વહેલી પરોઢે , વાતાવરણમાં ગુલાબી ઠંડી હોય , બોગનવેલ પર રાતાં પાંદડા અને કેસૂડાં પર કેસરી ફૂલો મ્હોર્યા હોય ને એ આહ્લલાદક પર્યાવરણમાં તમે કોઈ સંઘ સાથે પદયાત્રાએ જઈ રહ્યા હોવ ..કલ્પના કરો !કેવું દિવ્ય અલૌકિક હોય એ દર્શન !
બસ , એ જ રીતે સેંકડો યાત્રાળુઓ તમને આજ કાલ ગુજરાતમાં ઠેર ઠેર માર્ગ પર પગપાળા પ્રયાણ કરતાં જોવા મળશે. આ સૌ અમદાવાદથી,ગોધરાથી, વડોદરા કે આણંદથી ડાકોર ભગવાન શ્રી રણછોડરાયના દર્શન કરવા પદયાત્રામાં જઈ રહ્યાં છે. એ જ રીતે જો તમે સૌરાષ્ટ્ર તરફ ડ્રાઈવ કરશો તો માર્ગમાં તમને દ્વારિકાધિશનાં દર્શનાર્થે નીકળેલા પદયાત્રીઓનો સંઘ જરૂર ક્યાંક જોવા મળશે.
આમ તો દર પૂનમે પણ આ ફાગણી પૂનમે તો ખાસ – આવી પદયાત્રાઓનું મહત્વ હોય છે.
રસ્તામાં ઠેર ઠેર સેવા કેન્દ્રો -જે માત્ર સ્વયંસેવકોની ભાવપૂર્ણ સેવાને કારણેજ ચાલતા હોય છે -તેમાં ઠંડા પાણીથી માંડીને ચા , કોફી , નાસ્તો , છાસ અને ક્યાંક ગરમ ભોજન પણ આ ભાવિક પદયાત્રીઓ માટે અમુક દાતાઓના દાનને લીધે નિઃશુલ્ક આપવાની પ્રણાલિકા છે. લગભગ એક લાખ પદયાત્રીઓ આ અઠવાડિએ માત્ર અમદાવાદથી જ ડાકોર પગપાળા જશે એવો અંદાજ છે. હોળી – ધુળેટી પર આમ પદયાત્રાઓનું ખાસ મહત્વ છે.
લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આપણાં ધર્મમાં ઋષિ મુનિઓએ આવા પ્રયોગો હજ્જારો વર્ષ પૂર્વેથી આપ્યા છે.
આપણે પગપાળા ચાલતાં જઈએ એટલે પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય અનાયાસે જ સંધાય. માર્ગમાં આવતાં વનસ્પતિ અને રાહદારી સૌ સાથે બે ઘડી સંબંધ બંધાય . રસ્તે આવતાં ગામડાઓમાં ગ્રામવાસીઓને મળવાનો મોકો મળે. સ્વૈચ્છીક રીતે ઉભા કરેલ આવકાર કેન્દ્રોમાં આ પદયાત્રીઓને વિસામા દરમ્યાન મૈત્રી ભાવ બંધાય. ગાડીમાં જઈએ તો આપણે ઝડપથી આ બધું પસાર કરી નાખીએ. ના કોઈ કેસૂડાંનું અવલોકન કે ના કોઈ વટેમાર્ગુ સંગ ગોષ્ઠી પણ ધીમે ધીમે ચાલતાં ચાલતાં જઈએ તો આપણાં અંતર્ચક્ષુને ય વાચા મળે! કુદરતનું સૌંદર્ય નિહાળતાં બેઘડી આપણી જાત સાથે ય વાત કરવાની તક મળે.
પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આ જાતની પદયાત્રાનો વિચાર બહુ પુરાણો નથી . બલ્કે હજુ ગઈ સદીમાંજ ઉદ્દભવેલો છે અને તે પણ ધર્મને નામે નહીં પણ માનવ ધર્મને નામે. “તમે અમુક માઈલનું અંતર પગપાળા કાપો , તમારા આ સાહસ માટે અમે તમને અમુક પૈસા આપીશું.” અને આ મોટા સમૂહમાં સાથે ચાલવાથી જે પૈસા- ફાળો ભેગો થયો તે કોઈ માનવતાના હિતાર્થે વપરાય ! જુદા જુદા પ્રકારના કેન્સરના રિસર્ચ માટે- બ્રેસ્ટ કેન્સર , પ્રોસ્ટેટ કેન્સર , ફેફસાં કે હૃહદયરોગ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કે એઇડ્સ કે ડાયાબિટીસ. ગમે તે અસાધ્ય રોગો પર સંશોધન કરવા ફાળો ભેગો કરાય. એમાં એક હકારાત્મક અભિગમ એ જોવા મળે છે કે કોઈ સારા કાર્ય પાછળ લોકોનો સપોર્ટ મળે તે પહેલા જ એ પ્રોજેક્ટ માટેની જાગૃતિ પણ ઉભી થાય. જે લોકો આવા રોગોનો ભોગ બન્યા હોય તેમના કુટુંબીઓ અને મિત્રો પણ આવી પદયાત્રાઓને પ્રોત્સાહન આપી પોતાની કમ્યુનિટીમાંથી સ્પોન્સર શોધે અને ફાળો ભેગો કરે . (વોકાથોનની જેમ બીજી પણ અનેક ફિજિકલ ચેલન્જની રીતો પ્રચલિત છે)
બંને દેશોની પદયાત્રાઓ આખરે તો શરીરને પડકાર આપે છે. છે તાકાત ? તો ચાલી બતાવ પચ્ચાસ – પંચોતેર માઈલ. જાઓ ચાલતાં ડાકોર કે દ્વારકા કે નેશનલ પાર્ક કે ન્યુયોર્ક. આ એક ચેલેન્જ છે. આધુનિક વિજ્ઞાન આને Quantum Physics ક્વોન્ટમ ફિજીક્સ કહે છે: આપણું શરીર ( અને દુનિયાની તમામ ચીજ વસ્તુઓ ) ને તેના મૂળભૂત ગુણધર્મ હોય છે.પણ આ ગુણ ધર્મો સિવાય ઉત્સાહ , આવેગો અને ઉભરો આવતાં હોય ત્યારે મન પોતે શરીરને વધારે ( કે ઓછું ) કરવા આદેશ આપે: આને મન શરીરનું તાદાત્મ્ય: કહેવાય . Mind and Body Connection .મારા પગમાં ચાલવાની તાકાત છે પણ મન આળસને લીધે ચાલવાની
ના કહે છે. એવી જ રીતે શરીરને કષ્ટ આપી કોઈ શુભ સંકલ્પ માટે મનને પડકારીને પદયાત્રામાં જોડાયેલાં મોટાભાગનાં પદયાત્રીઓ બીજે વર્ષે ફરીથી આવા પડકારો ઝીલીને જોડાતાં હોય છે !અને પછી એ માત્ર’ લાગણીનો ઉભરો ‘ ના રહેતા એક ટેવ પડી જાય છે.
બે દેશ : બે સંસ્કૃતિ !
બંનેમાં કુદરતને ખોળે ઘડીભર તાદાત્મ્ય સાધવાનો અભિગમ . બંનેમાં શરીરને કસવાનું – જરા વધારે, હજુ જરા વધારેની ભાવના પણ આપણે ત્યાં સ્વનાં કલ્યાણની ભાવના. ચાલતાં જાઓ ને રણછોડરાયને રીઝવો. આત્મા પરમાત્માની વાતો. ધર્મ જેટલો શ્રદ્ધા તરફ વળે એટલું મનોબળ વધે. મારે પરમાત્માને પ્રસન્ન કરવા છે. મારે પુણ્ય કમાવું છે. મારે મૃત્યુ પછી સ્વર્ગમાં જવું છે. ધર્મ જેટલો વિજ્ઞાન તરફ લઇ જઈએ તેટલો સમાજને લાભ થાય. પણ આપણે ત્યાં એવી ભાવના કેમ નથી?
એવું કેમ?
મનોબળ વધારીને ઉપવાસો અઠ્ઠાઈ કે અન્ય કષ્ટદાયક પ્રવૃત્તિઓથી સ્વનાં હિત સાથે સમષ્ટિના હિતનો વિચાર કર્યો હોય તો?
આપણે શીતળા , બળિયા કે પોલિયો જેવા બાળરોગોને નાથવા શીતળામાતા અને બળિયાબાપજીની પૂજાઓ કરી. તેમને રીઝવવા ઊંધા પગલે , આડા પગલે , એક પગે ,ચાલીને શરીરને કષ્ટ આપી મનોબળ મજબૂત કર્યું .
પશ્ચિમે એ બાળરોગોની રસી શોધી બાળરોગને કાબુમાં લીધા.
પણ એવું કેમ ? કેમ આપણી દ્રષ્ટિ સ્વકેન્દ્રી જ રહી ? કેમ આપણી દ્રષ્ટિ સ્વથી આગળ વધતી જ નથી?
એવું કેમ? પશ્ચિમની સંસ્કૃતિમાંથી ઘણું ઘણું ન અપનાવવા જેવું યે મોર્ડન છે કહીને આપણે આંધળું અનુકરણ કરીએ જ છીએ તો આ પદયાત્રાઓ સ્ત્રી શિક્ષણ , બાળઉછેર વગેરેની અવેરનેસ – જાગૃતિ માટે યોજવાનો વિચાર કેમ કોઈને આવતો નથી?
એવું કેમ?
nice article : interesting to know about similarity and differences of two world’s! thanks!
LikeLiked by 1 person
સારા બ્લોગ લેખન માટે બ્લોગાથોન યોજીએ તો કેવું?
————–
ડાકોરની પદયાત્રાના બે અનુભવો મારા બ્લોગ પર મુક્યા હતા. પ્રજ્ઞાબહેન પરવાનગી આપે ત્તો આ શુક્રવારે ‘બેઠક’ પર પોસ્ટ તરીકે મુકું.
LikeLiked by 1 person
બ્લોગાથોન? હા હા! નવો વિચાર ! પણ બેઠકની જન્મ જ્યંતીએ કરવાજેવું ખરું ! તમારી ડાકોરની પદયાત્રા લેખ વિષે જાણવું જરૂર ગમશે : you can tag me , I’ll go on yr site and read at my convenience . Thanks.
LikeLike
Gitaben vigtvar be sshrutini vat lkhi. abhinndn.
LikeLike
બે ભિન્ન સંસ્કૃતિ, ભિન્ન વિચારસરણી અને ભિન્ન અભિગમ…પર સરસ લેખ.
અને આ બ્લોગાથોનનો વિચાર પણ ગમ્યો..
LikeLike