૧૨ – શબ્દના સથવારે – સૂપડું – કલ્પના રઘુ

સૂપડું

‘સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો’ આ ગરબાના શબ્દો સાંભળતા લાગે કે સૂપડા જેવી ચીજ આટલી કિમતી કેવી રીતે હોઇ શકે? સૂપડું સદીઓથી વપરાશમાં છે અને તેના અનેક ઉપયોગો છે. સૂપડું, અનાજ ઝાટકવાનું સાધન છે. ‘સૂપડે આવવું’ એટલે ઋતુમાં આવવું. તેનો બીજો અર્થ, પહેલે આણે સાસરે આવવું. ‘સૂપડેને ટોપલે’ એટલેકે અતિશય, પુષ્કળ. જ્યારે મૂશળધારથી પણ વધુ વરસાદ પડતો હોય ત્યારે ઘરના છાપરા પરથી જાણે ‘સૂપડા’માંથી પાણી પડતુ હોય તેવું લાગે છે, તેને સૂપડાધાર વરસાદ કહે છે. નાના સૂપડાને સૂપડી કહેવાય, જે કચરો ભરવામાં વપરાય છે. અંગેજીમાં સૂપડાને ડસ્ટપેન કહેવાય છે.

પહેલાના વખતમાં રોજીંદા વ્યવહારમાં સૂપડાને વપરાશમાં લેવાતું. સૂપડું ચલાવવું એટલે ઝાટકવું. ઝાટકવું એ એક આવડત છે. તેમાં એકધારો અવાજ થાય છે. કોઠાર અને સંસાર સ્ત્રીનું જીવન હતું. આ શારીરિક એક્ટીવીટી હતી. સૂપડામાં અનાજ સાફ થતું. કાંકરા, ફોતરા, વજનમાં હલકી, નકામી ચીજો અલગ થઇને બહાર ફેંકાતી. ખાવા લાયક ધાન્ય કોઠાર ભેગુ થતુ.

એક માહિતિ અનુસાર ગુજરાતમાં સદીઓથી સૂપડું બનાવવાનો જ્ઞાતિ આધારિત વ્યવસાય, દેશને સ્વચ્છ અને તંદુરસ્ત રાખનાર વાલ્મીકી સમાજ કરે છે. વાલ્મીકી પરીવારો આજે પણ સૂપડા બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે. સૂપડા પર ચામડુ મઢવાનું કામ રોહિત પરીવારો કરે છે. સૂપડું આમ તો વાંસનું બને છે. વાંસની સળીઓ ગોઠવી, ચામડામાં મઢી દેવાય ત્યારે સૂપડું તૈયાર થાય. ઘણી વાર માટી કે કાગળથી લીંપીને બનાવાય તેથી તેનું આયુષ્ય વધે. કાગળ પલાળાય, એમાં મેથી કે કચુકાનો લોટ ઉમેરાય, કુટાય, એ માવાથી સૂપડા લીંપાય. આજે તો મેટલ તેમજ પ્લાસ્ટીકનાં સૂપડા બજારમાં મળે છે. કોળી સ્ત્રી-પુરુષો હાથમાં સૂપડા લઇને નૃત્ય કરે છે.

અનાજ સાફ કરવું તે સૂપડાનો સ્થૂળ અર્થ છે. સૂપડું નિઃસ્પૃહતા શીખવે છે. તેનો સુક્ષ્મ અર્થ એટલે કે સમાજમાં ફોતરા સ્વરૂપ મોહ, વાસના, અહંકાર જેવા દુષણોથી સ્ત્રી-પુરુષે મુક્ત થવું તે. સૂપડું સ્વભાવે સારગ્રહી છે. સાર ગ્રહણ કરવાનું સૂપડા પાસેથી શીખવાનું છે.

પદ્મપુરાણમાં મહર્ષિ વ્યાસે ગણેશજીને શૂર્પકર્ણ કહ્યાં છે. શૂર્પ એટલે સૂપડું. ગણેશજીનાં બાર પ્રચલિત નામમાં ચોથુ નામ ગજકર્ણક છે. હાથીનાં કાન લાંબા હોય છે. લંબકર્ણ સૂપડાવાળા સાંભળે બધુંજ, ગ્રહણ ખપ પુરતુ કરે. શ્રેષ્ઠ તત્વને સઘળેથી સ્વીકારી, મલિનતા, વ્યર્થ તત્વને દૂર કરી બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ ફેંકે. આ વસ્તુ સૂચવે છે સમાજમાં અગ્રણીના સ્થાન ગણપતિ જેવા હોવા જોઇએ. જે વાતો ભલે ઘણી બધી સાંભળે પણ એમાંથી સારૂં એવી રીતે અપનાવી લે, જે રીતે સૂપડામાં અનાજ બચી જાય છે અને કચરો ઉડી જાય છે. કોઇએ કહ્યું છે, ‘સાધુ ઐસા ચાહિએ, જૈસા સૂપ સુહાય’. સાધુ સૂપડા જેવો, સારાસાર સમજીને નિઃસત્વ હોય એને છોડી દે, તેવો હોવો જોઇએ.

શીતળામાતાનાં વ્રતની વાર્તામાં સૂપડાનાં પૂજનને મહત્વ આપ્યું છે કારણકે કુટુંબ, સમાજમાં શુધ્ધતા, પવિત્રતા જળવાય અને નિરોગી આયુષ્ય સમાજને મળે એ ભાવનાથી આ વ્રત કરવામાં આવે છે. સગર્ભા સ્ત્રીનો ખોળો ભરવામાં આવે ત્યારે ગર્ભમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી સૂપડાથી ખોળો ભરવામાં આવે છે અને સૂપડામાં મૂકવામાં આવતી તમામ વસ્તુઓનો ગર્ભિત અર્થ હોય છે. કૃષ્ણ ભગવાનનો જન્મ થતાં સૂપડામાં માથે મૂકીને વસુદેવ, તેમને નંદ ઘેર લઇ જાય છે માટે કહેવાય છે, સૂપડામાં તેજ લઇ જાઓ, મારગ આપોઆપ થઇ જશે. ‘સૂપડામાં સૂવાડ્યાં મારા કા’ન’ જેવી લોકગીતની પંક્તિ જાણીતી છે. કેટલાંક સમાજમાં સૂપડામાં લગ્ન કરાવવાનો રિવાજ છે. બાળ લગ્ન વખતે, બાળકને સૂપડામાં બેસાડીને પરણાવાય છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ સૂપડા જેવો પ્લોટ, આગળથી પહોળો અને પાછળથી સાંકડો હોય તો લક્ષ્મી જતી રહે અને આગળથી સાંકડો અને પાછળથી પહોળો હોય તો લક્ષ્મી ટકી રહે તેનું ધ્યાન રખાય છે.

સૂપડું, એક ગહન વાત સમજાવે છે. જેમ સૂપડાને ઝાટકવાથી કચરો, નકામી વસ્તુઓ દૂર થાય છે તેમ, માનવ શરીરનું છે. સંત કહી ગયા છે કે શરીરને પણ ઝાટકો. જન્મોજનમની જમા થયેલી ગ્રંથિઓને તોડીને નકારાત્મકતા રૂપી કચરો બહાર કાઢવા માટે રોજ શરીરને ઝાટકો, ચાલો, નાચો, કસરત કરો. આમ શરીરની સફાઇ કરો તો પાંચેય શરીર જાગ્રત રહેશે અને મન ગાઇ ઉઠશે … ‘સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો’.

10 thoughts on “૧૨ – શબ્દના સથવારે – સૂપડું – કલ્પના રઘુ

 1. કલ્પનાબેન!સૂપડા વિષે સરસ સઁશોધનાત્મક લેખ લખ્યો છે! આમાંની ઘણી વાતોની જરાયે ખબર નહોતી ! સાચવી રાખીને ફરી વાંચી જીજ્ઞાશા ઉત્તપન્ન કરે તેવો લેખ!

  Like

 2. साधु ऐसा चाहिए जैसा सूप सुभाय।
  सार-सार को गहि रहै थोथा देई उडाय॥
  (संत कबीरदासजी)

  Like

 3. વાહ કલ્પનાબેન !
  સૂપડુ એક- સાર અનેક..
  જે સાર ગ્રહે અને અસારને ફોતરે ઉડાડે એ જ સાચો સંત. સંત તો બનવું નસીબમાં ઉદય લખ્યો હોય તો શક્ય બને પણ સારા અને સાચા સંસારીની રીતે પણ સૂપડાવૃત્તિ અપનાવી શકીએ તો સુખી રહીએ.
  વાલ્મીકી અને રોહીત પરિવાર વિશે પણ આજે જ જાણ્યું.

  Like

 4. અનાજ સાફ કરવું તે સૂપડાનો સ્થૂળ અર્થ છે. સૂપડું નિઃસ્પૃહતા શીખવે છે. તેનો સુક્ષ્મ અર્થ એટલે કે સમાજમાં ફોતરા સ્વરૂપ મોહ, વાસના, અહંકાર જેવા દુષણોથી સ્ત્રી-પુરુષે મુક્ત થવું તે. સૂપડું સ્વભાવે સારગ્રહી છે. સાર ગ્રહણ કરવાનું સૂપડા પાસેથી શીખવાનું છે.ખુબ સરસ અવલોકન ,…..સ્થૂળ વસ્તુ નો આધ્યાત્મિક વિચાર ગમ્યું। નાની નાની વસ્તુ કેવી પ્રેરણા આપે છે

  Like

 5. સૂપડું સ્વભાવે સારગ્રાહી છે. સારગ્રહણ કરી લેવાનું સૂપડા પાસેથી શીખવા જેવું છે. એ સારું સારું સ્વીકારવા અને નિકૃષ્ટને અલગ તારવી આપવાનું કામ કરે છે. સૂપડું સ્વભાવે સારગ્રાહી હોવાનું કારણ એની પહોળાઈ છે. એ લંબકર્ણ હાથી જેવું પહોળું હોય છે. લંબકર્ણવાળા સાંભળે બધું જ, ગ્રહણ ખપ પૂરતું જ કરતા હોય છે. સૂપડાંનું પણ એવું જ. એના ઉદરમાં બધું જ આવે એ પણ નિસ્પૃહભાવે સારાસારનો વિવેક કરી આપી વળી પાછું તટસ્થ થઈ જતું હોય છે. આપણા કોઈ સંતે તો કહ્યું જ છે કે ‘સાધુ ઐસા ચાહિએ જૈસા સૂપ સુહાય’ સાધુ સૂપડા જેવો – સારાસાર ગ્રહણ કરી લે અને નિ:સત્વ હોય એને છોડી દે. આમ, સૂપડું એ નિ:સ્પૃહભાવ ધરાવે છે.સુવિધાઓ

  ભગીરથ બ્રહ્મભટ્ટ

  Like

 6. કલ્પનાબેન,
  સુંદર લેખ છે. તમારુ અવલોકન અને માહિતી સાથે એક વાક્ય ઉમેરુ, એમ કહેવાય છે છેકરીથી પીયેરમાંથી સુપડુ સાસરે ક્યારેય ન લઈ જવાય, એવું મેં જુના સમયમાં સાભળ્યું હતું. આજના સમયમાં સુપડુ અદ્રષ્ય થઈ ગયું છે, બધાજ કામ માટે મશીનરી આવી ગઈ, બધું જ રેડીમેડ મળતું થઈ ગયું માટે તેની જરૂરત રહી નથી. છતાં પણ આપણા સમયમાં જોએલી વસ્તુનુ આલેખન થાય ત્યારે વાંચવું અવશ્ય ગમે, જુની યાદો તાજી થાય છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.