરમિયાન મારું પોષણ કર્યું છે; તે ધરતીના કણકણમાં મારું સમગ્ર અસ્તિત્વ ઓગળી જશે.

મને ખબર નથી કે,
જેને હું ‘હું’ કહું છું,
તેનું પછી શું થશે?

       આ જ તો પાંદડાની, થડની, મારી,  તમારી,  સૌની …….નિયતિ  છે.

7 thoughts on “અવલોકન -૨૨-પાનખર

 1. પુનરપી જનમમ પુનરપી મરણમ….
  O Henry નું The Last Leaf
  પીપળ પાન ખરંત, હસતી કુંપળીયા, અમ વીતિ તમ વીતસે ધીરે બાપુડિયા
  (આ મારૂં અવલોકન)

  Liked by 1 person

 2. પાનખર, વર્ષા, વસંત…
  આજે હરિતપર્ણધારી તો કાલે ખાખી
  આજે ઊગ્યા એ કાલે ખરશે
  માનવજીવનનું પણ એવું જ ને……..

  Like

 3. સુરેશભાઈ, બહુજ સરસ રીતે જીવનની સચ્ચાઈ દર્શાવી છે.

  ખરેખર તો ‘હું ‘ આત્મા છું એ સત્ય છે. તેની સફર બહુ લાંબી છે, બસ શરીર બદલતા રહેવાનું . ભાગ્ય જાગ્યા હોય તો કોઈ સદગુરુનો ભેટો થાય અને મોક્ષનો રાહ બતાવે તો જન્મ – મરણના ફેરાનો અંત આવે. પરંતુ આ
  મોક્ષનો રાહ બહુજ કઠીન છે તેની પર ચાલવું ભારી લાગે, કોને ચાલવું ગમે ?

  Like

  • હેમા બહેન
   કદાચ તમારી સાથે પહેલી જ વાર ઈ-સંવાદ કરું છું. ખચકાતાં ખચકાતાં – કારણ કે, કોઈકને આપણો પડઘો ન પણ ગમે, તેવો ભય હોય છે !
   તમને આ અવલોકન ગમ્યું – એ ખચિત મારો આનંદ છે. પણ… જરાક આગળ વાત.
   મોક્ષ, જીવનની વ્યથાઓથી કાયમી છૂટકારો – આ બધું આપણને સમાજ, ધર્મ, ઉપદેશકો અને આપણા પોતાના જીવનમાં થયેલા કડવા અનુભવોના કારણે પેદા થયેલી – જીવનની એક નવી અપેક્ષા જ છે. જેમ આપણને ધન, પ્રતિષ્ઠા, માન વિ. ની અપેક્ષા હોય છે , તેમજ મોક્ષની નવી અપેક્ષા ઊભી થઈ જતી હોય છે.

   જ્યાં સુધી આપણો શ્વાસ ચાલે છે, ત્યાં સુધી આવા જાત જાતના તલસાટ ઊભા થવાના જ. પણ મૃત્યુ પછી શું થાય છે ? – એ બધી માન્યતાઓ જ છે. કોણે મોત પછીની અવસ્થાનું વર્ણન જાતે કર્યું છે? આથી મારું માનવું એવું છે કે…
   જીવનમાં જે પણ કાંઈ આપણને મળે – સારું કે નરસું; ગમતું કે ન ગમતું – તેનો સ્વીકાર કરતાં આપણે થઈએ – એ જીવન જીવવાની એક રીત છે.
   જો અને જ્યારે આવી રીત આપણને સાધ્ય બને, પછી અપેક્ષાઓનું જોર ઘણું ઓછું થઈ જતું અનુભવી શકાય છે. એ પૂરેપુરું અલોપ થઈ જાય – એ તો વીતરાગ મહાત્માઓના નસીબમાં જ કદાચ હશે. પણ આપણે મર્યાદિત શક્તિઓ અને પહોંચ માટે જીવવાની આવી અવસ્થા એક સાવ નવું જ પરિમાણ બક્ષી જાય છે.

   આ એક paradigm shift છે – અને તે શક્ય છે જ. તે નાની નાની પણ સતત તપસ્યા / સાધના/ તિતિક્ષા માંગી લે છે . પણ જેમ જેમ આપણે એવી માનસિક સ્થિતિની નજીક જઈએ તેમ તેમ કદી ન અનુભવ્યા હોય તેવાં શાંતિ અને આનંદનો આસ્વાદ આપણે માણતા થઈએ છીએ. આ પ્રતીતિ નો પહેલો અહેસાસ આપણને જીવન જીવવાની આ રીતના માર્ગ પર સ્થીર કરી દે છે.
   કદાચ… આને જીવતે જીવ મોક્ષ કહી શકાય.

   પાનખરનું અવલોકન મૂળે તો ૨૦૦૭ની સાલના અંતમાં લખ્યું હતું- જ્યારે મનમાં વિષાદ હતો. આ કોમેન્ટ દસ વર્ષના પ્રયત્નોના જોર પર લખાયેલો સ્વાનુભવ છે – એમ કહું તો તેને આપવડાઈ તો ગણી જ શકાય , પણ એ અનુભૂતિ સૌ સાથે વહેંચવાનો ઉમંગ અને આનંદ છે,

   એ વહેંચ્યો.


   Liked by 1 person

   • સુરેશભાઈ,
    મૃત્યુ પછી માણસનું શું થાય છે આજ સુધી કોઈ નથી જાણી શક્યુ . ઘણી વખત આપણા શાસ્ત્રોની વાતો સમજાતી નથી.અને સમજાય તો જીવનમાં ઉતારવું સહેલું નથી. વેદ ઉપનિષદની વાતો આપણને વાંચવી ગમે પરંતુ જીવન જીવવા માટે બધી વાતો કઠીન લાગે છે. ખાસ કરીને આ યુગમાં સંસારી માટે એ રીતે જીવવું શક્ય નથી. આ હાલત અેકની નહી આપણા સૌની છે.

    Like

 4. પ્રકૃતિની માફક મનુષ્ય જીવનમાં પણ જુદી ઋતુઓ -બાળપણ , યુવાની અને ઘડપણ આવે છે.યુવાની એ જીવનની વસંત ઋતુ છે અને ઘડપણ એ જીવનની પાનખર છે જેમાં શરીરમાં અજબ ફેરફારો- વાળનો રંગ બદલાઈ જાય વી. થાય છે.સફેદ વાળમાં પાનખર જેવા રંગો ભલે નહી હોય પણ એમાં વર્ષોના અનુભવોનું દર્શન હોય છે. વૃદ્ધના માથાના વાળ તડકામાં ઉભા રહેવાથી સફેદ થતા નથી હોતા.

  ઘડપણ વિશેની મારી એક અછાંદસ રચનામાં મેં લખ્યું છે.

  આયુ વૃક્ષની વિવિધ ડાળીઓ ઉપરથી
  ખરી રહ્યાં પર્ણો આજે જીવનની પાનખરમાં
  એક વણનોતર્યા મહેમાન સરીખો,
  આવીને ઉભો રહ્યો દ્વારે, આ અડીયલ બુઢાપો.
  શરીર, ઇન્દ્રિઓમાં ભલે ન રહ્યો એ જોમ ને જુસ્સો
  કરી મનને મક્કમ,બાકી સમય અને શક્તિઓ વડે,
  જીવનનો ખરો આનંદ માણવાની છે આ વેળા.
  જીવન-ચાદરને ઉજળી રાખી, શ્રધ્ધા અને ભાવથી,
  પ્રભુ ચરણે એને અર્પણ કરવાની છે આ વેળા.
  વીતેલ કાળની ખેતીમાં વાવેલ સૌ પાકોને,
  હોંસથી લણીને સૌમાં વહેંચવાની છે આ વેળા.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.