૨૬ – શબ્દના સથવારે – પગરખાં – કલ્પના રઘુ

પગરખાં

best-mens-shoes-footwear-street-style-2

પગને રાખે તે પગરખાં. પગરખું હમેશા જોડમાં હોય છે. જોડાં, જૂતાં, કાંટારખું, ખાસડું, પાદત્રાણ, મોજડી, ઉપાન, સેન્ડલ, પાવડી, ચપ્પલ, ચાખડી, બૂટ, સ્લીપર, સપાટ, પાદુકા તેમજ પગનું રક્ષણ કરે એવું ચામડાનું ટૂંકુ મોજું એટલે પગરખાં. પગની એડીની પાછળથી પટ્ટા વડે બાંધેલો જોડો, પાદરક્ષક કહેવાય. ઘસાઇ ગયેલાં જોડાને ખાસડાં કહેવાય. અંગ્રેજીમાં ‘Footware’ કે ‘Shoes’ એટલે પગરખાં.

પગરખાંનાં પણ અનેક પ્રકાર હોય છે. બેલેટ ફ્લેટ, સેન્ડલ્સ, હન્ટર બૂટ્સ, સ્લિંગ બેક્સ, પેન્સીલ હીલ, ચક્સ ટેલર ટુ ફોલ્ડ, પ્લેટફોર્મ, બૂટકટ, સ્નીકર્સ, સ્પોર્ટસ, ડાન્સ માટેનાં, સ્નો પર સરકવાનાં, આમ વિવિધ જાતનાં પગરખાં તેમજ એક્યુપ્રેશર માટેનાં ખાસ જૂતાં બજારમાં મળે છે. જૂતાં બનાવનારને મોચી કહેવાય. બાટા અને હશ પપીઝથી માંડીને અનેક બ્રાન્ડેડ કંપનીનાં પગરખાંની વિવિધ ઋતુ અને પ્રસંગ પ્રમાણેની માંગ હોય છે. સ્ત્રીઓ માટે શોખની વસ્તુ ઘરેણાં પછી પગરખાં આવે છે. ફેશનમાં હોય તેવાં દરેક પ્રકારનાં મોંઘા અને આકર્ષક પગરખાં પોતાંનાં વોર્ડરોબમાં હોય તે મહિલા માટે જરૂરી થઇ ગયું છે.

ગરમી હોય કે ઠંડી, રાજા હોય કે રંક, સમગ્ર વિશ્વની દરેક પ્રજા માટે પગરખું અનિવાર્ય અંગ રખું બની ગયું છે. પગરખાંમાંથી ક્યારેક અપ્રિય ગંધ આવે છે તેમજ તે ફંગલ રોગોનાં સ્ત્રોત બની જાય છે માટે પગના આરોગ્યને બચાવવા ૠતુ અને સમય અનુસાર તેની યોગ્ય સંભાળ લેવી જરૂરી છે.

પગરખાં, માનવનાં પગની રક્ષા કરીને જનસેવાની ભેખ ધારણ કરે છે. કોઇ રોમીયોને ધીબી નાંખવા અને પ્રેમીને ખુશ કરવા સ્ત્રીનું હાથવગુ શસ્ત્ર તેનુ જૂતું હોય છે. સ્ટેજ પરનો કાર્યક્રમ બંધ કરાવવા તેમજ પ્રવચનમાં અણગમો વ્યક્ત કરવા માટે જૂતાં ફેંકતા લોકોને જોયાં છે. રાજકારણીઓને ખાસડાં મારીને પ્રજા રોષ વ્યક્ત કરતી હોય છે. પહેલાં ખાસડાંનો હાર પહેરાવીને, ગધેડા પર ઊંધો બેસાડીને, ગામમાં ફેરવવાની સજા થતી. સજા સ્વરૂપે જૂતાં મારતા અને તેનાથી પણ આકરી સજા રૂપે, માણસને મોંથી પગરખું ઉપડાવીને ગામમાં ફેરવવામાં આવતો. ગુજરાતનાં વીસનગરમાં ધૂળેટી પર્વે યુધ્ધનાં સ્વરૂપે જૂતાં મારવાની પરંપરા છે.

ઘણાં લોકો જૂતાં નહીં પહેરવાનું વ્રત રાખતાં હોય છે. માંડવામાં વરરાજાનાં જૂતાંની ચોરીની રસમની મજા જ કંઇ ઓર છે. જૂતાં સંબંધિત અનેક માન્યતાઓ હોય છે. જૂતાં ચોરાય એટલે પનોતી ગઇ એવું માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિગ્રહથી પીડીત વ્યક્તિએ જૂતાંનું દાન કરવું જોઇએ. અનેક પરિવારોમાં ઘરની અંદર પણ જૂતાં પહેરવાનું ચલણ વધ્યું છે, તેને સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે પરંતુ હિન્દુ ધર્મમાં, વાસ્તુશાસ્ત્ર અને વૈજ્ઞાનિક રીતે જોતાં તે હિતાવહ નથી. ઘરમાં મંદિર, રસોડું, તીજોરી હોય છે. ઘર બહારનાં જૂતાંમાં બેક્ટેરીયા હોય છે જે વ્યક્તિનાં લોહી અને જાનવરોનાં મળમાંથી મળે છે, જે જૂતાં સાથે ઘરમાં પ્રવેશી ભોજન તેમજ પથારીમાં ચીટકી જાય છે. બહારની ગંદકી ઘરમાં ફેલાય છે. જેમાંથી અનેક પ્રકારનાં ઇન્ફેક્શન સંબંધિત રોગો થાય છે તેમજ નકારાત્મક ઉર્જા ફેલાય છે. માટે ઘરની અંદર અને બહાર પહેરવાનાં જૂતાં અલગ રાખવા જોઇએ. પહેલાં ૠષિઓનાં જમાનામાં તેમજ પોળનાં ઘરોમાં બહાર ચોકડીમાં પગ ધોઇને ઘરમાં પ્રવેશ થતો.

પગરખાં, ગરીબ હોય કે તવંગર, મંદિરમાં જતાં પહેલાં, બહાર ઉતારે જ છૂટકો. કેટલાંક ભક્તો દર્શન કરે પણ ધ્યાન જૂતાંમાં હોય છે. ગુરૂદ્વારમાં અમીર માણસ પણ બહાર જૂતાં વ્યવસ્થિત ગોઠવવાની સેવા કરતો હોય છે. ચરણ, પાદુકા અને સેવાનો સઘન નાતો છે. તેમાં અહંકાર નાશ પામે છે અને શરણાગતિનો ભાવ જાગે છે. આ સેવાથી વિવેક આવે છે. સેવાનો ભાવ જાગે ત્યારે હનુમાનજી જાગૃત થાય છે જે સદાય રામાવતારમાં રામનાં દાસ બનીને બેઠા છે.

પાદુકાની પૂજા એ અધ્યાત્મનું એક મોટું રહસ્ય છે. એક જમાનો હતો જ્યારે ભરતે, રામ વનવાસ ગયાં ત્યારે રામની પાદુકા રાજગાદી પર મૂકીને રાજ્ય ચલાવ્યું હતું. ભરતજીનો પ્રેમ એવો હતો કે જડ પાદુકા ચેતન બની જાય. રામવિરહમાં ભરતજી વ્યાકુળ થતાં ત્યારે પાદુકામાંથી રામ પ્રગટ થતાં. રામચરિતમાનસમાં કરૂણાંનિધાનની ચરણપીઠ એટલે પાદુકા માટે કહ્યું છે, પાદુકા પવિત્ર પ્રવાહી પરંપરાનું નામ છે, ધારા છે. પાદુકા જડ નથી. તે જીવનનો આધાર બની શકે. તે બધુ કરવા સમર્થ છે. પાદુકા, લાકડાની હોય કે અન્ય કોઇ ધાતુની, તેનાં સ્પર્શ માત્રથી તમારામાં જે તે સંતની પ્રાણ શક્તિનો, ચેતનાનો સંચાર થાય છે.

નવોઢા પિયરનાં પગરખાં પહેરીને પતિગૃહે આવે છે. અને તેનાં મૃત્યુ બાદ પણ તેની પાછળ તેના પિયરનાં પગરખાંનુ દાન કરવામાં આવે છે. પહેલાનાં જમાનામાં પુરુષ પત્નીને પોતાના પગનું પગરખું સમજતો. મનમાં આવે ત્યારે પહેરે, અંગરખું બનાવે નહીં તો કાઢી નાંખે! આજ વાતનું પ્રતિબિંબ આજનાં સમાજમાં જોવા મળે છે. સ્ત્રી પુરુષને પગરખું બનાવી રહી છે! પગરખું પગમાં જ શોભે, પાદુકા શિરે હોય.

5 thoughts on “૨૬ – શબ્દના સથવારે – પગરખાં – કલ્પના રઘુ

  1. આજકાલની યુવતી રસ્તાપરના રોમીઓને સરખા કરવા “સેન્ડલ ખાવા છે” એવું કહી સીધા દોર કરે છે.
    અને ઢોંગી બાબાને જુતાનો હાર લોકો પહેરાવે છે.
    અને વ્યંઢળના મૃત્યુ વખતે લોકો એને માથામાં જૂતા મારતા કહે છે કે બીજા ભાવમાં આવું શરીર લઈને આવતો નહિ..
    (આ વાત મને કોઈએ કહી છે.)

    Like

  2. ચામડાના સુઝને પાલીસ કરીને ગરીબને ખાવા રોટલો મળતો હતો.આજે તો બુટ પોલીસવાળા બહુ ઓછા જોવા મળે છે. પરંતુ હા , એેરપોટ પર કેટલી સરસ સુવિધા ખુરસી પર આરામથી બેસો અને પાલીસ વાળો જુતા પાલીસ કરી આપે. આપણા ભારત દેશનો એક સીન યાદ આવી ગયો જયાં મોચી એક નાનકડું ટેંટ લઈને બેઠો હોય જે તુટેલા ચંપલને સીવીને ફરીથી પહેરવા લાયક બનાવી આપે. આ કામ કરીને તેનું ગુજરાન ચલાવતો હોય છે. અમેરિકામાં તો આવી નાની નાની ચીજ રીપેર કરવા કયાં જવું , બસ ગારબેજ કરી દો .

    આ એક ડાયલોગ બહુ વખત સાંભળ્યો છે
    आदमीकी पहेचान उसके जुतेसे होती है.

    Like

  3. કાંટાથી બચવા આખી ધરતીને ચામડે ન મઢી શકાય, પગને ચામડે મઢીયે તો પણ કાંટાથી બચી શકાય !!!

    Like

  4. રિબોકના પગરખાથી શરૂ કરીને રામાયણની પાદુકા સુધીની વાત કરીને કલ્પનાબેન તમે એક સાથે કેટલોય સમય સાંકળી લીધો !

    અનિવાર્ય અંગથી લઈને એક્સેસરી બની ચુકેલા પગરખાની સરસ ઓળખ……

    Like

Leave a reply to Rajul Kaushik Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.