વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -અષાઢી મેઘલી રાત -૫-

છન.. છન…છન.. છમ…છમ….

દૂરથી સંભળાતો એકધારો અવાજ પાસે અને પાસે આવી રહ્યો હતો. રાતના બાર વાગે સૂમસામ રસ્તાઓ પર ભેંકાર ભયાવહ સોપો પથરાઇ ગયો હતો. એવામાં આ એકધારા અવાજ સિવાય બીજો કોઇ અવાજ હોય તો એ હતો તમરાઓનો. પેલા છન..છન..ના અવાજમાં તમરાઓનો અવાજ ભળી જઈને કોઇ અજબ જેવી બિહામણી સૂરાવલિ રચતો જતો હતો.

આ આજ કાલની વાત નહોતી. છેલ્લા કેટલાય સમયથી રાત્રે વાગે બાર અને શરૂ થઈ જાય પેલો છન…છન. છમ અવાજ. જોનારાનું તો કહેવું હતું કે આ અવાજની સાથે કોઇ હાથમાં હાલતું ડોલતું ફાનસ પણ એની હારે હારે  હાલ્યુ આવે છે. કોઇ વળી એવી વાત લાવ્યું કે પેલા નાથાએ તો સફેદ લૂગડાંમાં કોઇ બાઇ માણસને હાથમાં ફાનસ લઈને આવતી ભાળી. અને બસ પછી તો પૂછવું જ શું?

અને પછી તો ધીમે ધીમે વાત વાયરે ચઢી..એક કાનેથી બીજા કાને વહેતી વાતે તો લોકોમાં ભયનું સામ્રાજ્ય ફેલાવા માંડ્યુ. વાત છે લગભગ ૧૯૬૮ની સાલની એટલે કે લગભગ પચાસ વર્ષ પહેલાની. ત્યારે તો અમદાવાદના આ વિસ્તારમાં આજના જેવી અને જેટલી સોસાયટીઓ વિકસી નહોતી. એક સીધી પાકી સડક હતી પણ એ સિવાય બાકીના તો કેટલાય કાચા રસ્તાઓ પાકી સડકમાં રૂપાંતરિત થવા માટે  સરકારી મંજૂરીની મહોર માટે રાહ જોતા હતા. વરસાદ પડે ત્યારે કાદવ-કીચડમાં બદલાઇ જતા આ કાચા રસ્તાઓ મૂળ તો ખેતરાઉ જમીન હતી એના પર ધીમે ધીમે સોસાયટીઓ બંધાવા માંડી હતી.

હા ! તો વાત હતી એ પાયલ જેવા છમકતા અવાજની. ઉનાળાના બળબળતા દિવસોનો અંત આવવા માંડ્યો હતો.  આકાશમાં કાળા વાદળોએ પોતાનું સામ્રાજ્ય જમાવા માંડ્યુ હતું. ક્યારેક કડાકા-ભડાકા સાથે એ ઘેરાયેલા વાદળો તુટી પડતા. અને એ કડાકા-ભડાકા સાથે તુટી પડેલા વરસાદ પછીની સાંજ એટલી તો ખુશનુમા બની જતી કે મન મોર બનીને થનગનાટ કરી દે અને મન એકલું જ ક્યાં મોર બનીને થનગનાટ કરતું ? સાથે દૂરથી સંભળાતા કેકારવમાં મોરનો થનગનાટ પણ અનુભવી શકાતો. પણ આ બધો ઉન્માદ સાંજ ઢળતાની સાથે જ આથમી જતો અને ફેલાતો જતો એક ભયભર્યો ઓથાર. આમ પણ આવી વાતની સાથે તો બીજી અનેક વાતો વહેતી થાય ને!

સાંભળ્યુ કે…..કહીને કોઇ વળી કહેતું કે “વી.એસ. હોસ્પીટલના રસ્તે એક ઘોડાગાડીવાળો છે જે તમને એની ઘોડાગાડીમાં બેસાડે અને જ્યારે તમે ઉતરવા જાવ ત્યારે એ પાછળ ફરીને તમારી સામે જુવે ત્યારે જ ખબર પડે કે એના ચહેરા પર તો આંખો છે જ નહીં… માત્ર બે બાકોરા જ છે…”

કોઇ વળી એવી વાત લાવતું કે….“ જો જે હોં ! રાત પડે રેલ્વેના પાટા ઓળંગીને પેલી પા જઈશ નહીં….જોયો નથી પણ કોક અવગતિયો આત્મા ત્યાં ભટકે છે…પાટા ઓળંગીએ ત્યારે આપણા પગમાંથી એ અવગતિયો જીવ ચંપલ જ ખેંચી લે છે..”  ભયથી થથરતા પણ તો ય આવી વાતોના પડીકા તો સૌ છૂટથી વહેંચતા રહેતા.

પણા આ છન છન..છમ..વાળી તો સાવ નવી જ વાત હતી..સાંભળવામાં મીઠ્ઠા લાગતા અવાજે પણ એ એરિઆમાં જબરી ધાક ઊભી કરી દીધી હતી.

આમ તો આ છન..છનનો અવાજ કેટલો મીઠો લાગે ? કોઇ નવી નવેલી દુલ્હનના હળવા પગલાની ચાલ સાથે રણકતા પાયલનો અવાજ એના પીયુના મનમાં કંઇ કેટલાય કોડ જગાવે પણ આશરે રાત્રે બાર વાગ્યાના સુમારે સંભળાતા આ રણકારે તો આખા વિસ્તારમાં ભયનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતુ. ઉનાળાની મોડી સાંજ સુધી ટહેલનારા લોકો પણ રાતની રાહ જોયા વગર ઘર ભેગા થવા માંડ્યા હતા.

*****

હવે અહીં વાત કરવી છે  નિહારિકાની…એટલે કે પેલી આકાશગંગા નહીં…. એ તો વળી આવી અષાઢી મેઘલી ઘનઘોર રાતે ક્યાં દેખાવાની હતી ? આ તો વાત છે નિહારિકા એટલે કોલૅજના પ્રથમ વર્ષમાં પ્રવેશેલી સોળ વર્ષી કન્યાની… જેના બંગલાથી જ પેલી એક માત્ર પાકી સીધી આલ્સ્ફાટની સડક શરૂ થતી હતી એ નિહારિકાની. આ બંગલો પણ જાણે મોકાની જગ્યાએ…..સીધી સડક જાણે આ બંગલા માટે જ ના બંધાઇ હોય! આ બંગલાના મેઇન ગેટમાં પ્રવેશો એટલે ડ્રાઇવ વૅ શરૂ થાય જે કારના પાર્કિંગ શેડ સુધી લંબાય . આ મેઇન ગેટની ઉપર અર્ધ કમાન પર ચઢેલી , ફાલેલી અને  ફૂલોથી લચેલી બોગનવેલ. એની જમણી બાજુએ મધુમાલતી, જૂઇ, રાતરાણી, પારિજાત, મોગરા અને બટ-મોગરાથી મઘમઘતા લીલાછમ ક્યારા. મેઇન ગેટની તરત જ ડાબી બાજુએ ગુલાબના ક્યારા અને એ ક્યારાની વચ્ચેથી નાનકડી પગદંડી અને ત્યાંથી શરૂ થતી લૉન. વરસાદથી ધોવાઇને તાજા દેખાતા આ ફૂલોના ક્યારા નિહારિકાને જોવા ખુબ ગમતા. વરસાદની ભીની માટી સાથે ભળી જતી રાતરાણીની સુગંધ એના મનને તરબતર કરી દેતી અને ભીની લૉન પર ચાલવું તો એને ખુબ ગમતું . સાંજ પડે ઇઝી ચેર ગોઠવીને તો નિહારિકા અને મમ્મી-પાપા પણ ક્યાંય સુધી બેસીને વાતો કરતાં અને એમનો તુલસી કામથી  પરવારીને સોસાયટીના નાકે એના જેવા ભેરુઓ સાથે પોરો ખાતો.

પણ હવે વાતાવરણ બદલાયું હતું. રાત પડે ઘરકામથી પરવારીને સોસાયટીના નાકે ભેગા થઈને બેસતા તુલસી અને એના ભેરુઓએ પણ ભેગા થવાનું માંડી વાળ્યુ હતું. આજ સુધી તો રાત્રે બંગલાના ઓટલા પર તુલસી સૂઇ જતો. અરે ! તુલસી જ કેમ સામે દેખાતા બંગલાનો બંસી, સોસાયટીના દરેક ઘરમાં કામ કરતા અને રહેતા શંકર, ભીમજી, લક્ષ્મણ, ગટુ સૌને ઓટલા પર જ સૂઇ જવું માફક આવતું પણ આ છન.. છન…છન.. છમ…છમ…. છન્ન્ન છન્ન્નના અવાજ અને એ અવાજની હારો-હાર હાલક-ડોલક કરતા હાલ્યા આવતા ફાનસે તો એ સૌની ઊંઘ હરામ કરી દીધી હતી. હવે તો કોઇ બહાર ઓટલા પર સૂવા તૈયાર નહોતા.

જો કે આ બધી ડરામણી વાતો ઘરની બહાર સૂતેલા માણસો વચ્ચે ઘૂમરાયા કરતી હતી. ઘરની અંદર એ.સીની ટાઢકમાં સૂતેલા નિરાંતવા જીવો સુધી તો એ ભયની ભૂતાવળ હજુ પહોંચી નહોતી. જે થોડી ઘણી છૂટી-છવાઇ ચર્ચાઓ કાન સુધી પહોંચી હતી એ વાતોમાં પણ એમને ખાસ દમ લાગતો નહોતો.

હા તો આપણે વાત કરતા હતા નિહારિકાની..નિહારિકા અને પ્રીતિ….કોલૅજ જુદી પણ મન ભેળા..સાંજ પડે કોલૅજથી છુટીને પ્રીતિ સીધી જ પોતાને મળવા આવશે જ એવી પાકી ખાતરી..એટલે નિહારિકા પણ એની રાહ જોતી. આખા દિવસની ભેગી થયેલી વાતોનો ખજાનો સાંજ પડે ખુલી જતો. વાતો કરવાનો આ એક જ સમય. કારણકે જમી પરવારીને બંને વાંચવા ભેગા થાય ત્યારે માત્ર વાંચવાનો નિયમ…….વાતો ?……ના રે ના…જરાય નહીં ને…

આજે જમીને પ્રીતિ આવી ત્યારે વાતાવરણ એટલું તો આહ્લાદક હતું કે બંને જણ લૉનમાં ઇઝી ચેર પર જ વાંચવા ગોઠવાઇ ગયા. વાંચવામાં મશગૂલ એવા નિહારિકા અને પ્રીતિનું પસાર થઈ રહેલા સમય પર જરાય ધ્યાન નહીં. સમય એની ગતિએ આગળ વધતો હતો.

ટપ..ટપ…ટપાક..ટપાક…વરસાદના બે-ચાર ટીપા બંનેના હાથ પર પડયા. હાથ પર કેમ…પુસ્તક પર પણ પડ્યા સ્તો…અને અચાનક બંને ધ્યાનભંગ થયા. ઝટપટ પુસ્તકો અને ઇઝી ચેર સમેટીને બંને લૉનમાંથી જ સીધા ઘરમાં જવાના બારણા તરફ વળ્યા કોણ જાણે કેટલા વાગ્યા હશે પણ રાત મધરાત તરફ ખસી રહી હતી એવું પણ એ વખતે જ સમજાયું.  હજુ તો ઘરમાં પ્રવેશે એ પહેલા જ લાઇટો ગૂલ.. અચાનક અમાવસની અષાઢી મેઘલી રાતનું ચોસલા પાડે એવું અંધારુ જાણે બંનેને વિંટળાઇ વળ્યું.  અંધારામાં હાથથી ફંફોસીને અહીં બારણું છે એવું અનુભવે  એ પહેલા તો દૂરથી અવાજ કાને પડ્યો…

છન. છન… છન..છન…છમ… બંને ભયથી પહેલા તો છળી ઉઠ્યા અને ત્યાં જ થીજી  ગયા. ઉડતી વાતો તો એમણે પણ સાંભળી હતી પણ જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી તો આવી વાતોને ગપગોળા જ માની લીધા હતા. કંઇ કેટલી ય વાર તુલસીએ પણ સમજાવવા પ્રયત્ન કર્યો હશે પણ અક્કલ એની વાત માનવા તૈયાર નહોતી. આજે સમજાયું કે અક્કલની પેલે પાર પણ કશુંક અપાર્થિવ હોઇ શકે ખરું. ઝટપટ ઘરમાં પેસવાનું બારણું બંધ કરીને ઇઝી ચેર ત્યાં જ પડતી મુકીને બંને જાણે હોડ પર ઉતર્યા હોય એમ એક બીજાના હાથ પકડીને ઘરમાં ધસ્યા.

અંધકારમાં એમના શ્વાસની ગતિ જોઇ કે સાંભળી હોય તો……બાપરે ! હવે ? બારણું બંધ થવાના લીધે પેલા અવાજની તિવ્રતા ઘટી હોય એવું ય લાગ્યું. વળી પાછી થોડી હિંમત આવી. ઘરમાં જ છીએ ને..ક્યાં રસ્તા પર કે ઓટલા પર બેઠા છીએ એવી ખાતરીથી શ્વાસની ગતિ જરા ધીમા લય પર આવી.

હવે ? એટલું તો હતું કે બંને સાથે હતા એટલે ઘરમાં કોઇને ઉઠાડવાની જરૂર તો ના લાગી. શ્વાસની ગતિ જરા ધીમી પડી હોય એટલે અથવા પેલો અવાજ વધુ નજીક આવી રહ્યો હતો એટલે  હોય પણ પાછી એ અવાજની તિવ્રતાએ જોર પકડ્યું.

વિસ્તારમાં ફેલાઇ રહેલી એ વાતો માત્ર અફવા કે ગપગોળા નહોતા એવું સ્વીકારવા મન તૈયાર થયું. પણ આ પાર કે પેલે પાર હવે તો આ વાતની ખાતરી કરી જ લેવી છે એવું ય નક્કી કરી લીધું. નિહારિકા અને પ્રીતિએ ડ્રોઇંગરૂમ તરફ હળવે પણ મક્કમ પગલે ખસવા માંડ્યુ. હજુ ય અંધારામાં હાથથી ફંફોસીને જ આગળ વધવું પડે એમ હતું. પપ્પાએ કેટલી વાત કહ્યું હતું કે આવા વરસાદની મોસમમાં બેટરી હાથવગી રાખવી સારી. એમ તો દરેક રૂમના  ટેબલ પર મીણબત્તી અને દિવાસળીની પેટી ય મમ્મીએ મુકી જ હશે પણ રખેને એ અજવાળું બહાર સુધી પહોંચી જાય તો !  ધીમે ધીમે બંને ડ્રોઇંગરૂમ સુધી પહોંચ્યા તો ખરા.  ડ્રોઇંગરૂમની એક બારી મેઇન રસ્તો દેખાય એવી રીતે પડતી હતી એ બારી જરાક જ ખોલીને બહાર રસ્તો દેખાય એવી રીતે બંને એકબીજાનો હાથ મજબૂતાઇથી પકડીને ઊભા રહયા. કોણ હશે ?

“સફેદ લૂગડામાં કોઇ બાઇ માણસ છે…” એવું તુલસી કહેતો..

“ના રે ના.. એને વળી ક્યાં ધડ કે માથુ છે? ખાલી હળગતું ફાનસ છે એ..” બંસી બોલતો..

આજ સુધી આવી બધી વાતો ક્યાં ગણકારી હતી પણ આજે એ વાતોમાં કંઇક તો તથ્ય હશે એવો વિચાર તો આવી જ ગયો નિહારિકા અને પ્રીતિ બંનેને.

હવે તો અવાજ વધુ અને વધુ નજીક આવવાના લીધે સ્પષ્ટ થતો જતો હતો..અષાઢી મેઘલી રાતના આ અંધકાર અને સન્નાટાભર્યા વાતાવરણને ચીરતો એ પાયલનો છમ છમ..છન..છન…આવાજ જેમ જેમ નજીક આવતો ગયો એમ જાણે ફરી ભય બંનેને ઘેરી વળ્યો..હ્રદયના ધબકારા પેલા ડરામણા અવાજથી પણ વધુ તેજ બનતા ચાલ્યા.નિહારિકાને યાદ આવ્યું નાનપણથી મમ્મી કહેતી જ્યારે ડર લાગે ત્યારે હનુમાન ચાલીસા બોલવા. હનુમાનજીની આણ દેવી. એમાં એવી તો શક્તિ છે કે ભલભલા ભૂત, પ્રેત, પિશાચ કે ડાકણ તમારી પાસે ફરકતા પણ ડરે..

અને નિહારિકાએ “શ્રી ગુરુ સરોજ રજ,

નિજ મન મુકુર સુધારિ”….થી માંડીને એક શ્વાસે અને ધડકતા હ્રદયે

આપન તેજ સમ્હારૌ આપે

તીન લોગ હાંક તે કાંપે

ભૂત પિશાચ નિકટ નહીં આવૈ

મહાવીર જબ નામ સુનાવૈ….. સુધી  હનુમાન ચાલીસાનું રટણ શરૂ કરી દીધું.

નિહારિકા અને પ્રીતિથી માંડીને આખા વિસ્તારમાં ભયથી થરથરતા લોકોથી અજાણ એ અવાજ તો નિરંતર  મક્કમ ચાલે ચાલ્યો આવતો હતો. અષાઢી મેઘલી રાત અને ઘરમાં ફેલાયેલા અંધકારના સામ્રાજ્ય પર હાવી થતો જતો હતો….

વળી બહાર રસ્તા પર સ્ટ્રીટ લાઇટ ચાલુ હતી. એટલે જે હશે એ સ્પષ્ટ દેખાશે તો ખરું જ એમ વિચારીને નિહારિકા અને પ્રીતિ હિંમત એકઠી કરીને ઊભા તો રહ્યા જ. ડ્રોઇંગરૂમની જરા ખુલ્લી રાખેલી બારીમાંથી  થોડે દૂર સુધીનો રસ્તો દેખાતો હતો. હવે તો પાસે આવેલા અવાજની સાથે હાલક-ડોલક ફાનસ પણ નજરે પડ્યું. પણ ફાનસની પાછળનો ઓળો હજુ ય થોડો ઝાંખો હતો. એ જરા પાસે આવે તો ખબર પડે કે બાઇ છે કે ભાઇ…

ભયથી ધડકારા તેજ થતા ગયા.. હનુમાન ચાલીસાનું રટણ હજુ ય ચાલુ હતું.  પરસેવાના લીધે હથેલીઓ ભીની થઈ ગઈ હતી. ચહેરા પરથી પણ પરસેવો નિતરવા માંડ્યો હતો. બીકના માર્યા આંખો પલક ઝપકાવાનું સુધ્ધા ભૂલી ગઈ હતી અને એ રસ્તા પર મંડાયેલી અપલક નજર  સામે એ ઓળો ય સ્પષ્ટ થયો…શું હોઇ શકે એની કલ્પના આવે છે?

નહીં ને? તો સાંભળીએ નિહારિકા પાસે જ …

“ મમ્મા, જેમ જેમ ફાનસ પાસે આવ્યું તો ખબર પડી કે એ શું હતું..”… બીજે દિવસે સવારે ચા પીતા નિહારિકા એના મમ્મી-પાપાને આગલી રાતના અનુભવ વિશે વાત  કરતી હતી.  “મમ્મા એ તો પેલા ચાર રસ્તા પર પાણી-પુરીની લારી લઈને ઊભા રહે છે ને એ પર્બતસિંહ એમની લારી લઈને પાછા આવે છે ને  એ હતા.  તુલસી કહે છે એ હાલક-ડોલક દેખાય છે એ એમની લારીની આગળ લટકાવેલું ફાનસ છે અને જે છન્ન છન્ન..છમ..છમ..અવાજ છે ને એ તો એમની લારી પર બાંધેલા પૈડાનો અવાજ છે. .”

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.