અવલોકન-૮ -બારીમાંથી પવન –-

     જેને આપણે જોઈ શકતા નથી – માત્ર અનુભવી શકીએ છીએ – એની ઉપર અવલોકન હોય?

      હા , હોય !

      અમારા ઘરના દિવાનખંડના સોફા ઉપર હું બાજુના ટેકાને અઢેલીને બેઠો છું,  અને સોફાની પાછળ આવેલી બારીમાંથી બહારની દુનિયાનું અવલોકન કરું છું. બારીને અડીને એક નાનો છોડ છે. પાંચ છ ફુટ દુર એક વૃક્ષ છે. પછી રસ્તો છે અને રસ્તાની સામેની બાજુએ મકાનો છે. સામેના બે મકાનોની વચ્ચે વળી એક બીજું, મોટું વૃક્ષ છે. આ ત્રણેનાં પાન અને ડાળીઓ સતત હાલી રહ્યાં છે. રસ્તા ઉપર કો’ક રડ્યું ખડ્યું સુક્કું સટ્ટ  પાંદડું આમતેમ ભટકી રહ્યું છે.

      આ બધી સતત ચાલતી રહેલી ગતિ, પવનની હયાતિની સાક્ષી પૂરે છે. આ સઘળાં ન હોત તો? મનને એમ જ થાત કે હવા પડેલી છે;  પવન છે જ નહીં. બધું સ્થિર  હોવાને કારણે હવાની જીવંતતા અનુભવાત નહીં.

       સામેનાં બધાં ઘરોની બધી બારીઓ બંધ છે. માત્ર જડ મકાનો જ દેખાય છે. કોઈ ગતિ, કોઈ ધબકતું જીવન હું જોઈ શકતો નથી. પણ મકાનની અંદર? કેટકેટલાં જીવન ધબકતાં હશે?

      અરે! આ સ્થિર  હવા જ જુઓને? એ પોતે જ દેખાતી નથી; તો તેમાં તરતાં, ઊડતાં બેક્ટેરીયા કે વાઈરસ તો ક્યાંથી દેખાય? પણ ક્યાંથી ઘડીના છઠ્ઠા ભાગમાં શરદી  આપણા નાકમાં પેંસી જાય છે? એક છીંક આવી અને આપણા રજિસ્ટરમાં  એમની હાજરી પૂરાઈ ગઈ !

      આપણે કોઈ વસ્તુને જોઈએ, સાંભળીએ, સ્પર્શીએ, ચાખીએ, ત્યારે એના હોવાપણાની આપણને અનુભૂતિ થતી હોય છે.   પણ …..

     કોક ચીજની કશીય અનુભૂતિ  ન થતી હોય, તેથી એમ થોડું જ કહેવાય કે, કશાયનું હોવાપણું છે જ નહીં?

     આવી જ એક નજર કોઈક  અજાણી હસ્તી વિશે …  નીચેના ચિત્ર પર ક્લિક કરો

rw

બીજી એક આવી જ સવારે…

    સવારનો પહોર છે. બારીમાંથી સ્કૂલ બસ આવવાની રાહ હું જોઈ રહ્યો છું. દીકરીના દીકરાને ચઢાવવાનો છે. થોડીક વારમાં બસ આવી જશે; અને હું મારા કામે લાગીશ.  સામે એ જ બંધ મકાનો, એ જ ટપાલપેટીઓ, એ જ નિર્ધૂમ ચિમનીઓ છે. એમાં રહેનારાં એનાં એ જ માણસો છે. એ જ વૃક્ષો, એ જ ઘાસ, એ જ નિર્જન રસ્તો છે. કદીક રડી ખડી કો’ક કાર કે વાન આવીને જતી રહે છે. પણ એય રોજની જેમ જ. પવનમાં આમતેમ અફળાતાં પાંદડાં છે. કાલે પણ એમ જ થતું હતું.

કશું જ બદલાયું નથી.
બધું જેમનું તેમ છે.
કે પછી…

ખરેખર એમ છે?

      મકાનો એક દિવસ જૂનાં થયાં છે. એમ જ એમાં રહેનાર પણ. ક્યાંક મને ખબર ન હોય છતાં કોઈક નવજાત બાળક મીઠી નિંદર માણી રહ્યું છે;  જે થોડાક દિવસ પહેલાં, એની માના પેટમાં  ઊંધા મસ્તકે અવતરવા માટે તૈયાર લટકી રહેલું હતું. મકાનોની ઉપર એક નજીવું, ન દેખાય તેવું આવરણ ઉમેરાયું છે; જે દસ પંદર વર્ષે મકાનો દસ વર્ષ જૂનાં થયાંની ચાડી પોકારવાનું છે.

       એનાં એ જ લાગતાં ઝાડ પર અનેક નવાં પાંદડાં ઉમેરાયાં છે; કોઈક સૂકાયેલી ડાળી જમીન દોસ્ત થઈ નીચે પડી ગઈ છે. ઘાસનો વિસ્તાર અને ઊંચાઈ ચપટીક વધ્યાં છે. રસ્તો કાલ કરતાં સહેજ વધુ ઘસાઈને લિસ્સો થયો છે; અથવા સૂર્યના તાપે, એક ન દેખાય તેવી તરડ કોરાઈને થોડીક વધારે ઊંડી બની છે. થોડાંક વર્ષ પછી ત્યાં મોટી ફાટ પડી જવાની શક્યતા આકાર લઈ રહી છે !

     પસાર થઈ ગયેલી કાર કદાચ કાલવાળી કાર ન હતી. એ કદાચ બીજા કો’કની હતી! કાલે અફળાતાં હતાં, તે પાંદડાં અલબત્ત કચરાપેટીમાં કે દૂરની ઝાડીઓમાં ક્યાંના ક્યાંય ફેંકાઈ ગયાં છે. આજે દેખાય છે; તે ગઈકાલે વૃક્ષો પર વિલસતાં હતાં. થોડાક દિવસો પછી નવી કૂંપળો એ વૃક્ષો પર ફૂટવાની છે. આજે તેમનું કશું અસ્તિત્વ નથી.

      અરે! આ અવલોકનકાર પણ ક્યાં એનો એ છે? એના શરીરના અનેક કોષો મરણ પામ્યાં છે, અને નવાં જન્મી ચૂક્યાં છે. એના વિચાર, અભિગમ, મિજાજ કાલનાં જેવાં નથી. થોડાંક જ વર્ષ અને એની હસ્તી પણ નથી જ રહેવાની –  પાણીમાં આંગળી સરકે અને પાણી એમનું એમ ત્યાં હાજર થઈ;  આંગળીની હસ્તીને વિસારી દે – તેમ.

      એણે અવલોકન, અનાવલોકન, હાલોકન, પ્રશ્નાવલોકન, ગઝલાવલોકન, પ્રતિભાવ, અપ્રતિભાવના ભાવો વચ્ચે કેટકેટલાં ઝોલાં ખાધાં છે? 

    હજુ ન જાણે કેટલાં ઝોલાં ઈવડો ઈ ખાશે?

પરિવર્તન…
પરિવર્તન…
પરિવર્તન…
ન દેખાય તેવું પણ
અચૂક પરિવર્તન
હર પળ
હર સ્થળ. 

4 thoughts on “અવલોકન-૮ -બારીમાંથી પવન –-

 1. બારી
  દર દસ-વીસ વરસે બારીની ફ્લોર લેવલથી ઊંચાઈ બદલાતી રહે છે. ૧૯૪૪માં અમે મુંબઈના એક માળામાં ચોથે માળે રહેતા. એ જમાનામાં ઘરના ફરનીચરમાં ખુરસીઓનો સમાવેશ ખૂબ જ ઓછો હતો. અતિ શ્રીમંત લોકોના ઘરમાં ખુરસીઓ જોવા મળતી, બાકીના ઘરોમા ચટાઈ કે પાથરણું પાથરી લોકો જમીનપર બેસતા. એ જમાનામાં જમીન લેવલથી શરૂ થઈ, આઠ ફૂટ ઊંચી બારીઓ હતી, જે ચાર ચાર ફૂટના બે વિભાગોમા હતી. નીચેના ચાર ફૂટમા લોખંડના સળિયા અને શટર રહેતા, જ્યારે ઉપરના ચાર ફૂટમાં માત્ર શટર રહેતા. આનું કારણ એ હતું કે જ્યારે તમે બેઠા હો ત્યારે પણ તમને હવા મળે, અને બારી બહારનું દૃષ્ય પણ જોવા મળે. કોઈ નીચે પડી ન જાય એટલા માટે લોખંડના સળિયા હતા. ઉપર સળિયા ન નાખવાનું કારણ એ હતું કે નીચે પસાર થતા ફેરિયાને તમે રસ્સી બાંધેલી ટોકરી કે બાલદીમાં પૈસા મોકલો, તો તમે એ વસ્તુ નીચે ઊતર્યા વગર ઉપર મેળવી શકો!!
  ત્યારબાદ મધ્યમ વર્ગના ઘરોમા પણ ખુરસીઓ આવવા લાગી. નીચેની બારીની જરૂરિયાત મટી ગઈ. ઉપરની બારી થોડી નીચી કરી સાડાત્રણ ફૂટથી શરૂ કરાતી. ખુરસી પર બેઠેલા લોકોને હવા મળતી અને બહારના દૃષ્ય પણ જોવા મળતા. મોટી ઉમરના લોકોને ઊઠવા બેસવામા તકલીફ ઓછી થઈ ગઈ.
  હજી થોડો સમય પસાર થયો, ખુરસીનું સ્થાન સોફાએ લીધું. સોફાની ઊંચાઈ ખુરસી કરતાં ઓછી હતી. ફરી હવા અને વ્યુ ને ધ્યાનમા રાખી બારીને થોડી નીચે ઊતારવામા આવી. બારી ત્રણ ફૂટથી શરૂ થાય એ રીતનું આયોજન કરવામા આવ્યું.
  આ રીતે લોકોએ સમય સમયે જરૂરત પ્રમાણે બારીમા બદલાવ કર્યો. કાસ લોકોએ આવો બદલાવ પોતાના મનની બારીમા કર્યો હોત!!

  Like

 2. કોક ચીજની કશીય અનુભૂતિ ન થતી હોય, તેથી એમ થોડું જ કહેવાય કે,
  કશાયનું હોવાપણું છે જ નહીં?

  ઈશ્વરના હોવાપણાની અનુભૂતિ થાય કે ન થાય એનાથી
  ઈશ્વરનું હોવાપણું તો સ્વીકારીએ જ છીએ ને ?

  Like

 3. ખૂબ ઉંચી વાત કહી છે,સુરેશભાઈ.દાવડા સાહેબ અને રાજુલબેનની કોમેન્ટ પણ ઉંચી છે.માણવાની મજા આવી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.