૨૨ – શબ્દના સથવારે – સમય – કલ્પના રઘુ

સમય

સમય એટલે વખત, કાળ, મોસમ, લાગ, અવસર, સંજોગ, સંકેત, પ્રતિજ્ઞા, વદાડ કે શાળાનો પીરિયડ થાય છે. અંગ્રેજીમાં તેને ‘time’, ‘period’ કહે છે. સમયના કોષ્ટકમાં સેકન્ડ, મીનીટ, કલાક, દિવસ, મહિના, વર્ષનો સમાવેશ થાય છે. કોઇ બે સ્થળ વચ્ચેનું અંતર કાપવામાં સમય એક માપ છે. સમયની તમામ ગતિ-અવધિ સાપેક્ષ છે. વ્યક્તિની આંતર-બાહ્ય મનો-શારીરિક અવસ્થા પર તેમજ તેના ભાવજગત પર આધારિત છે. યોગવશિષ્ઠ રામાયણમાં કહ્યું છે, કાળ, અનંત બ્રહ્માંડોને ગળી જનારો અને જગતવ્યાપી છે. સેંકડો કલ્પ વિતતા પણ તે અસ્ત કે ઉદય પામતો નથી. કાળ દેહાધિકનાં અધ્યાસવાળા જીવોને સ્વર્ગ તથા નર્ક આદિમાં ઘુમાવ્યા કરે છે.

સદીઓથી સમય માપવા માટે વિવિધ સાધનોનો ઉપયોગ થતો આવ્યો છે. સૂર્યના કિરણે પડતા પડછાયા પર આધાર રાખતી ઘડિયાળોથી માંડીને મીણબત્તી, જળ, રેતી અને પારાની શક્તિથી ચાલતી ઘડિયાળ, યાંત્રિક ઘડિયાળ અને હવે અણુ ઘડિયાળની શોધ થઇ.

Samay 0c206aa3cf634cc8c3bfe98a8e5f01da

 

સમય હવે કાંડા ઘડિયાળમાંથી નીકળી મોબાઇલના સ્ક્રીનમાં કેદ થઇ ગયો છે. આજનો માનવ રૂપીયા ખર્ચી મોંઘી ઘડિયાળ ખરીદી શકે છે પરંતુ ખર્ચાઇ ગયેલ સમય ખરીદવા માટે ધનિકાધિક વ્યક્તિ પણ અસમર્થ હોય છે. માટેજ સમયને ઓળખો, પારખો અને સદ્‍માર્ગે ખર્ચો. પરિવાર તેમજ વડીલોને સમય આપો. વૃધ્ધાશ્રમમાં વૃધ્ધો સાથે ગાળેલો સમય મોટામાં મોટું દાન ગણાય. સમયને તમે સાચવો તો જ સમય તમને સાચવશે.

સમય એકજ દિશામાં વહે છે. હા, ગતિ બદલાય છે. તેના માટે નથી કોઇ વિશ્રામ કે વિસામો. તેના રૂપ, રંગ, દેખાવ વ્યક્તિની મનોદશા પર નિર્ભિત હોય છે. બાળપણ, યુવાની અને ઘડપણમાં, ક્યારેક સમય હરણફાળ લે છે તો ક્યારેક થંભી જાય છે, ક્યારેક ઘડિયાળના કાંટે સ્થિરતાથી પસાર થાય છે તો ક્યારેક જોતજોતામાં રેતીની જેમ સરી જાય છે. સમય જ એવી મૂડી છે કે જે નિર્ધન કે તવંગર, દરેક પાસે સરખા પ્રમાણમાં હોય છે. રાજા હોય કે રંક, દરેક માટે ૨૪ કલાક જ ફાળવેલ હોય છે. સમય કોઇને મરવા જેવો લાગે છે તો કોઇને જીવી લેવા જેવો. ઘડિયાળ અટકી જઇ શકે પરંતુ સમય નહીં કારણ કે ઘડિયાળ માણસની શોધ છે જ્યારે સમય કુદરતની દેન છે.

આ ત્રણ અક્ષરનાં કાના માત્ર વગરનાં શબ્દ ‘સમય’માં કેટલી તાકાત હોય છે? તે રાતોરાત રોડપતિને કરોડપતિ તો વળી કરોડપતિને રોડપતિ બનાવી શકે છે. સમય માનવજાત માટે રહસ્યમય કોયડો છે. તે એક મહાન શિક્ષક છે. એ ઘણું બધું શીખવી જાય છે. સમયને જીવવા અને જીતવા માટે ટાઇમ મેનેજમેન્ટ જરૂરી છે. તે એક ચિકિત્સક પણ છે અને કોઇપણ પીડાનો અક્સીર ઇલાજ પણ છે. ‘દુઃખનું ઓસડ દહાડા’. ઘા ભરવાનો મલમ સમય છે. ઘડિયાળ રીપેર કરવાવાળા ઘણા હોય છે પણ સમયને સાધનાર એકમાત્ર ઇશ્વર છે માટેજ અંતસમયે ગવાતી પ્રાર્થના, ‘સમય મારો સાધજે વહાલા, કરૂં હું તો કાલાવાલા’, ખૂબ જાણીતી છે.

સમય અને દરિયાના મોજાં કોઇની રાહ જોતાં નથી. જીન્દગીની પાછલી વયે એક વૃધ્ધ આયનામાં પોતાનું શરીર નિહાળે છે ત્યારે નખશીખ નજર નાંખતા, ભૂતકાળમાં અનુભવેલાં સમયના તમામ રંગોની પીંછી ફરી વળે છે. સમય પોતે છે પ્રશ્નાર્થચિન્હ, સમયનું ક્યાં છે પૂર્ણવિરામ? આ વાસ્તવિકતા જે સ્વીકારે છે તે પૂર્ણતાને પામે છે. જીવનમાં આવતી પ્રતિકૂળતાનો કે અનુકૂળતાનો એક જ જવાબ હોય છે, ‘યહ દિન ભી ચલા જાયેગા’.

પ્રેમ કરવાથી સમય થંભી જાય છે. મનગમતી પ્રવૃત્તિ કરવાથી તેનો સદ્‍ઉપયોગ કરી શકાય છે. અષ્ટાવક્ર ગીતામાં કહ્યું છે, ‘જન્મ-મૃત્યુ, સફળતા-અસફળતા, સંપત્તિ- વિપત્તિ બધું જ સમય પર થાય છે. કશું જ સમયથી પહેલા નથી થતું. જ્યારે સમયથી પહેલા કંઇક માંગીયે ત્યારેજ મુશ્કેલી કે અશાંતિ ઉભી થાય છે’.

મહાભારતનો એક પ્રસંગઃ એક યાચક યુધિષ્ઠિર પાસે કંઇક માંગે છે ત્યારે તેઓ તેને કાલે આવવાનું કહે છે. ત્યારે ભીમ કહે છે કે મહારાજે કાળ પર વિજય મેળવ્યો છે કારણકે તેમને ખબર છે કે તેઓ કાલે જીવતા હશે! તરતજ યુધિષ્ઠિર પોતાની ભૂલ સુધારે છે. કબીરજીએ પણ તેમના દોહામાં કહ્યું છે, ‘કલ કરે સો આજ કર, આજ કરે સો અબ’.

મહાભારત વખતે શ્રીકૃષ્ણ કહે છે, ‘હું જ સમય છું, દુઃખ કે સુખ મારા પ્રવાહને રોકી શકતાં નથી પરંતુ ક્યારેક ભાગ્યની રેખા આગળ મારૂં કંઇજ ચાલતુ નથી. એનો અર્થ આપણે સમયને કોસીએ છીએ પરંતુ સમય ભાગ્ય મુજબ ચાલે છે. અને ભાગ્ય માનવે જાણે અજાણે કરેલાં કર્મ અનુસાર ઘડાય છે. આમ કર્મ અનુસાર ભાગ્ય અને ભાગ્ય અનુસાર સમયની પરિભાષા બને છે જેની કઠપુતળી બનીને માનવ જીવન-રંગમંચ પર જીવે છે. મૃત્યુ તેના જીવન માટેનો આખરી સમય હોય છે.

માનવનો ગર્વ ઉતારવાનું માત્ર સમયના હાથમાં હોય છે માટે સમયના પ્રવાહમાં તણાવા કરતાં તેની સાથે વહેવું જરૂરી છે. તેની સાથે સરસાઇનાં બદલે તેને શરણે જવામાં જ સાર છે કારણકે ‘સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન’.

6 thoughts on “૨૨ – શબ્દના સથવારે – સમય – કલ્પના રઘુ

 1. સમય એકજ દિશામાં વહે છે.
  Time machine હોય તો આગળ પાછળ જવાય ! મનના મશીનને પાછા જવાની બૌ બૌ ટેવ છે !
  ————–
  સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથી
  નિયમ છે પ્રેમનો સાદો કદી એ ટકતો નથી
  તમારો સાદો નિયમ છે કે સૌને ભટકાવો
  ને મારો સાદો નિયમ છે કે હું ભટકતો નથી

  મઝાની રચના વાંચો અને સાંભળો….
  http://mavjibhai.com/madhurGeeto_three/samayno.htm

  Like

 2. સમય બડા બલવાન હૈ, નહીં મનુજ બલવાન,
  કાબે અર્જુન લુંટીયો યહી ધનુષ યહી બાણ

  Like

 3. સાચી વાત….
  આપણી જીંદગીમાંથી દરેક પળે કંઇક ને કંઇક ઘટતું જાય છે. સમયના પાત્રમાંથી સરકી જતી  એક પછી  એક ક્ષણ અને હાથમાંથી  તક સરતી જાય છે. માટે જ પ્રત્યેક પળને જીવી લઈએ. પ્રત્યેક સવાર આપણી સાથે એક નવો કોરોકટ દિવસ લઇને આવે છે. આ પ્રત્યેક દિવસને આપણે આજે જ શણગારવાનો છે, મનગમતા રંગો લઇને આજે જ સજાવવાનો છે.

   

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.