અગાઉ કહેલું એમ, મને અને અનુજને ગુજરાતી પુસ્તકોમાં કોઈ એક શ્રેણીમાં અમને બંનેને રસ પડતો હોય તો એ છે પ્રવાસ નિબંધ. અમને રાત્રે સુતા સમયે સાથે પ્રવાસ નિબંધો વાંચવાની ખુબ મજા પડે, રાત્રે સપના સરસ આવે! આ પુસ્તકે એક બેઠકે કે તરત નથી પત્યું, ૩ મહિના થયા હશે કદાચ. અને આ પુસ્તકમાં ૪૫ પ્રકરણ છે જેમાં અમે ૨ દિવસે એક એમ વાંચતા.
લેખક વિષે: આ પુસ્તકના લેખક છે કાકાસાહેબ કાલેલકર. મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર જેમનો જન્મ ૧ ડિસેમ્બર ૧૮૮૫માં થયો અને ૯૬ વર્ષનું આયુષ્ય એમણે ભોગવ્યું. ગુજરાતી સાહિત્યના ઉત્તમ નિબંધકાર અને પ્રવાસલેખકોમાંના એક. મૂળ મરાઠી પછી એલ.એલ.બી. ભણી, ગુજરાત આવ્યા અને ૧૯૧૫થી શાંતિનિકેતનમાં, ૧૯૨૦થી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક રહ્યા. દશેક વખત કારાવાસ ભોગવેલો અને પાંચેક વખત વિદેશપ્રવાસ ખેડેલો. અને ૧૯૬૪માં ‘પદ્મવિભૂષણ’નો ઈલ્કાબ અને ૧૯૬૫નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મેળવેલું. ગાંધીજીના અંતેવાસીઓમાંના એક એવા કાકાસાહેબને ગદ્યસામર્થ્યને કારણે ગાંધીજી તરફથી તેમને “સવાઈ ગુજરાતી” નું બિરુદ મળેલું છે.
પ્રવાસ વિષે: એમણે હિમાલયનો પ્રવાસ ૧૯૧૨ની સાલમાં ખેડેલો અને તેઓ રોજના વીસ – ત્રીસ માઈલ પગપાળા ચાલીને કુલ પચીસસો માઈલનો પ્રવાસ ચાળીસ દિવસમાં કર્યો હતો. હિમાલયની યાત્રામાં તેમની સાથે અનંતબુવા મરઢેકર અને સ્વામી આનંદ હતા. કાકાસાહેબે ૭ વર્ષ બાદ આ લેખમાળા એક હસ્તલિખિત માસિક માટે સાબરમતી આશ્રમના સાથીઓ તથા વિદ્યાર્થીઓ ખાતર શરૂ કરેલી. અને ૧૯૨૪માં પુસ્તક સ્વરૂપે આ પ્રવાસનિબંધ પ્રગટ થયા.
લેખક: કાકાસાહેબ કાલેલકર કીમત: ૬૦ રૂ. પાન : ૨૩૩ પુસ્તક વિષે: એમની સ્મૃતિપટલ પરની યાદો કેટલી તાજી હશે અને એનાથીય ઉત્તમ એમની લખવાની શૈલી એટલી અદ્ભુત છે કે મારા જેવા જેને હિમાલય જોયો નથી એને પણ ત્યાં પહોચ્યાનું પ્રતીત થાય 🙂 સ્થળની સૂક્ષ્માતિસૂક્ષ્મ ખાસિયતો અને સ્થળસંદર્ભે ચિત્તમાં જાગતાં સ્મૃતિસાહચર્યોને તેઓ અદ્ભુત રીતે આલેખે છે. પ્રવાસનોંધના પીસ્તાલીસ પ્રકરણો માત્ર હિમાલયપ્રવાસનાં નથી; એમાં પ્રયાગ, કાશી, ગયા, અયોધ્યા અને બેલુડ મઠની યાત્રાનો પણ સમાવેશ થયેલો છે. પ્રવાસનો આરંભ હરિદ્વારથી અને અંત જમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ તથા બદરીનાથ સમીપે થાય છે. ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકમાં ત્રિસ્થળી યાત્રાનાં તીર્થો પ્રયાગરાજ, વારાણસી, ગયા અને ચાર ધામ યાત્રાનાં તીર્થો બદરીધામ, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી એમ દરેક વિશે અલાયદાં પ્રકરણો છે. કાકાસાહેબે અયોધ્યા અને બોધિગયા, બેલુડ મઠ અને રામકૃષ્ણ સેવાશ્રમ અંગે સ્વતંત્ર પ્રકરણો આલેખ્યાં છે. લેખકે ગંગાદ્વાર અને હૃષીકેશ, દેવપ્રયાગ અને ઉત્તરકાશી, આલમોડા અને ભીમતાલ, ટેહરી અને પદમબોરી, રાણાગામ અને ભોટચટ્ટી જેવાં પ્રાકૃતિક-સાંસ્કૃતિક તેમજ ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો અંગે પણ નોખાં પ્રકરણો પાડ્યાં છે. પર્યટનમાં – મોટું ધામ હોય કે નાનું ગામ, પહાડની તળેટી હોય કે નદીનો તટ – વાતાવરણ, વ્યક્તિદર્શન અને વસ્તુસ્થિતિનું વર્ણન જીવંત હોય છે. આપણને પણ કાકાની આંગળી પકડીને તેમના સહવાસમાં પ્રવાસ કરતાં હોઈએ એવી અનુભૂતિ થતી રહે છે.
દત્તુ એટલે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર પોતાના શૈશવની સ્મરણયાત્રામાં સચવાયેલી હિમાલયની ઊંચાઈ અંગે કહે છે કે, “છેક નાનપણમાં જયારે હિમાલય વિષે સાંભળતો કે તે એટલો ઊંચો છે કે એનું શિખર જોવા જતાં માથાની પાઘડી નીચે પડી જાય છે…” (પૃ. 19) આ જ કાકાસાહેબે હિમાલયના સાક્ષાત્કાર પછી સર્જેલા શબ્દ-શિખર સામે આપણે નતમસ્તક થઈ જઈએ છીએ. તેઓ આવું આગવું વર્ણન કરે છે : “હિમાલય – આર્યોનું આ આદ્યસ્થાન, તપસ્વીઓની આ તપોભૂમિ, – પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયેર, મુમૂર્ષુઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુપક્ષીને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી ઉદ્દભવેલાં વાદળોનું એ તીર્થસ્થાન છે. કવિકુલગુરુએ એ ‘દેવાત્મા નગાધિરાજ’ને પૃથ્વીનો માનદંડ કહ્યો છે તે અનેક અર્થે યથાર્થ છે. હિમાલય એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષકિન્નરનું વસતિસ્થાન છે. જગતનાં સર્વે દુઃખોને સમાવી લે એવડો તે વિશાળ છે; સર્વ ચિંતાગ્નિને શમાવી દે એટલો એ ઠંડો છે; કુબેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઢ્ય છે; અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે.” (પૃ. ૪૪-૪૫) સહજવૃત્તિ અને સમજવૃત્તિના સાધક કાકાસાહેબ રમૂજવૃત્તિના સ્વામી છે. આ પુસ્તકમાં ઘણાં બનાવો અને બયાનો એવાં છે કે આપણાં હોઠ અને હૈયાને મલકવાની મજા પડે છે. લ્યો, આ એક પ્રસંગનો પ્રસાદ ચાખીએ અને ધન્ય થઈએ : “… નાહવાનો શરીરશુદ્ધિ સાથે અથવા મલાપહરણ સાથે કશો સંબંધ નથી, આખું શરીર પલળ્યું એટલે સ્નાન સંપૂર્ણ થયું. એ વ્યાખ્યા પ્રમાણે જ અમે નાહ્યા અને પાણીમાંથી જીવતા બહાર નીકળ્યા. અભ્રક અને અત્યંત ઝીણી રેતીને કારણે પાણી ડહોળું હતું. હું જ્યાં નાહતો હતો ત્યાં પાણી પૂરતું ઊંડું નહીં હોવાથી માથું પલાળવા માટે મારે ઉતાવળે પાણીમાં ડૂબકી મારવી પડી. મને શી ખબર કે મારા માથા આગળ જ એક ગોળ પ્રાચીન પથ્થર પાણીમાં ધ્યાનસ્થ બેઠો છે! અમારાં બંનેનાં માથાં પ્રેમથી સખત ભેટ્યાં. અવાજ તો થયો, પણ માથાની અંદર વેદના પહોંચવા જેટલું ચૈતન્ય ક્યાં રહ્યું હતું. બધિર શરીરે હું પાછો દોડતો નીકળ્યો ને ધૂણી આગળ હાથ તપાવ્યા પછી જ પલાળેલાં કપડાં નિચોવવા પામ્યો. બીજે દિવસે કપાળ ઉપર પેલા મારા મિત્રની નાનીશી પ્રતિકૃતિ ઊપસેલી દેખાઈ ત્યારે અમારો ભેટો કેટલો પ્રેમાળ હતો એનું પ્રદર્શન થયું.” (પૃ. ૧૪૯-૧૫૦)
ધર્મદર્શનના સઘન અભ્યાસી કાલેલકર સમાજજીવનના સચોટ અવલોકનકાર સાબિત થાય છે. તેઓ માત્ર પર્યટનમાંથી નિજાનંદ નથી લેતા, પર્યાવરણ અંગે નિસબત પણ વ્યક્ત કરે છે. તેઓ ઘટનાક્રમને બોધપાઠમાં ફેરવી આપે છે. એમણે આપેલા આ ઉદાહરણથી આપણી સમજણ પણ સ્પષ્ટ થશે : “ હિમાલયના ખેડૂતની રસોઈમાં અજબનું સ્વાવલંબન હોય છે. તેની પાસે વહોરાની ટોપી જેવી એક મોટી લોઢાની તપેલી કે તાંસળી હોય છે. એમાં એ પહેલાં લોટ બાંધીને પથરા પર મૂકી દે છે. પછી ત્રણ પથરાના ચૂલામાં દેવતા સળગાવી તેના પર એ જ તાંસળીમાં રોટલીઓ શેકી લે છે. એ બધી રોટલીઓ હાથરૂમાલ પર રાખી ફરી એ જ તાંસળીમાં શાક રાંધી લે છે. તાંસળી લોઢાની એટલે ગમે તે શાક એક જ રંગનું થઈ જાય છે. હવે એને શું જોઈએ? શાકરોટલી ધરાઈને ખાય અને તાંસળી ઊટકે એટલે પાણી પીવાનું પણ એ જ વાસણ. જમીને બપોરે જરા વામકુક્ષિ કરી લે, અને એ જ તાંસળી માથા પર રાખી એના પર ફેંટા જેવું બાંધી દે, એટલે કેરીના ગોટલા જેવડા કરા આકાશમાંથી પડે તોયે શિર સલામત. આટલી સૂઝ અને હિકમત હોવા છતાં શહેરીઓ કહે છે કે પહાડના લોકો જંગલી. જંગલી ખરા જ તો ! જંગલમાં રહે તે અપંગ હોય નહીં અને અપંગપણું એ તો સુધારાનો પાયો અને શિખર છે. અસંખ્ય સાધનો વગર જે ચલાવી ન શકે તે સુધરેલો, અને ઓછામાં ઓછાં સાધનથી ચલાવવાની બાહોશી જેનામાં છે તે જંગલી, એ વ્યાખ્યા શું સાચી નથી?” (પૃ. ૧૦૭-૧૦૮)
આ પુસ્તકમાંપદયાત્રી અને કલમયાત્રી કાકાસાહેબ કાલેલકરે પર્યટન-સ્થળોથી માંડીને પ્રકૃતિ-સૌંદર્યનું આબેહૂબ અને આહ્લાદક વર્ણન કર્યું છે. તેમણે મઠથી માંડીને મંદિર અને પાઠશાળાથી માંડીને ધર્મશાળાની મુલાકાતો લીધી છે. કાકાસાહેબે વૃક્ષો અને વાદળો, પુષ્પો અને પહાડો, ઝરણાં અને તારલા, સરોવર અને આકાશ, પથ્થર અને બરફ વિશે રસપ્રદ વાત માંડી છે. તેમણે સાધુઓ-સંન્યાસીઓ, ઋષિ મુનિઓ-નાગા બાવાઓ, વેપારીઓ-પ્રવાસીઓ, ખેડૂતો-મજૂરો સાથે સંવાદ કર્યો છે. કાકાસાહેબનાં બીજાં લખાણોની જેમ આ પુસ્તકમાં પણ સંસ્કૃત અને મરાઠી સાહિત્યમાંથી અવતરણો ઘણી જગ્યાએ જોવા મળે છે.
સરસ, અહીં લિન્ક ઉમેરી દીધી. https://sureshbjani.wordpress.com/2014/09/11/kaka_kalelkar/
તેમાંનો એક લેખ ‘ગંગા ‘ વિશે અમારે ભણવામાં આવતો હતો. તેની પરથી પ્રેરણા લઈ. ‘સરિતા’ નામના ત્રણ લેખોની શ્રેણી લખી હતી. ‘બેઠક’ના મિત્રોને પણ એ ગમશે એવી આશાથી એની લિન્ક આ રહી –
Pingback: કાકા કાલેલકર, Kaka Kalelkar | ગુજરાતી પ્રતિભા પરિચય
સરસ, અહીં લિન્ક ઉમેરી દીધી.
https://sureshbjani.wordpress.com/2014/09/11/kaka_kalelkar/
તેમાંનો એક લેખ ‘ગંગા ‘ વિશે અમારે ભણવામાં આવતો હતો. તેની પરથી પ્રેરણા લઈ. ‘સરિતા’ નામના ત્રણ લેખોની શ્રેણી લખી હતી. ‘બેઠક’ના મિત્રોને પણ એ ગમશે એવી આશાથી એની લિન્ક આ રહી –
https://gadyasoor.wordpress.com/2008/04/26/river/
https://gadyasoor.wordpress.com/2008/07/28/sarita_2/
https://gadyasoor.wordpress.com/2008/07/29/river_3/
LikeLike