ટપાલ
ટપાલ શબ્દ ‘ટપ્પો’ પરથી આવ્યો. ડાક, પત્ર, ચિઠ્ઠી, કાગળ, પોસ્ટકાર્ડ, અંતરદેશીય, પરબીડીયુ એટલે ટપાલ. અંગ્રેજીમાં તેને ‘Post’ કે ‘Mail’ કહેવાય. જેમાં પત્રો નંખાય તેને ટપાલપેટી કહેવાય. ટપાલને, જે તે વ્યક્તિ સુધી પહોંચાડનારને ડાકીયા, ટપાલી કે પોસ્ટમેન કહેવાય. આ માટેની ઓફીસને ડાકઘર, ટપાલકચેરી કે પોસ્ટઓફીસ કહેવામાં આવે છે.
ટપાલયુગથી ઇ-મેઇલ સુધીની યાત્રા રસપ્રદ છે. ટપાલ સંદેશાવહેવારનું સબળ અંગ છે. વિશ્વનો સર્વપ્રથમ પ્રેમપત્ર રૂકમિણીજીએ કૃષ્ણ ભગવાનને લખ્યો હતો. કવિ કાલીદાસે મેઘને પોતાનો ટપાલી બનાવીને પ્રિયતમાને સંદેશ મોકલ્યો હતો. રાજાઓ દૂત દ્વારા પોતાનો સંદેશ મોકલતા. ક્યારેક કબૂતરને દૂત બનાવતા. સૌ પ્રથમ પર્શિયાના રાજા સાયરસે સંદેશા પહોંચાડવા માટે ઘોડા દ્વારા ટપાલ વ્યવસ્થા શરૂ કરી. આમ કરવાથી સંદેશાવ્યવહારની ગતિ થોડી વધી. ભારતમાં ટપાલસેવાનો પ્રારંભ ૧૮૩૭માં થયો હતો. આજે ભારતમાં દોઢ લાખ ઉપર પોસ્ટઓફીસો છે. ટપાલના પ્રકારોમાં સાદી ટપાલ અને રજીસ્ટર્ડ પોસ્ટ, સ્પીડપોસ્ટ, અંતરદેશીય અને આંતરદેશીય, ટેલીગ્રામ કે તારસેવા કે મનીઓર્ડરનો સમાવેશ થાય છે. ભારતમાં ૧૯૧૧માં પહેલી વખત વિમાનમાં ટપાલ લઇ જવામાં આવી હતી. ટપાલને ઝડપથી છૂટી પાડવા માટે પોસ્ટઓફીસોને પીન કોડ આપવામાં આવ્યા હોય છે. પોસ્ટઓફીસોમાં જુદા જુદા રંગની ટપાલપેટીઓ મૂકવામાં આવી હોય છે. ૯ ઓક્ટોબર, વિશ્વ-ટપાલ દિન તરીકે ઓળખાય છે. ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે પોસ્ટકાર્ડ પર જય-હિન્દનો ખાસ સીક્કો મારવામાં આવ્યો હતો. રક્ષાબંધન, દિવાળી કે અન્ય વાર-તહેવારે ટપાલ આશીર્વાદરૂપ બને છે. ટપાલ ટિકિટ, પોસ્ટકાર્ડ તેમજ પરબીડિયાના સંગ્રહનો લોકો શોખ ધરાવતાં હોય છે.
આજે ટપાલનું સ્થાન બદલાયું છે. કોમ્પ્યુટર પર ટાઇપ કરેલો મેસેજ કે ઇ-મેઇલ થોડીજ ક્ષણોમાં વિશ્વના કોઇપણ ખૂણે પહોંચાડી શકાય છે. આજના મોબાઇલના ટચસ્ક્રીન પર વોટ્સએપ ટપાલીનું કામ કરે છે. જય શ્રીકૃષ્ણને JSK લખનાર ભક્તોની ભક્તિનું પૂછવુંજ શું? ‘To the point’ વાત કરવાવાળો યુવાન ટપાલ અને ટપાલીને ક્યાંથી ઓળખે? સૌથી ટૂંકા પત્રમાં ‘I Love you’ લખાયેલું હશે, તો સાચા પ્રેમીઓ ‘between two lines’ વાંચીને પ્રેમીને નખશીખ ઓળખવાની ક્ષમતા ધરાવતા હશે!
એક જમાનામાં ટપાલીનો પણ વૈભવ અને ઠાઠ હતો. ટપાલનો કોથળો ઊચકી, સાયકલ પર ઘંટડી વગાડતા, પોસ્ટમેનકાકા, અષાઢી મૂશળધાર મેઘ હોય કે ભાદરવાના ઓતરા-ચિતરાના તાપ હોય કે પોષ મહિનાની કડકડતી ઠંડી હોય, ઘરના એક સદસ્યની જેમ આપણી લાગણીઓના સહભાગી બની ગયેલાં. ખાખી ડગલોને પાટલૂન, આંખે ચશ્મા, કાન પર ભેરવેલી પેન્સીલ, માથે ત્રણ બટનવાળી ત્રિકોણ ટોપી પહેરેલાં ટપાલીકાકાની યાદ તાજી થાય છે. ફળિયામાં સૌ તેમની વાટ જોતાં. કોઇ વિધવા તેના પેન્શનની, કોઇ બૂઢી આંખો પરદેશ ગયેલાં તેના દિકરાનાં વાવડની, કોઇ પરણેતર સરહદ પર ગયેલ તેના પિયુની, કોઇ બાળક તેનાં શાળાના પરિણામની તો કોઇ તેનાં પ્રમોશનની કે કોઇ કંકોત્રીની રાહ જોતાં હોય. જેવી સાયકલની ઘંટડી વાગે, સૌ ટપાલીને ઘેરી વળે જાણે સૌના હૈયા સાથે દસ્તાવેજ ના કર્યો હોય? તેમની આસપાસ લાગણીઓનો સમુદ્ર હિલોળા લે. અભણ વ્યક્તિનો કાગળ વાંચતા તે પોતાનાં દિલની વાત પણ વણી લેતો. નવલકથા ‘પોસ્ટમેન’ના ‘અલી ડોસા’ નું પાત્ર આ વાત લખતા જાણે જીવંત બની જાય છે! ‘ચિઠ્ઠી આઇ રે’, ‘ફૂલ તુમ્હે ભેજા હૈ ખતમેં’, ’લીખે જો ખત તૂઝે’, ‘યે મેરા પ્રેમપત્ર પઢકર’ ગાનારના જીવનમાં ટપાલનું કેટલું મહત્વ હતું?
આ ટપાલ એટલે પાંચ પૈસાનું પોસ્ટકાર્ડ પણ સૌના દિલની લાગણીઓનો રીમોટ કંટ્રોલ તેની પાસે હતો. ક્યાંક પેંડા વહેંચાતા તો ક્યાંક ગમગીની ફેલાઇ જતી. ટપાલની સાથે યાદોના પડીકા બાંધીને તેને વાગોળવાની લિજ્જત કંઇ ઓર જ હતી. ટપાલ હૂંફ હતી, આંધળી માનો કાગળ હતો, પિયુનો એકરાર હતો, વાટ નિરખતી પ્રેમીકા કે માતાનો આધાર હતો. તેમાં સંવેદના હતી અને માટેજ ટપાલી ભગવાન ગણાતો.
ટપાલ સેવા આજે પણ ચાલુ છે. માણસની હયાતિ છે ત્યાં સુધી બે વ્યક્તિનું જોડાણ છે. સંદેશો પહોંચાડવો છે ત્યાં સુધી ટપાલ લખાશે, વહેંચાશે, વંચાશે અને સંઘરાશે.
શું પ્રાર્થના પણ ઇશ્વરને લખેલી ટપાલ નથી? આપણે રોજ પ્રભુને ટપાલ મોકલીએ છીએ. કેટકેટલી અરજી! રોજ બદલાતી અરજી! ક્યારેક યોગ્ય ટપાલી મળે અને યોગ્ય રીતે અરજી મોકલાય, તો પ્રભુ તેને સ્વીકારે છે નહીં તો અરજી પહોંચતી નથી. માનવ પોતે ટપાલી છે. ધ્યાનમાર્ગે પાંચ ઇન્દ્રિયોના ઘોડા સાથે મન, બુધ્ધિ અને અહમ્ને અંદર વાળી આત્મા સુધી પહોંચવાની પ્રક્રિયા જો માનવ શીખી જાય તો તેની ટપાલ જરૂર ઇશ્વર સુધી પહોંચે અને તેને તેની સાબિતિરૂપ અનાહતનાદની ઘંટડી સંભળાય જ!
ટપાલ જેમ તમે ઘેર ઘેર પહોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
– ર.પા.
આખી ગઝલ …
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.
વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.
તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.
ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.
જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.
– રમેશ પારેખ
LikeLiked by 1 person
સુંદર ગઝલ !
LikeLike
પ્રેમીના પત્રની વાટ જોતી પ્રેમિકાને ટપાલી દુશ્મન જેવો ક્યારે લાગે છે, એ આ બે સરસ પંક્તિઓમાં દર્શાવ્યું છે.
“એ ટપાલી હોય છે દુશ્મન બધાના પ્રેમનો,
એક સંદેશો કબૂતર લાવશે તો ચાલશે”
LikeLiked by 1 person
“આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં ને પરબીડિયું ગયું ગેરવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે…”
LikeLiked by 1 person
આજથી લગભગ ૪૫ વર્ષ પૂર્વે અમારા એક વડીલ કહેતા કે સમય એવો આવશે કે તમે અહીં ટપાલ લખશો અને બીજી ક્ષણે સામે ટપાલ પહોંચશે. એ સમયે તો સૌ પહેલા ફેક્સ શરૂ થયા…
પણ આજે આટલી અદ્યતન સુવિધાઓમાં પણ કાલિદાસનું મેઘદૂત કે રુક્ષ્મણીના સંદેશા કે અલી ડોસાને યાદ કરીએ છીએ ને?
ટપાલીનું પણ આબેહૂબ વર્ણન…..
ટપાલ સાથે સંકળાયેલી સંવેદનાઓની પણ સરસ રજૂઆત.
LikeLiked by 1 person
Thanks Rajulben
LikeLike