અવલોકન -૨૦-કુકિંગ પ્લેટફોર્મ

      નવા ઘરમાં આવ્યે દસ મહિના થયા. આજે અચાનક જ, સવારના ચા બનાવવાના સમયે, જૂના ઘરના કુકિંગ પ્લેટફોર્મ પર અવલોકન લખ્યું હતું, તે યાદ આવી ગયું.

cooking_1

     કેટલું બધું જુદું છે આ પ્લેટફોર્મ ? પેલું તો લેમિનેટેડ ટોપ વાળું હતું , અને આ ગ્રેનાઈટ ટોપ વાળું છે. એની ચમક ધમક આંખોને આંજી નાંખે તેવી છે. એની પર ડાઘા પડતા નથી કે, દેખાતા નથી ! ખરેખર તો એમ જ છે. એની કાબરીતરી અને લીસ્સી સપાટી પર  ડાઘા પડે છે તો ખરા,  પણ  નજરે ચઢતા નથી. હા! હાથ ફેરવીએ ત્યારે જ એની જાણ થાય. પેલાને તો કામ પત્યે તરત જ સાફ સુધરૂં કરી નાંખવું પડે. અહીં  એટલી કડાકૂટ તો ઓછી !

   અને કોણ જાણે કેમ?  – મીરાંબાઈનો કાળો કામળો યાદ આવી ગયો.

ઓઢું હું કાળો કામળો, બીજો રંગ ન લાગે કોઈ.

અહીં વાંચો અને સાંભળો. ]

એકતાન થઈ જવાય એવાં મીરાં ભજનો પણ આ રહ્યાં…

      કેટલું બધું વિષયાંતર થઈ ગયું – નહીં વારૂ? ચાલો,  પાછા  કુકિંગ પ્લેટફોર્મ પર !

     બે દૃષ્ટિ – અને એકમેકથી સાવ અલગ. એકમાં રંગ ન લાગી જાય, દોષ પ્રવેશી ન જાય, એનું ગૌરવ.  બીજામાં એ દેખાય નહીં તેનું મહાત્મ્ય. બન્ને પોતપોતાના સંદર્ભમાં સાચા જ ને?

       એ જ વાત આજે કરવાની છે. અધ્યાત્મના મોટા ભાગના ઉપદેશો રાગ – દ્વેષથી પર થઈ જવા પર ભાર મુકે છે. મીરાંબાઈના કાળા કામળા જેવું ચિત્ત થવા લાગે – તેનો મહિમા. પણ સામાન્ય માણસના જીવનમાં એ બહુ દુષ્કર હોય છે. એને જીવનની સમસ્યાઓનો  કાંઈક સમાધાનકારક ઉકેલ જોઈતો હોય છે – ગ્રેનાઈટના ટોપ વાળા કુકિંગ પ્લેટફોર્મ જેવો ! ડાઘ પડે પણ દેખાય નહીં !

      આ  મારી, તમારી, સૌની ઉલઝન  છે.

બોલો! તમે શું માનો છો?
–  આ બાબતમાં? 

એ અંગે વિચાર પછી કરજો . આ  જૂનું  અવલોકન પહેલાં માણી  લો …….


       જીવનના પ્રભાત સમા, સવારના પહોરમાં કુકિન્ગ પ્લેટફોર્મ આગળ હું મારી સવારીય ફરજો નિભાવવા પહોંચી જાઉં છું. એ સાવ ચોખ્ખું ચંદન જેવું છે – સાવ નવજાત શિશુ સમાન. એ કોરી સ્લેટ જેવું, સાવ ખાલીખમ્મ છે.

      ચા બનાવવાની સામગ્રી એક પછી એક, હું કાઢતો જાઉં છું – ચા, ખાંડ, દૂધ, આદુ, ઈલાયચી. એમ જ બધાં સાધનો – તપેલી, સાંડસી, ગળણી, પ્યાલા, રકાબી. દસ વરસના મહાવરાથી પ્રાપ્ત કરેલી, ચા બનાવવાની ક્ળાના જ્ઞાનના આધારે, હું માપથી તપેલીમાં પાણી લઉં છું; અને શક્તિના સ્રોત સમો સ્ટવ ચાલુ કરી, એને ગરમ કરવા મૂકું છું. પછી એ જ જ્ઞાનથી જાણીતા થયેલ માપથી ચા અને આદુ એમાં પધરાવું છું.

      સમયાન્તરે એમાં ઊભરો આવે છે. નિયત સમય માટે એને ઊભરવા દઈ, એમાં હવે માપથી દૂધ ઉમેરું છુ. પછી નિયત માપથી ખાંડ અને બીજો ઊભરો આવતા છેલ્લે, ચપટીક મઘમઘતી ઈલાયચી પણ એમાં હોમાય છે.

    અને લો! સરસ, સોડમવાળી ચા તૈયાર. માપમાં ક્યાંક સહેજ ફેર થઈ જાય તો ચાનો સ્વાદ અને સોડમ અણગમતા બની જાય.

     કદીક ધ્યાન બીજે જતું રહે તો? ઊભરો તપેલીની બહાર આવીને બધી મહેનત પર પાણી ફેરવી દે. નવી બબાલ ઊભી થઈ જાય !

       ખેર….   ચા ગળી, નકામા થઈ ગયેલા કૂચા કચરાપેટીમાં પધરાવું છું.  બધી મહેનતના પ્રતાપે બનેલી ચાથી છલોછલ,  પ્યાલા  ડાઈનિંગ ટેબલ પર ગોઠવાઈ જાય છે. માંજવા માટે તૈયાર તપેલી અને અન્ય વાસણો સિન્ક્માં સ્થાન પામે છે. ગંદું થયેલું કુકિન્ગ પ્લેટફોર્મ પોતાં વડે સાફ થઈ જાય છે.

     અને એ ફરી પાછું હતું તેવું, પ્રારંભની સ્થિતિમાં આવી જાય છે.

     અને બીજો એક સવાલ …..


આ અવલોકન કુકિન્ગ પ્લેટફોર્મનું છે કે,
આપણા જીવનનું?

 

1 thought on “અવલોકન -૨૦-કુકિંગ પ્લેટફોર્મ

  1. મીરાં કહે છે “ઓઢું હું કાળો કામળો, બીજો રંગ ન લાગે કોઈ.” અને રાધા કહે છે, “શ્યામ રંગ સમીપે ન જાવું”. બન્ને કૄષ્ણની દિવાની, છતાં પણ કેવા વિરોધીભાષી ઉચ્ચારણો? એટલે જ કદાચ કહે છે કે વેરભાવે પણ ઈશ્વરને યાદ કરો તો પણ તમારૂં કલ્યાન થઈ જાય. (આ મારૂં અવલોકન).

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.