અવલોકન -૧૯ – ફાયર ટ્રક – એક અવલોકન

maxresdefault

      રસ્તા ઉપરથી ધમધમાટ ટ્રાફિક પસાર થઈ રહ્યો છે. રશ અવર છે. બધાને કામે પહોંચવાની, ધંધાના કામ શરુ કરવાની ઉતાવળ છે. એક મિનિટ પણ બગડે, તે પાલવે તેમ નથી. ટ્રાફિક લાઈટ લાલ થાય તો પણ મોં કટાણું થઈ જાય છે. ‘અરેરે ! ક્યાં અટકવું પડ્યું?’ બડબડાટ શરૂ થઈ જાય છે.

        અને ત્યાં જ દૂરથી સાયરન સંભળાય છે. લાયબંબાની સાયરન. બધો ટ્રાફિક સ્થગિત બની જાય છે. બધા બને તેટલા બાજુએ ખસી જાય છે. બધી ઉતાવળ ભુલાઈ જાય છે. હવે કોઈ વાહન એક તસુ પણ ખસતું નથી. અરે! રસ્તે ચાલતા રડ્યા ખડ્યા વટેમાર્ગુ પણ ઊભા રહી જાય છે.

લો, આ મોટી અડચણ આવી પડી !

     અને ત્યાં જ ધમધમાટ કરતો તે આવી પહોંચે છે. તેની પાછળ એક એમ્બ્યુલન્સ વાન પણ છે. તે બન્નેની તેજ રફ્તાર અને ગતિ બધાંના મનમાં ભય અને માનની લાગણી પેદા કરે છે. ઉપર લાલ, પીળી અને વાદળી લાઈટો ઝબુક ઝબુક થાય છે. કાન ફાડી નાંખે તેવો સાયરનનો અવાજ એકદમ નજીકથી કમને સાંભળવો પડે છે – સહેવો પડે છે. એ એકલવીર જે જગ્યા ખાલી મળે ત્યાંથી  આગળ ધસે છે. એને કોઈક અગત્યના કામે, જીવન જોખમમાં હોય તેવે સ્થાને, સુરક્ષા સાચવવા ધસવાનું છે. ક્યાંક આગ લાગી છે; અથવા ટ્રાફિકનો અકસ્માત થયો છે; ત્યાં તેને યુધ્ધના ધોરણે સત્વરે પહોંચવાનું છે. તે ઘડીક પણ રોકાઈ શકે તેમ નથી.

      અને અહીં તો  ટ્રાફિકની બધી જ લેનો પૂરેપૂરી ભરાયેલી છે. તે શુરવીર તો ઊંધી બાજુએ પોતાનું સુકાન વાળી; લાલ બત્તીની ધરાર ઉપેક્ષા કરી; પોતાની જગ્યા કરી લે છે. આગળ એક કારવાળાએ તો આ મહાનુભાવને માર્ગ આપવા  ફૂટપાથ ઉપર પોતાની ગાડી ચઢાવી દીધી છે.

      વિજયી મુદ્રા સાથે,  કોઈની પણ તમા કર્યા વિના, તે ભડવીર તો ચાલ્યો જાય છે. હતપ્રભ બનેલો ટ્રાફિક ધીમે ધીમે આ મૂર્છામાંથી જાગૃત  થાય છે. મંથર ગતિએ તેની સફર ફરીથી શરૂ થાય છે. કોઈ વિજયી સમ્રાટ શત્રુસેનાને મહાત, પરાસ્ત, આખા નગરને ધરાશાયી કરી ચાલ્યો જાય; તેમ લાયબંબો બધે આ જ માહોલ પેદા કરતો આગળ ધપતો જાય છે –

ત્સુનામીના મોજાંની કની.

        પણ……

     ફરક એટલો જ છે કે, એ વિનાશ કરવા નહીં; વિનાશ અટકાવવા જઈ રહ્યો છે. તે લડાયક જરુર છે પણ શાંતિનો, સહાયનો, દયાનો દૂત પણ છે. એને માટે ભય કરતાં માન વધારે ઊપજે છે. બધાં એની અદબ જાળવે છે. એ પ્રહરી જરુર છે; પણ જીવન અને જાનમાલની સુરક્ષાનો પ્રહરી છે. એના શસ્ત્રમાં આગ નથી. પાણીની બોછાર છે.

      એને જોતાં જ આપણને પણ એ સહાયકાર્યમાં ભાગીદાર થવાની ક્ષણિક ઈચ્છા થઈ આવે છે.

    લાયબંબો એ આપત્તિને પહોંચી વળવાની સમાજની પ્રતિબધ્ધતાનું, ક્ષમતાનું પ્રતીક છે. જે કોઈ આવી સુરક્ષાના કામમાં જોડાયેલા હોય, તે સૌ પણ આવા જ સન્માનના અધિકારી હોય છે.

 • આપણે કદીક તો ફાયર ટ્રક જેવા બનવા તૈયાર  છીએ ખરા?
 • અણીના સમયે –
  • આપણી સુરક્ષાને
  • આપણા સ્વાર્થી મનસુબાઓને
  • આપણી ગણતરીઓને
  • તિલાંજલી આપી,
 • કોઈ જરૂરતમંદની સહાયે ધસી ગયા છીએ વારૂ? 

3 thoughts on “અવલોકન -૧૯ – ફાયર ટ્રક – એક અવલોકન

 1. ક્યા બાત હે? સુરેશભાઈ તમારી નિરીક્ષણ શક્તિ જ નહીં, વર્ણન શક્તિ અને ચિંતન શક્તિ પણ અદભૂત છે. કાશ મને પણ આવું લખતાં આવડતું હોત !!

  Liked by 1 person

 2. ખૂબ સુંદર સુરેશભાઈ! તફાવત વિચારવા જેવો છે.ફાયરમેન ફાયર ટ્રક લઈને મશીન દ્વારા પાણી છાંટીને આગ બુઝાવે છે.એ એની ફરજ છે,નોકરી.જયારે માનવ સ્વભાવગત બળતામાં ઘી હોમવાનું કામ કરતો રહે છે.અથવા તો જલે પર નમક છીડકવાનું કામ કરે છે.જો માનવ ફાયરમેન પાસેથી આ શીખે તો તો સોનામાં સુગંધ જ કહેવાય! જરૂરિયાતમંદ ને સહાય કરવી,ઉમદા વિચાર કહેવાય.આપના અવલોકનને દાદ દેવી ઘટે.

  Liked by 1 person

 3. સાચુ કહું આજ સુધી અને કદાચ હંમેશા આ લાયબંબાની તીણી સાયરન સૌને હંમેશા ડરામણી જ લાગતી હશે. જાણીએ છીએ એ વિનાશ કરવા નહીં વિનાશ અટકાવવા જઇ રહ્યો છે તો પણ…એ શાંતિનો, સહાયનો અને દયાનો દૂત છે એટલે એના માટે ભય કરતાં માન જ વધુ ઉપજવું જોઇએ. એના પાણીની બોછાર ભરેલા શસ્ત્રો કોઇનું જીવન કે જાનમાલ બચાવવા માટે જ છે તો એની આવી તીખી-તીણી સાયરનના બદલે, એના આવા ધમકીભર્યા અવાજના બદલે અભયદાન દેતો હોય એવો સૂર ના મુકવો જોઇએ?
  આમ પણ અહીં લોકોમાં એટલી શિસ્ત તો છે જ કે એ આ જીવનદાતાને માન આપશે જ.
  આ તો મનનો એક વિચાર બાકી અણીના સમયે કોઇની સહાયે આપણે જો ફાયરમેન બની શકીશું તો તો આપણું જીવન ધન્ય…..

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.