૧૭ – શબ્દના સથવારે – ઘંટ – કલ્પના રઘુ

ઘંટ

ઘંટ શબ્દનો વિચાર આવતાં જ મનમાં અનેક પ્રકારનાં ઘંટ વાગવા માંડે છે અને દિલમાં ઘંટડીઓ. મોટો હોય તે ઘંટ અને નાની હોય તે ઘંટડી. અંગ્રેજીમાં ઘંટને ‘બેલ’ કહેવામાં આવે છે. ઘંટ એટલે ધાતુ (કાંસા)ની ઊંધા પ્યાલાના આકારની કે જાડી લોઢી જેવી વગાડવાની વસ્તુ, ઝાલર કે ઘંટા, ટોકરો કે ટંકોરો. કોઇ વ્યક્તિ ઉસ્તાદ, ધૂર્ત કે જબરી હોય તેને ઘંટ કહેવાય. ઘંટ ફરવો એટલે ખાલીખમ હોવું કે વપરાઇ જવું. ઘંટ વાગવો એટલે ગરીબાઇ હોવી. ઘંટ વગાડવો એટલે જાહેર કરવું. ઘંટાકાર એટલે ઘંટના આકરનું. ઘંટાકર્ણ એટલે મહાદેવનો એક પ્રિય અનુચર. ઘંટાઘર એટલે જાહેર ઉપયોગ માટે રખાતી મોટી ઘડીયાળનું ઘર કે ટાવર. ઘંટાપથ એટલે રાજમાર્ગ કે મુખ્ય રસ્તો. ઘંટારવ એટલે ઘંટનો અવાજ. મોટા ઘંટનો ટકોરો એટલે ઘંટો. ઘંટાળી એટલે ઘુઘરીઓની હાર. ઘંટડી એટલે છેક નાનો ઘંટ, ટોકરી, ટંકોરી કે શૂન્ય. ઘંટડી વગાડવી એટલે ખાલી કે નવરૂ નકામુ બનીને રઝળવું અથવા પૂરૂ થાય છે એમ જણાવવું.

1200px-Tallinna_raekoja_kell-page-001

ઘંટ પુરુષવાચક અને ઘંટડી સ્ત્રીલિંગ સૂચવે છે. મંદિરની બહાર ઘંટ અને અંદર ઘંટડી હોય છે. ઘંટનો અવાજ મોટો અને ઘંટડીનો નાનો હોય છે. ઘંટડીનો અવાજ, પ્રભુ આરતી સમયે તેમની નજીક રાખે છે જ્યારે ઘંટને ગર્ભદ્વારે રાખે છે. રડતું બાળક છાનું રાખવાની ક્ષમતા ઘંટડીમાં છે જ્યારે ઘંટનો અવાજ સૂતેલા બાળકોને ઝબકાવીને જગાડી દે છે. છતાં ઘંટનું એક ચોક્કસ સ્થાન છે.

શાળામાં, મંદિર કે દેવળમાં, સ્ટેશન પર કે ઘરનાં દ્વારે ઘંટ જોવા મળે છે. પહેલાં રાજાના મહેલની બહાર, ન્યાયનો ઘંટ રખાતો જેમાં પ્રજા ન્યાય માટે ઘંટ વગાડીને રાજાને સૂચિત કરતી. ચેતવણી, સાવચેતી કે ભય સંકેત માટે વગાડાતો ઘંટ ભયનો ઘંટ કહેવાય. રાણકપુર મંદિરમાં ગર્ભદ્વારની ડાબી અને જમણી બાજુએ બે ૨૫૦-૨૫૦ કિ. ગ્રા. વજન ધરાવતા ઘંટ છે. જેમાં એક નર ઘંટ અને બીજો માદા ઘંટ છે. આ ઘંટ વગાડતાં થતો ઓમકારનો રણકાર ૩ કી. મી. દૂર સુધી સાંભળી શકાય છે. ખોડલધામ મંદિર પર ધજાદંડને ૨૨ ઘંટથી શણગાર્યો છે. શ્રી ઘંટાકર્ણ મહાવીરનાં મહૂડી તીર્થમાં ઉંચા સ્તંભ પર મોટો ઘંટ મંત્રિત કરીને મૂક્યો છે.

ઘંટ ખાસ ધાતુઓ ભેગી કરીને બનાવવામાં આવે છે. ઓમકાર અને ઘંટનાદને સીધો સંબંધ છે. ઘંટના ધ્વનિમાંથી ઓમ પ્રગટ થાય છે. હિન્દુ મંદિરમાં આરતી વખતે ઘંટનાદ કરવામાં આવે છે. ઘંટના ધ્વનિથી તરંગો પેદા થાય છે જેનાથી બહારની દુનિયા ભૂલીને પ્રભુ દર્શનમાં યોગ પેદા થાય છે. મન બીજે વિચરતુ બંધ થઇને ઇશ્વરમાં લીન થાય છે. દૂર દૂર સુધી આ ધ્વનિનાં તરંગો પ્રસરે છે જેની અસર માનવ મન પર થાય છે. તે વાતાવરણની અશુધ્ધિઓને દૂર કરે છે. આમ ઘંટ ધર્મ અને વિજ્ઞાનનો સુમેળ કરે છે. એવી માન્યતા છે, આરતી સમયે અને દર્શન કરતી વખતે ઘંટ વગાડવાથી પ્રાણપ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓ જાગૃત થાય છે. પુરાણો પ્રમાણે માણસનાં પાપો નષ્ટ પામે છે. ઘંટને કાળનું પ્રતિક માનવામાં આવે છે. તાજા સમાચાર પ્રમાણે એન. જી. ટી. એ. અમરનાથ મંદિરમાં ઘંટ વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે જો કે તેની સામે લોકોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. દેવળમાં પ્રાર્થના સમયનો સંકેત, એટલે કરવામાં આવતો ઘંટનો અવાજ. લોકો જ્યાં હોય તે સ્થાને કામ છોડીને પ્રાર્થના કરે છે. પ્રસંગ અનુસાર ઘંટનાદની ગતિમાં ફેર કરવામાં આવે છે.

સમગ્ર વિશ્વને પોતાનાં પ્રભાવ હેઠળ રાખનાર ઘંટ આટલો વિશેષ છે ત્યારે વિચારવું રહ્યું કે ઘંટ કરતાં ઘંટને ઘડનાર કેટલો મહાન કહેવાય? આ વાતને મધ્યબિન્દુમાં રાખીને કવિ શ્રી શ્રીધરાણીએ સુંદર કવિતા લખી છે, જે દ્વારા તે કહેવા માંગે છે કે ઇશ્વર કહે છે મને પૂજારીની પૂજા અને ઘંટનાદ પસંદ નથી. ઘંટનાં નાદે મારા કાન ફૂટે છે માટે પૂજારી પાછો જા, ઘંટનો ઘડનાર કે જે રાત-દિન નીંદર લીધા વગર એરણ સાથે હથોડા અફાળીને ઘંટને ઘડે છે તેની પૂજા સાચી છે જે મને સ્વીકાર્ય છે.

ઘંટ વગાડવો એ એક કળા છે. ઘંટની પણ એક ભાષા હોય છે. જુદા જુદા ઘંટારવ દ્વારા અનેક પ્રકારના સંદેશ મોક્લાય છે. યુવાનીમાં દિલમાં ઘંટી વાગે એ અનુભવ આહ્‍લાદક હોય છે પરંતુ વૃધ્ધત્વને આરે મૃત્યુનો ઘંટ વાગે એ પીડાદાયક હોય છે જે દરેકે જીવનમાં સાંભળવોજ રહ્યો. 

13 thoughts on “૧૭ – શબ્દના સથવારે – ઘંટ – કલ્પના રઘુ

  • તમારું અળવીતરુ ગમ્યું.જેમ ઘંટ વાગે એટલે દૂર સુધી બધાને ખબર પડે,તેમ લુચ્ચા માણસની લુચ્ચાઈ છાપરે ચઢીને પોકારે!

   Like

 1. વિષય વિસ્તાર સરસ છે. નિબંધમાં આ એક અગત્યનું પાસું છે. વચ્ચે વચ્ચે કેટલાક વાક્યો ચોટદાર છે. દા.ત.
  “રડતું બાળક છાનું રાખવાની ક્ષમતા ઘંટડીમાં છે જ્યારે ઘંટનો અવાજ સૂતેલા બાળકોને ઝબકાવીને જગાડી દે છે.”
  સમાજમાં પણ કેટલીક વ્યક્તિઓ ઘંટ જેવી Loud છે તો કેટલીક ઘંટડી જેવી સંગીતમય અને મધૂર છે.

  Like

  • આભાર દાવડા સાહેબ.ઘંટડી નારી છે.એટલે સંગીતમય અને મધુર હોવાનીજ.

   Like

 2. કલ્પનાબેન,
  તદન સાચી અને સુંદર વાત કરી છે, “વૃધ્ધત્વને આરે મૃત્યુનો ઘંટ વાગે એ પીડાદાયક હોય છે જે દરેકે જીવનમાં સાંભળવો રહ્યો ”
  આ ધરતી મૃત્યુ લોકથી જાણીતી છે માટે આ ઘટનાથી કોઈ બાકાત ન રહી શકે.

  Like

 3. ઘંટનાદનો મૂળ હેતુ આ ઘંટનાદ દ્વારા માનવોના સમુદાયને ભેગો કરવાની સાથે જીવનમાં અનિષ્ટ તત્વો દૂર કરવાનો છે અને તો જ અને શુભ તત્વોનું આગમન થાય છે.જેમ શંખ ઘ્વનિની પ્રક્રિયાથી વાયુ મંડળ કિટાણુમુકત બને છે.‘ઘંટ’ એ વિજયનાદનું પ્રતિક છે.ભારતના ૩૬ નૈસર્ગિક વાદ્યોમાં નાદ (ઘંટ-શંખ) એક પવિત્ર વાદ્ય છે.એને બનાવવા પાછળ પણ એક વૈજ્ઞાનિક પદ્ધતિ હોય છે.જેમાં કેડીમીયમ,ઝીંક શિશુ ,તાંબુ,નિકલ,ક્રોમિયમ,અને મેન્ગેનીઝ નો ઉપયોગ થાય છે. આ વખતની મારી ગુજરાત ટ્રીપમાં ઘણા ગાઈડ મળ્યા અને એમની પાસેથી ઘણું જાણવા મળ્યું ,આ ધાતુઓનું પ્રમાણ પણ નક્કી હોય છે.તોજ સારી ઉર્જા જાગે અને આપણા ડાબા અને જમણા મગજની એકરસ્તા નિર્માણ કરી સાત હિલીંગ ચક્રોને સ્પર્શે છે અને બીજા વિચારોને દુર કરી એક સજાગ સૂન્યમસ્ત્કતા રચાય છે. આપણને આપણી અંદર લઇ જાય છે.
  કલ્પના બેન સુંદર લેખ ..આપ વિકસી રહ્યા છો અને અમે આપની સાથે વાંચન દ્વારા વિકસી રહ્યા છીએ..

  Liked by 2 people

 4. ઘરમેળે કરતી આરતી સમયે એક સરખી ઝીણી ઘટડીનો રણકાર
  અને મંદિરમાં આરતી સમયે કરવામાં આવતા ઘટનાદથી
  આખુંય વાતાવરણ અને મન આંદોલિત થઈ જાય એ જ એની સાર્થકતા .
  ખુબ સરસ લેખ કલ્પનાબેન

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.