સ્વીમીંગપુલની સપાટી
તે દિવસે સવારે વહેલો પુલમાં તરવા ગયો. કોઇ હાજર ન હતું. પુલની સપાટી સાવ તરંગ-રહિત હતી. સામેની દીવાલ પરના ત્રણ દીવા, બારીઓ અને બાજુએ રાખેલા થાંભલાના પ્રતિબિંબ પાણીની સપાટી પર યથાવત્ ઝીલાતા હતા – અરીસામાં ઝીલાય તેમ. હું પુલમાં દાખલ થયો. પાણી ડહોળાયું. એ સ્વચ્છ પ્રતિબિંબ રોળાઇ ગયું. બધું ધુંધળું થઇ ગયું. થોડી વાર શાંત ઉભો રહ્યો અને પાણી પરના તરંગો શાંત થવા લાગ્યા. થોડી વારમાં પાછું સ્વચ્છ દેખાવા લાગ્યું.
વિજ્ઞાનની દ્રષ્ટિએ આ સાવ સામાન્ય ઘટના હતી, પણ……
આપણું મન જડ અરીસા જેવું નથી હોતું. તે તો પાણીની તરલ સપાટી જેવું હોય છે. સહેજ સંવેદનાની લ્હેરખી આવી અને માનસપટ પરનું ચિત્ર ડહોળાઇ જાય. દ્રશ્ય રોળાઇ જાય.
કાશ, આપણે ગીતાના સ્થિતપ્રજ્ઞ જેવા બની શકીએ – પ્રચંડ પ્રભંજન પણ તેની સમતાને વિખેરી ન શકે તેવા.
ફ્લડલાઈટ
બીજા દિવસે સાંજે મોડા તરવા ગયો હતો. પુલમાં તરતાં ચારે બાજુની દીવાલો પર મુકેલ ફ્લડલાઈટો પર નજર કેન્દ્રિત થઈ. બહુ પાવરવાળી લાઈટો હતી. તેમના પ્રકાશથી ઉપરની સફેદ છત પ્રકાશિત થતી હતી- આંખને ગમે તેવી દેદિપ્યમાન લાગતી હતી. ફ્લડલાઈટનાં થોડાં કિરણો સીધાં આંખમાં પણ આવતા હતા, પણ તે આંખોને આંજી દેતા હતા.
તરત સૂર્ય અને ચન્દ્રના પ્રકાશ સાથે સરખામણી થઈ ગઈ. સૂર્યની સામે બે સેકન્ડ પણ ન જોવાય. ચન્દ્રકિરણો કેવાં શીતળ લાગે છે?
લે કર વાત! આમાં શી નવાઈ? એ તો એમ જ હોય ને?
પણ ……બહુ પ્રતાપી વ્યક્તિત્વો ફ્લડ લાઈટ કે સૂર્ય જેવાં હોય છે. તેમના મદથી દેખનાર દાઝી જાય! એ પ્રકાશના દર્પને પચાવી, તેને નરમ બનાવી એ છત, એ ચાંદો કેટલી મોટી સેવા કરે છે?
બીજી રીતે જોઈએ તો, મુળ સ્રોતમાં ખરી શક્તિ હોવા છતાં, પરાવર્તિત શક્તિ ક્યાંક વધારે કામમાં લાગે છે.
આપણે પરમતત્વની શક્તિના પરાવર્તક બનીએ તો ? આંખોને દઝાડતી ફ્લડલાઈટ નહીં, પણ એ સૌમ્ય છત જેવા બનીએ તો?
સરસ ચિંતન. શશા પાસેથી મારે પણ શિખવું છે.
LikeLike
Mul Shrotra karta Paravartit Shakti Ghani Kam Lage che. Taddan Sachi Vaat. Khub Saras Avlokan. Abhinanadan.
LikeLike
આપનું અવલોકન વિચાર કરતુ કરી મુકે છે.મારી દ્રષ્ટિએ ફલડ લાઈટ,પ્રતાપી વ્યક્તિત્ત્વ અને પરમ તત્ત્વની શક્તિમાં ફર્ક છે.વ્યક્તિએ પરમ તત્ત્વની શક્તિને ગ્રહણ કરવાની જરૂર છે.નકારાત્મક શક્તિને પરાવર્તિત કરવાની જરૂર છે.હા,પોતાનું વ્યક્તિત્ત્વ બીજાને દઝાડે તેવું ના હોવું જોઈએ,તે જરૂરી છે.
LikeLiked by 1 person
હા! એ અવલોકન વખતે એ જ ભાવ પ્રગટેલો.
वज्रादपि कठोराणि, म्रुदूनि कुसुमादपि
लोकोत्तराणां चेतांसि कोsहि विज्ञातुमर्हति ।
LikeLike
Thanks Sureshbhai
LikeLike
સરસ ચિંતન.
LikeLike