વીનું મર્ચન્ટ વાર્તા -નિબંધ સ્પર્ધા-12-વૈશાલી રાડિયા

(કેટેગરી-નિબંધ)- પ્રથમ ઇનામ વિજેતા 

અષાઢી મેઘલી રાત

ઘનઘોર ઘટા મદમસ્ત છટા

ધૂપ હટા આ મેઘ જટા

તું ગરજ ગરજ તું વરસ વરસ

અંગ અંગ બસ તરસ તરસ

 

વાતાવરણમાં કુદરતી પલટો આવી જાય અને હવામાં એક માદક સુગંધ ફેલાતી જાય, મેઘના તોફાની અડપલાં થાય ત્યાં જ તરસ્યું મન થનગનવા લાગે અને પ્રકૃતિના તમામ જીવો એક અજબ સંવેદનમાં તરબતર થઇ જાય. મનગમતી ઢેલને પોતાની પાંખમાં સમાવવા મોરલો પોતાની તમામ કળાથી પોતાને નીરખતા તમામ જીવોમાં થનગનાટ ભરી દે. ગરમીથી ત્રાસેલા દરેક પ્રાણીઓનું અંગ-અંગ તરસ્યું થઇ એક ઉન્માદમાં આવી આઠ-આઠ મહીનાથી સુકાયેલા હોઠ પર પહેલા જલબુંદો ઝીલવા તૃષાતુર થઈને જળભર્યા મેઘ તરફ મીઠું સ્મિત અને સાથે મનમાં પ્રેમનું ગીત ભરી નજરુંના બાણ ચલાવે. કુંવારી અંગડાઈઓ ચાતક જેમ મેઘ સામે લટકા કરી આતુર થઇ ભીંજવી દેવા આહવાન કરે, દાદુર-પપીહા ગળું ફાડીને આનંદ વ્યક્ત કરે અને દરેક હૈયામાં ને આંખોમાં કાલિદાસનો ‘મેઘદૂત’ આવીને વસી જાય ત્યારે કેલેન્ડર જોયા વિના પ્રકૃતિપ્રેમી હૈયા સમજી જાય કે અષાઢ મહિનાના પગરણ થઈ ગયા. અષાઢી મેઘલી રાત તરફ આગળ જતાં પહેલાં એનો પૂર્વમાહોલ સમજાવતી સોહામણી સંધ્યા કેમ ભૂલાય?

પ્રકૃતિની દરેક ઋતુ એનું આગવું મહત્વ અને ખાસ સંદેશ લઇ પોતાનો પ્રવાસ કરે છે. આપણા સત્તાવીસ નક્ષત્રોના નામ પરથી આપણા દરેક ગુજરાતી મહિનાના નામ છે. જેમાં ઉત્તરાષાઢા અને પૂર્વાષાઢા નક્ષત્ર પરથી આપણા નવમા મહિના અષાઢ માસનું નામ મળેલ છે. અષાઢ માસમાં પ્રકૃતિ રંગીન બની નવા કલેવર ધારણ કરી ખીલી ઉઠે છે. તે સાથે અષાઢ માસમાં બીજના ભગવાન જગન્ન્નાથ અને ગુરૂપૂર્ણિમાના પર્વ એ ધાર્મિકતાને પણ વેગ આપે છે.

વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજીએ તો અષાઢ માસમાં મોળાવ્રત, જયાપાર્વતી, દીવાસાનું જાગરણ, જૈનોના ચાતુર્માસ વગેરે વ્રતો આવે છે, જે આપણી હેલ્થ માટે બેસ્ટ છે. વ્રતો વધારે સ્ત્રીઓ માટે જ કેમ છે? એનું પણ એક વિજ્ઞાન છે. સ્ત્રીના શરીરની રચના કુદરતે નવસર્જન માટે પસંદ કરી છે તો એ માટે એનું શરીર બંધારણ સ્વસ્થ અને તંદુરસ્ત રહે એ જરૂરી છે. પહેલાના જમાનામાં જીમ કે આજના જેવા ડાયેટીશિયન નહોતા એટલે શાસ્ત્ર સાથે જોડી ઉપવાસનું મહત્વ વણી લીધું, જેથી ધર્મના નામે પણ વિજ્ઞાન એનું કામ કરતુ રહે! અને અષાઢ માસ સાથે આ વાતનો સંદર્ભ જરા ઊંડાણથી જોઈએ તો સ્ત્રીને નવસર્જન માટે જે તંદુરસ્તી તેમજ પરિશ્રમની જરૂર પડે છે એ માટે તેમજ એ નવસર્જન પછી ચેતનવંત રહેવા અને શરીરના લચીલાપણાને જાળવવા એક પ્રકારનું ડાયેટિંગ જરૂરી છે. કેમકે આ ઋતુ કામદેવની પણ ઋતુ છે. ગર્ભધારણની આ ઋતુમાં દરેક પ્રાણી કામદેવના મોહપાશમાં સપડાયા વિના રહી નથી શકતો. તો શરીર સૌષ્ઠવ અને લચીલાપણું જળવાઈ રહે તે પરાપૂર્વથી શાસ્ત્રોમાં પણ કહેવાયું છે.

અષાઢ માસ શૃંગાર રસનો પણ સ્વામી કહી શકાય. એમાં પણ આવા અષાઢી માહોલમાં ઝવેરચંદ મેઘાણી યાદ આવ્યા વિના ના રહે, ‘અષાઢી સાંજના અંબર ગાજે, અંબર ગાજે મેઘાડંબર ગાજે…માતેલા મોરલાના ટહુકા ગાજે…’ આ માતેલો શબ્દ તો મેઘાણીની કલમે જ શોભે હો! આવી આ સાંજ હોય પછી જયારે અષાઢની મેઘલી રાત જામે અને મેઘ, મલ્હાર, મયુર અને મેઘદૂત આ ચારના ચોખંડામાં જે મેઘલી માઝમ રાત ઉજાગર થાય ત્યારે એક નવી જ સૃષ્ટિ રચાતી હોય! મેઘનું કાળું ડિબાંગ સામ્રાજ્ય ચારેકોર અવનીને ભીંસી રહ્યું હોય એમ ક્યારેક વીજળીનો ચમકારો થતા જે ડરામણી રોશની જોવા મળે અને સાથે વાયરાનું તોફાન કહે મારું કામ. અષાઢની મેઘલી રાત એટલે શરૂઆતી વરસાદ જે ઘણા મહિનાઓથી તૃષાતુર ધરતીને મળવા આતુર હોય. લાંબા વિયોગ બાદ આવતી મેઘલી રાતોમાં મન મૂકીને અવનીના મિલન માટે અંબર વરસી પડે ત્યારે વૃક્ષો સંગીતમય બની ડોલી ઊઠે, વાયરા સુસવાટા મારી આનંદ પ્રગટ કરે, વિજળીરાણી ચમકી-ચમકીને જાણે આ નાચતી સૃષ્ટિમાં તેજ લીસોટા કરી ડાન્સિંગ ફ્લોર પર લાઇટીંગ કરતી હોય એમ આવ-જા કરે જેના અજવાશે કોઈ મુગ્ધા યૌવનાને સપના ફૂટે અને કોઈ વિરહી હૈયા આ અષાઢી મેઘલી રાતનું સૌદર્ય જોતાં-જોતાં એકમેકના વિજોગમાં એ મેઘલી રાતે કાલિદાસના યક્ષની જેમ તડપીને રાતો ઉજાગરો વેઠે. અને યુગલો આ મેઘલી રાતનું સૌંદર્ય જોવાને બદલે ફક્ત કાનથી માણે અને મખમલી રજાઈ અને મનગમતી મખમલી હૂંફમાં મલ્હાર રાગીણી સાથે એક થઈને મસ્તીમાં ખોવાઈ જાય.

અષાઢી રાત એનું રૂપ બતાવે અને ગરમીથી ત્રાસેલા સજીવો  છૂટકારા સાથે શીતલ અને સુંવાળી રાતની મીઠી ઘેનભરી અને સુખભરી રાતની આગોશમાં લપેટાઈ જાણે મહિનાઓનો થાક ઉતારે! મેઘલી રાતને માણતા પહેલાં એની પૂર્વતૈયારી હોય તેમ અષાઢી ભીની સાંજ  અને ભજીયા સાથે અષાઢી મેઘધારામાં ભીંજાઈને રોમ-રોમ પુલકિત કરવાનો અવસર તો કોઈ જડભરત જ ચૂકી શકે! અષાઢી રાતના સોણલા સજાવતા પહેલા અષાઢી મેઘલી સાંજના આછા ઉજાશમાં કાળા ડિબાંગ મેઘની સવારીમાં મહાલવાનો રોમાંચ વરસાદના દેવ ઇન્દ્રને પણ કદાચ દુર્લભ હોતો હશે એવું મને તો લાગે! આ મોસમ પણ કેવી! તમે પ્રેમિકા કે પત્ની સાથે જાહેરમાં સ્નાન કરી શકો અને ઉર્મિઓને અષાઢી જલબુંદોના સ્પર્શમાં ભીંજવીને ગુલાબી થઇ શકો! અને આવનારી મેઘલી રાત માટે રોમેન્ટિક થઇ શકો.

રાત પડે ને ચારે તરફ પવન સાથે પાણીનો ફરફરાટ અને સરસરાટ. જ્યાં નજર કરો ત્યાં બસ નહાતા રસ્તા અને વરસતા આભ અને તરસતી ધરતીનું મિલન! આભ અને ધરતી એકાકાર થઇ મિલનની મસ્તીમાં મલ્હાર સંગ થીરકતા કોઈ સમાધિમાં લીન થઇ એકમેકમાં ઓતપ્રોત થતાં લાંબા વિરહને ચૂર-ચૂર કરતા દેખાય! એ મેઘલી રાતે એને કોઈની તમા ના હોય અને કોઈ સજીવો પણ જાણે એ મિલનમાં ખલેલ પાડવા માંગતા ના હોય એમ ઝમઝમ રાત અંધકારમાં પણ એક આગવું સૌંદર્ય લઇ વહેતી રહે અને જલધારા થકી મેઘ એની વિરહી પ્રિયા અવનીને ચૂમતો રહે અને અવની ઘૂંટડે ઘૂંટડે એ પ્રેમરસનું પાન કરતી રહે અને તૃપ્ત થઇ સૂકાં હૈયાને ભીંજવી નવી લીલીછમ કૂંપળો કોરવા માટે પોતાની ગોદમાં એ પ્રેમધારા ઝીલતી રહે! પિયુમિલનના આગમને હરિયાળી ઓઢણીમાં સોળે શણગાર સજવાના ઉન્માદમાં અવની લાંબા વિરહ બાદ અષાઢી મેઘલી રાતમાં એવી લાગે જાણે કોઈ નવવધુ પ્રથમ મિલનની મસ્તી માણી રહી હોય!

અષાઢ માસ આદાન એટલે કે આપવાનો મહિનો છે. આ માસમાં તમે કોઈને જે આપશો એ કુદરત તમને દસગણું કરીને પાછું આપશે એમ આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે. તો અષાઢસ્ય પ્રથમ દિવસે… રેઈનકોટ, છત્રી, ગમશુઝ બધું ફગાવીને એ મેઘલી સાંજે આપણા જીવનમાં રહેલી આપણી અતિ પ્રિય વ્યક્તિને એને ગમતું કશુંક અણમોલ આપીએ તેમજ આપણી સાથે જોડાયેલા પૃથ્વીના કોઈ પણ સજીવોને આનંદ સાથે શાંતિની ભેટ આપી શકીએ તો કુદરત દસગણું કરીને એ રીટર્ન ગીફ્ટ આપે ત્યારે વિશ્વની એ મેઘલી રાતનું સૌંદર્ય કેવું સોળે કળાએ ખીલે ઉઠે? એક એવી નિર્જીવ વસ્તુ પણ છે જે આ મેઘલી રાતમાં સજીવ લાગી શકે! તમને થશે કે આ લખવાવાળાને અષાઢનો નશો ચડ્યો કે શું? પણ વિચારો, તમે ક્યારેય અનુભવ્યું કે નિર્જીવ ભીંતો આ મેઘલી રાતે ભીંજાઈ ત્યારે કેવી શીતલ બની જાય છે? તપ્ત ભીંતો અને તૃપ્ત ભીંતો આપણે બધાએ જોઈ છે. તૃપ્તાથી એનો પણ રંગ બદલાઈ જાય છે અને સદ્યસ્નાતા ભીંતો પણ કોઈ નવવધુ જેમ પોતાના પિયુ પાસે ધીમે-ધીમે એક-એક આવરણ હટાવતી જાય તેમ એ પોતાના પોપડા ખેરવતી જાય અને નવા શણગાર સજવા કોઈ માનુની જેમ જીદે ચડતી હોય એમ લાગે! જો નિર્જીવ વસ્તુને મેઘલી રાતની આવી મસ્તી ચડે તો સજીવોનું તો પૂછવું જ શું? સાથે ભીંતોમાં અફળાતા વ્રુક્ષો ડોલતાં-ડોલતાં એ મદભરી રાતોમાં એના કાનમાં સુંવાળું પીંછું ફેરવતા હોય એમ મીઠો સ્પર્શ આપે અને ગણગણતા હોય એમ લાગે કે.. લે, તારા પિયુ સાથે મન ભરીને ભીંજાઈ લે..હું છું ને! કોઈ નહિ જોવે તમને! વ્રુક્ષોનો આ મીઠો છાંયડો આપવાની અને કોઈ પણ પરિસ્થિતિમાં મદદરૂપ થવાની ભાવના મનુષ્યો સમજી જાય તો?! તો સારું, નહિ તો શેષ જીવનમાં આવી મેઘલી, મસ્તીભરી, પ્રેમ અને પ્રાણને પોષનારી અષાઢી મેઘલી રાતો કેટલીક આવશે કહો જોઈએ?  

અષાઢી મેઘલી રાતની રૂપાળી વાતો ને રંગીન કલ્પનાઓની વાતો તો ખૂટશે જ નહિ. આપણા ગીતોમાં પણ મન મૂકીને એ મળશે. એક ઝલક.., વા વાયા ને વાદળ ઉમટ્યા… દ્વારા આ મોસમમાં ગોપીઓ શ્યામને આવકારે એ ભાવ કેવો ભવ્ય! મેઘાણીની અષાઢી સાંજના અંબર ગાજેમાં..વીરાની વાડીમાં અમૃત રેલે ને ભાભી ઝરમર ઝાલે.. અહાહા..ઘનઘોર ઝરે ચહું ઓર મોર બની થનગાટ કરે મન… કે પછી હિન્દી ફિલ્મ ગીતો… સાવન આયા ઝૂમકે…બરસો રે મેઘા મેઘા કહી પુકારતી સુંદર શ્રેયા ઘોસાલ…એક લડકી ભીગી ભાગી સી…કોઈ મુગ્ધ કન્યા પર રચાયેલી રચના. દરેક ગીત બનતા પહેલા અષાઢી મેઘલી રાતના અનુભવમાંથી પસાર થયું જ હશે ને!

મેઘલી રાતની રોમેન્ટિક વાતોથી કોઈ ધરાવાનું નથી. પણ આપણે મેઘલી રાતની વાત માંડીને બેઠા જ છીએ એટલે બધા સ્વરૂપના દર્શન કરીએ ત્યારે જ એ રાતના બધા રાઝ જાણી શકીએ. જેમ અષાઢ માસમાં ચાર માસ માટે ભગવાન પોઢી જાય છે અને આપણે દેવઉઠી એકાદશી ઉજવીએ અને ભગવાનના એક જ દિવસમાં બધા પહોરના સ્વરૂપના દર્શન કરીએ તેમ અષાઢની મેઘલી રાતના પણ ઘણા સ્વરૂપ હોય છે. કચ્છી માળુ માટે નવા વર્ષનો આનંદ તો અષાઢની ભડલીના વર્તારા પર જીવતા કિસાનોણી ખુશી જેના થકી ભારત દેશની ભોમકા સમૃદ્ધત્વને વરે છે. ત્યારે એમના માટે અષાઢની મેઘલી રાત ફક્ત રોમાન્સ નથી પણ વર્ષ આખાની જીવાદોરી છે. એમના માટે એ મેઘલી રાત ઉપર સુખ કે દુ:ખના એક વર્ષના લેખાં-જોખાં હોય છે. વધુ વરસાદ કે પ્રમાણસર વરસાદ એના પાકને લહેરાતો કરવા માટે ઘણી અસર કરે છે એટલે એમના માટે અષાઢી મેઘો એ પ્રાણપ્રિય સાથે પ્રાણપૂરક પણ છે. અષાઢની મેઘલી રાતો પર એનું આખું વર્ષ મદાર રાખે છે એટલે એની નજરે એ રાતો કેવી હોય એ જોવા તો ખેડૂના ઘરે જન્મ લઈએ ત્યારે સમજાય! એ કોઈ પુસ્તક કે કોમ્પ્યુટર પર આંગળીઓ ઘૂમાવી કે ગુગલમાં જોયે ના સમજાય! શહેરી મુગ્ધા અને આપણી ભારતીય ગ્રામ્ય મુગ્ધા બન્ને માટે અષાઢની મેઘલી રાતનું સૌંદર્ય અલગ ભાવ સાથે ઊભરે છે. કોઈ કાફેના કાચમાંથી કોફીના મગમાં ચૂસકી લેતાં કોઈ ગમતી વ્યક્તિ સાથે એ રાતનું સૌંદર્ય માણવું અને વાવેલા બીજવાળા ખેતરમાં આંખો પર છાજલી કરીને મુગ્ધતાથી મેઘને આહવાન આપી રાતે ઘાઘરો વાળી ખેતરમાં પાણી વાળતાં એ ભીનાશને માણવી એ બન્ને યૌવના માટે અષાઢી મેઘલી રાતનું સૌંદર્ય પોત-પોતાના દિલમાં છે. એક જ રાત, એક જ વરસાદ, એક જ અષાઢ, પણ તરસ અલગ એ છે મેઘલી રાતની અનોખી વાત.

એક વર્ગ એવો પણ છે જેને માટે અષાઢી રાતનો મેઘ આફત લાવે છે. એમને રોમાન્સ કે કાલિદાસના મેઘદૂત કે ભજીયા સાથે નિસ્બત નથી. એમને અષાઢી મેઘલી રાતે પોતાના પરિવાર અને બાળકોને છતમાંથી ટપકતા પાણીમાં કેમ સુવાડવા અને વરસાદની રાતે ઘરમાં પૂરાઈ રહેવાથી કામ વિના બીજા દિવસનો પેટનો ખાડો કેમ પૂરવો એ સમસ્યા મોટી લાગે છે. પાણી તો એમને પણ જોઈએ છે પણ એમને મેઘલી રાત વધુ સતાવે છે. મેઘો મહેર કરે ત્યાં સુધી વાંધો નથી પણ જો મેઘો કહેર કરે તો કાચા ઝૂંપડાની ભીની દીવાલો અને ટપકતી છતમાંથી એમને એ મેઘો કેવો લાગે એ રાતની વાત એમના મેઘલી રાતના ઉજાગરામાં એમની આંખોના એક અજાણ્યા ભયમાં ડોકાતી હોય છે! સાથે એના જેવા ફૂટપાથ પર રહેનારા અને સોનારા માટે તો મેઘલી રાતો ફક્ત ભીનો અંધકાર નહિ, ભીના શરીર સાથે આંખોમાં અષાઢ માસમાં જ સાથે શ્રાવણ ભાદરવો પણ લાવી દે છે!

અસમાનતા તો રહેવાની જ, પણ એ માટે ઉદાસ થઇ અષાઢનો રોમાન્સ અને મજા કાલિદાસના યક્ષની જેમ વિરહના ગીતોમાં મેઘ સંદેશમાં વહાવવાની જરૂર નથી. પણ મેઘલી રાતે જેમ વીજનો ઝબકાર થાય તેમ એ અંધારી રાતમાં એક પ્રકાશ પાથરીએ કે આપણા રોમાન્સ સાથે અન્યનો વિચાર કરી ક્યાંક વ્રુક્ષોને ખીલવામાં ભળીએ અને કાપવામાં નડીએ! ક્યાંક કોઈ ભૂખ્યા પેટ માટે ભોજન કે કોઈના ઝૂંપડાના અંધારા માટે એક નાનો દિપક બની શકીએ તો અષાઢી મેઘલી રાતનો અંધકાર પણ ક્યાંક રોશન કરી શકીએ, કદાચ!

અષાઢી મેઘ ને મેઘલી રાત

અધૂરા-પૂરા રોમાન્સની રોમેન્ટિક વાત

પ્રકૃતિ, પ્રાણ અને પ્રકાશની જાત

સમજો તો પાડજો ક્યાંક અનોખી અષાઢી ભાત!

 

 

3 thoughts on “વીનું મર્ચન્ટ વાર્તા -નિબંધ સ્પર્ધા-12-વૈશાલી રાડિયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.