15- આવું કેમ? જૂનું ઘર ખાલી કરતાં-

એ ઘર અમે જોયું અને ત્યારે જ ગમી ગયેલું.  સુંદર વિસ્તારમાં સુંદર મઝાનું ઘર.  સારી નિશાળ , સારો પડોશ અને નજીકમાં જ લાયબ્રેરી.  અરે મોટી મોટી પ્રખ્યાત બ્રાન્ડના શો રૂમ વાળો મોલ પણ આ જ સબર્બમાં. અમે એ ઘર મેળવવા સારી એવી મહેનત કરી ,ભગવાનને પ્રાર્થના કરી. જરા વધારે પ્રાર્થના કરી.. અને છેવટે એ ઘર -સરસ મઝાનું, નવી સ્ટાઇલનું , નવા ઘાટનું , નવા રંગ રૂપ આકારનું – અમને મળ્યું.

પણ આજે એ ઘર અમે ખાલી કરીએ છીએ.
અરે, પણ એવું કેમ?

એ તો સરસ મઝાનું ઘર હતું ને?
હા , એ લગભગ અઢી દાયકા પહેલાની વાત હતી!
હવે એ એવોર્ડ મળેલી નિશાળોની અમારે જરૂર નથી.  હવે પેલા બ્રાન્ડ નામવાળા સ્ટોર્સનો અમને મોહ નથી.  હવે અમારી પરિસ્થિતિ બદલાઈ છે, અમારી જરૂરિયાતો બદલાઈ છે.
પણ જ્યાં અમારાં જીવનનો મધ્યાન તપ્યો અને જ્યાં જીવનના અવિસ્મરણીય પ્રસંગોએ આકાર લીધો એ બધું જ હવે એક માત્ર સ્મરણપટ પર જ રાખીને ચાલ્યા જવાનું ?. ..અહીંથી તો અમારાં પંખીડાઓને
પાંખો ફૂટી અને એ પંખીડાં ઉડી ગયાં પોતાનો માળો બાંધવા ,પોતાના માર્ગે.

કેટલું બધું આ દિવાલોએ જોયું છે, માણ્યું છે, ક્યારેક એ રડી છે, એમાં હર્ષાશ્રુ પણ છે ને વિરહની વેદના પણ છે. રિસામણાં -મનામણાં ,સરપ્રાઈઝ ,સંભારણા. ઘણું બધું ‘ ફર્સ્ટ ટાઈમ ‘ પણ આ જ ઘરમાં ઉજવ્યું છે – સંતાનોનું પહેલું ગ્રેજ્યુએશન, પહેલી નોકરી , લગ્ન , મહેફિલ – મિજબાની ….
લાગણીઓ આંખમાં ઉભરાય છે.
હાથ હેઠા પડે છે. પગ ઉપડવા આનાકાની કરે છે.

હું પરાણે ઘરવખરી – કપડાંલત્તા – પુસ્તકો – કાગળ કમ્પ્યુટર ભેગાં કરવા પ્રયત્ન કરું છું .
અચાનક એક કાગળ પર મારી નજર પડે છે .
છેકછાક કરેલા એ કાગળ પર બાળકોના ડે કેર સેન્ટર સિનિયર પ્રિ. કે.ની સ્કેડજયુલ -ટાઈમ ટેબલ માટે લખ્યું છે:
Clean Up Time !

નાના બાળકો સવારે બાળમંદિરની પ્રિય એક્ટિવિટીનો સમય આવે: ફ્રી પ્લે ! તમારે જ્યાં રમવું હોય ત્યાં , જે રમવું હોય તે રમવાનો સમય. અને પછી આવે “ ક્લીન અપ” ટાઈમ.
તમે જે જગ્યાએ જે રમકડાંથી રમ્યાં હો તે બધું યોગ્ય જગ્યાએ પાછું મુકી દેવાનુ.  બાળકોને “ ક્લીન અપ” ટાઈમની વોર્નિગ અપાય, નાનકડી ઘંટડી વાગે . હળીમળીને રમતાં બાળકો પોતાનું ક્રિએશન – સર્જન – જોઈલે . કોઈએ બિલ્ડીંગ બ્લોક્સના એરિયામાં ઊંચો ટાવર કે ઘર કે મહેલ બનાવ્યો હોય, તો
કોઈએ ગાડીઓનું ગેરેજ ને ગેસ સ્ટેશન સેટ અપ કર્યાં હોય, કોઈએ ઘરઘર રમતાં હાઉસ કીપિંગ એરિયામાં એપ્રન પહેરી કોફી અને પેનકેક માટે ટેબલ સેટ કર્યું હોય કે પ્રિટેન્ડ પ્લે એરિયામાં પપેટ શો થિયેટર બનાવ્યું હોય .. કોઈ એક ચિત્તે પ્લે ડો ( Play dough ) થી રમતું હોય કે કોઈએ પઝલ પુરી કરી હોય ..પણ ઘંટડી વાગે એટલે એ બધ્ધું જ હવે ધીમે ધીમે એની જગ્યાએ મુકવાનું.

હવે રમવાનો સમય પૂરો થયો.  હવે નવા પ્રકારની હલચલ શરૂ થશે. હવે નવી પ્રવૃત્તિ.

કોઈ બાળક સ્થિતપ્રજ્ઞની અદાથી બધું સમેટી લે, તો કોઈ પોતે મહેનતથી બનાવેલ ટાવરના બ્લોક્સ પાછા કન્ટેઈનરમાં (ટોપલામાં ) મુકવા તૈયાર ના હોય. કોઈક ને રમવાનો પૂરતો સમય ના મળ્યો હોય તો કોઈ બાળક રમતમાં મશગુલ હોય.. કોઈ આનંદથી તો કોઈ પરાણે -ટીચરની સમજાવટ પછી -પરાણે રડીને બધાં રમકડાં મૂકે.

કોઈ ઝડપથી જે તે રમકડાં જ્યાં ત્યાં નાંખે તો કોઈ વળી ચીવટથી બધ્ધું ગોઠવીને મૂકે..પણ ક્લીન અપ થઈ જાય અને પછી બીજી પ્રવૃત્તિનો પિરિયડ શરૂ થાય.

આ રોજનો ક્રમ છે.  દરરોજ આમ થતું આવ્યું છે. ઘટંડી  વાગે ને ક્લીન અપ ટાઈમ શરૂ થાય.
હવે આજે મારો વારો છે. મારે ક્લીન અપ કરવાનું છે. જીવનનો એક પિરિયડ પૂરો થયો છે.

હવે નવી પ્રવૃત્તિનો તબક્કો શરૂ થશે . પણ મારે હજુ રમવું છે, પેલા નાના બાળકની જેમ હું મારા આ કમ્ફર્ટ ઝોનમાં સલામતી અનુભવું છું . આ શહેર શિકાગો મને સદી ગયું છે. મારે પેલા બાળકની જેમ આ જ રમતમાં રમમાણ રહેવું છે. પેલા એક ચિત્તે મશગુલ થઈને રમતા બાળકની જેમ કાશ , કોઈ મને પણ સમજાવીને કહે: હવે બીજો પિરિયડ શરૂ થશે. You will be okey !“
અને મને વિચાર આવે છે.

ઢળતી સંધ્યાએ સંતાનો  માટે કે સંજોગવશાત, સ્થળાંતર  કરતાં કે જીવનના આ અણજાણ્યા તબક્કામાં સંક્રાંત  કરતાં , સૌ મિત્રોનો પણ આ ક્લીનઅપ ટાઈમ છે. કોઈ નિવૃત્ત થઇ ગામડેથી શહેરમાં આવે છે, કોઈ દેશ છોડી પરદેશ આવે છે, શરીર પણ હવે પહેલાં જેવું નથી જ રહ્યું . એટલે હવે જ સાચો સફાઈ કરવાનો સમય આવ્યો છે!

કેટ કેટલો સામાન આ મનના માળિયામાં ખડક્યો છે. છોડીશું નહીં કાંઈ , પછી નવું , તાજું ક્યાં મુકીશું ? પેલા બાળકને તો ટીચરે સમજાવી પટાવી મનાવી લીધું . પણ પુખ્ત વયના સિનિયરોને કોણ સમજાવશે ,શીખવાડશે ?

જીવનનો આ ક્રમ છે. એક પિરિયડ પૂરો થાય પછી બીજો પિરિયડ આવે. તમે એને ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ  કહો કે સિનિયર લિવિંગ કહો! હવે ક્લીન અપ ટાઈમ આવ્યો છે અને એને અનુસરવાનું છે.
મધ્યાને તપતો સૂર્ય સંધ્યા  ટાણે કોમળ ,સૌમ્ય બને છે. અને તેથી તે અધિક સુંદર લાગે છે .જેના પ્રખર તાપથી બપોરે બળતી ધરતી ,હવે સૂર્યના સોનરી કિરણે અલૌકિક મધુર લાગે છે.જે ધગતાં , લૂ ઝરતા સૂરજ પર નજર નાંખવાની કોઈની તાકાત નહોતી , હવે એજ સૂરજના – સૂર્યાસ્તના – દ્રશ્યો જોતાં લોકો ધરાતાં નથી.
અરે એવું તે હોય?
હા , સૂર્યને ગમે કે ના ગમે, પણ એવુંયે થતું હોય છે.
એ એક વાસ્તવિકતા છે.
યૌવનનો ધમધમાટ , જુવાનીનો તરવરાટ એ તો મધ્યાનના સૂર્ય સાથે ગયો. હવે તો છે સૌમ્ય સલૂણો સંધ્યાનો  પિરિયડ.

સમય શીખવાડે તે પહેલાં હું એ શીખી જાઉં તો ? હા , એવું કેમ ના બને ? ધીમે ધીમે હું એ ઘર, એ ગલી , એ ગામ શિકાગો ને અલવિદા કહું છું . લગભગ ચાર દાયકા બાદ ફરી એક વાર પૂર્વમાંથી પશ્ચિમમાં પ્રયાણ કરું છું..
એવું પણ હોય !

13 thoughts on “15- આવું કેમ? જૂનું ઘર ખાલી કરતાં-

 1. બહુ જ ભાવસભર, લાગણીઓથી તરબતર પણ ધરતી પર પાછો લાવતો લેખ. બહુ જ ગમ્યો.

  આ મનગમતા વિષય પર ઘણું બધું વિચાર્યું, લખ્યું, આચર્યું છે. એનું પુનરાવર્તન નથી કરવું – નહીં તો ફરીથી એ જ જૂના ઘરની બીબાંઢાળ મૂલાકાતો ફરીથી શરૂ થઈ જાય ! પણ મારા અંગત મિત્રો અને સંબંધીઓ નીચેની વાતને બહુ સારી રીતે જાણે છે – તે અહીં વાચકોની જાણ સારૂ…
  ————
  મારા સ્વ. મોટાભાઈ પિયૂષ ભાઈને જ્યારે મળવાનું થાય ત્યારે તે અચૂક ‘હેપી બર્થ ડે’ થી જ આવકારે. પહેલી વખત એમ કહેવાનું રહસ્ય પુછેલું .જવાબ મળ્યો –

  આજે સવારે જ જન્મ થયો હોય તેવી નિર્દોષતા, કુતૂહલ અને હર ક્ષણ જીવવાનો ઉન્માદ હો. અને રાત્રે આ દિવસનું અને તમારું મૃત્યુ થયું હોય તેમ શબની જેમ સૂઈ જાઓ. રોજ નવેસરથી એકડો ! રોજ નવું નક્કોર ઘર.
  જીવન જીવવાની આ રીત કોઈ પણ ઉંમરે પ્રસ્તૂત છે – મંગલકારી છે. યુવાન ઉંમરથી તો ખાસ.

  Liked by 2 people

  • ગીતાબેન સુંદર લેખ સ્પર્શી ગયો …સાથે જાની સાહેબનો એક ઉત્તમ જવાબ અર્થાત વિચાર .મારી તો સવાર સુધારી ગઈ

   Liked by 1 person

  • Thanks , Sureshbhai ! Of course , we remember your articles on home ! Our house’s new occupant is just the way you have described Ici your article : young couple with young kids..
   Thanks .

   Like

 2. ગીતાબેન,
  ભાવનાત્મક લેખ હ્રદયને સ્પર્ષી ગયો. આપણી ઉંમરે પહોચેલા દરેકના જીવનમાં આ ઘટના ઘટેલી હોય છે. તમે દરેકના જીવનમાં ઘટેલ આ ઘટનાની યાદ તાજી કરાવી દીધી. નવા ઘરમાં જવાનુ હોય ત્યારે જુનુ ઘર ખાલી કરતાં સંસ્મરણો આપણને જકડી રાખે છે.

  Liked by 1 person

 3. ગીતબેન,
  આજના તમારા લેખે તો કંઇ કેટલીય સ્મૃતિઓ સળવળી.
  ઘર એ માત્ર ઘર જ ક્યાં હોય છે? એમાં તો તમે કહ્યું એમ કેટલાય માંગલિક પ્રસંગોની ઉજવણી થઈ હોય. નવચેતનાઓ જન્મી હોય. ઘણું બધું ફર્સ્ટ ટાઇમ થયું હોય. એ બધી યાદો ઊભાભટ મુકીને આગળ વધવાની વાત જરા અઘરી તો લાગે જ છે. મન મનાવવું પડે છે.ઘણું બધુ સમેટવું ય પડે છે….
  પેલા પ્રી. કે માં ભણતા છોકરાઓની જેમ ક્લિન અપ ટાઇમ માટે કેટલીય માનસિક તૈયારી ય કરવી તો પડે જ છે.

  ખુબ સરસ અને ભાવવાહી લેખ…

  Liked by 1 person

  • Thank you , Tarultaben !લગભગ ચાર દાયકા પૂર્વેઈન્ડિયાથી અમેરિકા આવ્યાં ને હવે ફરીથી નવી જગ્યાએ ( કેલિફોર્નિયા )નવાં મિત્રો નવું સર્કલ ઉભું કરવાનું એટલે અસમનજશ જેવી દ્વિધા છે ત્યારે તમારી શુભેચ્છાઓ માટે આભાર

   Like

 4. ગીતાબેન , તમારો ભાવ સભર લેખ બધા ને ગમ્યો કારણ દરેક જણ ને આ પરિસ્થિતિ માથી જીવનમાં ક્યારેક ને
  ક્યારેક પસાર થવું જ પડયું છે.તમે અનુભવેલ લાગણીઓ દરેકે અનુભવી છે!!
  કાલે ખેલતાં ,કૂદતાં તા જે ભૂમિ માં ,કરતા હતા કિલ્લોલ -તેને છોડવાનું અઘરું છે,પણ સમય સાથે ચાલતા
  રહેવાનું નામ જ જિંદગી છે.

  Liked by 1 person

  • Jigishaben ! You are right :સમય સાથે ચાલતા
   રહેવાનું નામ જ જિંદગી છે.! You said it correct . Thanks !

   Like

 5. ગીતાબેન,સાચું કહું? વાંચનાર દરેકના હૃદયના દ્વાર તમે ખખડાવ્યા! તામાંરી લાગણીઓએ મારી લાગણીઓને ઝંઝોળી! સંધ્યા સમયે છોડતા શીખવું સરળ નથી.હા,બોલવું સહેલું છે.અમે.માં બાળકો પાસેથી ક્લીન અપ કરતા શીખવું જરૂરી છે.પુરાણી યાદોને છોડવી સહેલી નથી.હવાના રજકણો પણ શ્વાસ અને મન સાથે વાતો કરતા થઇ ગયા હોય છે.પરંતુ મનને મનાવવુંજ રહ્યું. માફ કરજો પણ મૃત્યુ સમયે મારે અને દરેકે આ કાચી માટીના ઘરને છોડવા પણ તૈયાર રહેવું પડશેને???

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.