૧૯-એવું કેમ ? ધર્મ ગુરુઓનું ક્વોલિફિકેશન:-

હમણાં તાજેતરમાં ગુજરાતના એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળની મુલાકાતે જવાનું થયું . આમ તો જેટલાં ધાર્મિક સ્થળો , જેટલાં મંદિર અને જેટલાં સંન્યાસીઓ બાબાઓ , મુનિઓ , સ્વામીઓ અને ધર્મ ગુરુઓ અને એમના ભક્તોએ ફાળવેલી જમીનમાં રચાયેલા આશ્રમો ,તમને આ ‘સ્વર્ગાદિપિ ગરિયસી’ પુણ્યભૂમિ ભારતમાં જોવા મળશે એટલાં તમને દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે.  આખ્ખો દેશ જ ‘ મહાત્માઓ ‘ યોગીઓ અને સાધુ – સંન્યાસીઓથી ઉભરાય. આત્મા અને પરમાત્માની વાતો કરતાં આ મહાનુભાવો સંસારમાં જલકમલવત રહેવાનો ઉપદેશ આપે . ક્ષણભંગુર આ સ્થૂળ દેહ કાલે બળીને ભસ્મ થઇ જશે . એનો મિથ્યા મોહ ન રાખવા ની વાતો કરે, કથાઓ કરે. ચારે બાજુએ અહીં ઢોલ ઢપાટા અને બેન્ડ વાજા સાથે ‘ માઈની ગરબીઓ ‘ ભાગવતની શોભા યાત્રાઓ કે ગમે તે દેવ દેવીના સરઘસો નીકળે અને કોઈની તાકાત નથી કે ગમે તેવા બીઝી સમયે ટ્રાફિકને રોકતાં આ શોભા યાત્રા , માતાજીની સવારી કે ભક્ત મંડળને કોઈ રોકે. અમાસના દિવસે આનંદનો ગરબો કે પૂનમની સત્યનારાયની કથા કે શનિવારે સુંદરકાંડ કે weekendમાં ત્રણ દિવસનું રામાયણ પારાયણ કે સાત દિવસની ભાગવત સપ્તાહ .. આ બધ્ધું જ તમને અહીં જોવા મળે. ઓહહો! જાણેકે હું તો સ્વર્ગમાં જ વસુ છું !
આટલો બધો ધર્મ!!
અને જરાક જ બાજુમાં નજર થઈ જાય ને ભૂખ્યે ટળવળતાં , લાલચુ નજરે કાંઈકે મળવાની આશાએ ભટકતાં છોકરાંવ ને જોઈને ધરતી પર પછડાઉં.
ગુંગણામણ થઇ જાય આ વિરોધાભાસ જોઈને. જો આત્મા અમર છે અને જીવ શિવનો જ અંશ છે તો લાકડીએથી હાંકી કાઢવામાં આવતાં આ મજદૂર વર્ગના બાળકો શું શિવનો અંશ નથી? જો આ જાહેર જનતા માટેનો પ્રોગ્રામ છે તો શું ગરીબ મજદૂર વર્ગને અહીં સ્થાન નથી? ભગવાન ભાવનો ભૂખ્યો છે અને વિદુરજીની ભાજી ખાધી અને દુર્યોધનના મેવા ત્યાગ્યા. સુદામાને રાજ મહેલમાં બોલાવી રુક્મણિજીએ તેમના પગ ધોયા. તો આ લાકડીએથી હાંકી કાઢવામાં આવતાં ભુખ્યાં બાળકોમાં સુદામા જ તો છે.  તો તેઓ સામે આવું અમાનુષી ઘૃણાનું વર્તન ?
એવું કેમ?

શું થઇ રહ્યું છે આ મારી માતૃભૂમિ ભારતમાં?

કોણ છે આ ધર્મને નામે આવાં કાર્યક્રમોનું આયોજન કરનાર ? બોલનારા વ્યાસપીઠ પરથી બોલ્યાં કરે અને સાંભળનારાં હરિ ૐ ! હરિ ૐ કહી સાંભળ્યા કરે.  આવી જાતની ધર્મ સભાઓ આપણાં હિંદુ ધર્મ સિવાય બીજા ધર્મમાં જોયાનું યાદ નથી. અમેરિકામાં લગભગ ચાર દાયકાનો વસવાટ અને ક્રિશ્ચિયન અને યહૂદી ધર્મના મિત્રો સાથે ચર્ચ , સીનેગાગ માં જવાનું થાય . એમના ફંડ ફાળાના પ્રોગ્રામોમાં પણ જઈએ . ઈઝરાયેલને ઉભા થવામાં મદદ કરવાની હોય કે કોઈ આપત્તિમાં સહાય કરવાની હોય. ધર્મ સ્થાનેથી આવી પ્રવૃત્તિઓના એલાન અપાય . અલબત્ત , થોડે ઘણે અંશે સત્તાની ખેંચમખેચ બધેય રહે જ. પણ, આપણાં ધર્મગુરુઓ અને ધર્મસ્થાનોની તાકાત જો પચાસ ટકાયે જો લોકહિતાર્થે વપરાય તો દેશનો નકશો જરૂર બદલાય. આપણે ત્યાં ધર્મ એક મહત્વનું બળ છે. રાજકારણ ભલે ઉદાસ રહે પણ વ્યાસપીઠની તાકાત ભારે છે અને તેનામાં પરિવર્તન લાવવાની તાકાત છે- જો એ ધારે તો

પણ એવું થતું નથી!
એવું કેમ?
બ્રાહ્મણ ઘરમાં મારો જન્મ (?) ને પરંપરાગત કથાકારો , ગોરમારજો , જપ તપ , વિધિ વહેવારો વગેરેનો ઈજારો આ બ્રાહ્મણ જ્ઞાતિમાં તેથી અમે ઘણાં ધર્મગુરુઓને અને તેમના કુટુંબીને પેઢી દર પેઢીથી જાણીયે.

ગુજરાતના એક પ્રસિદ્ધ મંદિરના દર્શન કરી નજીકના ગામમાં ,જાણીતા ખ્યાતનામ ગોરમારાજ ને ઘેર ગયાં. નાનપણમાં અત્યંત ગરીબાઈ અને ગામડામાં અન્ય સુવિધા વિના ઉછરેલ આ સાત ચોપડી ભણેલ મહારાજે સાચું જ કહ્યું કે ધર્મનું એમનું જ્ઞાન પરંપરાગત કુટુંબના વડીલના જ્ઞાનને આધારે ,કોઈ પદ્ધતિસરના અભ્યાસ વિના જ ઘડાયું હતું ! એ જુનવાણી ,અંધ શ્રદ્ધા ,અને કોઠા સૂઝથી એમની ખ્યાતિ ચારેકોર પ્રસરી હતી.

“ પતંગ કાંઈ દિશામાં ઉડાવાય ? જે દિશામાં પવન વહેતો હોય!” એમણે કહ્યું. લોકોને જે ગમે છે તે અમે પીરસીએ છીએ ! એમની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાની શી જરૂર ? અને ગરીબોનો ઉદ્ધાર કરવાનો અમે ઠેકો નથી લીધો. લોકોને આવા વરઘોડાઓ અને જમણવારમાં શ્રદ્ધા હોય તો અમે એ રીતે વાર્તાઓ કહીએ : રુક્મણી વિવાહ કે કૃષ્ણ જન્મ કે જે તે પ્રસંગોને ધામધૂમથી ઉજવીએ અને સાડી સેલાં કે ઘરેણાંનો વરસાદ વરસે એમાં સૌનું હિત જ છે ને!”

એમની વાતે મને વિચાર કરતી કરી દીધી !
આપણે ત્યાં બધાને જે ફાવે તે કરે ! એમને ક્રિશ્ચિયનોની જેમ કોઈ મિનિસ્ટ્રીમાં પ્રિસ્ટહુડ – પાદરી બનવાની લાયકાત માટે ભણવા જવાનું નહીં. વેટિકનના પોપની જેમ આપણા શંકરાચાર્યના મઠ પાસે કોઈ સત્તા નહીં. યહુદીઓના રેબાઈની જેમ કોઈ પરીક્ષાઓ પાસ કરવાની નહીં.

અલબત્ત સારા સંતો અને આશ્રમો પણ અહીં છે જ ! પણ એ બધા સ્વેચ્છાએ બનેલા સારા આશ્રમો છે. રાજ્યનું એના પર કોઈ નિયંત્રણ નથી. વળી બિનસાંપ્રદાયિકતાના નામે પણ રાજકારણીઓ આ વિષયથી દૂર રહે પણ તો નવી હવા – નૂતન વિચારો ક્યાંથી ફેલાવવા ?
આવું કેમ ?
ધર્મનો સાચો અર્થ શું છે?
ધર્મનું સાચું કર્તવ્ય શું છે?
કોણ કોને માર્ગ બતાવશે ?
આવું કેમ?
અને આવું ક્યાં સુધી ચાલશે ?
ક્યાં સુધી આપણે આ ગાડરિયા પ્રવાહમાં ખેંચાતા રહીશું ?
પ્રશ્ન ઊંડો છે.. હજુ તો માત્ર સપાટીએથી જ બૂમો પાડું છું .. આવું કેમ?

6 thoughts on “૧૯-એવું કેમ ? ધર્મ ગુરુઓનું ક્વોલિફિકેશન:-

 1. “આ સંસાર અસાર છે. ત્યાગ એ માત્ર એક જ ઉપાય છે. બધું ત્યાગી દો અને એ મને આપી દયો”. બસ ટુંકમાં આ એક જ ઉપદેશ બધા બાબાઓ, બાપુઓ, શ્રીશ્રીઓ, ધ.ધૂ.ઓ (ધર્મ ધૂરંધર) અને પ.પૂ.ઓ (પરમ પૂજ્ય) આપે છે.

  Liked by 1 person

  • સાચી વાત કહી દાવડા સાહેબ ! પણ જોવાની ખૂબી એ છે કે જુઠ્ઠી આશામાં – “ બાબા મારુ દુઃખ દૂર કરશે “ એમ વિચારીને લોકો એ બાબાઓને ચરણે પોતાની બધી સમ્પત્તી ધરી દેતા હોય છે! અને પછી ક્યારેક એ વ્યૂહ રચના માંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઇ જાય છે- એવા પ્રત્યેક્ષ બનાવ અમારા મિત્ર વર્ગમાં બનેલ ! ( અને તે પણ અમેરિકામાં)

   Like

 2. કહે છે ને કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભુખે નામરે.
  શ્રદ્ધાનો અતિરેક અને છાનો લોભ જ આવા બાબા કે ગુરુ સુધી લોકોને ખેંચી જાય છે ને?
  આટ-આટલા બાબાઓની લીલા જાહેર થાય છે તો ય જો હજુ આંખ ના ખૂલે તો વાંક કોનો?

  Liked by 1 person

 3. ધર્મનો સાચો અર્થ શું છે?
  માનવ ધર્મ
  બિલાડી, કૂતરા, સિંહ, વૃક્ષો વિ. પોતાના ધર્મમાંથી સહેજ પણ ચૂકતાં નથી !

  Liked by 1 person

 4. સુરેશભાઈની વાત સાચી છે.માનવ ધર્મ સર્વ ધર્મના મૂળમાં રહેલો છે.ધર્મના શિખરે પહોંચવા માટે,ધર્મને આત્મસાત કરવા માટે પહેલું પગથીયું માનવ ધર્મ છે.તેના થકી ઈશ્વર પ્રાપ્તિ શક્ય બને છે.જેમ રાવણના ઘરમાં મંદોદરી રહેતી, તેમ આશ્રમ કે ધર્મગુરુની ચિંતા કર્યા વગર સ્વ વિકાસનો પ્રયત્ન કરીશું તો નિજ ઉત્કર્ષ શક્ય છે.બાકી તો ચારે બાજુ દાવાનળ છે.ગીતાબેન તમારા પ્રશ્નો અને લખાણ ખરેખર મને ગમે છે.ગીતાબેન,લખતા રહેજો.તમારા જ્ઞાનનો બધાને લાભ મળે.

  Liked by 1 person

 5. Thanks Rajulben , Sureshbhai ane Kalpnaben ! કેટલાક ખોટા ખ્યાલો એટલા ઊંડા પેસી ગયા હોયછે કે તેને બદલવા મુશ્કેલ બની જાય છે .. અને એટલે ધુતારાઓ ફાવી જાય છે!
  આપ સૌના પ્રોત્સાહનનથી કૈક નવું – ચીલાચાલુથી જુદું લખવાની ઘૃષ્ટતા કરું છું : Thanks for your encouraging comments ..Every single day I observe something weird here in India .. because of lack of education ..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.