અષાઢી વસંત”
એક અષાઢી સાંજે એક તરફ આકાશમાં કાળા ડિબાંગવાદળો ઘેરાયાં હતાં અને બીજી તરફ વિચારના વાદળોએ અક્ષતના મનને ઘેરી લીધું હતું. એવી તો એના મનને ઘેરી વળેલી એસી ચેમ્બરમાં બેઠા હોવા છતાં એના ચહેરા પર પરસેવાના ટશિયા ફૂટી નીકળેલા. હાથમાં ચાનો કપ અને ટેબલ પર ફાઈલો, પણ નજર સતત મોબાઈલ પર. તે વારંવાર મોબાઈલ હાથમાં લઈ ગોળ ફેરવી સ્ક્રીન જોઈને ટેલબ પર મૂકી દેતો હતો. અજીબ બેચેની તેના ચહેરા પર સાફ દેખાઈ આવતી હતી. એના મનમાં સતત એક જ વિચાર સળવળી રહ્યો હતો કે ‘અક્ષરાનો ફોન કે મેસેજ કેમ ન આવ્યો.?’ સામેથી ફોન કરવો કે ન કરવો એ વિમાસણ પણ એના મનમાં ચાલતી હતી.
ઓગણત્રીસ વર્ષનો અક્ષત, ભરાવદાર પણ સપ્રમાણ બાંધો અને ઊંચી કદ કાઠી ધરાવતો હેન્ડસમ કહી શકાય એવો ‘મોસ્ટ એલિજીબલ બેચલર’ હતો. તે એક ખ્યાતનામ મલ્ટીનેશનલ કંપનીમાં સીઈઓની પોસ્ટ પર હતોઆ અને અક્ષરા એ જ કંપનીમાં ડાયરેક્ટર હતી. અક્ષરાની ઉંમર ચોત્રીસ વર્ષ હતી પણ જાણે હજી જુવાનીમાં ડગ માંડ્યા હોય એવું તેનું યૌવન કોઈ નવયૌવનાને પણ શરમાવે એવું હતું. આશરે દોઢ વર્ષ પહેલા અક્ષત અમદાવાદથી ટ્રાન્સફર થઈને બરોડા આવ્યો હતો. અમદાવાદના ધાંધલિયા અને ધુમાડિયા વાતાવરણમાં રહ્યા પછી બરોડાનું શાંત અને સુઘડ વાતાવરણ તેને બહુ જ ગમ્યું. કંપનીએ આપેલા પાદરા રોડ જેવા પોશ એરિયાના ટુ બીએચકે ફ્લેટમાં સેટ થતાં તેને જરા’ય વાર ન લાગી. જોઈનીંગના પ્રથમ દિવસે જ અક્ષત લેટ થઈ ગયો હોવાથી ઉતાવળે ડાયરેક્ટરની ચેમ્બરમાં દાખલ થવા ગયો ત્યાં જ અક્ષરા સાથે ટકરાયો અને બંનેનાહાથની ફાઈલો ફર્શ પર ફેલાઈ ગઈ. ફાઈલો ઉપાડતા ઉપાડતા તેની નજર અક્ષરા પર સ્થિર થઈ ગઈ. ગૌરવર્ણ પર હોદ્દાને અનુરૂપવસ્ત્ર પરિધાન, ખૂબ સરસ રીતે સેટ કરેલા ખુલ્લા વાળ, સ્લિમ એન્ડ સેક્સી ફિગર ધરાવતી અક્ષરા અક્ષતને પહેલી જ નજરે મનમાં વસી ગઈ. એના કપાળે કરેલી લાંબી બિંદી, ગજબનું ચુંબક્ત્વ ધરાવતા ચહેરાને વધુ ચુંબકીય બનાવી રહી હતી. તેના ગાલમાં પડતા ખંજન અક્ષત માટે ખંજરનું કામ કરી ગયા.
અક્ષરાએ કરડાકી ભરી નજરે એની તરફ જોયું. તેણે માંડ પોતાની જાતને સાચવી અને અક્ષરાના સંમોહન માંથી બહાર આવીને માફી માગી,
“સોરી મેમ, આઇ એમ એક્સ્ટ્રીમલી સોરી..”
“ઇટ્સ ઓકે…” ગુસ્સામાં જ કહીને અક્ષર પોતાની ખુરશી પર બેસી ગઈ.
અક્ષતે ફાઈલો ટેબલ પર મૂકી અને હેન્ડ શેક કર્યું,
” હેલો મેમ, આઇ એમ અક્ષત શાહ.”
“વેલકમ, આઇ એમ અક્ષરા, આઇ ગોટ ધ મેઇલ ટુડે ઓન્લી.”
થોડી ઔપચારિક ચર્ચા બાદ બન્ને છૂટાં પડ્યાં. આ દરમિયાન પણ અક્ષતની નજર અક્ષરાના ચહેરા પરથી અને ખાસ તો એની આંખો પરથી હટતી જ ન હતી. એવામાં અક્ષરાની નજરમાં પોતે ઝડપાઈ જતાં તે છોભિલો પડી ગયો. અક્ષરાની સાદગી, સૌમ્યતા અને તેનું વ્યક્તિત્વ અક્ષતને સ્પર્શી ગયું. ડિરેક્ટર જેવી મોભાદાર પોસ્ટ પર હોવા છતાં અક્ષરાએ ચહેરા પર માત્ર એક બિંદી જ કરી હતી. બીજો કોઈ મેકઅપ કર્યો ન હતો. એની વાચાળ આંખો… જાણે કેટલાયે રહસ્યો ઊંડાણમાં છુપાવીને બેઠી હોય એવું લાગતું હતું.
બીજી બાજુ અક્ષતનો સરળ, જોલી અને હેલ્પફુલ નેચર અક્ષરાને ગમવા લાગ્યો હતો. તેની પ્રામાણિકતા અને કામ પ્રત્યે કાર્યદક્ષતાએ અક્ષરાનું મન મોહી લીધું હતું.
થોડા જ દિવસોમાં બન્ને વચ્ચે સારી એવી દોસ્તી જામી ગઈ. એકલામાં અક્ષરા “મેમ” ને બદલે ફક્ત અક્ષરાઅને અક્ષત “મિ. શાહ” ને બદલે ફક્ત અક્ષત થઈ ગયો હતો.
ઓફિસ અવર્સ દરમિયાન રીસેસમાં વાતચીત ઉપરાંત મેસેજમાં પણ અંગત વાતો ઉપરાંત મજાક મસ્તીનો સિલસિલો ચાલુ રહેતો. વળી એટલું ઓછું હોય એમ ઓફિસ બાદ પણ ક્યારેક કોફીશોપ તો ક્યારેક રેસ્ટોરાં તો ક્યારેક મોલમાં બેયકલાકો સાથે વિતાવતા.
અક્ષરા ઓછાબોલી હતી પણ તેની આંખો જાણે ‘વાચા મળે ને વાણી ફૂટે’ એટલી બધી એક્સપ્રેસિવ હતી. અક્ષરા સદાય હસતી રહેતી પણ અક્ષતને સતત એમ જ લાગતું કે જાણે એ અંદરથી પિડાઈ રહી હોય. અક્ષત ઘણી વાર તેને ભૂતકાળવિશે પૂછતો પણ એ પોતાના માતાપિતા સિવાય બીજી કોઈ જ વાત કરતી નહીં. અક્ષત એક પ્રયત્ન હંમેશા કરતો,જ્યારે એને લાગે કે અક્ષરા કઈંક વિષાદમાં ત્યારે એ તરત જ કોઈક વાત કરીને એને હસાવી દેતો.
એક દિવસ વધુ કામ હોવાથી ઓફિસ ટાઈમ બાદ અક્ષત અક્ષરાના ફ્લેટ પર ફાઈલો લઈને ગયો. બધું કામપતાવીને કોફી પીતા પીતા બંને વાતે ચડ્યા. એવામાં અક્ષતે અક્ષરાને કહ્યું, “હું હમેશા તારી આંખોમાં એક ન કળી શકાય એવો વિષાદ જોઉં છું અને તું દર વખતે મારા અમુક પ્રશ્નોને ટાળી દે છે, પણ આજે તો તારે મારા પ્રશ્નોના જવાબ આપવા જ પડશે.હું તને મારા સમ આપું છું અક્ષરા.. પ્લીઝ ટેલ મી શું વાત છે? પ્લીઝ શેર વીથ મી યોર પેઇન…” અક્ષરા સમ આગળ લાચાર બની ગઈ અને પોતાની વિતક કથા કહેવા લાગી,
“મુગ્ધાવસ્થાના અનેક સ્વપ્નો આંખોમાં લઈને હું આગળ વધતી માંડ એમબીએ કમ્પ્લીટ કરીને ફ્રી પડી ત્યાં સમાજના એક પ્રતિષ્ઠિત અને અમીર કુટુંબમાંથી મારાં માટેલગ્નનો પ્રસ્તાવ આવી ગયો. વેલનોન બિઝનેસ હાઉસ ‘શ્રી ત્રિલોકચંદ એન્ડ સન્સ’ના એકમાત્ર વારસદાર એવા દેખાવે ઠીકઠાક, ભીનેવાન તથા મધ્યમ કદ કાઠીધરાવતા ત્રીસ વર્ષના અનિમેષનું માગું મારાં માટે આવ્યું હતું. મારે એ સમયે જોબ કરવી હતી, મારી ઓળખ બનાવવી હતી, જોબ કરવી હતી આ રીતે લગ્નના બંધનમાં બંધાય જવું ન હતું, પણ મારાં મધ્યમ વર્ગીય માતાપિતાને મન આવા ખ્યાતનામ કુટુંબમાંથી આવેલું માગું જાણે સુદામાને ઘેર સ્વયં કૃષ્ણ પધાર્યા હોય એવું હતું. હું પ્રથમ મુલાકાતમાં જ અનિમેષની નજરમાં વસી ગયેલી પણ અનિમેષ મારાં મનમાં જગ્યા ન બનાવી શક્યો. મને એની વાતોમાં કૃત્રિમતા છલકતી હોય એવું લાગતું પણ માતાપિતાના દુરાગ્રહને વશ થઈને મારે સંબંધને સ્વીકૃતિ આપવી પડી અને અનિમેષ સાથે ધામધૂમથી પ્રભુતામાં પગલા માંડ્યા.
લગ્નની પ્રથમ રાતે જ અનિમેષનું સાચું રૂપ મારી સામે છતું થઈ ગયેલું. શરાબના નશામાં ધૂત અનિમેષ લથડિયા ખાતો રૂમમાં આવેલો અને મધુરજનીની આ રાતે એક ઓતપ્રોત પ્રેમીની જેમ તેના પ્રેમનો આસ્વાદ માણવાને બદલે એણે મારી પર પોતાનું પૌરૂષત્વ સાબિત કરવા માંગતો હોય એમ ખૂબ પાશવી રીતેસહશયન કર્યું. મારે મન એ બળાત્કારથી જરાયે કમ ન હતું. એ આખી રાત હું સૂઈ ન શકી. ઓશિકું ભીંજાતું રહ્યું અને જાગતી આંખે સવાર થઈ ગયું. મારાં સ્વપ્નોનો મહેલ જાણે ધરાશાયી થઈ ગયેલો અને હું એના કાટમાળમાં દબાઈ ગયેલી.હું તો એ જ દિવસે પિયર જતી રહેવાની હતી પણ પપ્પાના હૃદયરોગના લીધે મેં ચૂપચાપ પરિસ્થિતિ સંભાળવાનો નીર્ધાર કર્યો. સવારે અનિમેષનો નશો ઉતરતાં એણે એના રાતના વર્તન માટે માફી માગી અને ભવિષ્યમાં ફરી ક્યારેય એવું નહીં થાય એવું વચન આપ્યુંએટલે મને હિંમત અને આશા મળેલી.
થોડા દિવસ બધું બરાબર ચાલ્યું પણ ફરી એક રાતે અનિમેષ નશામાં ધૂત થઈને આવ્યો અને મારાં પર પાશવીબળાત્કાર ગુજાર્યો. એ ઓછું હોય એમ હું કહી પણ ન શકું એવી જગ્યાએ મને સિગારેટના ડામ આપ્યા. હું ચીસો પાડતી રહી પણ મારી ચીસો બંગલાની ઊંચી દિવાલોમાં ગૂંગળાઈને રહી ગઈ. એ સિલસિલો રોજ ચાલુ થઈ ગયેલો. લગ્નનાં ફક્ત છ માસમાં હું એક જીવતી લાશ બની ને રહી ગયેલી. સિગારેટના ડામ શરીરની સાથે દિલ પર પણ લાગ્યા હતા. .અનિમેષે મને બંગલામાં કેદ કરી રાખી હતી. હું ના તો કોઈને મળી શકતી હતી ના કોઈ સાથે વાત કરી શકતી હતી.
જેમ તેમ કરીને હું દિવસો કાઢતી હતી ત્યાં એકગોઝારી રાત એવી આવી જેણે મારી જિંદગી જ બદલી નાખી. એ રાતે ફરી અનિમેષ નશામાં ધૂત થઈને આવ્યો અને મને જબરદસ્તી સહશયન માટે મજબૂર કરવા લાગ્યો. પણએ દિવસે હું એના તાબે થવા તૈયાર ન હતી. મેં પ્રતિકાર કર્યો એટલે અનિમેષે લેધર બેલ્ટ કાઢી મને એકદમ ઝનૂનથી મારવાનું શરૂ કર્યું. સ્વબચાવમાં મેં મેટલનું સ્ટેચ્યુ લઈ અનિમેષના માથા પર પ્રહાર કર્યો અને હું પણ બેભાન થઈને ત્યાં જ ઢળી પડેલી. થોડાં કલાક બાદ હું હોશમાં આવી ત્યારે જોયું તો અનિમેષ ચત્તોપાટ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યો હતો. થોડીવાર માટે તો હું સુન્ન થઈ ગયેલી પણ પછી હિંમત ભેગી કરીને પોલિસને અને મમ્મીને ફોન કર્યો. થોડી જ વારમાં પોલિસ આવી પહોંચી. મારાં અને એનિમેશન માતાપિતા પણ બંગલે આવી પહોંચ્યા હતાં. મેં મારી આપવીતી કહી સંભળાવી ત્યાં અનિમેષ ભાનમાં આવ્યો. મેં એની વિરુધ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો અને એની ધરપકડ કરવામાં આવી.
પોતાના વંઠેલ દીકરાની કરતૂતથી ખૂબ શરમિંદા અનિમેષના માતાપિતાએ
મને પિયર જવા દીધી. બંને માતાપિતા મારી હાલત સમજતાં હોવાથી મને થોડી હિંમત મળેલી. મેં અનિમેષથી છૂટા થવાનો નિર્ણય લઈ છૂટાછેડાનો કેસ દાખલ કર્યો. જો કે અનિમેષ કાંઈ એમ સહેલાઈથી હાર માને એમ ન હતો. એણે પોતાની વગ વાપરીને ઘરેલુ હિંસાનો કેસ દબાવવાનો પૂરો પ્રયત્ન કર્યો. એ ઓછું હોય એમ છૂટાછેડાના કેસમાં પણ એણે મને ચારિત્ર્યહીન સાબિત કરવાની પૂરો પ્રયત્ન કર્યો પણ આખરે સત્યની જીત થઈ. એક વર્ષની લડત બાદ મારી એની જીત થઈ અને અનિમેષથી છૂટકારો મળી ગયો.
આ સમગ્ર બનાવથી મારા માનસ પર એટલી હદે ખરાબ અસર થયેલી કે મને આખી પુરુષજાત પ્રત્યે ઘૃણા થઈ આવેલી. હું થોડાં મહિના અહીં અમારા એક સંબંધીને ત્યાં બરોડા આવી ગયેલી. છ મહિનાના કાઉન્સેલિંગ પછી માંડ હું નોર્મલ થઈ શકેલી. માતાપિતાના પ્રોત્સાહનથી હું મારું જોબ કરવાનું સપનું સાકાર કરવા તરફ આગળ વધી. અને આપણી કંપનીમાં કોમર્શિયલ આસિસ્ટન્ટની પોસ્ટ મળી ગઈ. એકલી સ્ત્રી એટલે અહીં પણ ડગલે ને પગલે મારે લોકોની બેહૂદી નજર અને નિરર્થક સવાલોનો સામનો કરવો પડતો હતો પણ મેં મક્કમ નિર્ધાર કરી લીધો હતો કે ગમે તે થઈ જાય હું હિંમત નહીં હારું. મારી કાર્યદક્ષતા અને કાબેલિયતના દમ પર સીઈઓ અને ત્યારબાદ ડાયરેક્ટરની પોસ્ટ પર બઢતી મળી ગઈ. ડિરેક્ટર બન્યા બાદ કંપની તરફથી બરોડાના પોશ એરિયામાં ગણાતા એવા હરણી રોડ પર ફુલ ફર્નિશ્ડ લકઝરી ફ્લેટ અને કાર મળી. જોકે આ છ વર્ષના ગાળા દરમિયાન મેં માતાપિતા બંનેને ગુમાવી દીધા એનો વસવસો છે.”
અક્ષરા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી અને એ જોઈને અક્ષતની આંખો પણ છલકાઈ ઊઠી. અક્ષતે એને સાંત્વના આપી અને શાંત પાડી. રાત બહુ થઈ ગઈ હતી પણ અક્ષરા સ્વસ્થ ન થઈ ત્યાં સુધી અક્ષત એની પાસેથી ખસ્યો નહીં. અક્ષરાએ પોતાની જાતને સાચવી અને એ આખી રાત અક્ષત સૂઈ ન શક્યો બસ પડખાં જ ફરતો રહ્યો. સવાર પડતાં જ એણે અક્ષરાને ફોન કર્યો. અક્ષરા આગળ કાંઈ કહે એ પહેલાં જ એણે અક્ષરાને કહ્યું, “ અક્ષરા, આઇ લાઇક યુ એન્ડ આઇ લવ યુ વેરી મચ. હું તારા દુ:ખમાં તો ભાગીદાર ન બની શક્યો પણ મારા તમામ સુખ અને મારી આખી જીંદગી હું માત્ર તારી અને તારી સાથે જ શેર કરવા માંગું છું. સો અક્ષરા, વિલ યુ બી કાઇન્ડ ઇનફ ટુ મેરી મી? અક્ષતની વાત સાંભળી અક્ષરા સ્તબ્ધ થઈ ગઈ અને કાંઈ જ બોલી ન શકી ને એણે ફોન કટ કરી નાખ્યો. અક્ષરાનું આવું વર્તન અક્ષત માટે અકલ્પ્ય હતું. એણે ફરી ફોન જોડ્યો પણ અક્ષરાનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો.
એ દિવસે અક્ષરા ઓફિસ ન ગઈ અને બેડ પરથી સોફા પર ને સોફા પરથી બેડ પર સતત વિચારશીલ મગજે બેસવા સૂવાની ક્રિયા કરતી રહી. એ દરમિયાન એનું મગજ અનિમેષ–અક્ષત અને સમગ્ર પુરુષજાત વિશે તુલનાત્મક વિશ્લેષણ કરતું રહ્યું. અનિમેષની પાશ્વીયતા, અક્ષતની સૌમ્યતા, નિખાલસતા અને પ્રેમાળ સ્વભાવ પર હાવી થઈ જતી હતી. કદાચ એ જ અક્ષરાને અક્ષતનું પ્રપોઝલ સ્વીકારતા રોકી રહી હતી.
બીજી બાજુ અક્ષત આખો દિવસ આકુળ વ્યાકુળ બની અક્ષરાના ફોન-મેસેજની રાહ જોતો રહ્યો. અંતે તેની ધીરજ ખૂટી એટલે ઓફિસથી નીકળી સીધો જ તે અક્ષરાના ફ્લેટ પર પહોંચી ગયો. કેટલીયે ડોરબેલ વગાડી પછી અક્ષરાએ બારણું ખોલ્યું જાણે એ જાણતી જ હતી કે દરવાજાની સામે અક્ષત જ ઊભો હશે. પણ એનો સામનો કરતાં ખચકાતી હતી. દરવાજો ખોલતાંની સાથે જ જેવી બંનેની નજરો એક થઈ કે અક્ષરાનો તમામ ખચકાટ અશ્રુ બની આંખોમાંથી વહી ગયો. એક પણ શબ્દ બોલ્યા વિના એ અક્ષતને વળગી પડી અને તેને જાણે મૂક સંમતિ આપી દીધી. અક્ષતે પોતાની અંદર રહેલી તમામ લાગણી સાથે અક્ષરાનું માથું ચૂમી લીધું. કેટલીયે વાર સુધી બંને એકબીજાને વળગી અશ્રુધારા છલકાવતાં રહ્યાં.
એ સાથે જ એ અષાઢી મેઘલી રાતે ગોરંભાયેલા કાળા ડિબાંગ વાદળો પણ ધોધમાર વરસી પડ્યા. સમગ્ર ધરતી ધોવાયને ઉજળી થઈ ગઈ અને વનરાજી ખીલી ઊઠી જાણે કેટલીયે પાનખરો એકસાથે વીતી ગયા બાદ વસંત પૂરબહારમાં ખીલી ઊઠી હોય…!!!