૨૪ – હકારાત્મક અભિગમ- સ્વથી સર્વ સુધી- રાજુલ કૌશિક

આજે ફરી એકવાર ઘેર બેઠા વહેતી સોશિઅલ ગંગામાંથી જરા અમસ્તુ આચમન…..

એક કૉર્પરેટ કંપનીના મોટા હૉલમાં કંપનીના લગભગ બધા મેમ્બરને એકઠા કરવામાં આવ્યા હતા. પ્રસંગ હશે એ સૌને મોટિવેટ કરવાનો. હૉલમાં અર્ધ ગોળાકારે ગોઠવાયેલી બેઠક પર સૌ મોટી કંપનીને છાજે એવા સુટ-કોટ-ટાઇમાં બિરાજમાન હતા. હવે તો કૉર્પરેટ કંપનીમાં કામ કરતા સભ્યોની માનસિક તેમજ શારીરિક સ્વસ્થતાને પ્રાધાન્ય આપવાનું ચલણ અને વલણ વધતું જાય છે. ( સારી વાત છે નહીં?)

પ્રવક્તાએ સ્ટેજ પર આવીને માઇક હાથમાં લેતા આ પ્રસંગને અનુરૂપ પ્રસ્તાવતા બાંધી. થોડી મહત્વની વાતો કરીને સૌને એમની સાથે સાંકળી લેતા એક ઘોષણા કરી.

“ આજના આ પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા આજના આ મહત્વના કાર્યક્રમ તરફ આગળ વધતા પહેલા હું ઇચ્છીશ કે અહીં ઉપસ્થિત સન્માનીય સભ્યો આપની જગ્યાએથી ઊભા થઈને હૉલમાં ઉપસ્થિત સૌને મળે, હાથ મિલાવે અથવા એકમેકને ભેટે.”

આ માટે પાંચ મિનિટ ફાળવવામાં આવી હતી. સમય પુરો થતા સૌ પોત-પોતાની બેઠક પર ગોઠવાયા પછી પ્રવક્તાએ ફરી એકવાર માઇક હાથમાં લેતા ઘોષણા કરી.

“આપ સૌને ખાતરી છે કે આપે સૌને મળી લીધું છે?.. કદાચ તમારો જવાબ હશે હા.. પણ હું કહીશ કે ના.. કારણ આપ સૌએ મોટાભાગનાને તો મળી લીધું પરંતુ હું પણ અહીં ઉપસ્થિત જ હતો તેમ છતાં મને તો કોઇ મળવા આવ્યું જ નહીં. એટલું જ નહીં પણ કેટલાક એવા સભ્યો પણ હતા કે  જે પોતાની જગ્યાએ જ બેસી રહયા હતા એમને પણ કોઇ મળવા ગયું નહી. કારણ?”

હૉલમાં તો કોઇની પાસે જવાબ હતો નહીં.

પ્રવક્તાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું …“કારણ માત્ર એટલું જ કે મોટાભાગના સૌ પોતાની આસપાસ સુધી જ વિસ્તરેલા હોય છે.  મોટાભાગનાને પોતાના વર્તુળથી બહાર નિકળીને અન્ય સુધી પહોંચવામાં રસ નથી હોતો. કેટલાક એવા હતા જે પોતાની જગ્યાએથી ઊભા જ નહોતા થયા. જે ઊભા નહોતા થયા એમને સામે ચાલીને મળવા કોઇ આગળ વધ્યુ નહી.

સીધી વાત- દોસ્તી માટે જો હાથ લંબાવીએ તો જ દોસ્ત મળી રહેશે. તાલી એક હાથે ક્યારેય વાગતી જ નથી. સંબંધો વિકસાવવા માટે અંતરથી અને અંદરથી ખુલવાની જરૂર છે. આ વાત છે અપેક્ષા વગર, આપમાંથી બહાર આવી અન્ય સુધી પહોંચવાની. સ્વથી માંડીને સર્વ સુધી વિસ્તરવાની. દરેક સંબંધને જો નફા-નુકશાનના ત્રાજવે તોળવામાં આવશે તો શક્ય છે કે સાચો અને સારો સંબંધ ક્યાંય પામી નહી શકીએ.  ક્યારેક સ્વાર્થ વગરના પણ સંબંધ વિકસી શકે છે એવું સમજી લેવાની ય જરૂર છે.

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

`

 

 

 

 

 

 

10 thoughts on “૨૪ – હકારાત્મક અભિગમ- સ્વથી સર્વ સુધી- રાજુલ કૌશિક

  1. ” મોટાભાગના સૌ પોતાની આસપાસ સુધી જ વિસ્તરેલા હોય છે. મોટાભાગનાને પોતાના વર્તુળથી બહાર નિકળીને અન્ય સુધી પહોંચવામાં રસ નથી હોતો. ”
    Very true

    Liked by 1 person

  2. Pingback: ૨૪ – (હકારાત્મક અભિગમ) સ્વથી સર્વ સુધી. | રાજુલનું મનોજગત

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.