અષાઢી મેઘલી રાત !
પંખીઓએ કલશોર કર્યો ભાઈ ;
ધરતીને સૂરજ ચૂમ્યો !
જેઠ મહિનાની કાળઝાળ ગરમી ! અસહ્ય ઉકળાટ ! ! ઘેરાતાં, વિખરાતાં અને વળી આશા આપતાં ઓલા વરણાગી વાદળાં! અને પછી અચાનક જ આકાશમાં માઝા મૂકી ઉભરાઈ આવતાં ઘનશ્યામ ! ઓહો ! વાદળના ગડગડાટ અને વિજલડીનાં ચમકારા , ગાંડો બનીને ફૂંકાતો ઓલો વંટોળિયો અને ત્રાટકી પડ્યો વિયોગી મેઘ ! આંઠ આંઠ મહિનાની વિરહિણી અવની મિલન સાથે જ મહેકી ઉઠી ! જાણે કોઈ પ્રોષિતભર્તૃકા પિયુ મિલનથી ખીલે એમ ! વરસાદના પહેલાં છાંટણાઓથી ભીંજાઈ આછું આછું શરમાતી ધરતીમાં મહેકી ઉઠી માટીની સુવાસ ! અને એ અષાઢી સાંજને સૌ કવિઓએ ચગાવી છે એમની કલમે , પણ નીનુ મજમુદારે તો જાણે સૌના મનની વાતને ચગાવી , ચગળી છે !
ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો ;
શરમની મારી ધરતીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો !
પહેલાં તો જાણે એ મીઠી લજ્જાથી લાલ પીળાં મેઘધનુષને ચાડી ખાવા દે છે; ફૂલડાંને પણ મહેકવા દે છે ;પણ પછી?
તાળી દઈ કરે ઠેકડી તીડો ; અને? અને તમરાં સિસોટી મારે !
નવ યૌવના નાં લાવણ્ય પર મોહિત તમરાં અને તીડ ! અને આ તમાસો જોવાં આગિયા ચાલ્યાં .. ઓલા કૂથલી કરતા સમીરની વાંહે!
પણ અરે ! આતો અષાઢની માદક મસ્ત રજની ! કોઈને કહેવું હોય તે કહે ; કામદેવ અને રતિ ક્યાં કોઈથી ડર્યા છે? અને -પ્રગટ્યા દિવા કૈક ચપોચપ ; ઉઘડી ગગન બારી ! ને એ રાતલડીનાં અંધકારની ઓથે કંઈક શમણાં ગવાય છે.,
અહો વૈચિત્ર્મ !
આ કુદરતની રમણિયતા અને સંગીતના સુર .. પઁખીના ટહુકા , અગિયાઓ, સાંજના સમીરના સ્પર્શ અને એ અષાઢી સાંજ ! નથી ભુલાતાં આજે અર્ધી સદી બાદ પણ! એ સમી સાંજે હું મેડીએ સુવા આવી હતી .. મારી સુંવાળી પથારી , મહેંકતી હવા , ને દિવસભરના થાકને વિસામો આપ્યો .. બાજુની મેડીએ થી રેલાતું ગીત : તમે કહો તે સાચું વ્હાલમ ; તમે કહો તો હાર્યાં! અને દબાતે પગલે પિયુંનું પ્રવેશવું ..અર્ધી સદી પછી પણ એ સાંજ વિસરાતી નથી .. અને વર્ષા ઋતુના એક પછી એક તહેવારોને લઇ આવતી એ, સ્વયમ કોઈ તહેવાર વિનાની અષાઢી સાંજ , એક ઉત્સવ બની ગઈ !
વાહ ઓ સૃષ્ટિના સર્જનહાર ! વારી જાઉં છું તારી ઉપર જયારે જયારે વર્ષાનાં વધામણાં લઈને તું પૃથ્વી પર અવતરે છે! પોણી સદીની આ જીવનયાત્રામાં ઘણી લીલી સુકી જોઈ ; નજરમાં હરિયાળી ભરીશું તો નજારા હરિયાળા લાગશે ; નહીંતો આષાઢનાં તાંડવઃ નૃત્યમાં સઁગીતની સરગમ શોધવી સરળ નથી!