અવલોકન -૧૬-હીમકણિકા

     હવામાં ભેજનું પ્રમાણ વધતું જતું હતું. એમ જ ઠંડીનું પણ. થર્મોમીટરનો પારો શૂન્યથી પણ નીચે જતો રહ્યો હતો. ઝાડના પાંદડાં પરના બાષ્પબિંદુઓ થીજવા માંડ્યા હતા. કાચાં પોચાં પાંદડાં તો ક્યારનાંય ખરી ચૂક્યાં હતાં. પણ આ તો ઠંડા પ્રદેશનાં ખમતીધર, જાડી ચામડીનાં પર્ણો હતાં ને!

      ધીમે ધીમે વરસાદના છાંટાં પડવા માંડ્યા. હવાની ઠંડી હજુ તેમને થીજાવી શકે તેટલી પર્યાપ્ત ન હતી. જેમ જેમ એ વર્ષાબિંદુઓ ઠંડાગાર પાંદડાં ઉપર પડી એકઠાં થવાં માંડ્યાં; તેમ તેમ તે ઠંડાં અને વધુ ઠંડાં થવા લાગ્યાં. એમનો સરકતો એક રેલો ઠંડા બાષ્પબિંદુઓ પરથી પસાર થતો થતો, વધારે ને વધારે ઠંડો થવા લાગ્યો.

    પાંદડા પરથી ટપ્પક..ટપ્પક…ટપ્પ…ટપ્પાક, ટપ્પાક… નીચે ટપકી પડવાનો પોતાનો જાતિસ્વભાવ છોડી; નીચે ધરાશાયી થતાં પહેલાં જ એ તો ઠરી ગયો. સોડ વાળીને ઈવડો ઈ તો પોઢી ગયો!  ઓલ્યું બાષ્પબિંદુ, આ રેલાના આશ્લેષમાં પ્રાપ્ત થયેલી નવી સંપદાથી વધુ પુષ્ટ બનવા માંડ્યું. એ સાવ ઝીણા મોતી જેવું હતું; પણ હવે તેની કાયા વિસ્તરવા લાગી. એ તો લાખેરાં મૂલ્ય વાળા મોતી જેવું, મોટું મસ બનતું ગયું.

    વરસાદ ટૂટી પડ્યો. રેલે રેલા….. પાણીની છાકમ છોળ……. થીજેલા એ મોતી પરની એમની એ સફર એમનેય થીજવાની માયા લગાવતી ગઈ. હવે એ મોતી તો ઝૂલતું લટકણિયું બનવા માંડ્યું. એલચીના દાણા જેવડું, ને પછી લવિંગની લાકડી જેવડું, ને પછી પીકનની ફાડ જેવડું.

    અને લ્યો! આ તો ત્રણ ઈંચ લાંબી હીમકણિકા બની ગયું. એની આવી અનેક સહીપણીઓ ઝાડની ડાળ પર, પવનમાં  ઝૂલતી ઝૂલતી, ‘કોની મિલ્કત મોટી?’ – એની હોડ બકવા માંડી! ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં હીમનાં ઝુમ્મરો જ ઝુમ્મરો.

કોક કોક તો
મકાનના છાપરાં પરથી હીંચતા
વાર, બે વાર લાંબા
ઝુમ્મર !

iscicle

      વરસાદ થંભી ગયો. વાદળ વિખેરાઈ ગયાં. એમની આડશે ઢંકાયેલા સૂરજે, બીતાં બીતાં ડોકિયું કર્યું. એ તો ગુસ્સામાં રાતો પીળો અને આકુળ વ્યાકુળ બની ગયો. પોતાના ગરમાગરમ સામ્રાજ્ય પર વ્યાપી ગયેલી કડકડતી ઠંડીની આ અનધિકાર ચેષ્ટા જેવી વિરાસત પર કડવી, રાતી, તીખી નજર કરતો સૂરજરાણો, ક્રોધમાં પ્રદિપ્ત બની, થર્મોમીટરને ઉશ્કેરતો રહ્યો. પારાને ઊંચે ને ઊંચે ચઢાવતો રહ્યો.

   ધીમે ધીમે બધીય હીમકણિકાઓ ટપક ટપક ઓગળવા લાગી. ફરી પાછું એ ટપ્પક..ટપ્પક…ટપ્પ…ટપ્પાક, ટપ્પાક… ચાલુ! જમીનમાં ધરબાઈને પોઢેલા, સુક્કા ઘાસના મૂળની વાસંતી તરસ, વસંતના આગમન પહેલાં થોડી  જ સંતોષાવાની હતી? પણ શિયાળાની મોસમમાં ભીંજાવાનો, અનેરો લ્હાવો કાંઈ જતો કરાય ?

    કાલે દખણાદા વાયરા વાવાનો વાવડ છે. ફરી ભીંજાયેલી ધરતી તપશે. અને ભીંજાયેલું ઘાસ ફરી સુકાશે. ધીમે ધીમે એમાં લીલાશ ફરીથી પાંગરશે. એ હીમકણિકાઓ ફરી પાછી ભેજ બનીને વાતાવરણમાં ઓગળી જશે.

  • વરસાવું
  • રેલાવું
  • થીજાવું
  • જામવું
  • ઝુલવું
  • ઓગળવું
  • ફરી રેલાવું
  • સુકાવું
  • વિસ્તરવું
  • વિખેરાવું

   સતત પરિવર્તન જ પરિવર્તન …

4 thoughts on “અવલોકન -૧૬-હીમકણિકા

  1. સુરેશભાઈ, તમારો આજનો આ લેખમાં મને એક અનુભવિ સાહિત્યકારના લખાણનો અનુભવ થયો. એક ઈલેક્ટ્રીકલ એંજીનીઅર ભાષા ઉપર આવું પ્રભુત્વ ધરાવે એ ભાગ્યેજ જોવા મળે છે. તમારી અવલોકન શક્તિ હું સમજી શકું છું, કારણ કે એંજીનીઅરની અવલોકન શક્તિ સારી હોવી જરૂરી છે.

    Like

  2. અદભુત અવલોકન .
    ખરેખર એમ જ હિમ તોરણો બંધાતા જાય છે .
    શક્ય છે આવા જ કોઈના અવલોકનમાંથી
    હાલમાં પ્રચલિત તોરણો અસ્તિત્વમાં આવ્યા હશે .

    Like

  3. Pingback: અવલોકનો – સુરેશ જાની | "બેઠક" Bethak

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.