ઉત્સવ કોઈ-સપના વિજાપુરા

છાતીમાં ધબકાર કે તાંડવ કોઈ!
કે પછી છે દર્દનો ઉત્સવ કોઈ?
પાસ ફરકે શી રીતે કલરવ કોઈ?
ટોડલે બેઠી હતી અવઢવ કોઈ
ઓઢવા ચાદર નથી, સપનું તો છે
સ્વપ્નમાં લહેરાય છે પાલવ કોઈ
રાહમાં જે પણ મળ્યાં ઉષ્મા લઈ!
એમની ભીતર હશે શું દવ કોઈ?
છેક ઊંડે ઘર કરી ગઈ વેદના
ના કશે પગલાં, કશો પગરવ કોઈ
બોર દઈ, કલ્લી કઢાવી આખરે
સમજણો દઈ, લઈ ગયું શૈશવ કોઈ
જ્યાં પળેપળ હોશ છિનવે છે દિવસ
રાત ત્યારે શું ધરે આસવ કોઈ!
પગ ચડાવી અંતે બેઠા સારથિ
પારધી કોઈ અને યાદવ કોઈ
રઈશ મનીઆર
કવિ શ્રી રઈશ મનીયાર એક કવિ, ગઝલકાર નાટ્યકાર છે. અને સાહિત્યના લગભગ દરેક શ્રેત્રમાં પોતાનો હાથ અજમાવ્યો છે ને સફળ રહ્યા છે. દેશ વિદેશમા મશહૂર થયેલા કવિ શ્રી રઈશ મનીયારની આ ગઝલ જ્યારે વાંચવાનો મોકો મળ્યો ત્યારે પ્રથમ જ વાર વાંચતા આફરીન નીકળી ગયું સરળ ભાષામાં અને સરળ રદીફ અને કાફીયા લઈ આ ગઝલ ખૂબ ચોટદાર બની છે. મત્લામાં કવિ કહે છે કે આ હ્ર્દયની ધડકન છે કે તાંડવ!!જ્યારે દિલમાં દર્દ હોય તો એને ઉત્સવ કહેવાવાળા કવિ હ્ર્દયની ધડકનમાં ચાલતા તાંડવને દર્દનો ઉત્સવ કહે છે. જે હ્ર્દયમાં દર્દ નથી એ હ્ર્દયમાં ઉત્સવ નથી! દર્દ પણ હ્ર્દયમાં તાંડવ મચાવે છે. જિંદગીમાં ઘણાં મોકા આવતા હોય છે જેમાં માણસ પોતાની સફળતાની સીડી ચડી શકતો હોય છે પણ ઢચુપચુ કે અચોક્કસપણું માણસને નિર્ણય લેવામાં વિટંબણા નાખે છે એટલે કલરવ તો તમારા સુધી પહોંચવા માગે છે પણ આ ટોડલે બેઠેલી અવઢવ કલરવ કાન સુધી પહોંચવા નથી દેતી. ઓઢવા ચાદર નથી પણ સપનું તો છે. આ દરેક ગરીબ વ્યકતિની વાત છે જેની પાસે ઓઢવા ચાદર નથી પણ આંખોમાં સપનાં ઘણાં છે અને સપનાં માં લહેરાતો પાલવ પણ છે.ખૂબ ચોટદાર શેર!! અહીં દરેક્ના હ્ર્દયમાં દાવાનળ છે..કવિ કલ્પના કરે છે કે જે કોઈ રસ્તામાં મળ્યું તે ઉષ્મા લઈ હતુ. શું એ લોકોનાં હ્રદયમં દવ હશે? “તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યાં ગમ હૈ જીસે છૂપા રહે હો.” વેદના છેક ઊંડે હ્ર્દયમાં ઘર કરી ગઈ!! વેદના હ્ર્દયમાં ક્યારે ઊતરી જાય અને ઘર કરી જાય એ કયાં ખબર પડે છે? એ તો નિશાન કે પગલાં કશું છોડતી નથી બસ અને જ્યારે વેદનાનો કાંટો હ્ર્દયમાં વાગે છે ત્યારે પણ ક્યાં હ્ર્દયને એનો પગરવ સંભળાય છે! બોર દઈ, કલ્લી કઢાવી કોઈ નાની વસ્તુ આપી મોટી વસ્તુ લઈ લેવી!! સમજણો આપી બાળપણ લઈ લીધુ!! “યહ દોલત ભી લે લો યહ શોહરત ભી લે લો ભલે છીન લો મુજસે મેરી જવાની, મગર મુજકો લોટા દો વોહ કાગઝકી કશ્તી વોહ બારિશકા પાની!” મને લાગે છે દરેકની આવી લાગણી હશે!! દિવસ જ જ્યારે બેખુદ હોય ત્યારે રાતમાં પછી કોણ શરાબ ધરે?
સારથીનું કામ સતત રથને સહીસલામત આગળ ધપાવવાનું છે અને એ સારથી પાછા માધવ ખુદ હોય તો તો પછી પૂછવું જ શું! આ શેરની બારિકી પર તો દોનો જહાં કુરબાન! કૃષ્ણ જેવા રથને હાંકીને સતત ગતિરત રહેવાને બદલે જ્યારે પગ પગ પર પગ ચઢાવીને બેસી જાય ત્યારે ઈશાવાસ્યવૃત્તિની પરાકાષ્ઠા જ હોય અને એક યુગ આથમતો હોય કારણ કે નારાયણ કૃષ્ણ માટે અગતિગમન એટલે જ જીવંતતાનો અંત છે. માધવ કદી મરે નહીં. કૃષ્ણમાં સ્થિર થવું કે સ્થિતપ્રજ્ઞ થવું અને કૃષ્ણનું સ્થિર થઈ જવું એ બે પરિસ્થિતિના વ્યાપ અને એનો વિરોધાભાસ અદભૂત સૂક્ષમતાથી આ મક્તામાં બતાવ્યો છે! યાદવાસ્થળીને એક અંતિમ નિર્વિકારતાથી નીહાળતાં માધવ ગતિશૂન્ય થઈ પગ પર પગ ચઢાવીને બેસે, પારધિ એમના પગના પદમને હરણ સમજી તીર મારે, એની સાથે યાદવાસ્થળીમાં રત યાદવોનો વિનાશ પણ નિશ્ચિત બને! કૃષ્ણ કદી મરી ન શકે, માત્ર અગતિમાં સરી શકે! એક અદભૂત “બહ્માસ્મિ”ના ઉર્ધ્વાગમન પર કવિ લઈ જાય છે, જેના પછી અક્ષરો અર્થહીન બની જાય છે! આ એક મક્તાથી શાયરે અહીં સંપૂર્ણ ભગવતપુરાણનો અર્ક આલેખ્યો છે. શતશત નમન આ શાયરને!
સપના વિજાપુરા

ચા સાથે પીવાની એ ક્ષણ ..

ભારત ગઈ હતી દર વર્ષે જાઉં છું…આ વખતે બીજો એક અનુભવ થયો સાચું કહું અનુભવ હતો પણ જ્ઞાન થયું કહીશ.. વાત ચાની છે.
ચાની વાત આવે એટલે મારા પતિદેવ નો ચાનો જબરજસ્ત શોખ પણ યાદ આવે એને માત્ર શોખ નહિ  ચાની ચુસ્કીનું બાંધણ, ફાવે ત્યારે ફાવે તેવી અને ફાવે તેટલી ચા પીવે, મને બનાવી પડે ત્યારે હું કહું કે તમે  ચાનું અવમૂલ્યન કરી નાખ્યું છે. એમને મેડિકલ ચેક-અપ પહેલાં સૂચના મળી હોય  કે કંઈ ખાધા-પીધા વગર આવજો ત્યારે એના બાર વાગી જાય.. અને કંટ્રોલ કરેલું મન રાત્રે ૧૨ વાગે ચા પી લે અને કહે   ભૂલી ગયો મેં ચા પી લીધી.  ફરી અપોઇન્ટમેન્ટ લે…કામે બહાર જાય ત્યારે બપોરે અડધી ચા પીવે આ અડધી ચા એમના માટે અમૃતનું કામ કરે એમના માટે …અને હા એમને લારીની ચાનો નશો જ કોઈ ઓર હોય છે. એકના એક કૂચા ઉકાળી ઉકાળીને બનાવાતી હોવાથી કદાચ ‘ચડતી’ હશે .આમ જોવા જઈએ તો મેં લગ્ન પહેલા ક્યારેય ચા પધી ન્હોતી, હું લગ્ન પછી ચા પીતા શીખી મારા પતિ મને કહે સફળ વ્યક્તિની સફળતા પાછળ અડધી ચા અને અધૂરી ચાહનો સાથ હોય છે.અને મારો બધો જશ ચા લઇ લે… તો મારી બન્ને ભાભી જમાઈને બપોરની ચા પીરસી મન જીતી લે ….એ ડરથી કદાચ મેં ચા શરુ કરી .  
 
અમારે ત્યાં એટલે મારે પિયરની વાત છે, ત્યાં દિવસમાં માત્ર બેજ વખત ચા બને,  સિવાય અચાનક મહેમાન આવે તો ..મહેમાનને પણ ખબર કે શાહ પરિવારમાં  બપોરે ચાર વાગે ટેબલપર ચા મળે.ચા માં માપસર  દૂધ, પ્રમાણસર ખાંડ, ફુદીનાનાં પાન, લસોટેલુ આદુ, અને થોડી ખાંડેલી ઈલાયચી.આ  ચા ની તાકાત જુઓ, બે ઘૂંટડા અંદર જતા જે કિક વાગે, કાઠિયાવાડી માં કહીએ તો ‘કાંટો ચઢી જાય હો!’સાથે હળવો નાસ્તો. મારા પપ્પા બ્રૂક બોન્ડ કંપનીમાં હતા માટે ચા મોધી પડે તેવું નહોતું પણ  શાહ પરિવારમાં દિવસમાં બે જ વખત બનતી,” ચાનો એક મલાજો”, એક દરજ્જો હતો! એમાં પણ ઘરની બપોરની  ચા, બપોરે જમી સુઈ જવાનું અને ચાર વાગે ટેબલ પર કપ રકાબીના અવાજ થતા એક પછી એક સૌ પોતાની રૂમમાંથી ઉઠી આવે ..મારી જેવા બહાર ગયા હોય તો તે પણ આ સમયે હાજર થઇ જાય..બપોરની ચા, જરા હટકે! બપોરની ચા તો ઘરની સભ્યતા હતી., એટલે કે રીવાજ આહા! એ માહોલનું સ્મરણ કરતાં થાય છે.. કેવી સુંદર થોડી પણ પારિવારિક ક્ષણ…આ વખતે પણ મારા ભાઈ સાથે આવી ક્ષણો માણી, મમ્મીની ખામી દેખાણી,ચા સાથે ઘીમાં વઘારેલા મમરા,બિસ્કીટ કે કોઈ સુકો નાસ્તો..  ભાઈને ત્યાં  ચા હમેશાં નિર્ધારિત સમયે, ઘડિયાળના ટકોરે જ મૂકાય.બપોરની ચા તો ખરેખર ભાઈના ઘરમાં પરિવારના સાનિધ્યમાં મારી અંગત પળો કહી શકું. સમાચાર અને સલાહ-સૂચનોની આપ-લે થાય, કાળઝાળ નકારાત્મકતામાં જીવવાનું બળ મળે ,સૌમાં શક્તિનો પાછો સંચાર થાય.બધા હવે પાછા ફ્રેશ થઇ ગયા એની પ્રતીતિ વાતની ગરમી પરથી જણાય. ચાના સબાકા સાથે એકબીજાની આંખોના ભેજ ને હૈયાના થડકારા પણ અમે  વરતી શકીએ..  શબ્દોમાં ન વણી શકે કે મૌનમાં ગૂંથી શકે.સાકરથી ભરપુર ચા પીતા પીતા સ્વાસ્થ્યની વાતો પણ થાય..હું બપોરે ચા હવે પીતી નથી સાકર વધી જાય તેના ડરથી ..પણ સાચું કહું પરિવાર સાથે બપોરે ચા પીવી એક લહાવો છે હો …ભાઈના ઘરે બપોરે ચા પીતી બધા સાથે રોયલ ટી પીતા હોય તેમ લાગે પછી ભલેને ક્યારેક કપમાં તો ક્યારે વાટકીમાં,હવે  પાછી અહી અમેરિકામાં મારા ઘરે આવી હવે કોઈ બપોરે ચા પીતું નથી..ચાર વાગ્યાનો સમય થાય ત્યારે છેક ડુમસ સુધી ચા નો ટેસ્ટ આવી જાય છે અને વિચાર આવે છે. જીવન આપણને કેટલું પણ પરિપૂર્ણ અને સંતુષ્ટ લાગે, પણ આપણા ખાસ વ્યક્તિ  સાથે “બે કપ ચા” પીવી એક લહાવો છે.  ચા ના બહાને વ્યાપેલા હૃદયમાં વ્હાલના વિસ્તાર અસીમ છે,એની ખાતરી હવે થઇ ગઈ છે .પરિવાર સાથે બેસી ચા પીવાની એ ક્ષણ યાદ આવતા  મને મારું આખી  રાજશાહી ક્ષણ  લુટાઈ ગયાની અનુભૂતિ કરાવે છે અને હતાશા ઘેરી વળે છે!પ્રેમ, સ્નેહ, મમતા, કરુણા….  આ જ તત્વો છે કે જે પૃથ્વી પર જીવનને ધબકતું રાખે છે.યુગો વીતી ગયા અને યુગો વીતી જશે પણ પ્રેમ એ એક એવું તત્વ છે કે જેનો મહિમા માણસજાતના અસ્તિત્વ સુધી રહેવાનો છે.

15- આવું કેમ? જૂનું ઘર ખાલી કરતાં-

એ ઘર અમે જોયું અને ત્યારે જ ગમી ગયેલું.  સુંદર વિસ્તારમાં સુંદર મઝાનું ઘર.  સારી નિશાળ , સારો પડોશ અને નજીકમાં જ લાયબ્રેરી.  અરે મોટી મોટી પ્રખ્યાત બ્રાન્ડના શો રૂમ વાળો મોલ પણ આ જ સબર્બમાં. અમે એ ઘર મેળવવા સારી એવી મહેનત કરી ,ભગવાનને પ્રાર્થના કરી. જરા વધારે પ્રાર્થના કરી.. અને છેવટે એ ઘર -સરસ મઝાનું, નવી સ્ટાઇલનું , નવા ઘાટનું , નવા રંગ રૂપ આકારનું – અમને મળ્યું.

પણ આજે એ ઘર અમે ખાલી કરીએ છીએ.
અરે, પણ એવું કેમ?

એ તો સરસ મઝાનું ઘર હતું ને?
હા , એ લગભગ અઢી દાયકા પહેલાની વાત હતી!
હવે એ એવોર્ડ મળેલી નિશાળોની અમારે જરૂર નથી.  હવે પેલા બ્રાન્ડ નામવાળા સ્ટોર્સનો અમને મોહ નથી.  હવે અમારી પરિસ્થિતિ બદલાઈ છે, અમારી જરૂરિયાતો બદલાઈ છે.
પણ જ્યાં અમારાં જીવનનો મધ્યાન તપ્યો અને જ્યાં જીવનના અવિસ્મરણીય પ્રસંગોએ આકાર લીધો એ બધું જ હવે એક માત્ર સ્મરણપટ પર જ રાખીને ચાલ્યા જવાનું ?. ..અહીંથી તો અમારાં પંખીડાઓને
પાંખો ફૂટી અને એ પંખીડાં ઉડી ગયાં પોતાનો માળો બાંધવા ,પોતાના માર્ગે.

કેટલું બધું આ દિવાલોએ જોયું છે, માણ્યું છે, ક્યારેક એ રડી છે, એમાં હર્ષાશ્રુ પણ છે ને વિરહની વેદના પણ છે. રિસામણાં -મનામણાં ,સરપ્રાઈઝ ,સંભારણા. ઘણું બધું ‘ ફર્સ્ટ ટાઈમ ‘ પણ આ જ ઘરમાં ઉજવ્યું છે – સંતાનોનું પહેલું ગ્રેજ્યુએશન, પહેલી નોકરી , લગ્ન , મહેફિલ – મિજબાની ….
લાગણીઓ આંખમાં ઉભરાય છે.
હાથ હેઠા પડે છે. પગ ઉપડવા આનાકાની કરે છે.

હું પરાણે ઘરવખરી – કપડાંલત્તા – પુસ્તકો – કાગળ કમ્પ્યુટર ભેગાં કરવા પ્રયત્ન કરું છું .
અચાનક એક કાગળ પર મારી નજર પડે છે .
છેકછાક કરેલા એ કાગળ પર બાળકોના ડે કેર સેન્ટર સિનિયર પ્રિ. કે.ની સ્કેડજયુલ -ટાઈમ ટેબલ માટે લખ્યું છે:
Clean Up Time !

નાના બાળકો સવારે બાળમંદિરની પ્રિય એક્ટિવિટીનો સમય આવે: ફ્રી પ્લે ! તમારે જ્યાં રમવું હોય ત્યાં , જે રમવું હોય તે રમવાનો સમય. અને પછી આવે “ ક્લીન અપ” ટાઈમ.
તમે જે જગ્યાએ જે રમકડાંથી રમ્યાં હો તે બધું યોગ્ય જગ્યાએ પાછું મુકી દેવાનુ.  બાળકોને “ ક્લીન અપ” ટાઈમની વોર્નિગ અપાય, નાનકડી ઘંટડી વાગે . હળીમળીને રમતાં બાળકો પોતાનું ક્રિએશન – સર્જન – જોઈલે . કોઈએ બિલ્ડીંગ બ્લોક્સના એરિયામાં ઊંચો ટાવર કે ઘર કે મહેલ બનાવ્યો હોય, તો
કોઈએ ગાડીઓનું ગેરેજ ને ગેસ સ્ટેશન સેટ અપ કર્યાં હોય, કોઈએ ઘરઘર રમતાં હાઉસ કીપિંગ એરિયામાં એપ્રન પહેરી કોફી અને પેનકેક માટે ટેબલ સેટ કર્યું હોય કે પ્રિટેન્ડ પ્લે એરિયામાં પપેટ શો થિયેટર બનાવ્યું હોય .. કોઈ એક ચિત્તે પ્લે ડો ( Play dough ) થી રમતું હોય કે કોઈએ પઝલ પુરી કરી હોય ..પણ ઘંટડી વાગે એટલે એ બધ્ધું જ હવે ધીમે ધીમે એની જગ્યાએ મુકવાનું.

હવે રમવાનો સમય પૂરો થયો.  હવે નવા પ્રકારની હલચલ શરૂ થશે. હવે નવી પ્રવૃત્તિ.

કોઈ બાળક સ્થિતપ્રજ્ઞની અદાથી બધું સમેટી લે, તો કોઈ પોતે મહેનતથી બનાવેલ ટાવરના બ્લોક્સ પાછા કન્ટેઈનરમાં (ટોપલામાં ) મુકવા તૈયાર ના હોય. કોઈક ને રમવાનો પૂરતો સમય ના મળ્યો હોય તો કોઈ બાળક રમતમાં મશગુલ હોય.. કોઈ આનંદથી તો કોઈ પરાણે -ટીચરની સમજાવટ પછી -પરાણે રડીને બધાં રમકડાં મૂકે.

કોઈ ઝડપથી જે તે રમકડાં જ્યાં ત્યાં નાંખે તો કોઈ વળી ચીવટથી બધ્ધું ગોઠવીને મૂકે..પણ ક્લીન અપ થઈ જાય અને પછી બીજી પ્રવૃત્તિનો પિરિયડ શરૂ થાય.

આ રોજનો ક્રમ છે.  દરરોજ આમ થતું આવ્યું છે. ઘટંડી  વાગે ને ક્લીન અપ ટાઈમ શરૂ થાય.
હવે આજે મારો વારો છે. મારે ક્લીન અપ કરવાનું છે. જીવનનો એક પિરિયડ પૂરો થયો છે.

હવે નવી પ્રવૃત્તિનો તબક્કો શરૂ થશે . પણ મારે હજુ રમવું છે, પેલા નાના બાળકની જેમ હું મારા આ કમ્ફર્ટ ઝોનમાં સલામતી અનુભવું છું . આ શહેર શિકાગો મને સદી ગયું છે. મારે પેલા બાળકની જેમ આ જ રમતમાં રમમાણ રહેવું છે. પેલા એક ચિત્તે મશગુલ થઈને રમતા બાળકની જેમ કાશ , કોઈ મને પણ સમજાવીને કહે: હવે બીજો પિરિયડ શરૂ થશે. You will be okey !“
અને મને વિચાર આવે છે.

ઢળતી સંધ્યાએ સંતાનો  માટે કે સંજોગવશાત, સ્થળાંતર  કરતાં કે જીવનના આ અણજાણ્યા તબક્કામાં સંક્રાંત  કરતાં , સૌ મિત્રોનો પણ આ ક્લીનઅપ ટાઈમ છે. કોઈ નિવૃત્ત થઇ ગામડેથી શહેરમાં આવે છે, કોઈ દેશ છોડી પરદેશ આવે છે, શરીર પણ હવે પહેલાં જેવું નથી જ રહ્યું . એટલે હવે જ સાચો સફાઈ કરવાનો સમય આવ્યો છે!

કેટ કેટલો સામાન આ મનના માળિયામાં ખડક્યો છે. છોડીશું નહીં કાંઈ , પછી નવું , તાજું ક્યાં મુકીશું ? પેલા બાળકને તો ટીચરે સમજાવી પટાવી મનાવી લીધું . પણ પુખ્ત વયના સિનિયરોને કોણ સમજાવશે ,શીખવાડશે ?

જીવનનો આ ક્રમ છે. એક પિરિયડ પૂરો થાય પછી બીજો પિરિયડ આવે. તમે એને ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ  કહો કે સિનિયર લિવિંગ કહો! હવે ક્લીન અપ ટાઈમ આવ્યો છે અને એને અનુસરવાનું છે.
મધ્યાને તપતો સૂર્ય સંધ્યા  ટાણે કોમળ ,સૌમ્ય બને છે. અને તેથી તે અધિક સુંદર લાગે છે .જેના પ્રખર તાપથી બપોરે બળતી ધરતી ,હવે સૂર્યના સોનરી કિરણે અલૌકિક મધુર લાગે છે.જે ધગતાં , લૂ ઝરતા સૂરજ પર નજર નાંખવાની કોઈની તાકાત નહોતી , હવે એજ સૂરજના – સૂર્યાસ્તના – દ્રશ્યો જોતાં લોકો ધરાતાં નથી.
અરે એવું તે હોય?
હા , સૂર્યને ગમે કે ના ગમે, પણ એવુંયે થતું હોય છે.
એ એક વાસ્તવિકતા છે.
યૌવનનો ધમધમાટ , જુવાનીનો તરવરાટ એ તો મધ્યાનના સૂર્ય સાથે ગયો. હવે તો છે સૌમ્ય સલૂણો સંધ્યાનો  પિરિયડ.

સમય શીખવાડે તે પહેલાં હું એ શીખી જાઉં તો ? હા , એવું કેમ ના બને ? ધીમે ધીમે હું એ ઘર, એ ગલી , એ ગામ શિકાગો ને અલવિદા કહું છું . લગભગ ચાર દાયકા બાદ ફરી એક વાર પૂર્વમાંથી પશ્ચિમમાં પ્રયાણ કરું છું..
એવું પણ હોય !

૧૯-હકારાત્મક અભિગમ- પ્રતિભાવ-રાજુલ કૌશિક

વાત કરવી છે આજે એક જાણીતા સૂફી  ફકીર જુનૈદની પ્રકૃતિની…..

કોઇ તેમને ગાળ દે તો એ કહેતા કે આનો જવાબ હું કાલે આપીશ. બીજા દિવસે તે વ્યક્તિને જોઇને કહેતા કે હવે જવાબ આપવાની કોઇ જરૂર નથી. ક્યારેક કોઇ તેમને પૂછતું…… “કાલે તમને ગાળ આપી ત્યારે કેમ તમે કોઇ જવાબ ના આપ્યો? કોઇ ગાળ આપે તો આપણે તે જ સમયે તેને સામે ઉત્તર આપી દઈએ છીએ. એક ક્ષણ પણ નથી રોકાતા તો તમારે કેમ કાલ પર વાત ટાળવી હોય છે?”

જુનૈદે જવાબ આપ્યો…… મારા ગુરુએ કહ્યું છે કે  આઘાતમાં બુદ્ધિ બહેર મારી જાય છે. મતિ મૂ્ર્ચ્છા પામે છે. માટે થોડો સમય જવા દેવો. કોઇ ગાળ દે તે જ સમયે જો જવાબ આપ્યો તો તે ઉત્તર મૂર્ચ્છામાં દીધો હશે કારણકે ગાળથી તમે ઘેરાયેલા હશો અને તેના તાપથી અકળાયેલા હશો. તેનો ધુમાડો હજી તમારી આંખમાં હશે. થોડા વાદળ પસાર થવા દો. એક દિવસનો સમય જવા દો અને પછી તેનો ઉત્તર દેજો.” અને આપણે પણ જાણીએ છીએ કે પસાર થયેલા સમય પછી આખી ઘટનાનો ભાર વેરાઇ જાય છે.

એવી જ એક યુવતિની વાત છે. ક્યારેક એવું બનતું કે  સામેની વ્યક્તિની વાણી કે વર્તનના કારણે એના મન પર ભાર થઈ જતો અને એ ભાર એના ચહેરા પર સ્પષ્ટ રીતે તરી આવતો. પરંતુ એના પ્રત્યાઘાત આપવાના બદલે એ મૌન ધારણ કરી લેતી. એની ચૂપકી જ એની સમસ્યાનું મારણ બની રહેતી. ક્યારેક કોઇ એને પૂછે તો એ કહેતી…..“શું થયું એ કાલે કહીશ.”

કારણ ? કારણ માત્ર એટલું જ કે જો આજે જે કારણથી મન ઉદ્વેગ પામ્યું છે એની અસર કાલ સુધી રહી તો ખરેખર એ વિચારવા જેવી અને ઉકેલ લાવવા જેવી ગંભીર સમસ્યા હોવી જોઇએ અને જો કાલ સુધીમાં એ આઘાત કે ઉદ્વેગની તિવ્રતા ઘટી જાય અથવા જે કંઇ બન્યું એનો ભાર મન પરથી ઓસરી જાય તો એનો અર્થ એ કે ગઈકાલે જે બન્યું એ એના રોજીંદા ક્રમને નડતરરૂપ કે નુક્શાનકારક નહોતું તો પછી શા માટે વળતો પ્રહાર કરીને વાત વધારવી ?

સીધી વાત- જ્યારે તત્કાલીન સમય માટે કોઇ અનુચિત લાગતી બાબત હોય એના સંદર્ભમાં ઉતાવળી પ્રતિક્રિયા ન આપીને ય સ્વનું જ ભલુ કરીએ છીએ. ક્યારેક ઉતાવળા પ્રતિભાવ કે પ્રત્યાઘાતના બદલે સામી વ્યક્તિની અવગણના કરીને ય આપણે માનસિક વ્યથામાંથી ઉગરી જઈએ છીએ. વળી વળતા પ્રહારના લીધે બંને પક્ષે ઉચાટ તો વહે જ છે. અન્યના વાણી-વર્તન કે વિચારોને આપણે બદલી શકતા નથી પણ આપણા વાણી-વર્તન અને વિચારો પર તો આપણું જ પ્રભુત્વ હોય ને?

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

૧૩-વાંચના-દીપલ પટેલ

ડો.આઈ.કે.વીજળીવાળાનું વાંચવા જેવું સુંદર પુસ્તક–એકદમ સરળ ભાષા, અદ્ભુત પ્રસંગો, એક-બે પાનની વાર્તા અને રસ પડે એવી તો ખરીજ! મે જ્યારથી ગુજરાતી પુસ્તકો વાંચવાની શરૂઆત કરી ત્યારે મે વાંચેલા શરૂઆતના ૫ પુસ્તકોમાનું એક પુસ્તક એટલે ડો.આઈ.કે.વીજળીવાળાનું પુસ્તક-‘સાયલન્સ પ્લીઝ’.
ડો.આઈ.કે.વીજળીવાળા વ્યવસાયે બાળરોગ નિષ્ણાત છે. એમના જીવનકાળ દરમિયાન થયેલા અનુભવોને સુંદર રૂપે પુસ્તકમાં લખ્યા છે એ પુસ્તકનો સંગ્રહ એટલે ‘સાયલન્સ પ્લીઝ’.

સાયલન્સ પ્લીઝ – ડૉ. આઈ.કે. વીજળીવાળા

                                 નામ : સાયલન્સ પ્લીઝ

book8

લેખક : ડૉ. આઈ.કે. વીજળીવાળા

પ્રકાશક :
ઈમેજ પ્રકાશન પ્રા. લિ.
1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006
ફોન : 91-79-26560504

કિંમત : 60 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 113

વિગત : ડૉ. આઈ.કે વીજળીવાળાની સ્વાનુભવની સત્યઘટનાઓ પર આધારિત પુસ્તક.

એક કબુલાત -વર્તમાન માણી લે..

આ વખતે ભારતની મુલાકાતમાં અનેક ફોટા પડ્યા  સીધા, આડા. હસતા રોતા, મિત્રો સાથે અજાણ્યા સાથે પત્થર, કારીગરી, કળા, આકાશ, જમીન, ખેતરો… શું નથી ઝડપી લીધું .આ અપેલના ફોને આંખોને તસ્તી ઓછી આપી મગજને કહ્યું હું તને ગમતું ચિત્ર સાચવું છું.નવરી પડે ત્યારે જોજે ..અને આંખોમાં ભરી લેવાનું અને હૃદય સાથે કોતરી નાખવાની વાત સાવ વહી ગઈ..એ સાથે એ ક્ષણ માણવાની તક પણ ફોટા પાડવામાં ગઈ ..મિત્રો સાથે કેટલી વાતો કરવી હતી પણ સમય ફોટામાં ગયો…વર્તમાન ક્ષણને જીવવાનો આનંદ જુદો હોય છે એ વાતની પ્રતીતિ થઇ… મને સમજાણું વર્તમાન માણી લે .. પ્રત્યેક ક્ષણ  આનંદ આપશે. ફોટા વગર પણ એક એવો આનંદ, ઉત્સવ અને પ્રતિપળ નવા થઈને જીવવાનું સુખ પણ …….પણ ના  જિંદગીનું ફોકસ જ બદલાઈ ગયું.. મનની આવી દશા એ વર્તમાનના આનંદથી મને વંચિત કરી દીધી, આધ્યાત્મિક જગતમાંથી નવા નવા સત્યો મને સમજાયા, ફોટા માંથી સુખ મને પણ મળશે એવી અટપટી આશાભરી મનોદશા સાથે  મારી જેમ અનેક માનવી અતૃપ્ત અને અસંતુષ્ટ જીવી રહ્યા છે. આ એક વિચારે મને લખવા પ્રેરિત કરી,અત્યારે જાણે હું  ફોટા જોઉં છું ત્યારે ઐતિહાસિક ક્ષણો માં જીવી રહી છું  તેમ લાગે છે.  પરિવર્તન એટલુ ઝડપી છે કે આપણી નજર વર્તમાન પર પડે ત્યારે વર્તમાન ની ક્ષણ ભૂતકાળ બની ચૂકી હોય છે.પણ ખરેખર, જીવતું જાગતું અસ્તિત્વ, ધબકતું જીવન તો આ ક્ષણમાં જ છે ને? ..વર્તમાન જીવંત હોય છે.એ કેમ ભૂલી ગઈ ? વર્તમાન  ચેતનાના દરિયામાં લહેરાતું હોય છે.આનંદના આકાશમાં વિહરતુ હોય છે.સ્વર્ગ જેવો આનંદ અને આંખની કીકીમાં સાચવવાનો હોય ને ?હૃદયમાં આંકવાનો હો ને ..મારી સખીને  મળી, છેટ દેવલાલીથી  મને મળવા આવી ત્યારે ચશ્માં પહેર્યા હતા ૩૫ વર્ષે  મળ્યા હું એના ચશ્માની પાછળ મારી સખી  અલકાને શોધતી હતી..જૂની યાદો ગુલાબનાં પાંદડાં પર પડેલા ઝાકળના ટીપાની જેમ તાજી થઈ ગઈ..એ યાદો મારો એપલનો કેમેરો ઝડપી ના શાક્યો…. અને ફોટા પાડવામાં એક એક કરીને જીવનની ઘણી અમૂલ્ય ક્ષણો હાથમાંથી કોરી જ સરી ગઈ .આજે કબુલ કરીશ કે મેં પણ બીજાની જેમ એક તક ઝડપી ફોટા પડવાની,અને એની  લયમાં ક્ષણ ગુમાવી અને સાથે ફોટા પાડ્યા પણ ખરા અને મિત્રોને મળવાનો લ્હાવો લીધો.પણ સાચું કહું આંખોમાં સમાવેલું મારી સખીનું ચિત્ર ,હૃદયમાં ઉગેલી યાદો અને  મારા સ્વહસ્તાક્ષરના  ડાયરીના પાના સામે આ ઢગલો ફોટા સાવ ફિક્કા લાગે….હો .. સાવ ફિક્કા લાગે….

પ્રજ્ઞાજી

​ ​

અભિવ્યક્તિ -૧૫-‘પાટિયાસન’-અનુપમ બુચ

‘પાટિયાસન’
યોગગુરુ બી.કે.એસ.આયંગરના યોગશાસ્ત્રમાં આ યોગાસનનો ઉલ્લેખ નથી. યોગ એક્સપર્ટ બાબા રામદેવને પણ આ આસનની ફાવટ હોવા અંગે અમને શંકા છે. આ આસનમાં કૌશલ્ય મેળવવું એ જેવાતેવાનું તો કામ જ નથી. કોઈ પણ ગુજરાતીને અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના રહીશને બાપ-દાદાઓ પાસેથી હસ્તગત થયેલ રહેણીકરણી અને એશોઆરામનો ભવ્ય વારસો એટલે ‘પાટિયાસન.’
હવામાં લટકતા ડાબા પગની સાથળ નીચે જમણા પગનો પંજો દબાવી, ટટ્ટાર શરીરે જમીનથી ત્રણ ફૂટ અધ્ધર, એક પછી એક પગ બદલતાં, કલાકો સુધી અર્ધ-પલાંઠી મારી હીંચકતા રહેવું એ યોગનો ભવ્ય પ્રકાર છે.
જીવનભર ચાલતી ‘પટિયાસન’ની યોગમુદ્રામાં જ્યારે ધ્યાનભંગ થાય ત્યારે સમજો એ સદગ્રસ્થનું પેન્શન પણ બંધ થાય. આવા દૈવી યોગસનને ‘અનન્યાસન’ કહેવું જરા પણ અતિશયોક્તિ નથી.
‘પાટિયાસન’ અન્ય યોગસનોથી અલગ ઓળખ ધરાવે છે. આ આસન કરવા માટે ‘યોગ મેટ’નો રોલ બગલમાં ભરાવીને ફરવાની જરૂર નથી. એ માટે તમારી પાસે પેઢી દર પેઢીથી વપરાતું, લોખંડના વળી ગયેલા આકડામાં ભરાવેલ હવામાં ઝૂલતું, ટેકા વિનાનું, લાકડાનું સપાટ પાટિયું હોવું જરૂરી છે. ચાર-પાંચ પેઢીથી, સેંકડો શિયાળા, ઊનાળા અને ચોમાસાં સહીને કોઈ નિસ્તેજ બુઝર્ગની કમરની જેમ વચ્ચેથી નમેલું છતાં અડીખમ! ન કોઈ ટેકો કે ન કોઈ કઠેડો. બે પહોળાં લાકડાંના પાટિયાં અને બે લાકડાના ધોકામાં લોખંડના છ ખીલ્લા ઠોકી બનાવેલ પાટિયું એટલે ‘પાટિયાસન’ માટે ઉત્તમ બેઠક. જમીનથી અધ્ધર બેસી એક પગથી સેલારા મારતાં આવો નિજાનંદ માણતા અમારા સ્થિતપ્રજ્ઞ વડીલ સદગ્રહસ્થોને આજે મનોમન નમન કરવાનું મન થાય છે.
‘પાટિયાસન’ એક દિર્ઘાસન છે. હા, અનુલોમ વિલોમ, ભુજંગાસન કે પવનમુક્તાસનનો સમય સેકન્ડો અને મિનિટોમાં મપાતો હશે. ‘પાટિયાસન’ એક કલાકથી લઈને સાડાત્રણ-ચાર કલાક સુધી સતત ચાલતું રહે એવું યોગાસન છે. વચ્ચે વચ્ચે પૂર્ણ પલાંઠી વાળવાની છૂટ હોય છે ખરી પણ બોચીથી બેઠકના ભાગ સુધી ટટ્ટાર રહેવું ફરજિયાત હોય છે.
સાવધાન! ‘પાટિયાસન’ને કામધંધા વિનાના લોકોનું આસન કહીને મશ્કરી કરવી એ યોગશાસ્ત્રનું અપમાન છે. ‘પાટિયાસન’થી થતા સાચા શારીરિક, માનસિક, સામાજિક લાભનો તો વિચાર કરો.
શારીરિક લાભ જગજાહેર છે. બંને પગનાં પંજાનો જમીન સાથે થતો સ્પર્શ શરીરમાં ઊર્જાનો ગજબ સંચાર કરે છે. સેલારા મારતી વખતે બન્ને પગના અંગૂઠાનાં દબાતાં ‘પોઈન્ટ’ આરોગ્ય માટે ચોક્કસ લાભદાયી હશે જ. બન્ને પગને મળતી કસરતથી સાથળો માંસલ બને છે અને અને પગની ઢાંકણીઓનું ‘ઓઈલીંગ’ થાય છે. ઢાંકણીના દુઃખાવાની ફરિયાદ અને ની-રિપ્લેસમેન્ટના ખર્ચા અને ધજાગરા તો હવે ફરકતા થયા.
‘પાટિયાસન’થી થતા સામાજિક લાભ પણ સલામ કરાવી પડે. ઘરમાં કોઈને નડ્યા વિના કલાકો સુધી બેસી રહેતા વડીલો કુટુંબની સાચી સેવા કરે છે. ઘરમાં વચ્ચોવચ્ચ બેસીને રડારની જેમ ઘરનું મોનીટરિંગ કરવું એ પણ દુર્ગુણ નહીં, એક સદગુણ છે. કૌટુંબિક પ્રશ્નો, સલાહ સૂચનો માટે હાજર હોવું એ ‘ચંચુપાત’ નથી. ‘હનુમાન ચાલીસા, સાંઈચાલીસા, માતાજીના ગરબા, કે શિવમહિમ્ન આંખો બંધ કરીને કડકડાટ બોલવાનો લાભ પાટિયા પર જ મળે. તમે જ કહો, પાટિયાસન’થી મળતી પરમ શાંતિ કોઈ મંદિર-મસ્જીદ-અપસરા કે ગુરુદ્વારામાં મળે ખરી?
‘પાટિયાસન’ એટલે અદભૂત મનોરંજન અને નિજાનંદનો મહાસાગર! સાયગલ-રફી-મન્નાડે-કિશોર કુમાર-લતાજી-આશાજીના ગીતો લલકારવાં કે ગણગણવાં. હથેળી અને આંગળીઓનાં ટેરવાંથી રિધમ આપવી અને ભૂતકાળમાં સેર કરવી! મન કેવું પ્રસન્ન અને પ્રફુલ્લિત થાય!Anupam Buch
મોટા બંગલાઓમાં કે શિપમેન્ટ દ્વારા સેકડો ડોલર ખર્ચીને ટીંગાડાતાં પિત્તળની નકશીદાર સાંકળોથી શોભતાં પાટિયાં પર એકલતાને ઠેલા મારતાં કોઈ એકલ-ડીકલ કે કપલ આપણો આ અમર વારસો સાચવે છે.
હું તો એવા દ્રશ્યની કલ્પના કરું છું કે લાલ કિલ્લા સામેના વિશાળ મેદાનમાં બાંધેલ શામિયાણામાં સેંકડો પાટિયાં બાંધ્યાં છે અને સતત એક કલાક સુધી યોગ વાંછુઓ ‘પાટિયાસન’ કરે છે અને દૂનિયાભરની ચેનલોમાં એનું જીવંત પ્રસારણ થાય છે!
અનુપમ બુચ

અવલોકન-૧૨-કેરીનો રસ કાઢતાં

     કેરીનો રસ કાઢવા માટે આ જણને કામ સોંપવામાં આવ્યું- કેરીના ટુકડા કરવાનું. પછી એ ટુકડા મિક્સરમાં પીલીને રસ નીકળશે.

    જુનો   જમાનો યાદ આવી ગયો. સીઝનમાં કેરીઓના ટોપલે ટોપલા ઘરના ઉપલા માળે ભરેલા રહેતા – ઘાસથી વિંટળાયેલ અને શિયાળામાં આવેલા ઘઉંના કોથળા ઓઢાડેલ કેરીઓ. છાનામાના ઉપર જઈ મઝેથી પાકેલી કેરીઓ ચૂસવાની એ મજા જ ગઈ. આખા કુટુંબ માટે રસ કાઢવાનું કામ પણ આ જણનું જ. કેરીઓ ગોળી ગોળીને તપેલી પર મુકેલ ચાળણામાં રસ કાઢવાનો. કેરીનાં છોતરાં અને ગોટલા ધોઈને એનો બાફલો બને અને ગોટલા પણ ફેંકી શેના દેવાય? એ તો ઉનાળાની ગરમીમાં છાપરે સુકાય અને પછી એને ભાંગીને નીકળેલી ગોટલીઓનો મુખવાસ બને અને બાકીના ગોટલા પાણી ગરમ કરવાના બંબા માટે શિયાળા સુધી કોથળાવાસી!

     અરે, પણ એ અમદાવાદી રીતની સ્મૃતિઓ તાજી કરવા થોડું જ આ અવલોકન હાથ ધર્યું છે?

     વાત છે – છાલ કાઢી નાંખેલી કેરીના ટુકડા કરતી વખતની અને ગોટલા પર વધેલા માલના અવશેષો ઉશેટી લેવા વખતની. બંને  વખતે કેરીના ડિંટા આગળથી વાઢ શરૂ કરીએ તો સરળતાથી કપાય. ઉંધી દિશામાં રેસા નડે નડે ને નડે જ. એક દિશામાં રેસા અવરોધ ન કરે.

     લાકડાના પાટિયાંને વ્હેરતાં પણ  આમ જ બને –  એક દિશામાં એના રેસા પણ અવરોધ ન કરે.

     બે દિ’ પહેલાં બેક યાર્ડમાંથી ઊતારેલાં ફુદીનાનાં પાન ચૂંટતાં પણ આવો જ અનુભવ થયો. એક એક પાનું ચૂંટવા કરતાં છેક ટોચના ભાગથી ડાળી પકડી, બે આંગળી સરકાવીએ તો, ફટાફટ બધાં પાંદડાં કપાઈ જાય અને કામ સરળ બની જાય. અહીં પણ એક દિશામાં પાનનાં છેડા અવરોધ ન કરે.

    ——————-

     જીવનના અનુભવો સાથે કેવી સામ્યતા? પ્રવાહની સામી દિશામાં તરી તો જોઈએ? એની સાથે તરતા રહેવાનો અનુભવ જ સુખદ હોય ને?

જે પ્રવાહની સામે તરતા રહી શકે છે,
એમની શુરવીરતાને સલામ.

૧૬ – શબ્દના સથવારે – પતંગ – કલ્પના રઘુ

પતંગ

સમગ્ર વિશ્વના નભમંદિરમાં સૂર્યનારાયણનો ઉદય થતાંજ છપ્પન ભોગનો રંગીન અન્નકૂટ એટલે ૧૪ જાન્યુઆરી ઉત્તરાયણમાં ચઢાવાતા પતંગ. પતંગને અંગ્રેજીમાં કાઇટ કહે છે. પતંગનો ઇતિહાસ ઇસુ પૂર્વેનો છે. તેની શોધ અંગે મતમતાંતરો છે. ચીનમાં એક ખેડૂતે સૌ પ્રથમ પતંગની શોધ કરી હતી. ભારતમાં ‘પતંગ’ નામનો સર્વપ્રથમ ઉલ્લેખ મંઝન નામના કવિએ પોતાની કવિતા ‘મધુમાલતી’માં કર્યો હતો. તેમણે પતંગને પ્રેમી અને પ્રેમિકાના સંદેશ એકબીજા સુધી પહોંચાડવાનું એક કાલ્પનિક વાહન કહ્યું હતું. ત્યારથી ‘પતંગ’ નામ પ્રચલિત થઇ ગયું છે. એકનાથ અને તુકારામે પોતાનાં શ્લોકોમાં પતંગનો ઉલ્લેખ ‘વાવડી’ નામથી કર્યો હતો. પ્રાચીન ગ્રંથોમાં પતંગનો ઉલ્લેખ જોવા મળે છે. મોગલ કાળમાં પતંગનો શોખ વ્યાપક હતો માટેજ પતંગના ધંધામાં મુસ્લીમ કારીગરોનું વર્ચસ્વ જોવા મળે છે.

રંગબેરંગી કાગળ પરની નાની અમથી શોધ યુગોથી માણસ ઉડાવી રહ્યો છે. હવામાં ઉડતી, લહેરાતી, લપટાતી, ગુલાંટો મારતી, શણગારેલી પતંગો લોકોનાં મન હરી લે છે.

Patang 75576669d80e5c89201d493f2adcc206--indian-festivals-kite-flying ફૂદી, ચીલ, પાવલો, ચાંદેદાર, આંખેદાર, પટ્ટેદાર, ઝાજ, ઢાલ તેમજ અવનવા મેસેજથી સજ્જ અને રંગીન, વિવિધ આકાર અને કદવાળા તેમજ જાણીતી વ્યક્તિઓની તસ્વીરવાળા પતંગોથી આકાશ ધમધમી ઉઠે છે. તેની ઉડાન માટે કેટકેટલી એસેસરીસથી માનવે સજ્જ થવું પડે છે? દોરી, ફીરકી, ટોટી, ગોગલ્સ, કેપ, માસ્ક, પીપૂડા, મ્યુઝીક, બાઇનોક્યુલર, કેમેરા, તુક્કલ, કેન્ડલ, ફટાકડા, બોર, તલસાંકળી, જામફળ, ખીચડો, ઉંધિયુ વિગેરે. કિન્ના બંધાય, ઢઢ્ઢો મરડાય અને દોરી સાથે ગઠબંધન કરીને પતંગની સવારી નિકળે. પતંગ ઘવાય તો ભાત, ગુંદર, ટેપ હાજર હોય છે. વૃધ્ધો પણ મદદે આવે. શેરીઓ સડકો સૂમસામ અને ધાબા ધમધમતા. કાઇપો, લપેટની બૂમો સંભળાય. આબાલવૃધ્ધ તમામને સૂર્યની હાજરીમાં હોલબોડી એક્સરસાઇઝ કરાવવાની ક્ષમતા નાનાશા પતંગમાં હોય છે. રાત્રે તેની સાથે નાના દિવડાથી શોભતી તુક્કલો અને ફટાકડાનાં પ્રકાશથી ટમટમતા તારલા સંગે નભમંદિરમાં જાણે આરતી ના થતી હોય તેવું દ્રશ્ય ભાસે છે!

પતંગ ચગાવવો એ પણ એક કળા છે. પતંગોત્સવ, સ્વસ્થ પ્રતિસ્પર્ધાની ઉર્જાનો સંચાર કરે છે. માધ માસે સૂર્યદેવનાં ઉત્તરમાં આયનથી ભારતવર્ષમાં પ્રકાશની વૃધ્ધિના પ્રતિક પર્વ મકરસંક્રાન્તીથી સૌનું જીવન પ્રકાશમય બને તેવી શુભેચ્છા અંતર્ગત પતંગ પ્રતિવર્ષ ઉડાડવામાં આવે છે. પતંગોત્સવ ગુજરાતની વિશિષ્ટ ઓળખ છે માટે તે રાષ્ટ્રીય પર્વ તરીકે જાહેર થયો છે. અમદાવાદમાં ૨૯મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાયો જેને લીધે સમગ્ર વિશ્વમાં ગુજરાત, પ્રવાસીઓ માટે ધ્યાનાકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આમ નાની અમથી કાગળની કાયા ધરાવતા પતંગનો રૂઆબ તો જુઓ! ધરાથી ગગન સુધી ઉડીને સમગ્ર વિશ્વમાં માનવમનનો કંટ્રોલ કરે છે. પતંગને માનવીના મન સાથે સરખાવી શકાય. ‘ચલી ચલી રે પતંગ મેરી ચલી રે, ચલી બાદલો કે પાર, હોકે ડોર પે સવાર, સારી દુનિયા યે દેખ દેખ જલી રે’ આ ફીલ્મી ગીત પતંગ વિષે ઘણુ બધુ કહી જાય છે. જો આ પતંગ તેની કાયા નાશ પામીને ગાર્બેજ થવાની છે તેમ માનીને દુકાનમાં પડી રહેશે તો? ના, એને એના સપનાઓને આંબવા ચગવું પડશે. ઉપર હશે ત્યાં સુધીજ લોકો વાહ વાહ કરશે તે સ્વીકારીને અક્ડાઇ રાખ્યા વગર બીજાના ઠમકે ઢીલ સાથે ગોથા ખાઇને નમ્ર બનીને અસ્તિત્વ જાળવવું પડશે. ગળાકાપ હરીફાઇમાં બીજાને કાપવા પડશે. ગતિમાન રહેતાં બીજાને ઇર્ષા થશે તો પણ પોતાની મસ્તીમાં ઉડવું પડશે. સમૂહમાં રહીને એકજ દિશામાં પવનની સામે ના થવું અને પ્રવાહમાં તણાવવું એ શાણપણ પતંગ શીખવે છે. તે હવાની રૂખને સમજીને સંજોગો સામે લડે છે. ઉમ્મીદોનાં દોરાથી બંધાઇને આગળ વધે છે. ભૂતકાળ ભૂલી જઇને ઉર્ધ્વગતિનો સંદેશ પતંગ આપે છે. આજની પેઢીને પતંગ ખાસ સંદેશ આપે છે કે સંસ્કૃતિ, સંસ્કાર અને જડ સાથે બંધાયેલો માનવ, જીતી અને જીવી જાણશે પરંતુ જો તે પોતાની જડને છોડી દેશે તો તે પતંગની જેમ કપાઇ જશે.

કોઇએ લખ્યું છે, ‘પક્ષીનાં નામે પતંગ બંધ કરીને આ બાળકોનો આનંદ હણનારા, પેલાં જીવતાં કુકડાનું શાક બંધ કરાવો! કારણકે ઉત્સવ ટકશે તોજ સંસ્કૃતિ ટકશે’. આ વખતે પક્ષીઓના વિચરણ સમયે પતંગ ઉડાડવા પર અને ચાઇનીસ દોરી પર પ્રતિબંધ હતો જે આવકાર્ય છે. બાકી તો પ્રેમીઓના દિલ ઉડતા પતંગને જોઇને ચોક્કસ ગાઇ ઉઠે છે, ‘ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, દિલકી પતંગ દેખો ઉડી ઉડી જાય’.

14 -આવું કેમ ? :માનવતા અને માર્ટિન લ્યુથર કિંગ

હમણાં આપણે એક શાંતિદૂત માર્ટિન લ્યુથર કિંગની જન્મજ્યંતિ ઉજવી ! પણ માર્ટિનલ્યુથર કિંગ ની જન્મ જ્યંતી રાષ્ટ્રીય ધોરણે ઉજવાય છે ; એવું કેમ ?

આમ તો તેઓ કોઈ મોટો રાજકીય હોદ્દો ધરાવતા પ્રેસિડન્ટ કે મહાન ધર્મગુરુ કે એવું કાંઈ નહોતા પણ તોયે એમની જન્મજયંતિ રાષ્ટ્રીય કક્ષાએ ?
એવું કેમ ?

એ પ્રશ્ન સાથે જ ત્રીસેક વર્ષ પહેલાં બનેલો એક પ્રસંગ યાદ આવી  જાય છે..
શિક્ષકોના એક સેમિનારમાં પહેલી સેશન્સ પુરી થયા બાદ બધાંને જુદા જુદા ક્લાસરૂમમાં જવાનું હતું . રિસેસપુરી થતાં જ અમે બધાં ક્લાસ તરફ વળ્યાં .અમને બારણાં પાસે જ રોકીને જે લોકોની આંખની કીકીનો કલર નીલો – બ્લ્યુ હતો તે સૌને આગળના ટેબલ ખુરસી પર બેસવા જણાવ્યું . જયારે જેમની આંખોની કીકીનો રંગ કાળો હતો એવાં અમને બધાંને કાળી આંખવાળાઓને માટે પાછળની જગ્યા હતી. સ્વાભાવિક રીતે જ એ અપમાનજનક હતું : ” Just because our eyes’ color is black ??” એમ કહીને બધાંએ ઊહાપોહ શરૂ કર્યો . એટલે સામેથી વધારે તોછડાઈથી જવાબ મળ્યો ;” Yes ! Now go and get a seat in those back tables !”

હવે અમારા ટેબલપર એકદમ ગરમી આવી ગઈ ! હાથ પછાડી મોટેથી બુમાબુમ અને ઘોંઘાટ શરૂ થયાં! આગળના વર્ગમાં જે શાંતિથી અમે બાળઉછેર વિષે ભણેલાં એ બધું વિસરાઈ ગયું , એની જગ્યાએ ઊહાપોહ શરૂ થયો ..કાયદેસર પગલાં લઈશું .. વગેરે ધમકી ધાંધલ શરૂ થઈ ગયા.

દશેક મિનિટના આ નાટક પછી અમારા ઇન્સ્ટ્કટરે ઘટસ્ફોટ કરતાં કહ્યું;” બધાં શાંત થઈ જાવ; આ તો એક માત્ર પ્રયોગ હતો ! “
અને ત્યાર પછી એમણે અમને -શિક્ષક વર્ગને અમેરિકાના “ભવિષ્યના કુશળ ઘડવૈયાઓને” સમજાવ્યું કે જયારે આપણે કોઈની તરફ ભેદભાવનું વર્તન રાખીએ છીએ તો શું થાય છે ેનો અમને પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો હતો. કાળા અને ધોળા લોકો વચ્ચે , ઇમિગ્રન્ટ્સ અને લોકલ પ્રજા વચ્ચે , ગરીબ અને પૈસાદાર બાળકો વચ્ચે, હોશિયાર અને થોડાં ચેલેંજિંગ બાળકો વચ્ચે જો ભેદભાવ રાખીશું તો બાળકના વિકાસમાં અને આખરે સમગ્ર સમાજના વિકાસમાં આવી જ રીતે ખળભળાટ થઈ જશે -સમાજમાં પણ આવી જ રીતે ઊહાપોહ થશે તો એક સ્વચ્છ તંદુરસ્ત સમાજ માટે માર્ટિન લ્યુથર કિંગે ગોરા કાળા વચ્ચેનો ભેદભાવ દૂર કરવા પ્રયત્ન કર્યો હતો.

આમ જોવા જઈએ તો એ એક સામાન્ય આફ્રિકન અમેરિકન ( કાળા) માતા પિતાના સંતાન  જેઓ એક બાપ્ટિસ્ટ ( સ્વતંત્ર ) ચર્ચમાં પાસ્ટર હતા. એમણે ૧૯૫૫માં અલાબામાના મોન્ટગામારી ગામમાં એક બસમાં બેસવા બાબતના વિવાદમાં ભાગ લીધો .રોઝા પાર્કસ નામની એક સ્ત્રીએ બસમાં પાછળની સીટ પર બેસવા ઇન્કાર કર્યો અને તેમાંથી ચળવળ ઉભી થઇ.. અને એ અસહકારની લડત પુરા તેર મહિના ચાલી ; છેવટે સરકારને નમતું જોખવું પડ્યું . રોઝા પાર્કસને બળ મળ્યું. ગાંધીજીના વિચારે રંગાયેલ માર્ટિને અમેરિકાનો ઇતિહાસ બદલવા મંડ્યો ..અને ત્યાર પછી સિવિલ રાઇટ્સ મુવમેન્ટ્સ શરૂ થઇ .. જેણે અમેરિકાનો ઇતિહાસ બદલ્યો  અને એટલે એમને આપણે યાદ કરીએ છીએ.

હજુ ગઈ સદી સુધી અમેરિકામાં કાળા – ધોળા માનવીઓ વચ્ચે કેવો ભેદભાવ રાખવામાં આવતો હતો ! અરે વીસમી સદીમાં પણ હબસી લોકો માટે અલગ રેસ્ટરૂમ્સ , પીવાના પાણી વગેરેની અલગ વ્યવસ્થા હતી ! તેઓને ખરાબ રીતે , ઉપેક્ષિત કે અપમાનભરી રીતે જોવામાં આવતાં હતાં ! ( જો કે આપણે ત્યાં હરિજનોને કેવી રીતે ટ્રીટ કરીએ છીએ .. પણ એની વાત ફરી ક્યારે ) અમેરિકાના ઇતિહાસનું આ નામોશીભર્યું કાર્ય છે.

ત્રીસ વર્ષ પહેલાં બનેલા “ કાળી કીકી- બ્લુ કીકી વાળા પ્રસંગે  મને અને અમારા ક્લાસમાં બેઠેલાં સૌને સમજાવ્યું કે જાહેર જગ્યાઓમાં થતું આ અપમાન – કે ઉપેક્ષા કેટલાં હૃદયસોંસરાં ઉતરી જાય છે.

માર્ટિન લ્યુથર કિંગ અને રોઝા પાર્ક્સ જેવા અનેકોએ બલિદાન આપ્યાં સમાજમાં સમાનતા લાવવા ! ગાંધીજીના અનુયાયી MLK junior ક્યારેય ગાંધીજીને પ્રત્યક્ષ મળ્યા નહોતા પણ ગાંધીજીના સત્ય અનેઅહિંસાના માર્ગથી પ્રભાવિત થઈને કાળા – ગોરાના ભેઘ મિટાવવા પ્રતિબદ્ધ હતા અને અમેરિકા એટલે જ તો આ અસહકારની લડતથી આશ્રચર્ય ચકિત થઇ ગયું ! જ્યાં “Might is Right “હતું ત્યાં અહિંસા અને અસહકાર ? એમણે ભૌતિક સમૃદ્ધિ પાછળ ભાગતા દેશને બતાવ્યું કે તલવાર કે બંદૂકની તાકાત કરતાં અસહકારની તાકાત મહાન છે! અને એમને એ માટે શાંતિ માટેનું નોબલપ્રાઈઝ પણ મળ્યું ! અમેરિકામાં નવા કાનૂન અમલમાં આવ્યા ! સૌ સમાન !
કાયદેસર રીતે ગોરા કાળાના ભેદ રાખવા ગુનો ગણવામાં આવે! કાળા – હબસી પ્રજા માટે હવે જુદી બાથરૂમ કે અલગ સીટ વગેરે બંધ. સૌને સમાન હક્ક.
” આ મારુ સ્વપ્નું છે કે જયારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને માનવી તરીકે ઓળખશે એના શરીરના રંગ ઉપરથી નહીં એના દિલના ભાવ થકી ઓળખશે! ” એમના એક પ્રવચનમાં કહ્યું હતું!
પણ ૧૯૬૮માંમાત્ર ૩૯ વર્ષની ઉંમરે ટેનસિના મેમ્ફિસ શહેરમાં ગન શોટમાં એમનું મૃત્યુ થયું ! જેણે આખી જિંદગી પ્રેમ અને અહિંસા પાછળ ખર્ચી દીધી એનું મૃત્યુ બંદૂકની ગોળીથી ?
એવું કેમ?

સમાજમાંથી ગરીબી હઠાવવા એમણે આખી જિંદગી પ્રયત્ન કર્યા મૃત્યુ વેળાએ એ મેમ્ફિસમાં ગરીબાઇ દૂર કરવાના ભાગ રૂપે એક કાર્યક્રમ માટે આવેલા .
શું સમાજમાંથી ગરીબી દૂર થઇ?
ગાંધીજી અને માર્ટિન લ્યુથર કિંગ જેવાઓએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું ; પણ ક્યાંય શાંતિ કે સૌમ્યતા વર્તાય છે ખરાં?
એવું કેમ?
અને આજે હવે એક પ્રશ્ન મનમાં ઉદ્દભવે છે:
એવું કેમ ? માણસ જન્મથી તો અહિંસક છે: તો આ હિંસાનો માર્ગ ક્યાંથી? અને માણસની પ્રકૃતિ જો હિંસા તરફી હશે તો વિશ્વમાં શાંતિ એ તો એક સ્વપ્નું  જ રહેશે.

એવું કેમ એ લોકો સમજતા નથી કે જે મહાન વિભૂતિઓને તમે ગોળીએ ઉડાડી દીધા એ શું ખરેખર મૃત્યુ પામ્યા છે? ગાંધીજી એ એક વાર માર્મિક રીતે હસીને કહ્યું હતું : હું મરીશ ત્યારે પણ થોડો જ શાંત બેસવાનો છું ?
તેજ પુંજ સૂર્ય સાંજે આથમી જાય છે; પણ ખરેખર શું એ તેજવિહીન બની જાય છે?
શું ખરેખર સૂર્ય શાંત થાય છે?

આ મહાન શાંતિદૂતો સમાજમાં શાંતિ અને પ્રેમ માટે બલિદાનો આપતાં જ રહેશે અને -અસામાજિક તત્વો એમનો ધ્વંશ કરવા સમાજને ખળભળાવતા જ રહેશે.. અને શાંતિદૂતો બલિદાનો આપતાં જ રહેશે…કેમ?
એવું કેમ?