વીનું મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા-૨૯-અમિત રાડિયા

અષાઢની હેલીને ભીંજવે શ્રાવણનાં સરવડાં

બાદલ યૂં ગરજતા હૈ, ડર કુછ ઐસા લગતા હૈ,

ચમક-ચમક કે લપક કે, યે બીજલી હમ પે ગિર જાએગી…

રેડિયોના 93.5 સ્ટેશન પર વાગી રહેલું આ સુંદર ગીત જાણે કાન અને મનને તરબતર કરતું હતું. ઘરની બાલ્કનીમાં ‘ખાસ’ પોતાના માટે બનાવેલા ઝૂલા પર હળવે હળવે ઝૂલતી એ વરસાદી મદમસ્ત વાતાવરણને આંખોથી નીરખવાની સાથે જાણે આત્માને પણ તરબોળ કરવામાં તલ્લીન હતી, અષાઢા.

આ તલ્લીનતા કંઈ પ્રથમ વખતની થોડી છે. દર વર્ષે જ્યારે અષાઢ માસમાં આકાશમાં વરસાદ જામ્યો નથી કે અષાઢા એમાં ખોવાઈ નથી. અષાઢ મહિનો એટલે અષાઢાનો આરાધ્ય દેવ. અષાઢ માસ શરૂ થાય,આકાશમાં કાળાં ડિબાંગ વાદળાં છવાય, રમઝટ વરસાદ વરસ પડે ને અષાઢા પણ જાણે એ જ વરસાદનું ટીપું હોય એમ વરસી પડે. જલબિંદુઓની સાથે એ પણ હવામાં તરે, આમ-તેમ લહેરાય અને છેલ્લે પ્યાસી ધરતીની તરસ બુઝાવવા નીચે પડીને વિખેરાય જાય.

તમને થશે કે આ ‘અષાઢા’ વળી કેવું નામ! કોઈ છોકરીનું નામ તે વળી આવું હોતું હશે? પણ, એવું છે કે અષાઢાનો જન્મ પણ આવી જ એક વરસાદી અષાઢી સાંજના થયો હતો. અને એટલે જ, મમ્મ-પપ્પાએ વહાલી દીકરીને નામ આપ્યું, ‘અષાઢા’. બસ, ત્યારથી શરૂ કરીને આજે વીસની થવા છતાં અષાઢાને અષાઢી વરસાદ સાથે કંઈ અલગ જ નાતો છે. મીરાંબાઈ જેમ કૃષ્ણને ભજે તેમ આખુંય વર્ષ અષાઢા વરસાદની રાહ જુએ. કૉલેજના મિત્રવર્તુળમાં પણ તેનું નિકનેમ ‘વરસાદી ઝડી’ પડી ગયેલું.

અષાઢાનું કૉલેજિયન મિત્રવર્તુળ એટલે કાર્તિકા, ફાલ્ગુન, વૈશાખ, આશી અને શ્રવાણ, ‘હમ છહ’. આ અડધો ડઝનના ગ્રૂપની એકતા પણ ગજબની. રમત, નાટક, સંગીત અને હા શિક્ષણમાં તો ખાસ આગળ જ હોય. તેવામાં એક વાર આવી ‘યુવાપ્રતિભા શોધ’. આ મિત્રમંડળી તો એમાં હોય જ ને! તેમણે નાટ્યસ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું. નાટકનો વિષય પસંદ કરવા બધા મળ્યા, કૉલેજ કેન્ટીનમાં. ચીઝ સેન્ડવિચ મોઢામાં થઈને હોજરી સુધી પહોંચી અને બસ, બધાની વિચારશક્તિ ખીલી ઊઠી. કાર્તિકાએ કેકારવ કર્યો, ‘ભર્તૃહરિ અને પિંગલા’.

ત્યાં તો ફાલ્ગુન ટહુક્યો, ‘ના રે બાબા! બેવફાઈની કથા નહીં, હોં.’ વૈશાખ કહે, ‘હીર-રાંઝાની પ્રેમકહાની.’ ‘ઊંહુ… બોવ જૂનું…’ શ્રાવણે ચોકડી મારી. ક્યારની વિચારોમાં ખોવાયેલી અષાઢાને હચમચાવી આશી બોલી, ‘હવે તું જ કંઈ બોલને યાર, અષાઢા.’ અને કંઈક તંદ્રામાં ખોવાયેલા ભાવ સાથે અષાઢાના મોંમાંથી શબ્દો સર્યા, ‘મેઘદૂત’. સંસ્કૃત મહાકવિ કાલિદાસની પ્રેમ, વિરહ અને શૃંગાર એમ ત્રણ રસના ત્રિવેણીસંગમવાળા વિષયના નાટકને તરત જ બધાએ થમ્બ્સ અપની સાઇન બતાવી લાઇક કરી દીધું.

બસ, પછી તો શરૂ થઈ ધમાચકડી. સંવાદ લેખન, ડ્રેસિંગ, ગીત-નૃત્યના રિહર્સલ્સ. કૉલેજમાં ભણવાનું ને સાંજે નાટકની તડામાર તૈયારીઓ. ‘મેઘદૂત’ની યક્ષિણી બની અષાઢા ને યક્ષના પાત્ર માટે શ્રાવણ પર પસંદગીનો કળશ ઢોળાયો. દિવસોની મહેનત બાદ આખરે સ્પર્ધાનો દિવસ આવી પહોંચ્યો. શહેરના જાણીતા નાટ્યહોલમાં ભવ્ય સ્ટેજ અને નજર પહોંચે ત્યાં સુધીની ભરચક્ક મેદની. એક પછી એક નાટક રજૂ થતા ગયા. પ્રેક્ષકોની તાળીઓ પડતી રહી. મેઘદૂત નાટકનું નામ માઇક પરથી ગૂંજ્યું અને સૌની નજર પડદા ભણી ખેંચાઈ. પડદો ખૂલ્યો ને સૌ જોઈ જ રહ્યા, ‘અરે! આ શું?’ ‘લાઇટ ગઈ કે?’ ‘ઓહ! સભાગૃહ પર વીજળી પડી કે!’ એવા અનેક ઉદ્ગારો સંભળાઈ રહ્યા. અષાઢના કાળા ડિબાંગ વાદળછાયા આકાશ જેવું બૅકગ્રાઉન્ડ અને મૂશળધાર વરસાદમાં અચાનક જોરદાર વીજળી ચમકી. પરફેક્ટ લાઇટ ઍન્ડ સાઉન્ડ. પ્રેક્ષકો સ્તબ્ધતાથી જોઈ રહ્યા. અંતે વીરહી યક્ષની વ્યથાને વાચા આપતું શ્રાવણનું ગીત એના સુમધુર કંઠેથી વહેતું થયું અને લોકો હોશમાં આવ્યા. સતત ગડગડાટની વચ્ચે અષાઢા અને શ્રાવણના અભિનયને સૌએ વધાવ્યો. બંને જાણે કાલિદાસના યક્ષ-યક્ષિણીના વિરહને સ્ટેજ પર મૂર્તિમંત કરીને, પાત્રોમાં ઓગળી જઈને અભિનયનાં ઓજસ પાથરતાં રહ્યાં. કુદરતની લીલા કે બહાર પણ જોરદાર વરસાદ વરસે છે. એ જ અષાઢ માસ અને અષાઢી ઘનઘોર વર્ષા. હોલની અંદર પ્રેક્ષકો અભિનયના વરસાદમાં તરબતર અને હોલની બહાર દુનિયા આકાશી વરસાદમાં તરબોળ. સતત દસ મિનિટ સુધી આખો હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી રહ્યો ને નિર્ણયની રાહ જોયા વિના જ ‘મેઘદૂત’ને પ્રથમ જાહેર કરી દીધું.

અભિનંદનની ભવ્ય વર્ષા વચ્ચે પણ અષાઢા જાણે કંઈક વિચારમાં હોય તેવું લાગ્યું. અષાઢાની ભીતરમાં પણ અષાઢી વરસાદનું તોફાન જામ્યું હતું. નાટકમાં ભજવેલા પાત્ર સાથેનું તાદાત્મ્ય કે યૌવનની ઉંમરે વશ કરેલા દિલની ઊર્મિઓ. બસ અષાઢાના મનમાં એક જ વિચાર કે ક્યારે એકાંત મળે અને ક્યારે શ્રાવણને…

પણ, આ તો અષાઢા! અષાઢની ધોધમાર વર્ષા જડચેતન તમામને તરબોળ કરી દે, પણ અષાઢાની ભીતરનાં લાગણીના ઘોડાપૂરની લગામ કેમ છૂટે! ચલને, આપણી ટ્રોફી સાથે આપણો ગ્રૂપ ફોટો પડાવવા. બધા તને શોધે છે ને તું અહીં સંતાયેલી છે. આશીએ હાથ પકડીને ખેંચી ને પ્રેમનાં મેઘધનુષી અશ્વો પર સવાર અષાઢા વાસ્તવિકતામાં આવી પડી. બસ, આમ જ સમય વીતતો ગયો. અષાઢા પણ હૈયાની વાતને હૈયામાં રાખીને રુટિન લાઇફ જીવવા માંડી.

કૉલેજના ત્રીજા વર્ષની પરીક્ષાનું છેલ્લું પેપર. પેપર્સની વાતો કરતાં અષાઢા અને કાર્તિકા લોબીમાં જતાં હતાં. અચાનક કાર્તિકાએ કહ્યું, ‘અષાઢા ચાલ આપણે કૉલેજ ગાર્ડનમાં બેસીને બધાની રાહ જોઈએ.’ ‘ગુડ આઇડિયા’ અને બંને પહોંચી તેમની કાયમની જગ્યાએ. અચાનક અષાઢાનો હાથ પકડીને ફેરફુદરડી ફરતી કાર્તિકા બોલી ‘અષાઢા.., અષાઢા… માય ડીઅર, આઈ એમ ઇન લવ.’

‘વૉટ! વાઉ… કોણ છે એ બલિનો બકરો? જરા નામ તો બોલ.’ અષાઢાએ સાનંદાશ્ચર્ય પૂછ્યું.

‘હી ઇઝ શ્રાવણ. યસ, આઈ લવ શ્રાવણ. પણ, અષાઢા તું હમણાં કોઈને કહેતી નહીં. રિઝલ્ટના દિવસે દર વર્ષની જેમ પાર્ટીમાં બધાની વચ્ચે શ્રાવણને પ્રપોઝ કરીશ. પ્લીઝ ત્યાં સુધી કંઈ જ બોલતી નહીં.’

અને એવું તો કંઈ કેટલુંય કાર્તિકા બોલતી રહી, પણ અષાઢાના મનમાં તો પ્રેમ અનૈ મૈત્રી વચ્ચેનો જંગ ચાલુ થઈ ગયો. સ્તબ્ધ બની પૂતળાની જેમ તે ઊભી રહી ગઈ. કાર્તિકા પોતાની લાગણીઓનો ધોધ વહાવતી રહી.

બંનેના આ વિચારપ્રવાહને વિરામ મળ્યો બાકી બધાના આવવાથી. ભવિષ્યના પ્લાનની વાતોમાં, એકબીજાંના સંપર્કમાં રહેવું અને રિઝલ્ટના દિવસે મળવાના વાયદા સાથે સૌ છૂટા પડ્યા. પોતાના મનમાં ચાલતા વિચારોના ઘમસાણ યુદ્ધની સાથે અષાઢા ઘરે પહોંચી.

‘આવી ગઈ બેટા, કેવું રહ્યું પેપર? અને તારા માટે એક સરપ્રાઇઝ છે!’ કહીને મમ્મી-પપ્પાએ તેને આવકારી.

‘સુપર્બ. પણ, મારી સરપ્રાઇઝ શું છે એ તો કહો, મમ્મા.’ આંતરિક જગતમાંથી બહાર આવી નોર્મલ થતાં અષાઢા બોલી.

પપ્પાએ જવાબ આપ્યો, ‘અષાઢા, તને અમદાવાદ જોવાની બહુ ઇચ્છા હતી ને? તો સાંભળ તારી વિશ પૂરી થઈ. મને પ્રમોશન મળ્યું છે અને મારી બદલી અમદાવાદ થઈ છે. હવે આપણે ત્યાં જ રહીશું ને તું તારા મનગમતા કરિયર કોર્સ પણ કરજે. પરમ દિવસે જોઇન કરવાનું છે. ફટાફટ પેકિંગ કરીને કાલે જ નીકળી જવું પડશે.’

પપ્પાની વાત સાંભળીને અષાઢાના મનમાં ચાલી રહેલા વિચારયુદ્ધને વિરામ મળી ગયો. અષાઢાને લાગ્યું કે જાણે ભગવાને જ તેને રસ્તો દેખાડ્યો. પોતે તો દિલની વાતને વાચા આપી જ નહોતી. કોઈની સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કર્યો નથી. અરે! ખુદ શ્રાવણ પણ અષાઢાના પ્રેમની હેલીને ક્યાં પીછાણે છે? જ્યારે કાર્તિકાએ તો પોતાને પરમ સખી ગણીને પ્રિયપાત્ર પહેલાં જ તેને દિલની વાત કરી છે. પોતાના પર અતૂટ ભરોસો મૂક્યો છે. કયા શબ્દોમાં તેને કહેવું કે, ‘હું પણ શ્રાવણને…’

આ સાંભળીને તેના દિલ પર આઘાત લાગે ને? કેટલા વિશ્વાસથી તેણે મને કહ્યું છે. એનો વિશ્વાસઘાત મારાથી નહીં થાય. ‘થૅન્ક યૂ ભગવાન! પપ્પાની બદલી કરીને તમે મને ધર્મસંકટમાંથી ઉગારી લીધી. કાર્તિકાને તેનો પ્રેમ મળી જશે. બંને એકબીજાં સાથે ખૂબ ખુશ રહેશે.

અષાઢા એકવીસમી સદીની આધુનિકા હોવા છતાં તેનો પ્રેમ પવિત્ર છે. તેનામાં સ્વાર્થીપણું નથી. પોતાની મિત્રને તેનો પ્રેમ મળે અને તે સુખી થાય એવા સુંદર વિચાર સાથે મનની ઊર્મિઓને મનમાં જ સાચવીને અષાઢા મમ્મી-પપ્પાની સાથે અમદાવાદ શિફ્ટ થઈ ગઈ. સતત એકબીજાંના સંપર્કમાં રહેવાના વાયદાને તોડી કોઈનેય નવું એડ્રેસ કે કોન્ટેક્ટ નંબર આપ્યા વિના નવી દુનિયામાં રહેવા ચાલી ગઈ. કૉલેજનું રિઝલ્ટ પણ પપ્પાની સાથે જ મંગાવી લીધું. રિઝલ્ટના દિવસે એકલી રૂમમાં ભરાઈને અષાઢા ખૂબ રડી. જાણે અષાઢની હેલી બે મહિના વહેલી આવી ગઈ. અને એ પણ આકાશને બદલે અષાઢાની આંખોમાં. પણ એ આંસુ દુ:ખનાં નથી, ત્યાગનાં છે. જેમાં અષાઢા ભીંજાઈ રહી છે.

સમયની રેતી સરી જાય અને આપણી મુઠ્ઠી બંધ જ રહી જાય એમ જોતજોતાંમાં પાંચ વર્ષનો સમય વીતી ગયો. અમદાવાદના ‘આધાર’ ગ્રૂપ દ્વારા દિવ્યાંગ બાળકો માટે એક સંગીતસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. શૉ માટે શહેરના જાણીતા જીએમડીસી ગ્રાઉન્ડમાં સ્ટેજ શણગારાયેલું છે. વિધવિધ પ્રકારનાં આધુનિક વાજિંત્રોની સાથે સાજિંદા તૈયાર છે. શૉની તમામ ટિકિટો ધાર્યા કરતાં પણ ઝડપથી વેચાઈ ગઈ. લોકો શૉ શરૂ થવાના સમય પહેલાં જ પહોંચી ગયા અને મોટા ભાગની ખુરશીઓ ભરાઈ ગઈ. લોકોના આટલા ઉત્સાહનું કારણ છે, સંગીતસંધ્યાની ગાયિકા, અષાઢા.

જી હા, આ આપણી અષાઢા જ છે. કોયલનો કંઠ તો પહેલેથી જ હતો, તેમાં ભળ્યો બે વર્ષની સખત તાલીમનો રંગ અને અષાઢાએ સંગીતને જ કરિયર તરીકે સ્વીકારી લીધું. તેના અવાજમાં અજબ મોહિની છે. તેના ગીતને સાંભળીને જાણે વાતાવરણ પણ મુગ્ધ બનીને સાંભળી રહે. અષાઢાનાં ગીતોમાં પ્રભુભક્તિનો લય છે અને કરુણતાનો રાગ છે. સાંભળનારને લાગે કે જાણે કૃષ્ણવિરહમાં ઝૂરતી રાધા અને કૃષ્ણભક્તિમાં ડૂબેલી મીરાંનો સંગમ અહીં જ છે.

ધીમે ધીમે કાર્યક્રમ શરૂ કરવાનો સમય થઈ ગયો. બરાબર ઘડિયાળના કાંટે શૉ શરૂ થયો.

‘મેઘા છાએ, આધી રાત… બૈરન બન ગઈ નિંદિયા…’

અષાઢાએ આજે અષાઢ માસના સમયને વર્તીને વરસાદી ગીતોનો દોર શરૂ કર્યો. જેમ જેમ ગીતો જામતાં ગયાં તેમ તેમ શ્રોતાઓ પણ સંગીતની દુનિયામાં મગ્ન થતાં ગયા જે જાણે કુદરત પણ અષાઢાને સાંભળવા માટે આવી હોય તેમ અષાઢના છેલ્લા દિવસે અમદાવાદ પર ઘનઘોર વાદળ છવાઈ ગયાં. સતત બે કલાક સુધી શ્રોતાઓ મંત્રમુગ્ધ બની અષાઢાના કંઠની મીઠાશને માણતા રહ્યા. એ સમયે આકાશ સામે પણ કોણ જુએ!

અંતે જ્યારે સ્ટેજ પરથી કાર્યક્રમ સમાપ્તિની જાહેરાત થઈ ત્યારે પણ લોકો તો ‘વન્સ મોર’, ‘વન્સ મોર’ જ પોકારતા રહ્યા. શરૂઆતની ઔપચારિક વિધિઓ બાદ ‘આધાર’ ગ્રૂપના યુવા કાર્યકરે માઇક સંભાળ્યું. ‘દેવીઓ અને સજ્જનો, આપ સૌ જાણો જ છો કે અમારું ગ્રૂપ છેલ્લાં ત્રણ વર્ષથી દિવ્યાંગ બાળકો માટે શાળા, સાધન સહાય, ઑપરેશન માટેની જરૂરી મદદ જેવાં અનેક કાર્યો કરે છે. આજની આ સંગીત સંધ્યા દ્વારા થનારી તમામ આવક પણ તેમાં જ વપરાશે. એક ખાસ જાહેરાત આ તકે કરવાની કે ગાયિકા શ્રી અષાઢાદેવીજીએ આજના શૉ માટે એક પણ રૂપિયાની ફી લીધી નથી. ઉપરાંત, પોતાના તરફથી સહાયનો ચેક અર્પણ કરશે.અમારી સંસ્થાના પ્રમુખશ્રી, જેઓ સંજોગોવશાત્ હાજર નહોતા રહી શક્યા, તેઓ હાલ જ અહીં પધાર્યા છે. તેઓ સંસ્થા વતી અષાઢાદેવીને આભારપત્ર અર્પણ કરશે. હું અષાઢાદેવીને સ્ટેજ પર આવવા વિનંતી કરું છું.’

કાર્યક્રમ પછી શ્રોતાઓની તાળીઓના ગડગડાટને ઝીલતી અષાઢા સ્ટેજ પર સૌને નમસ્કાર કરતાં હાથ જોડીને ઊભી રહી અને અધાર ગ્રૂપ તરફથી આભારપત્ર લઈને આવતા પ્રમુખની દિશામાં નજર કરી. બરોબર એ જ વખતે આકાશમાંથી એકાએક વરસાદ તૂટી પડ્યો. ક્યારનું ગોરંભાયેલું આકાશ જાણે ધરતીને મળવા માટે અધીરું બન્યું હોય તેમ મૂશળધાર વરસાદ વરસી પડ્યો.અષાઢાને સાંભળવા જ જાણે રોકાયા હોય તેમ મેઘરાજા, શૉ પૂરો થતાં જ મન મૂકીને વરસી પડ્યા. અષાઢી અમાસની રાત અને શરૂ થતા શ્રાવણનો પડઘો જાણે એકાકાર થઈ ગયા હોય તેમ અષાઢા અને શ્રાવણના મિલનને ભીંજવી રહ્યો અષાઢી મેઘ.

હા, એ શ્રાવણ જ હતો. અષાઢાને જોઈને સુખદ આશ્ચર્યથી બે ઘડી તેનો શ્વાસ પણ થંભી ગયો. અષાઢાની આંખોમાં તો અષાઢી હેલી ચઢેલી જ હતી. જનમેદની વિખેરાઈ ગઈ અને સ્ટેજનો સામાન પણ સંકેલાઈ ગયો, છતાં અષાઢા અને શ્રાવણ એકમેકને નીરખી રહ્યાં. જાણે સમયની એ ક્ષણ થંભી ગઈ છે અને આસપાસના જગતનું અસ્તિત્વ જ વિસરાઈ ગયું છે. એ જ સમયે અચાનક સ્ટેજની લાઇટ બંધ થતાં ‘સબ… સબ… સબ…’ કરતી ઇશાની વીજળી ચમકી અને બંને વાસ્તવિકતાની ધરતી પર આવ્યાં. શ્રાવણે દોડીને અષાઢાનો હાથ પકડ્યો અને પાર્કિંગમાં પોતાની કાર સુધી દોરી જઈ તેને કારની ડ્રાઇવિંગ સીટની બાજુની સીટ પર બેસાડી દીધી. બીજી તરફથી આવીને તે પણ સ્ટીયરિંગ સીટ પર બેસી ગયો અને બંને એકબજાંને અપલક નયને જોઈ રહ્યાં.

થોડી પળો આમ જ વિત્યા બાદ મૌનની એ ભાવસમાધિને તોડતા શ્રાવણ અષાઢાના બંને હાથ પકડીને તેને હચમચાવતાં બોલી ઊઠ્યો. ‘તું ક્યાં ચાલી ગઈ‘તી અષાઢા? તને કેટલી શોધી ખબર છે! તારા વિના હું જાણે ચાતક પંખી અને તું મારું સ્વાતિ નક્ષત્ર. તું કંઈક તો બોલ. શા માટે તારા શ્રાવણને તરસ્યો મૂકીને ચાલી ગઈ હતી, બોલ!’

‘તું અને કાર્તિકા… કેમ..! ક્યાં..?’ કંઈક અસમંજસમાં અષાઢાના મોંમાંથી શબ્દો સર્યા.

‘અરે! તો એ વાતે જ તે આમ કર્યું? ગજબ થઈ ગયો યાર. કાર્તિકા તો ક્યારેની એના ફાલ્ગુન સાથે ફેરા ફરીને સેટ થઈ ગઈ છે, પણ તારી માફી માગવા, હજી તને મળવા તરસે છે. જોકે, પહેલા તો તું મને માફ કર અષાઢા. મેં તો પરીક્ષાના આગલા દિવસે જ બધાને કહી દીધું હતું કે હું રિઝલ્ટની પાર્ટીમાં તને પ્રપોઝ કરીશ. બસ, તારા દિલની વાત જાણવા કાર્તિકાને કહ્યું હતું અને તેણે તારી મજાક કરી. ઓ મારી ગાંડી અષાઢા આ શ્રાવણ તો હંમેશાં તારો જ યક્ષ રહેશે અને તું મારી યક્ષિણી. ચાલ, હવે આપણાં વિરહનો ઉનાળો પૂરો અને મિલનનું ચોમાસું શરૂ.’ કહેતાં શ્રાવણે કારના દરવાજા ખોલી અષાઢાને બહાર લાવી અષાઢની વરસતી હેલીમાં લાવી મૂકી અને તેનો હાથ પકડીને પ્રપોઝ કરતાં કહ્યું, ‘હે અષાઢાદેવી! તમે મારી આજીવન સંગિની બનશો? અને આંખમાંથી ટપકતાં આંસુઓને લૂછતાં અષાઢાએ ટહુકો કર્યો, ‘હા, મારા શ્રાવણ, હા.’

પોતાના ઘરની બાલ્કનીમાં ‘ખાસ’ પોતાન માટે બનાવેલા ઝૂલામાં હળવે હળવે ઝૂલતાં એ વરસાદી મદમસ્ત વાતાવરણને આંખોથી નિરખતાં જાણે આત્માને પણ તરબોળ કરી રહી હોય તેમ તલ્લીન બનીને અષાઢા બેઠી છે અને એવું જ એક સુંદર ગીત ગણગણી રહી છે. ત્યાં તો પાછળથી શ્રાવણે અષાઢાના સૂરમાં પોતાનો સૂર મિલાવ્યો અને બંને સાથે જ એ સૂરાવલીમાં ભીંજાયા…

રિમઝિમ ગિરે સાવન, સુલગ સુલગ જાએ મન…

ભીગે આજ ઇસ મૌસમ મેં, લગી કૈસી યે અગન…

હા, એ જ વરસાદી માહોલ છે. ફરક માત્ર એટલો છે કે આજે અષાઢની હેલી સાથે શ્રાવણી સરવડાં પણ જોડાયેલાં છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.