૨૪ – શબ્દના સથવારે – નનામી – કલ્પના રઘુ

નનામી

નનામી એટલે ઠાઠડી,મરણ ખાટલી, અરથી, વંજુશય્યા એટલે કે શબને લઇ જવાની વાંસની એક બનાવટ. નામ વગરની વસ્તુને પણ નનામી કહેવાય. નામ વિનાનું વાહન એટલે નનામી. અંગ્રેજીમાં એને ‘bier’ કહે છે.

xNanami 5-62

વ્યક્તિ જન્મે ત્યારે નામ વગરની હોય છે અને મૃત્યુ પછી નનામી બની જાય છે. નનામી નામને લેતી જાય છે. આત્મા નામ મૂકીને ચાલ્યો જાય છે. નામવાળાની નનામી નીકળે છે અને નામી વ્યક્તિ નામ મૂકીને નનામી થઇને જાય છે. કોઇએ સુંદર લખ્યુ છે, ‘નિસરણી સમજીને ચઢતાં રહ્યાં આ જીન્દગીને, થાકી ગયા ને આડી કરી તો નનામી થઇ ગઇ …’ ઘોડિયાથી નનામી સુધીની યાત્રા એક શાશ્વત સત્ય છે. એક ગીતના શબ્દો છે, ‘જીતે લકડી, મરતે લકડી, દેખ તમાશા લકડીકા …’ માણસ જન્મે ત્યારે ઘોડિયુ, શાળામાં પાટલી, પેન્સીલ, ઘર-ઓફીસમાં ખાટલો, ટેબલ, ખુરશી, ઘડપણમા લાકડી, મૃત્યુ બાદ ઠાઠડી અને છેલ્લે ચિતા પણ લાકડાની. ઘરથી સ્મશાન સુધીનો રસ્તો નનામી પર સૂતા સૂતા પસાર કરે છે. જેને જોવાથી જોનારાને ક્ષણભંગૂર જીવન માટે સ્મશાન વૈરાગ્ય ઉભુ થાય છે.

નનામીના ઉપરના શણગાર પરથી પુરુષ, સ્ત્રી કે સુહાગણ સ્ત્રીનું શબ છે તે ખબર પડે છે. શબને પવિત્ર કરી ગૌમૂત્ર-છાણના ચોકા પર તૈયાર કરવામા આવે છે. ત્યારબાદ નનામી પર શણગારીને બાંધવામાં આવે છે. શબને નનામી પર બાંધવુ એ પણ એક કળા છે. ક્યારેક નનામીમાંથી મડદુ બેઠા થયાના કિસ્સા સાંભળવા મળે છે. તેને કાંધ આપનાર ૪ જણ જોઇએ. સ્મશાન યાત્રામાં જોડાનાર ડાઘુઓ કહેવાય. આગળ દોણી લઇને દીકરો ચાલતો હોય. પાછળ સ્ત્રીઓ, રોકકળ સાથે છાતી કુટતી ચાર રસ્તા સુધી જાય. હવે ઉચકનારા ઓછા થઇ ગયા છે માટે ઘરના ઝાંપા અથવા ચાર રસ્તા સુધી શબ-વાહિનિ આવે છે જેમાં નનામીને સ્મશાન સુધી લઇ જવાય છે.

હિન્દુ વિધિ મુજબ ભારતમાં નનામી શબ્દની આજુબાજુ અનેક લૌકીક વ્યવહાર કરવામાં આવે છે. જેનો ગરૂડપુરાણમાં ઉલ્લેખ છે. નનામીના દર્શન કરવાથી યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે. જ્યોતિષમાં શબયાત્રાના દર્શન કરવા શુભ ગણાવ્યા છે. અર્થીને કાંધ આપવાથી પુણ્ય મળે છે. હવે તો દીકરી પણ નનામીને કાંધ આપે છે. સ્ત્રીઓ સ્મશાનયાત્રામાં પણ જોડાય છે. અગ્નિદાહ પણ આપે છે.

મૃત્યુ-સંસ્કારમાં વાંસનો ઉપયોગ નનામી બાંધવામા કરવામા આવે છે પરંતુ લાશને અંતિમસંસ્કાર આપી, અગ્નિદાહ સમયે, વાંસને બહાર કાઢીને માત્ર લાશને જ ચિતા પર મૂકીને સળગાવવામા આવે છે. શાસ્ત્રોક્ત રીતે વાંસને સળગાવવાથી પિતૃદોષ લાગે છે. વૈજ્ઞાનિક રીતે જોતા વાંસમાં લૅડ હોય છે જે હવામાં ભળી લૅડ-ઓક્સાઇડ બને છે જેનાથી વાતાવરણ દૂષિત બને છે અને સ્વાસ્થય માટે હાનિકારક હોય છે.

હવે તો ભારતમાં પણ નનામી લઇ જતી અંતિમયાત્રાનો અંત નજીક છે એમ કહી શકાય. જ્યારે બીજા દેશોમાં ફ્યુનરલ હોમવાળા શબને લઇ જાય છે. શબને કોફીનમાં સજાવીને મૂકવામાં આવે છે. સગા-વહાલા કહે તે દિવસે, જે તે સમાજના રીવાજ મુજબ શબ-પેટીમાં લઇ જઇને અંતિમક્રિયા કરવામાં આવે છે. શબને નનામી પર ખભે ઉંચકીને લઇ જવામાં આવતુ નથી.

નનામી એટલે કુદરતની જપ્તી, બધું અહીં મૂકીને જવાનુ છે. જોડે કંઇજ નથી લઇ જવાનુ. માનવ તેનો સ્વભાવ પણ નનામી સાથે નથી લઇ જઇ શકતો. જીવન-પથ દરેક જણ પોતાની રીતે નક્કી કરી શકે છે પરંતુ મૃત્યુ બાદ દરેક વ્યક્તિનુ ગંતવ્ય એકસરખુ હોય છે. ‘રામ બોલો ભાઇ રામ’ના ઉચ્ચારણ સાથે આ છેલ્લુ વાહન જે મનુષ્યને વાજતે ગાજતે અંતિમ સ્થાને લઇ જાય છે. રામનુ નામ એટલેજ બોલાય છે કારણકે જીવને શિવમાં ભળવાનું હોય છે અને શિવ હંમેશા રામના ધ્યાનમાં બેઠેલા જોવા મળે છે. શિવને પામવા, રામનું નામ બોલે જ છુટકો છે. બાકી જીવતા માણસની તાકાત નથી કે નંબર પ્લેટ વગરની નનામી પર સવારી કરી શકે.

6 thoughts on “૨૪ – શબ્દના સથવારે – નનામી – કલ્પના રઘુ

 1. મૃત્યુ સાથે સંકળાયલા કોઈપણ વિષય ઉપર લખવાનું કામ અઘરૂં છે. આ વિષય ઉપર લખવાવાળા અને વાંચવાવાળા મનુષ્ય જીવનની સચ્ચાઈઓ માત્ર જાણતા જ નહીં પણ સ્વીકારતા પણ હોવા જોઈએ..શરીરમાંથી જીવ નીકળી જાય પછી એને નામથી નહીં પણ બોડી તરીકે ઓળખવામાં આવે છે, એટલે જ એ વ્યક્તિ નનામી થઈ જાય છે,, અને કદાચ એને જેમાં લઈ જવાય છે એને નનામી કહેતા હશે.

  Liked by 1 person

  • મારો લેખ વાંચવા બદલ આભાર.ફોટો જોઇને વાંચવાની હિંમત કરવી.સલામ.આપે લખ્યું છે તે મુજબ મનુષ્ય જીવનની સચ્ચાઈ જાણીને સ્વીકારનાર આ બ્લોગ પર આંગળીના વેઢે ગણાય તેટલાજ છે! બાકી મેં શબ્દ ‘નનામી’ને ન્યાય આપવા પ્રયત્ન માત્ર કર્યો છે.જીવનની વાસ્તવિકતા સ્વીકારેજ છુટકો છે.કબૂતરની જેમ મોંઢું સંતાડવાથી પરિસ્થિતિ દુર થતી નથી.નનામીના દર્શન શુભ ગણાય છે.સૌનું મંગલ હો એજ ભાવના મારી રહી છે.

   Like

 2. અનામી અને નનામી શબ્દો વચ્ચે શું સંબંધ હશે?
  અહીં એક વૃદ્ધ મિત્ર અવસાન પામ્યા. એમના દીકરાએ એમની અંતિમ ક્રિયામાં સાથે આવી થોડાક શ્લોક ગાવા વિનંતી કરી. હું તો ઇલેક્ટ્રિક ક્રેમેટોરિયમમાં સાથે ગયો., એક બારીમાંથી એમનો દેહ ભરેલા લાકડાના કાસ્કેટના જ દર્શન થયા. એને જોઈને જ ‘ नैनं छिन्दन्ति शस्त्राणि …’ ગાઈ નાખ્યું !
  આપણે પણ એમ જ ‘નનામી’ વિના જ અવલમંઝિલ પહોંચી જઈશું !

  Liked by 1 person

  • લેખ વાંચવા બદલ આભાર.અનામી એટલે જેને કોઈ ઓળખતું નથી.જેનું કોઈ અસ્તિત્ત્વ કે નામ નથી.આપે જે શ્લોક ગાયો તે આત્મા માટે છે.ભારતમાં જ્યાં શબ છે ત્યાં નનામીની જરૂર પડે છે.પરંતુ અહી વસનાર નનામી વિના જ અવલમંઝિલપહોંચીશું તે વાત આપની બિલકુલ સાચી છે.

   Liked by 1 person

 3. જીવનની કેટલી મોટી કરુણા ! શરીરમાંથી પ્રાણ નીકળ્યા એટલે એ માણસ મટીને ખાલી એક બોડી બની જાય છે. તેની અંતિમ યાત્રાનું વાહન તે પણ નનામી !
  કલ્પનાબેન ખુબજ સુંદર લેખ છે.

  Like

 4. કલ્પનાબેન,
  નનામી જેવા શબ્દ પર આટલા વિસ્તારથી કહેવું સરળ તો નથી જ. જાણીએ છીએ કે આ દેહ તો નશ્વર છે, જે આવ્યું છે એ જવાનું જ છે. સૌ માણસ મટી ધુમાડો બની અંતે રાખમાં ભળી જવાના છે તેમ છતાં આ વિષય પરની ચર્ચાથી પણ મન ભાર અનુભવે જ છે.
  નનામી એટલે આડી સીડી—
  સીડી ઊભી હોય કે આડી .. ઉપર જવા માટે સહારો તો એનો જ ને?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.