ગોરંભો
બહાર ગોરંભાયેલું આકાશ અને વાતાવરણમાં ઘેરાયેલો બફારો અકળાવનારો હતો. સાંજની ઠંડક ઉકળાટમાં ફેરવાઈ ગઈ હતી અને ચોમાસાની આ રાત… ગોરંભાયેલું આકાશ કૈક વધારે જ કાળું દેખાતું હતું. બાલ્કનીમાંથી રૂમમાં આવી અવનિ પથારીમાં આડી પડી. અવનિ ક્યાય સુધી વિચારતી રહી કે શું થયું વસુમાં અને મેહુલની વચ્ચે કે મેહુલ આમ ઘરમાંથી નીકળી જ ગયા. પોતે ટ્રેનીંગમાં મહિનો બહારગામ ગઈ અને અહીં આવો ભૂકંપ? તે વખતે ફોનમાં મેહુલ ઘણું બધું બોલી ગયા હતા. નેટવર્ક નબળું હોવાને કારણે બહુ સ્પષ્ટ સંભળાતું ન હતું, એટલે પોતેજ વાત ટૂંકાવી ને કહ્યું કે ઘરે આવું પછી વાત પણ એટલો તો ખ્યાલ આવ્યો જ હતો કે વસુમાં વિષે સાંભળવું ન ગમે એવું કૈક મેહુલ કહી રહ્યા હતા…. અને ઘર માંથી ચાલ્યા જવાની વાત? લાગણીના આવેશમાં આવીને લેવાયેલો આ કોઈ ત્વરિત નિર્ણય તો ન હતો ને? અને વસુમા ? શું એમના વિષે પણ મેહુલ નહિ વિચારે? વસુમાની પણ હવે અવસ્થા થઇ. એમને પણ મારી જરૂર છે. ખરેખર? અંદરથી એક ધક્કો વાગ્યો. તો પછી પેલા પત્ર…? મેહુલે ફોનમાં કહ્યું હતું, અને કપડા ગોઠવવા ગઈ ત્યારે પોતે પણ વસુમાના કબાટમાં એ પત્રો જોયા હતા, ફક્ત જોયા હતા, વાંચ્યા ક્યાં હતા..? અચાનક થયેલા ગડગડાટથી અવનિ પથારીમાં બેઠી થઇ ગઈ. હળવેથી ઉઠીને વસુમાના ઓરડામાં ગઈ. તેઓ પથારીમાં પડ્યા પડ્યા ખુલ્લી આંખે બારી બહારનું આકાશ તાકી રહ્યા હતા. વાદળો એટલા ઘેરાયેલા હતા કે ચાંદનીનો ઉજાસ પણ લાગતો ન હતો. અવનિના સંચારે એમની નજર ફેરવી. એક સ્મિત આવ્યું અને વિલાઈ ગયું. અવનિને થયું, ‘શું વિચારતી હશે આ સ્ત્રી? પોતાના દીકરાના આવા નિર્ણય માટે…કે પછી પોતાની મોકળાશ…ના..ના ..વસુમા માટે આવું વિચારવા બદલ એ છોભીલી પડી ગઈ.
‘..આવ ને ..બેસ અહી.’ કહેતા એ પથારીમાં બેઠા થયા.
અવનિ પણ એમની પાસે બેઠી. ગૌર વર્ણ અને ઉમરના છઠા દાયકામાં પણ ચમકતી ત્વચા. સામેવાળાને એક પળમાં તાગી લેતી પારદર્શક આંખો અને હંમેશા હુંફાળું સ્મિત આપતો ચહેરો. આને સુંદરતા જ કહેવાય ને? આના જ વિષે મેહુલ ન બોલવાનું સંભળાવી ગયો? થોડાજ સમય પહેલા કોલેજમાંથી પ્રાધ્યાપિકા પદેથી નિવૃત્ત થનાર મા વિષે એટલોય વિચાર ન કર્યો કે…. – ધડામ– બારણા અફળાવાનો અવાજ અને સાથે જ કાચ તૂટવાના અવાજ અને કાચની કરચો આખાય રૂમમાં…….અવનિ ઉઠી. પહેલા કરચો સાફ કરી. વસુમા બોલતા રહ્યા, ‘જોજે બેટા.. સાચવજે.. કરચ બહુ ઝીણી છે. વાગી ન જાય..’ અવનિએ ત્યાર બાદ બારણા બંધ કરી જોરથી સ્ટોપર લગાવા પ્રયત્ન કર્યો. પણ ભેજના કારણે થોડા ફૂલી ગયેલા બારણાને સ્ટોપર લગાવવી સહેલી ન હતી.
…પણ સ્ટોપર તો લગાવવી પડશે ને! નહીતો આ બધુ ય બગડશે….એમ વિચારી અવનિ સ્ટોપર લગાવવાનો પ્રયત્ન કરી રહી. ખુબ જોર કર્યું. હાથમાં દુઃખી આવ્યું પણ સ્ટોપર ન લાગી.
‘રહેવા દે…છોડ એને.’
અવનિ ફરિયાદી નિરાશાથી એમની બાજુમાં બેસી પડી. એની હથેળી પર હાથ પસવારતા વસુમા બોલ્યા, ‘આ તો વરસાદી હવાને લીધે…તડકો આવશે એટલે વળી પાછુ હતું એવું થઈ જશે..’
‘પણ બા…ત્યાં સુધી તો સાચવવાનું ને…?’
એક મ્લાન સ્મિત આપી વાસુમાએ કહ્યું, ‘રહેવા દે હમણાં.. ચાલ ચા પીએ.’
અવનિ રસોડામાં ચા બનાવવા લાગી. એને યાદ આવી ગયું કે લગ્નના બીજા જ દિવસે સવારે ..
‘અરે અવનિ….આ ચા આટલી ગળી..?’ મેહુલનો ફરિયાદી સ્વર આગળ કઈ બોલે એ પહેલા જ વસુમાએ સાચવી લીધી હતી. ‘બેટા, તને કેમ ખબર કે મને ગળી જ ચા ભાવે?’
‘બા…તું ક્યારથી ગળી ચા પીતી થઇ ગઈ..?’
‘બસ, આજ થી..’ કહી વસુમાએ હાથ પકડી અવનિને પોતાની પાસેજ બેસાડી દીધી. અવનિના કેટલાય આગ્રહ છતાય બીજી વાર ચા મુકવા એને ન જ જવા દીધી. ત્યાર બાદ તો આવું કેટલીય બાબતમાં બનતું. ઓછા મીઠા વાળા મગ ખાતી વખતે વખાણ કરવાનું ય ચુકતા નહિ. ‘હવે સારું જ ને, આ ઉમરે મીઠું ઓછું કરતા જઈએ તો આ પ્રેશર વાળી તકલીફ ઓછી…’
‘અને ખાંડ…એ ઓછી નહિ કરવાની…?’મેહુલનો સ્વર જાણે કશે તીક્ષ્ણ સ્પર્શ કરતો હોય એમ લાગતું. પણ ત્યાં સુધીમાં તો મીઠી ચા માફક આવી ગઈ હતી.
અવનિ ચા ઉકાળતા ઉકળતા વિચારી રહી. શું વસુમાને આ ઉંમરે જોઈતી કાળજી અને હુંફ એમના જીવનમાં ખૂટતા હશે..? શક્ય છે. એકલતા ભલભલાને હરાવી દે…
ચા ગાળી એ બે કપ ભરી વસુમા પાસે ગઈ. બારીમાંથી બહાર કશું તાકતા વસુમા જાણે કોઈ પ્રશ્ન નો ઉત્તર ન શોધતા હોય? ‘બા..’કહેતા અવનિએ એમના હાથમાં કપ આપ્યો. અવનિને લાગ્યું કે હવે એણે વાત પૂછી જ લેવી જોઈએ … ક્યાં સુધી પોતે આમ..? અને વસુમા ખરેખર એવુ જ ઈચ્છતા હોય તો પોતે પણ કોલેજ તરફથી મળતા ક્વાર્ટરમાં શિફ્ટ થઇ જાય. પણ વસુમા વગર? અને એમને એકલા છોડવા.. ? ત્યાજ અંદરથી અવાજ આવ્યો – ‘ હવે એકલા ક્યાં?’ પણ આવી વાત પૂછવી કયા શબ્દોમાં..? જાણે આ પ્રશ્નનો ઉત્તર શોધવા ફાંફા મારતી હોય એમ એ બારી બહાર તાકી રહી. વીજળીના કડાકા અને વાદળોના ગડગડાટ સાથે વાતાવરણનો બફારો ગભરામણ થાય એ હદે વધી ગયો હતો. અચાનક જ વીજળી ડુલ થઇ ગઈ. અવનિ મીણબત્તી લેવા ઉભી થવા જતી હતી, અને વસુમા એ હાથ પકડી બેસાડી દીધી. ‘રહેવા દે થોડી વાર આમ જ.’ અવનિને થયું, અંધકારમાં કદાચ એ વધુ સ્પષ્ટતાથી વાત કહી શકાશે. બંને સ્ત્રીઓ હાથમાં ચા ના કપ સાથે અંધકારને અનુકુળ થવા પ્રયત્ન કરવા લાગી. બે સ્ત્રીઓ વચ્ચેનું મૌન ભારેખમ બનતું જતું હતું.
અજાણી વાત પૂછવાનો ભાર અવનિ નહિજ ઝીલી શકે એમ લાગતા વસુમાએ જ શરૂઆત કરી. ‘અવિ, મને ખબર છે કે તને એ જાણવું છે મારી અને મેહુલ વચ્ચે તે દિવસે એવી તે શું વાત થઇ કે એ ઘર છોડી નીકળી ગયો ! પણ હું જાણું છું, તું મને પૂછી નથી શકતી. કારણકે એ તારો સ્વભાવ જ નથી. જો એવું હોત તો તેં મેહુલને જ ઘણું બધું ન પૂછ્યું હોત…’ અવનિ આંખો માંડી સાંભળી રહી.
‘સાંભળ દીકરા, મેહુલ તારો પતિ છે પણ એ મારો દીકરો પણ છે. અને અવિ, મને ખબર છે. તું નક્કી જ કરી શકતી ન હતી કે…મને શું પૂછવું?
‘બા..’
‘એ પત્ર વિષે મેહુલે તને મારા અને સુરેશભાઈના સબંધ બાબત કશુક કહ્યું હતું, હે ને..! તને શું લાગ્યું…અવિ, શું મારે સુરેશભાઈ સાથે આવો કોઈ સબંધ છે?’