૧૬ – શબ્દના સથવારે – પતંગ – કલ્પના રઘુ

પતંગ

સમગ્ર વિશ્વના નભમંદિરમાં સૂર્યનારાયણનો ઉદય થતાંજ છપ્પન ભોગનો રંગીન અન્નકૂટ એટલે ૧૪ જાન્યુઆરી ઉત્તરાયણમાં ચઢાવાતા પતંગ. પતંગને અંગ્રેજીમાં કાઇટ કહે છે. પતંગનો ઇતિહાસ ઇસુ પૂર્વેનો છે. તેની શોધ અંગે મતમતાંતરો છે. ચીનમાં એક ખેડૂતે સૌ પ્રથમ પતંગની શોધ કરી હતી. ભારતમાં ‘પતંગ’ નામનો સર્વપ્રથમ ઉલ્લેખ મંઝન નામના કવિએ પોતાની કવિતા ‘મધુમાલતી’માં કર્યો હતો. તેમણે પતંગને પ્રેમી અને પ્રેમિકાના સંદેશ એકબીજા સુધી પહોંચાડવાનું એક કાલ્પનિક વાહન કહ્યું હતું. ત્યારથી ‘પતંગ’ નામ પ્રચલિત થઇ ગયું છે. એકનાથ અને તુકારામે પોતાનાં શ્લોકોમાં પતંગનો ઉલ્લેખ ‘વાવડી’ નામથી કર્યો હતો. પ્રાચીન ગ્રંથોમાં પતંગનો ઉલ્લેખ જોવા મળે છે. મોગલ કાળમાં પતંગનો શોખ વ્યાપક હતો માટેજ પતંગના ધંધામાં મુસ્લીમ કારીગરોનું વર્ચસ્વ જોવા મળે છે.

રંગબેરંગી કાગળ પરની નાની અમથી શોધ યુગોથી માણસ ઉડાવી રહ્યો છે. હવામાં ઉડતી, લહેરાતી, લપટાતી, ગુલાંટો મારતી, શણગારેલી પતંગો લોકોનાં મન હરી લે છે.

Patang 75576669d80e5c89201d493f2adcc206--indian-festivals-kite-flying ફૂદી, ચીલ, પાવલો, ચાંદેદાર, આંખેદાર, પટ્ટેદાર, ઝાજ, ઢાલ તેમજ અવનવા મેસેજથી સજ્જ અને રંગીન, વિવિધ આકાર અને કદવાળા તેમજ જાણીતી વ્યક્તિઓની તસ્વીરવાળા પતંગોથી આકાશ ધમધમી ઉઠે છે. તેની ઉડાન માટે કેટકેટલી એસેસરીસથી માનવે સજ્જ થવું પડે છે? દોરી, ફીરકી, ટોટી, ગોગલ્સ, કેપ, માસ્ક, પીપૂડા, મ્યુઝીક, બાઇનોક્યુલર, કેમેરા, તુક્કલ, કેન્ડલ, ફટાકડા, બોર, તલસાંકળી, જામફળ, ખીચડો, ઉંધિયુ વિગેરે. કિન્ના બંધાય, ઢઢ્ઢો મરડાય અને દોરી સાથે ગઠબંધન કરીને પતંગની સવારી નિકળે. પતંગ ઘવાય તો ભાત, ગુંદર, ટેપ હાજર હોય છે. વૃધ્ધો પણ મદદે આવે. શેરીઓ સડકો સૂમસામ અને ધાબા ધમધમતા. કાઇપો, લપેટની બૂમો સંભળાય. આબાલવૃધ્ધ તમામને સૂર્યની હાજરીમાં હોલબોડી એક્સરસાઇઝ કરાવવાની ક્ષમતા નાનાશા પતંગમાં હોય છે. રાત્રે તેની સાથે નાના દિવડાથી શોભતી તુક્કલો અને ફટાકડાનાં પ્રકાશથી ટમટમતા તારલા સંગે નભમંદિરમાં જાણે આરતી ના થતી હોય તેવું દ્રશ્ય ભાસે છે!

પતંગ ચગાવવો એ પણ એક કળા છે. પતંગોત્સવ, સ્વસ્થ પ્રતિસ્પર્ધાની ઉર્જાનો સંચાર કરે છે. માધ માસે સૂર્યદેવનાં ઉત્તરમાં આયનથી ભારતવર્ષમાં પ્રકાશની વૃધ્ધિના પ્રતિક પર્વ મકરસંક્રાન્તીથી સૌનું જીવન પ્રકાશમય બને તેવી શુભેચ્છા અંતર્ગત પતંગ પ્રતિવર્ષ ઉડાડવામાં આવે છે. પતંગોત્સવ ગુજરાતની વિશિષ્ટ ઓળખ છે માટે તે રાષ્ટ્રીય પર્વ તરીકે જાહેર થયો છે. અમદાવાદમાં ૨૯મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાયો જેને લીધે સમગ્ર વિશ્વમાં ગુજરાત, પ્રવાસીઓ માટે ધ્યાનાકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આમ નાની અમથી કાગળની કાયા ધરાવતા પતંગનો રૂઆબ તો જુઓ! ધરાથી ગગન સુધી ઉડીને સમગ્ર વિશ્વમાં માનવમનનો કંટ્રોલ કરે છે. પતંગને માનવીના મન સાથે સરખાવી શકાય. ‘ચલી ચલી રે પતંગ મેરી ચલી રે, ચલી બાદલો કે પાર, હોકે ડોર પે સવાર, સારી દુનિયા યે દેખ દેખ જલી રે’ આ ફીલ્મી ગીત પતંગ વિષે ઘણુ બધુ કહી જાય છે. જો આ પતંગ તેની કાયા નાશ પામીને ગાર્બેજ થવાની છે તેમ માનીને દુકાનમાં પડી રહેશે તો? ના, એને એના સપનાઓને આંબવા ચગવું પડશે. ઉપર હશે ત્યાં સુધીજ લોકો વાહ વાહ કરશે તે સ્વીકારીને અક્ડાઇ રાખ્યા વગર બીજાના ઠમકે ઢીલ સાથે ગોથા ખાઇને નમ્ર બનીને અસ્તિત્વ જાળવવું પડશે. ગળાકાપ હરીફાઇમાં બીજાને કાપવા પડશે. ગતિમાન રહેતાં બીજાને ઇર્ષા થશે તો પણ પોતાની મસ્તીમાં ઉડવું પડશે. સમૂહમાં રહીને એકજ દિશામાં પવનની સામે ના થવું અને પ્રવાહમાં તણાવવું એ શાણપણ પતંગ શીખવે છે. તે હવાની રૂખને સમજીને સંજોગો સામે લડે છે. ઉમ્મીદોનાં દોરાથી બંધાઇને આગળ વધે છે. ભૂતકાળ ભૂલી જઇને ઉર્ધ્વગતિનો સંદેશ પતંગ આપે છે. આજની પેઢીને પતંગ ખાસ સંદેશ આપે છે કે સંસ્કૃતિ, સંસ્કાર અને જડ સાથે બંધાયેલો માનવ, જીતી અને જીવી જાણશે પરંતુ જો તે પોતાની જડને છોડી દેશે તો તે પતંગની જેમ કપાઇ જશે.

કોઇએ લખ્યું છે, ‘પક્ષીનાં નામે પતંગ બંધ કરીને આ બાળકોનો આનંદ હણનારા, પેલાં જીવતાં કુકડાનું શાક બંધ કરાવો! કારણકે ઉત્સવ ટકશે તોજ સંસ્કૃતિ ટકશે’. આ વખતે પક્ષીઓના વિચરણ સમયે પતંગ ઉડાડવા પર અને ચાઇનીસ દોરી પર પ્રતિબંધ હતો જે આવકાર્ય છે. બાકી તો પ્રેમીઓના દિલ ઉડતા પતંગને જોઇને ચોક્કસ ગાઇ ઉઠે છે, ‘ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, દિલકી પતંગ દેખો ઉડી ઉડી જાય’.

6 thoughts on “૧૬ – શબ્દના સથવારે – પતંગ – કલ્પના રઘુ

 1. કલ્પનાબેન “ઊર્ધ્વગતિ નો ઉત્સવ-શુભ ભાવનામાં” થોડી વાત પતંગ વિષે વાત લખી હતી .કદાચ તમારી જેટલું સરસ લખી શકી નથી .તમે વાંચી નથી એટલે સારું છે …ખુબ સરસ …શબ્દોને ઉજાળો છો ..

  Like

 2. કલ્પના એટલે મનની પતંગ. અહીં તો કલ્પના જ પતંગ ઉડાડે છે, પછી પતંગ આકાશમાં ખૂબ જ ઊંચે જાય એમાં શી નવાઈ?

  Like

 3. સમગ્ર વિશ્વના નભમંદિરમાં સૂર્યનારાયણનો ઉદય થતાંજ છપ્પન ભોગનો રંગીન અન્નકૂટ એટલે ઉત્તરાયણમાં ચઢાવાતા પતંગ અને રાત્રે તેની સાથે નાના દિવડાથી શોભતી તુક્કલો અને ફટાકડાનાં પ્રકાશથી ટમટમતા તારલા સંગે નભમંદિરમાં જાણે આરતી ના થતી હોય તેવું દ્રશ્ય ભાસે છે!

  વાહ ! કલ્પનાબેન તમારી કલ્પના માટે…

  ખુબ સુંદર શબ્દોમાં પતંગ અને ઉત્તરાયણને શણગાર્યા છે અને એથી ય વધીને પતંગને સંસ્કૃતિ, સંસ્કાર અને જડ સાથે જોડીને માનવ જીવન માટે પણ ખુબ સરસ સંદેશ મુક્યો છે.

  Liked by 1 person

 4. એક પતંગ કાવ્ય …
  ઢઢ્ઢો જો ટટ્ટાર, ઊભો રે’,
  ફસક્યો તો તે પણ ફસકે છે,
  છે કમાન તો પહોળી છાતી,
  ને છટકી તો નહીં કોઇનો,

  જાતજાતના રંગ રૂપ છે,
  નાના મોટા કંઇ માપ છે.
  કોઇ પાવલો, કોઇ અડધીયો
  પટાદાર વળી આંખેદાર છે,

  કોઇ ઘેંસીયો, કોઇ ફૂદડીયો
  કોઇ ઝીલ, કોઇ મંગેદાર છે.
  હોય મોટો એ ભડભાદર તો,
  કંઇ ટુક્કલને સ્હેલ દેત છે.

  કન્ના બાંધો તો જ કાબુમાં,
  નહીં દોર તો વહે લ્હેરમાં
  ગીન્નાયો તો વજન માંગતો,
  ઘવાય તો પટ્ટા માગે છે.

  પવન પડે તો આવે પાછો,
  ઠમકા મારે રહે હવામાં,
  બીન હવામાં ગોથ મારતો,
  પવન ભરાય તો ફાટી જાય છે.

  ઢીલે પેચ લે, વળી ખેંચીને,
  શત્રુને તે મા’ત કરે છે.
  કદી પેચમાં કપાઇ જાતો
  સમીર સાથ તે વહી જાય છે.

  કહી વારતા ચતુર સુજાણ સૌ !
  પતંગની કે મારી તમારી ?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.